ઈરાનના વિદેશ મંત્રીએ દેશમાં હજારો પ્રદર્શનકારીઓનાં મોત વિશે શું કહ્યું ? – ન્યૂઝ અપડેટ

ઈરાનના વિદેશ મંત્રી સૈય્યદ અબ્બાસ અરાગચીએ વિરોધપ્રદર્શનોમાં હજારો લોકોનાં મૃત્યુના દાવાને નકારી કાઢ્યો છે.

સૈય્યદે આ આવા દાવાને 'પુરાવા વગરના અને નિરાધાર' ગણાવ્યા હતા. સાથે જ સ્વીકાર્યુ હતું કે 'સેંકડો લોકોનાં મૃત્યુ' થયાં છે. ઈરાનના વિદેશ મંત્રીએ ટૂંક સમયમાં મરણાંકનો નક્કર આંકડો જાહેર કરવાની વાત કરી છે.

બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ અને માનવાધિકાર સંગઠનો બે હજારથી 20 હજારની વચ્ચે મરણાંક મૂકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે, "અમને જણાવવામાં આવ્યું છે કે ઈરાનમાં હત્યાઓ અટકી ગઈ છે. ફાંસી આપવાની કે આવી કોઈ યોજના નથી. એવી માહિતી મને વિશ્વસનીય સૂત્રો દ્વારા મળી છે."

ટ્રમ્પે બુધવારે આ નિવેદન કર્યું, એ પહેલાં મંગળવારે ચેતવણી આપતા કહ્યું હતું કે જો ઈરાન પ્રદર્શનકારીઓને ફાંસી આપવાની કાર્યવાહી કરશે, તો અમેરિકા તેની સામે "ખૂબ જ કડક કાર્યવાહી" કરશે.

અમેરિકાએ પાકિસ્તાન સહિત 75 દેશ સામે લીધો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

અમેરિકાએ 75 દેશના નાગરિકોની ઇમિગ્રેશન વિઝા અરજીઓને અનિશ્ચિતકાળ માટે મોકૂફ કરવાનો નિર્ણય લીધો છે.

ટ્રમ્પ સરકારનો આ આદેશ તા. 21 જાન્યુઆરીથી લાગુ થશે, જેના કારણે આ દેશોના નાગરિકો માટે અમેરિકામાં કાયદેસર રીતે પ્રવેશવાના રસ્તા મર્યાદિત થઈ જશે.

ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન સંદર્ભે કેટલાક કડક નિર્ણયો લીધા છે, જેમાં તાજેતરમાં લેવાયેલું આ મોટું પગલું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે સરકાર આ વ્યવસ્થાના "દુરુપયોગને ખતમ કરવા" માંગે છે.

આ સિવાય 19 દેશના ઇમિગ્રન્ટ્સની આશ્રયની અરજીઓ, નાગરિકતાની અરજીઓ તથા ગ્રીનકાર્ડની અરજીઓ પણ અટકાવી દેવામાં આવી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવકતા ટૉમી પિગૉટે કહ્યું, "વિદેશ મંત્રાલય પોતાના અધિકારોનો ઉપયોગ કરશે, જેથી કરીને અમેરિકાની ઉપર ભારણ બની શકે અને અમેરિકાની જનતાની ઉદારતાનું દોહન કરનારા સંભવિત પ્રવાસીઓને અયોગ્ય જાહેર કરી શકાશે."

આ યાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોમાં ઉષ્મા જોવા મળી રહી હતી, ત્યારે આ ટ્રમ્પ સરકારનું આ પગલું કૂટનીતિના નિષ્ણાતોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ, રશિયા, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, મ્યાનમાર, કોલંબિયા, ક્યૂબા, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, જૉર્ડન, લેબનોન, લિબિયા, સિરિયા, થાઇલૅન્ડ, સોમાલિયા સહિત 75 દેશોનો સમાવેશ થાય છે.

ગ્રીનલૅન્ડ અંગે અમેરિકા સાથે બેઠક બાદ ડેનમાર્કના વિદેશ મંત્રીએ કહી આ વાત

ડેન્માર્કના વિદેશ મંત્રી લાર્સ લોકો રાસમુસેનનું કહેવું છે કે ગ્રીનલૅન્ડ મુદ્દે અમેરિકા સાથે "મૂળભૂત રીતે અસહમતિ" છે.

બુધવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તથા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત બાદ તેમણે આ વાત કહી હતી. આ તકે ગ્રીનલૅન્ડનાં વિદેશ મંત્રી વિવિયન મૉત્ઝફેલ્ત્ઝ પણ હાજર હતાં.

આ બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો, છતાં રામુસેને કહ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તથા વિદેશ મંત્રી સાથેની "મોકળા મને" બેઠક થઈ અને "સર્જનાત્મક" રહી.

રાસમુસેને સાથે જ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલૅન્ડને "કબજામાં લેવાની વાત" ભારપૂર્વક કહી રહ્યા છે, "જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય" છે.

તેમણે કહ્યું, "અમે એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે તે ડેનમાર્કના હિતમાં નથી." અને કેટલીક "સીમાઓ" છે, જેને અમેરિકા ઓળંગી ન શકે.

ડેનમાર્ક, ગ્રીનલૅન્ડ અને અમેરિકા ચર્ચા કરવા માટે ઉચ્ચસ્તરીય વર્કિંગ ગ્રૂપ બનાવવા માટે સહમત થયા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે રશિયા અને ચીનની સામે સુરક્ષા મેળવવા માટે ગ્રિનલૅન્ડની "માલિકી" મેળવવી જરૂરી છે.

ખૂબ જ ઓછી વસતિ છતાં ઉત્તર અમેરિકા અને ઍટલાન્ટિકની વચ્ચે વ્યૂહાત્મક રીતે આવેલું હોવાથી ત્યાં જહાજો ઉપર નજર રાખી શકાય એમ છે અને મિસાઇલો વિશે આગોતરી માહિતી આપી શકે તેમ હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે.

ઉલ્લેખનીય છે કે ગ્રિનલૅન્ડનો વિસ્તાર 21 લાખ વર્ગ કિલોમીટર છે. તે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. ત્યાં લગભગ 57 હજાર લોકો રહે છે. તે ડેનમાર્કનો અર્ધસ્વાયત્ત વિસ્તાર છે.

આજે મહારાષ્ટ્રમાં મિનિ વિધાનસભા ઇલેક્શન

ગુરુવારે મહારાષ્ટ્રમાં મુંબઈ, નાસિક, પુણે, નાગપુર, નવી મુંબઈ, થાણે અને પીંપરી ચિંચવાડ સહિત 29 મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી યોજાઈ રહી છે.

સવારે સાડા સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલશે અને આવતીકાલે પરિણામો સાર્વજનિક થશે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, પુણે સિવાયની મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે અજિત પવારની એનસીપી મોટાભાગની કૉર્પોરેશનની ચૂંટણી અલગ લડી રહી છે.

પુણે અને પીંપરી ચિંચવાડમાં શરદ પવારની એનસીપી તથા એનસીપી સાથે મળીને ચૂંટણી લડી રહી છે. વર્ષ 2023માં અજિત પવાર એનસીપીથી અલગ થઈ ગયા હતા અને પોતાની પાર્ટી બનાવી હતી.

મુંબઈની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) એકસાથે આવ્યા છે. તેમણે મરાઠી માણુસનો મુદ્દો ઉઠાવ્યો છે. બીએમસીમાં છેલ્લે વર્ષ 2017માં ચૂંટણી યોજાઈ હતી. બજેટની દૃષ્ટિએ તે ભારતમાં ટોચ ઉપર છે.

નવેમ્બર-2024માં મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીની સરકાર રચાઈએ પછી સત્તારૂઢ યુતિની આ પહેલી અગ્નિપરીક્ષા હશે.

લદ્દાખમાં ખોમેનેઈનાં સમર્થનમાં દેખાવો

લદ્દાખના કારગીલમાં બુધવારે મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઊતર્યા હતા અને તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના સમર્થનમાં નારેબાજી કરી હતી.

કારગીલમાં મોટી સંખ્યામાં શિયા મુસલમાન રહે છે અને આ પ્રદર્શનોનું આયોજન ખામેનેઈ મૅમોરિયલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જે કારગીલની જામા મસ્જિદથી શરૂ થયા હતા.

સ્થાનિક પત્રકાર મોહમ્મદ ઇસાકે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો કારગીલના રસ્તા ઉપર ઊતર્યા હતા.

આ લોકોએ અમેરિકા તથા ઇઝરાયલના વિરોધમાં નારેબાજી કરી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પૂતળા સળગાવ્યા હતા.

પ્રદર્શનકારીઓના હાથમાં ઈરાનના સમર્થનમાં પોસ્ટર હતા.

મોહમ્મદ ઇસાકે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં રાખવા વ્યાપક પોલીસદળ તહેનાત કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર-2025ના છેલ્લા અઠવાડિયાથી ઈરાનમાં સત્તાવિરોધી દેખાવો ચાલી રહ્યા છે, જેમાં બે હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન