મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન, 'મરાઠી' ભાષા અને ઓળખ પ્રચારમાં છવાયેલા રહ્યા

    • લેેખક, મયુરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન છે. લગભગ નવ વર્ષ પછી આ ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લે 2017માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

મુંબઈ શહેર પર ગાઢ થતી જતી નાગરિક સમસ્યાઓના ઢગલા વચ્ચે, આ વર્ષે યોજાઈ રહેલી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુખ્ય પક્ષો જાણે કે એક જ ચર્ચા કરવામાં લીન રહ્યા. એ ચર્ચા હતી કે મુંબઈનો મેયર કોણ બનશે?

આ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર સ્પષ્ટપણે ધાર્મિક ઓળખ અને ભાષાકીય ઓળખ પર કેન્દ્રિત હતું. પ્રચારથી એ સ્પષ્ટ થયું કે બંને ઓળખ જાણે કે મુંબઈમાં તણાવપૂર્ણ પરિસ્થિતિમાં આવી ગઈ છે.

છેલ્લા કેટલાક દાયકામાં, ખાસ કરીને 90ના દાયકામાં 'મંડળ-કમંડળ'ના રાજકારણના ઉદય પછી દરેક ચૂંટણીમાં ધ્રુવીકરણ શબ્દ સામાન્ય થઈ ગયો છે. જેનો સામાન્ય અર્થ એવો થાય છે કે, કોઈપણ સંવેદનશીલ મુદ્દે બે ચરમસીમા સુધી મતદારોને ખેંચી જવા અને તેના પરિણામસ્વરૂપે કોઈ એક પક્ષને વધુ મતો મળવા.

સૌએ ચૂંટણીમાં ઓળખ અને જાતિ મુદ્દે ધ્રુવીકરણ જોયું છે. ક્યારેક ધર્મ, ક્યારેક જાતિ, ક્યારેક ભાષા તો ક્યારેક ક્ષેત્રને આધારે ધ્રુવીકરણ થતું જોવા મળે છે. તેની ટીકા પણ થતી રહે છે પરંતુ તેમ છતાં રાજકીય પક્ષોએ આ વખતના ચૂંટણીપ્રચારમાં તેના પર વધુ ધ્યાન ન આપ્યું. દરેક પક્ષો જાણે કે પોતાને માટે સુવિધાજનક મુદ્દાઓને લઈને આગળ વધતા રહ્યા.

જોકે, મુંબઈની ચૂંટણી ક્યારેય પહેલાં કે પછી તેમાં અપવાદ રહી હોય તેવું બન્યું નથી. સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન પછી માત્ર ભાષાકીય ઓળખ જ નહીં, મરાઠી ઓળખનો મુદ્દો પણ અહીં ગરમાગરમ ચર્ચાનો વિષય રહ્યો છે. પરંતુ 1992-93નાં રમખાણો અને બૉમ્બબ્લાસ્ટ પછી અહીંના ધાર્મિક રાજકારણમાં બદલાવ આવ્યો છે. આ બંને મુદ્દાઓએ એ સમયગાળામાં પણ મતદારોનું ધ્રુવીકરણ કર્યું હતું.

તો આ વર્ષે મુંબઈ ચૂંટણીના પ્રચારમાં શું જોવા મળ્યું? તેના પર એક નજર...

ધર્મનો મુદ્દો એટલો ગાજ્યો નહીં

લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ધર્મ અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓ છવાયેલા રહ્યા હતા અને તેનો ખુલીને ઉલ્લેખ થતો રહ્યો હતો. માત્ર રાજકીય પક્ષો અને નેતાઓ જ નહીં, પરંતુ હિન્દુત્વવાદી સંગઠનોએ પણ આવો માહોલ બનાવવાની કોશિશ કરી હતી.

પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર જોઈએ તો આ વખતે ધાર્મિક મુદ્દે એટલો ખુલીને પ્રચાર જોવા મળ્યો નથી, પરંતુ આ રીતનો પ્રચાર 'અંડરકરંટ' રૂપે જોવા મળ્યો છે. પરંતુ તેની કેટલી અને કેવી અસર થાય છે એ પરિણામ પરથી જ ખ્યાલ આવશે.

સામાન્ય રીતે નિતેશ રાણે અને અસદુદ્દીન ઔવૈસી જેવા નેતાઓનાં નિવેદનો કાયમ ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે તે પ્રચારમાં છવાયેલા રહ્યાં નથી.

આ વખતે સૌથી ચર્ચામાં રહેલું નિવેદન એ ભાજપના મુંબઈ અધ્યક્ષ અમિત સાતમનું રહ્યું હતું જેમણે કહ્યું હતું કે ઝોહરાન મમદાણીની જેમ મુંબઈનો મેયર કોઈ 'ખાન' નહીં બને. તેનાથી મોટો વિવાદ થયો હતો.

સાતમે એવું નિવેદન પણ આપ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરે મેયર બની જશે તો મુંબઈ પાકિસ્તાન બની જશે. તેના કારણે ઠાકરેના પક્ષ અને ભાજપ-મહાયુતિ વચ્ચે પ્રચારમાં સંઘર્ષ જોવા મળ્યો હતો.

મરાઠી ઓળખનો મુદ્દો

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આ વખતે તેમના ગઠબંધનની જાહેરાત કરીને સાથે ચૂંટણી લડી હતી. તેમણે પહેલેથી જ ચૂંટણીપ્રચારમાં એ મુદ્દાને પકડી રાખ્યો હતો કે મુંબઈનો મેયર 'મરાઠી' જ હશે.

જેમ-જેમ ચૂંટણીપ્રચાર આગળ વધતો ગયો, તેમ-તેમ ઠાકરે બંધુઓએ આ મુદ્દાને વારંવાર આગળ ધર્યો. તેમણે અનેક ઇન્ટરવ્યૂ અને ભાષણોમાં એ પૂછ્યું કે ભાજપ મુંબઈનો મેયર હિન્દુ બનશે એમ કરીને પ્રચાર કરી રહ્યો છે, તો એ એવું કેમ નથી કહી રહ્યો કે મેયર મરાઠી હશે?

ચૂંટણીપ્રચારમાં જ્યારે આ મુદ્દો જોર પકડવા લાગ્યો ત્યારે દેવેન્દ્ર ફડણવીસને પણ આનો જવાબ આપવો પડ્યો હતો. 'મુંબઈ તક'ના ઇન્ટરવ્યૂમાં તેમને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે મુંબઈના મેયર હિન્દુ અને મરાઠી બનશે.

પ્રચારમાં તો આ મુદ્દા છવાયેલા રહ્યા, પરંતુ એ જોવું રસપ્રદ રહેશે કે એક 'કૉસ્મોપોલિટન' શહેર તરીકે ઓળખ ધરાવતું મુંબઈ શહેર કોઈ એક ઓળખને મહત્ત્વ આપશે કે નહીં?

ચૂંટણીના શરૂઆતના પ્રચારમાં હિન્દુત્વનો મુદ્દો ઘણો ઊછળ્યો હતો, પરંતુ એવું લાગ્યું કે જેમ-જેમ ચૂંટણી આગળ વધી તેમ-તેમ આ મુદ્દો પાછળ છૂટી ગયો. અંતિમ ચરણમાં ભાષા અને વિકાસના મુદ્દા વધુ છવાયેલા રહ્યા.

ભાજપના ચૂંટણીપ્રચારમાં પણ હિન્દુત્વનો મુદ્દો શાંત રહ્યો હતો અને વિકાસ પર વધુ જોર આપવામાં આવ્યું હતું.

મુંબઈમાં ભાષાનો મુદ્દો અને ગુજરાતીઓ

આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત અને ધ્રુવીકરણવાળો મુદ્દો જો કોઈ રહ્યો હોય તો એ છે ભાષાકીય ઓળખનો મુદ્દો.

આ મુદ્દાનો મતદારો પર કેવો પ્રભાવ પડ્યો, કોને ફાયદો થયો એ તો પરિણામો પછી જ ખ્યાલ આવશે. પરંતુ ચૂંટણીપ્રચાર દરમિયાન આ મુદ્દો જાહેર સ્થળોએ, સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહ્યો હતો.

તેની શરૂઆત તો ચૂંટણી પહેલાં જ હિન્દીને ત્રીજી ભાષા તરીકે અનિવાર્ય બનાવવાના નિર્ણયથી જ થઈ ગઈ હતી. તેની પ્રતિક્રિયારૂપે જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન થયું, જેની કલ્પના પણ એક સમયે નહોતી થઈ શકતી. કદાચ એ ચૂંટણીનું સૌથી નિર્ણાયક પાસું બન્યું.

રાજ અને ઉદ્ધવે તેમના ચૂંટણીપ્રચારમાં મરાઠી મુંબઈગરાઓને કેન્દ્રમાં રાખ્યા હતા. ઇન્ટરવ્યૂ અને પ્રચાર બંનેમાં એ વાત સ્પષ્ટ દેખાતી હતી. તેમણે સતત એ વાતને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે અન્ય લોકોના આવવાથી મરાઠી લોકો પાછળ છૂટી જાય છે, અને મુંબઈ સતત ઊભરાઈ રહ્યું છે.

મરાઠી ઓળખને કેન્દ્રમાં રાખીને થઈ રહેલા ચૂંટણીપ્રચારમાં બે નિવેદનોએ ફરી ઉહાપોહ ઊભો કર્યો.

ભાજપમાં સામેલ થયેલા કૃપાશંકરસિંહે બિનમરાઠી મેયર બનાવવાની વાત કરી, તો થોડા સમય પછી તમિલનાડુ ભાજપના નેતા અન્નામલાઈએ મુંબઈને માત્ર મહારાષ્ટ્રનું શહેર નહીં, પરંતુ આંતરરરાષ્ટ્રીય શહેર ગણાવ્યું.

તેનાથી ઠાકરે સમર્થકોને જાણે કે ફરી એક મુદ્દો મળ્યો, અને તેમણે આ મુદ્દે જોરદાર નિવેદનો આપ્યાં.

આ ચૂંટણી કયા સવાલોનો જવાબ આપશે?

સવાલો ઘણા છે જેનો મતદારો આ ચૂંટણીમાં જવાબ આપી શકે છે.

જેમ કે, આ ચૂંટણીપ્રચાર અને ઠાકરે ગઠબંધનના કારણે શું મરાઠી મતો એકજૂથ થઈ જશે?

કારણ કે આ ચૂંટણીમાં માત્ર મરાઠી અને હિન્દી મતદારો નથી. કબ્રસ્તાનોને લઈને શરૂ થયેલી ચર્ચા મરાઠી વિરુદ્ધ ગુજરાતી-જૈનમાં પણ બદલાઈ ગઈ હતી.

મુંબઈમાં ગુજરાતી મતદારો પણ મોટી સંખ્યામાં છે અને તેમના મત નિર્ણાયક છે.

વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરનાર મુસ્લિમ સમુદાયે મહાવિકાસ આઘાડીના પક્ષમાં મતદાન કર્યું હોવાનું અનેક સર્વેક્ષણોમાં સામે આવ્યું છે.

એવામાં આ વખતે અલગ ચૂંટણી લડી રહેલી કૉંગ્રેસ અને શિવસેના (યુબીટી)માંથી મુસ્લિમ મતદાતાઓ કોને ચૂંટશે એ જોવું પણ રસપ્રદ રહેશે.

આ ચૂંટણીપ્રચાર પછી સવાલો એ પણ છે કે જો ભાષાકીય ધ્રુવીકરણ થાય તો તેનો ફાયદો કોને અને કેવી રીતે થશે?

શું મરાઠી મતદારો એક પક્ષ તરફ જ જશે? જો આ મુદ્દો ચાલે તો બિનમરાઠી મતદારો કોની તરફ જશે?

શું મરાઠી મતદારો પણ ઠાકરેની શિવસેના, શિંદેની શિવસેના અને એમએનએસ વચ્ચે વહેંચાઈ જશે?

મુંબઈનો મતદાર કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે એના પર સૌની નજર રહેશે.

મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લી ચૂંટણી

બૃહદમુંબઈ મહાનગરપાલિકાની છેલ્લી ચૂંટણી વર્ષ 2017ના ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ હતી.

એ સમયે શિવસેના અને એનસીપીના બે ભાગ થયા નહોતા.

2017ની ચૂંટણીમાં શિવસેના સૌથી મોટો પક્ષ બન્યો હતો અને તેણે કુલ 227 બેઠકોમાંથી 84 બેઠકો જીતી હતી. ભાજપ 82 બેઠકો જીતીને બીજા ક્રમે રહ્યો હતો.

જોકે, પછી ભાજપે શિવસેનાને મેયર પોસ્ટ માટે સમર્થન જાહેર કર્યું હતું.

કૉંગ્રેસને 31 બેઠકો, એનસીપીને નવ બેઠકો અને એમએનએસને સાત બેઠકો મળી હતી.

આ વખતની ચૂંટણીમાં ભાજપ અને શિંદેની શિવસેના સાથે મળીને મુંબઈમાં ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સામે પક્ષે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, રાજ ઠાકરેની પાર્ટી એમએનએસનું ગઠબંધન છે. કૉંગ્રેસ આ બે મુખ્ય ગઠબંધનમાં સામેલ નથી.

શિવસેનાના ભાગ થયા પછી ઉદ્ધવ ઠાકરે માટે મુંબઈની ચૂંટણી અતિ મહત્ત્વની મનાય છે. કારણ કે શિવસેના સતત 1997થી બૃહદમુંબઈ મહાનગરપાલિકામાં સૌથી મોટો પક્ષ બનતો રહ્યો છે.

એવામાં આ વખતે પરિણામો શું આવશે તેના પર સૌની નજર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન