સુરત : 'પત્ની સળગતી રહી, પતિએ વીડિયો બનાવ્યો', આપઘાતના પ્રયાસ બાદ મહિલાના મોતનો મામલો

(ચેતવણી આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે)

સુરતમાં રહેતા એક બિહારી પરિવારમાં પારિવારિક ઝઘડામાં મહિલાનું મોત થયું છે. મહિલાએ 'આવેશમાં આવીને' જાતે શરીર પર આગ ચાંપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

ચાર જાન્યુઆરીએ આ ઘટના બની હતી અને મહિલાનું મોત 11મી જાન્યુઆરી થયું હતું. પોલીસે મહિલાના પતિ પર 'આપઘાત માટે ઉશ્કેરવા' માટેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે જ્યારે પત્ની જાતે આગ ચાંપીને સળગતી હતી ત્યારે પતિએ તેનો વીડિયો બનાવ્યો હતો.

મહિલાના પરિવાર અને પોલીસ પાસેથી જાણવા મળ્યું કે બંને પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

પોલીસે મહિલાના પિતાએ નોંધાયેલી ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે અને આરોપી પતિની ઇચ્છાપોર પોલીસે ધરપકડ કરી છે.

(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

મહિલાના આપઘાતના પ્રયાસ બાદ મોતનો આખો મામલો શું છે?

આ મામલે મહિલાના પિતા હરબંશ છબીલા સાહે સુરતમાં આવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ બિહાર (છપરા-સારન)માં રહે છે, ખેતીકામ કરે છે.

તેમને સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા છે. તેમની દીકરી પ્રતિમાદેવી (ઉં. વ. 31)નું લગ્ન બિહારના રંજિત દિલીપ સાહ સાથે થયું હતું અને બંને સુરતના ઇચ્છાપોરની જયરાજ સોસાયટીમાં રહેતાં હતાં.

પોલીસ ફરિયાદ અનુસાર, મૃતક મહિલાના પિતાને ફોન કરીને જાણકારી અપાઈ હતી કે તેમની દીકરી સળગી ગઈ છે અને હૉસ્પિટલમાં દાખલ છે.

11 જાન્યુઆરીએ રાતના આઠ-નવ વાગ્યે જમાઈ રંજિતનો તેમના સસરા પર ફોન આવ્યો હતો અને કહ્યું કે 'પાપા મને બચાવી લો, પ્રતિમા મરણ પામી છે' એમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર, મહિલાના મોતનું કારણ પારિવારિક કંકાસ હોવાનું જાણવા મળ્યું છે.

પિતાએ ફરિયાદમાં કહ્યું કે તેમની દીકરીને લગ્ન પછી જમાઈ નાનીમોટી વાતમાં ઝઘડો કરીને માર મારતો અને ત્રાસ આપતો હતો.

'મહિલાને લાગી આવતાં જાતે દીવાસળી ચાંપી'

ઇન્ચાર્જ એસીપી સ્વૈતા ડેનિયલે મીડિયાને માહિતી આપતા કહ્યું કે "ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 85 અને 108 મુજબ મૃત્યુ માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ભોગ બનનાર મહિલા તારીખ ચાર જાન્યુઆરીના રોજ પોતાના ઘરે સળગીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ લઈને વધુ તપાસ હાથ ધરાઈ હતી."

આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પીયરના સભ્યો અને બાળકોની પૂછપરછ કરાઈ હતી.

એસીપી સ્વૈતા ડેનિયલે કહ્યું કે "તારીખ 11 જાન્યુઆરીએ સારવાર દરમિયાન ભોગ બનનાર મહિલાનું મોત થયું હતું. ત્યાર બાદ મહિલાના પિતા અને અન્ય લોકોએ પોલીસમાં ફરિયાદ આપી હતી."

"તપાસ કરતાં એવી હકીકત જણાઈ આવેલ કે મહિલાના પતિ (રંજિત સાહ) દ્વારા મહિલાને લગ્નના ગાળા દરમિયાન માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક માર મારવામાં આવતો હતો. બંને વચ્ચે તણાવભર્યા સંબંધો હતો. ચાર તારીખે પત્ની-પતિ વચ્ચે બાળકો મુદ્દે ઝઘડો થયો હતો. એ સમયે પતિ દ્વારા પત્નીને 'મરી જવા' કહેવાયું હતું અને દુષ્પ્રેરણા આપી હતી. એ સમયે મહિલાને લાગી આવતાં ઘરમાં જે ડીઝલ પડ્યું હતું એ એમના પર છાંટીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. વધુ દાઝી જતા તેમને સારવાર માટે લઈ જવાયાં હતાં."

મહિલાના પિતાએ જણાવેલી વિગત અનુસાર, "પરિવારના અન્ય સભ્યોને પૂછતાં જાણવા મળ્યું હતું કે તેમના (રંજિત) ઘરના ધાબા પર પડોશીના ઘઉં સુકવવા મૂક્યા હતા અને એ વેરવિખેર થઈ ગયા હતા. એટલે રંજિતના છોકરાએ કર્યું હોવાનું કહેતા રંજિતે તેમના છોકરાને ઠપકો આપ્યો હતો અને તેમની પત્ની પ્રતિમાદેવી સાથે ઝઘડો કર્યો હતો."

પછી પ્રતિમાદેવીએ છોકરા પર ગુસ્સા ન કાઢવા કહ્યું હતું અને જણાવ્યું કે 'આના કરતાં તો મરી જાઉં તો સારું...' એમ કહેતા પતિએ પત્નીને કહ્યું કે 'ઘરમાં તેલ પડ્યું છે, તેનાથી સળગીને મરી જવાનું' કહ્યું હતું અને પછી પ્રતિમાદેવીએ ઘરમાં રહેલું ડીઝલ પોતાના શરીર પર નાખીને જાતે દીવાસળી ચાંપી હતી.

'પત્ની સગળતી રહી, પતિ વીડિયા બનાવતા રહ્યા'

ઇન્ચાર્જ એસીપી સ્વૈતા ડેનિયલે કહ્યું કે "પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આરોપી પતિએ મહિલા સાથે મારઝૂડ અને બોલાચાલી બાદ ઘરની બહાર ગયા હતા. મહિલાને લાગી આવતી તેઓ સળગી ગયા હતા અને પછી પતિએ આવીને જોયું તો પોતાની પત્ની સળગતી હતી, પણ એમણે પાણી છાંટવાને બદલે સળગતી મહિલાનો વીડિયો બનાવ્યો હતો."

મહિલાના પિતાએ પોલીસ સ્ટેશનમાં આપેલી વિગતો પ્રમાણે, રંજિત અને પ્રતિમાદેવી એકબીજાને પસંદ કરતાં હતાં, પણ પરિવારને તેની ખબર નહોતી.

પ્રતિમાદેવીનો પરિવાર એમની દીકરી માટે છોકરો શોધતો હતો અને એ વાતની રંજિતને ખબર પડી જતાં તેઓ બંને 2013માં બિહારથી સુરત ભાગી આવ્યાં હતાં. અને કોર્ટમાં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. બંને એક જ જ્ઞાતિના હોવાથી પરિવારે એ લગ્નને સ્વીકારી લીધાં હતાં.

રંજિત સાહ બિહારના વતની છે અને સુરતમાં ગૅરેજમાં મેકેનિક કામ કરતા હતા. તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.

હાલમાં સુરત ઇચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા મહિલાના પતિની રંજિત સાહની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

(સુરતથી બીબીસી સહયોગી રૂપેશ સોનવણેના ઇનપૂટ્સ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન