You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : 'પ્રેમપ્રકરણ'માં સગીરા પર સગા પિતાની 'હત્યાનો પ્લાન' ઘડવાનો આરોપ, દીકરી બારીમાંથી જોતી રહી
વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર રોડ પર આવેલા મહલી તલાવડી વિસ્તારમાં એક પિતાની ઘરમાં જ હત્યા કરાઈ છે.
આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને એક અન્ય સાથીદાર આરોપીની ધરપકડ કરી છે.
કથિત પ્રેમસંબંધમાં માતાપિતા 'અડચણરૂપ' બનતા હોવાથી એક સગીર પુત્રીએ જ પોતાના 'પ્રેમી સાથે મળીને પિતાની હત્યા કરાવી' હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આરોપ છે કે સગીરાએ અગાઉ પણ માતાપિતાને ઊંઘની ગોળી આપીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પણ એમાં સફળતા મળી નહોતી.
જાણો આખો મામલો શું છે.
હત્યાનો સમગ્ર મામલો શું છે?
બીબીસી સહયોગી હાર્દિકના જણાવ્યા પ્રમાણે, મહલી તલાવડી વિસ્તારમાં સવારે ગામલોકો જાગ્યા ત્યારે આ હત્યાની ખબર પડી હતી. પછી પરિવારે પોલીસને જાણ કરી હતી.
જિલ્લા પોલીસવડા (વડોદરા ગ્રામ્ય) સુશીલ અગ્રવાલે આ હત્યા અંગે મીડિયાને માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે "પાદરા પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં સગીરાના પિતા વિનોદભાઈ (નામ બદલેલું છે)નો મૃતદેહ ઘરની બહાર ચાકુ મારેલા ઘા સાથે મળી આવ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના જણાવ્યા પ્રમાણે, રાતે અઢી વાગ્યાની આસપાસ એક ચાકુથી આ હત્યા કરવામાં આવી છે.
સુશીલ અગ્રવાલે જણાવ્યું કે "મુખ્ય આરોપી મુકેશ (નામ બદલેલું છે) અને એમનો મિત્રએ વિનાદભાઈની હત્યા કરી છે."
પોલીસની પ્રાથમિક તપાસમાં શંકાની સોય મુકેશ તરફ તકાયેલી હતી, કારણ કે થોડા સમય પહેલાં જ મૃતકની સગીર દીકરીને ભગાડી જવા બદલ મુકેશ સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી પ્રમાણે, 18મી ડિસેમ્બરની રાત્રે સગીરાએ જ માતાપિતાના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. માતાપિતા ઘસઘસાટ ઊંઘી ગયાં બાદ તેણે પ્રેમી મુકેશને ફોન કરીને બોલાવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકની છાતીના ભાગે ચાકુના ત્રણ ઘા માર્યાનાં નિશાન હતાં. હત્યા સમયે માતાને પણ ઊંઘની ગોળી આપી હોવાથી તેઓ જાગી શક્યાં નહોતાં.
પોલીસે માહિતી આપી કે પિતાની હત્યા થઈ એ સમયે દીકરી પોતે બારીમાંથી બધું જોતી હતી.
અગાઉ પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો
પોલીસે હત્યાનું કારણ જણાવતા મીડિયાને કહ્યું કે મુકેશ સામે જુલાઈ મહિનામાં પોક્સો લાગેલો હતો. ઑગસ્ટ મહિનામાં મુકેશને જામીન મળ્યા હતા. આથી એમની દીકરી હત્યાનો પ્લાન છેલ્લા ત્રણ મહિનાથી કરતી હતી.
સુશીલ અગ્રવાલે વધુમાં કહ્યું કે "આ હત્યા થઈ એના બે દિવસ અગાઉ પણ એમની દીકરીએ પિતા અને માતાને ઊંઘની ગોળી આપીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો, પણ એમાં સફળતા મળી નહોતી.
હત્યા માટે 'પ્રેમપ્રકરણ' કારણભૂત?
પોલીસ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે, આરોપી મુકેશ છૂટક મજૂરી કરે છે. પોલીસની પૂછપરછમાં આરોપી મુકેશ ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે સગીરા અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો. એના પિતા આ પ્રેમપ્રકરણના વિરોધમાં હતા.
એટલું જ નહીં, દીકરી ફરીથી ભાગી ન જાય તે માટે પિતા વિનોદભાઈ રાત્રે પત્ની અને દીકરીને ઓરડીમાં પૂરીને બહારથી તાળું મારી ચાવી પોતાની પાસે રાખી ઓસરીમાં સૂઈ જતા હતા.
પોલીસે જણાવ્યું કે સગીર વયની દીકરીનો હત્યા પછી પ્લાન એવો હતો કે એ એના પ્રેમી મુકેશ સાથે ભાગી જશે.
હાલ પોલીસે પ્રેમી મુકેશ અને તેના સાગરિતની ધરપકડ કરી છે. તેમજ સગીરા સામે જુવેનાઇલ ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
હાર્દિક સાથે વાત કરતા પાદરા પોલીસ સ્ટેશન પીઆઈ વિજય ચારણના જણાવ્યા અનુસાર સગીર વયની આરોપી પુત્રી સામે બીએનએસ 103 (1),3(5) 238 61(2) 123 જીપી ઍક્ટ કલમ 135 જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પુખ્ત વયના બંને આરોપીઓ સામે 103 (1) જીપી 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે મૃતકના ઘરમાંથી ઊંઘની ગોળીઓ સહિત હત્યાના તમામ પુરાવા એકઠા કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન