You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ગુજરાતી લાદેન' : સાયબર ક્રાઇમ દ્વારા ભારતીયોને લૂંટનારા નેટવર્કનો પર્દાફાશ કેવી રીતે થયો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા કુલદીપ ભુવાજી નામના શખ્સની સ્થિતિ સારી ન હતી, પરંતુ અચાનક જ તેના દિવસો ફરી ગયા હતા.
કુલદીપ ભુવાજીની અચાનક જ દુબઈ અવરજવર થવા લાગી. નજીકના લોકોના કહેવા પ્રમાણે, પૈસા વાપરવામાં પણ તેમનો હાથ 'છૂટો' થઈ ગયો હતો.
આની પાછળનું કારણ હતું કે કુલદીપ ઉપર દુબઈમાં રહેતા 'ગુજરાતી લાદેન'ના ચાર નંબર હતા. ડિજિટલ ઍરેસ્ટનો ભોગ બનેલા વૃદ્ધની 'જાણવાજોગ' ફરિયાદ અને પોલીસની ઝીણવટભરી તપાસમાં કુલદીપ ભુવાજીનું નામ ખુલ્યું હતું.
નાસતા-ફરતા આરોપી કુલદીપ ભુવાજીએ પોતાના ડ્યૂઅલ સિમ કાર્ડવાળા ફોનમાંથી એક નંબર ઉપર કૉલ કર્યો હતો, જેના કારણે પોલીસ આરોપીના દરવાજા સુધી પહોંચી ગઈ હતી.
એ પછી દુબઈ અને કંબોડિયામાં બેસીને દેશનાં અલગ-અલગ શહેરોમાં લોકોને લૂંટતા સાયબર ગઠિયાઓની અડધી ગૅંગ ઝડપાઈ ગઈ હતી.
જાણકારો તમારા નામથી સાયબર ક્રાઇમ ન થાય તે માટે તથા જો થયો હોય તો તેના સંદર્ભે કેટલીક સાવચેતી રાખવા કહે છે.
ડિજિટલ ઍરેસ્ટનો શું હતો મામલો?
થોડા સમય પહેલાં ફરિયાદ થઈ હતી કે અમદાવાદમાં એક સિનિયર સિટિઝનની સાયબરના ઠગો દ્વારા 'ડિજિટલ ઍરેસ્ટ' થઈ હતી અને તેમની પાસેથી રૂ. 24 લાખ 50 જેટલી રકમ પડાવવામાં આવી હતી.
પોલીસે તપાસ કરી તો માલૂમ પડ્યું હતું કે સિનિયર સિટિઝનની સાયબર ઍરેસ્ટ કરવા માટે જે ફોન નંબરનો ઉપયોગ થયો હતો તે અમદાવાદના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલું જ નહીં, પોલીસને માલૂમ પડ્યું કે ગુજરાત તથા પંજાબમાં બનેલી ડિજિટલ ઍરેસ્ટની કેટલીક ઘટનાઓમાં તથા ક્રિકેટના સટ્ટામાં પણ આ નંબરો વપરાયા હતા.
અમદાવાદ સાયબર ક્રાઇમમાં પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર) એનએસ ખોખરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "અમદાવાદના એક સિનિયર સિટિઝને તેમની ડિજિટલ ઍરેસ્ટ થઈ હોવાની અરજી આવી હતી."
"અમે એ સિનિયર સિટિઝનને તપાસ માટે બોલાવ્યા હતા, પરંતુ થોડાક જ દિવસોમાં તેમનાં ઘરમાં લગ્નપ્રસંગ હતો. વળી, જે કારણસર તેમની ડિજિટલ ઍરેસ્ટ થઈ હતી, તે વાત સમાજમાં બહાર આવે તો લગ્નમાં તકલીફ પડે તેમ હતી. એટલે તેઓ પોલીસમાં ફરિયાદ આપવા તૈયાર ન હતા."
સમગ્ર ઘટનાક્રમ વિશેની વાત આગળ વધારતાં પીઆઈ ખોખર ઉમેરે છે, "પોલીસને વિધિવત્ રીતે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નહોતી મળી, પરંતુ અમારી પાસે ઠગાઈ થયાની અરજી હતી, એટલે અમે કાયદેસર તપાસ હાથ ધરી. સિનિયર સિટિઝનને ચાર અલગ-અલગ નંબર ઉપરથી ફોન આવ્યા હતા, જે અમદાવાદમાં જ નોંધાયેલા હતા. આ નંબર પરથી દુબઈ વાત થતી હતી."
યુવક સુધી પગેરું પહોંચ્યું પણ...
આ નંબર અમદાવાદના એક યુવકના નામે નોંધાયેલો હતો. આ યુવકના પિતા ડ્રાઇવર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે યુવકના આધારકાર્ડ તથા બાયૉમેટ્રિક પ્રિન્ટ પરથી ચાર-ચાર સિમ કાર્ડ ખરીદવામાં આવ્યાં હતાં.
અમદાવાદ પોલીસની ટીમે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા અને કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા યુવકને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
પીઆઈ ખોખર જણાવે છે, "યુવકના નામ ઉપર ઇસ્યુ થયેલાં ચારેય સિમકાર્ડ જે મોબાઇલ ફોનમાં વપરાયાં હતાં, તેમના IMEI (ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબરની તપાસ કરી તો તે અલગ-અલગ ચાર મોબાઇલ ફોનમાં વપરાશમાં હતાં."
સાયબર ક્રાઇમ પોલીસે આઈપી ઍડ્રેસની તપાસ કરતા આ નંબર કંબોડિયા અને દુબઈમાં ઍક્ટિવ હોવાનું માલૂમ પડ્યું હતું.
અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) હાર્દિક માંકડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારી પાસે પૂરતો ડેટા એકઠો થયો એ પછી અમે કૉલેજિયન યુવકને બોલાવીને તેની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે યુવક આર્થિક રીતે સદ્ધર ન હતો. તે કૉલેજ અને ઘર સિવાય ક્યાંય જતો ન હતો."
"યુવકના પિતા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. યુવકના બૅન્ક ખાતાની તપાસ કરતા તેમાં કોઈ શંકાસ્પદ વ્યવહારો નહોતા જણાયા. સિમ કાર્ડનો ઉપયોગ જે ફોનમાં થયો હતો, તે ખૂબ જ મોંઘા ફોન હતા."
યુવકની પૂછપરછ તથા આનુષંગિક તપાસ દરમિયાન તેની કોઈ ભૂમિકા ન હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું, જોકે, યુવક પાસેથી મળેલી એક માહિતીએ મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
અમદાવાદમાં સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ
યુવકને અંદાજ ન હતો કે દોઢેક વર્ષ પહેલાં તેની સાથે જે સામાન્ય જણાતી ઘટના ઘટી હતી, તે આવી રીતે તેને મુશ્કેલીમાં મૂકી દેશે.
એસીપી હાર્દિંક માંકડિયાના કહેવા પ્રમાણે, "યુવકની પૂછપરછ કરતા તેણે અમને જણાવ્યું હતું કે દોઢેક વર્ષ પહેલાં કૉલેજની ઍડમિશન પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે તેને ફોન નંબરની જરૂર હતી. આથી, આ યુવકે પિતાનું સિમકાર્ડ પોતાના નામે કરાવવા માટે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ખાનગી કંપનીના સિમકાર્ડ એજન્ટનો સંપર્ક સાધ્યો હતો."
"એજન્ટની માંગણી પ્રમાણેના તમામ દસ્તાવેજ-પુરાવા આ યુવકે આપ્યા હતા. જોકે, એજન્ટે કહ્યું હતું કે, 'હાલમાં સર્વર ડાઉન છે, એટલે સિમકાર્ડ બન્યું નથી.' આમ કહીને ચાંદલોડિયાના એજન્ટે યુવકને તેના પુરાવા પરત આપી દીધા હતા અને બે દિવસ પછી આવવા માટે કહ્યું હતું."
"બે દિવસ પછી યુવક ફરી એકવાર તેની પાસે ગયો ત્યારે પુરાવા લઈને બે વખત સિમકાર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફરી 'સર્વર ડાઉન છે' એમ કહીને પુરાવા પરત આપી દીધા હતા."
પોલીસના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન શું થયું, તેના વિશે યુવકને જરા પણ અંદાજ ન હતો. શરૂઆતમાં તો યુવક પોલીસ ફરિયાદ કરતા ગભરાતો હતો, પરંતુ એ પછી પોલીસે નામ ગુપ્ત રાખવાની ખાતરી આપી હતી.
સાઇબર ક્રાઇમનું નેટવર્ક કેવી રીતે કામ કરતું?
યુવકે આપેલી વિગતોને આધારે પોલીસની તપાસમાં આ સિમકાર્ડ વિક્રેતા એજન્ટનું નામ વિજય રાવલ હોવાનું બહાર આવ્યું હતું.
એસીપી હાર્દિક માંકડિયા ઉમેરે છે, "યુવકની ફરિયાદના આધારે અમે ચાંદલોડિયામાં ખાનગી કંપનીના સિમકાર્ડ વિક્રેતા વિજય રાવલને પકડ્યો હતો. આ યુવક કામધંધા માટે ખેરાલુથી અમદાવાદ આવ્યો હતો અને ચાંદલોડિયા તળાવ વિસ્તારમાં રસ્તા ઉપર જ સિમકાર્ડ કાઢવાનું કામ કરતો હતો."
"સાયબર ગઠિયાઓ માટે કામ કરતા ઉત્તર ગુજરાતના જ શુભમ ઉર્ફે સેબી તથા કનુ વારાહીએ કમિશન ઉપર શ્રમિકોનાં સિમકાર્ડ કાઢવાનું કામ વિજય રાવલને સોંપ્યું હતું. આ કામ માટે વિજય રાવલને સિમકાર્ડ દીઠ વધારાના 400 રૂપિયા મળતા હતા."
"ટૂંક સમયમાં પૈસા કમાઈ લેવાની લાલચે વિજય આ કામ કરવા તૈયાર થયો. સાયબર ગઠિયાઓની ગૅંગ રીક્ષા ભરીને આસપાસના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો કે રેનબસેરામાં રહેતા ગરીબ લોકોને લાવતા. તેમને ચાંદલોડિયા વિસ્તારમાં જમાડતા અને પરત મૂકી આવતા."
અહીંથી સિમકાર્ડ નેટવર્કના બીજા શખ્સો પાસે પહોંચતાં અને ત્યાંથી તે દુબઈ સુધી પગ કરી જતાં.
એસીપી હાર્દિક માંકડિયા કહે છે, "શુભમ (ઉર્ફે સેબી) તથા કિરણ (ઉર્ફે કેટી) દુબઈમાં બેઠેલા એમના બૉસ ભાવેશ જોશીના (ઉર્ફે લાદેન) ખાસ માણસ કુલદીપ જોશીને સિમકાર્ડ આપતા હતા. કુલદીપ દ્વારા આ સિમકાર્ડ દુબઈ મોકલવામાં આવતાં."
"ભાવેશ જોશી દ્વારા સિમકાર્ડ દીઠ રૂ. 1,500 ચૂકવવામાં આવતા. જેમાંથી કેટલાક સિમકાર્ડ દુબઈમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં તથા ઑનલાઇન ગૅમિંગમાં અને બીજા કાર્ડ ડિજિટલ ઍરેસ્ટ તથા અન્ય પ્રકારના સાયબર ક્રાઇમ માટે કંબોડિયા મોકલવામાં આવતાં."
એસીપી હાર્દિક માંકડિયા ઉમેરે છે, "અમારી પાસે જે આઈપી ઍડ્રેસ આવ્યાં તે સાઉથ-ઇસ્ટ એશિયાનાં કંબોડિયાનાં છે. પ્રાથમિક તપાસમાં આ લોકોએ બે વર્ષમાં એક હજાર જેટલાં સિમકાર્ડ દુબઈ મોકલ્યાં હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં બીજી પણ કેટલીક કડીઓ મળી છે, જેના આધારે અમે ટૂંક સમયમાં અન્ય એક એજન્ટ તથા મુખ્ય આરોપી ભાવેશ જોશી અને કનુ વારાહીની ધરપકડ કરીશું."
અમદાવાદ પોલીસે બીએનએસની (ભારતીય ન્યાય સંહિતા) કલમ 54, 61 (2) (એ), 316 (2) તથા આઈટી ઍક્ટની કલમ 66 (સી) મુજબ ગુનો નોંધ્યો છે.
'ગુજરાતી લાદેન' અને તેના સાથીદાર કોણ છે?
મૂળ ઉત્તર ગુજરાતના ભાભરનો ભાવેશ જોશી ઘણા સમયથી ભારત બહાર હોવાનું અહીંના લોકો કહે છે.
જુના ગંજબજારના વેપારી રમેશ ઠક્કરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાવેશ પહેલેથી ક્રિકેટના સટ્ટાનું કામ કરતો હતો. તેણે ક્રિકેટ પર ઑનલાઇન સટ્ટો રમાડવા એક જમાનામાં જાણીતી 'બોબડી' સટ્ટા ઍપ શરૂ કરી હતી. 2011ના વર્લ્ડકપ પછી તે સટ્ટામાં હારેલા લોકો પાસે મસલમૅનની મદદથી આકરી ઉઘરાણી કરતો તેથી તેનું નામ 'ભાવેશ લાદેન' પડી ગયું."
પોલીસની ભીંસ વધવાથી તે અમદાવાદ અને મુંબઈમાં રહેતો હતો. ત્યાંથી કનુ વારાહીને લઇને દુબઇ જતો રહ્યો હતો અને ભાભર, વારાહી, પાંથીવાળ, કાંકરેજ જેવા વિસ્તારના ગરીબ અને બેકાર છોકરાઓને કામ આપવાના નામે દુબઈ પણ બોલાવતો.
અમદાવાદ અને મુંબઈમાં રહેવા તેમને ખાવાપીવાની સવગડ અને પગાર આપતો. આ રીતે તેની ગૅંગ બની ગઈ હતી.
વારાહીના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મનસુખ અખાણીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "વારાહીમાં લોકોને ક્રિકેટનો શોખ છે. અહીં ગામ નાનું છે પણ ક્રિકેટ રસિયાઓ માટે પાંચ મેદાનો છે જ્યાં ટુર્નામેન્ટ યોજાય છે. આસપાસનાં ગામોની ટીમો અહીં રમવાં આવે છે અને તેના પર સટ્ટો પણ રમાય છે. ભાવેશ લાદેન સટ્ટો રમાડતો અને કનુ તેના એજન્ટ તરીકે કામ કરતો. કોરોના અગાઉ તેઓ દુબઈ ગયા અને ત્યાંથી માણસો રાખીને સટ્ટો રમાડે છે."
બનાસકાંઠાના પાંથીવાડાના શુભમ ઉર્ફે સેબી પારડીયાના પાડોશી અને રાણીપમાં જોગેશ્વરી ફ્લૅટમાં રહેતા જે. બી. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોરોના પછી તેમનો પરિચય શુભમ ઉર્ફે સેબી સાથે થયો હતો. તે અગાઉ શૅરબજારમાં ડબ્બા ટ્રેડિંગ કરતો હતો. કોરોનામાં ધંધો ન ચાલ્યો તેથી અમદાવાદ આવ્યો અને મકાનોની દલાલી શરૂ કરી. પરંતુ તે નકલી સિમકાર્ડનો પણ ધંધો કરતો હતો તેનો અમને અંદાજ ન હતો."
મૂળ રાધનપુરના વતની કિરણ ઠક્કર ઉર્ફે કેટી પણ કોરોના પછી અમદાવાદમાં રહેતો હતો.
રાધનપુરના જસુભાઈ ઠક્કરે બીબીસી ગુજરાતીને કહ્યું કે "કેટી અગાઉ શૅરબજાર અને સટ્ટાનું કામ કરતો. પરંતુ કોરોના વખતે કામ ઘટી જવાથી અમદાવાદ ગયો હતો. તેના ધંધા પહેલેથી શંકાસ્પદ હતા. તે સટ્ટા ઉપરાંત નકલી સિમકાર્ડનું પણ કામ કરતો તેની અમને ખબર ન હતી."
ખેરાલુના લુણવા ગામના વિજય રાવલના એક સમયના મિત્ર વિનય ચૌધરીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "વિજય સામાન્ય ઘરમાંથી આવે છે અને કામધંધો ન હોવાથી અમદાવાદ ગયો હતો. શરૂઆતમાં તે ખાસ કમાતો હોય તેવું લાગતું ન હતું. પરંતુ 2023 પછી તહેવારોમાં ઘરે આવતો ત્યારે છૂટથી રૂપિયા વાપરતો. અમદાવાદમાં અમને નવા વાડજ અને ઘાટલોડિયા વિસ્તારમાં મળતો, પરંતુ ક્યારેય પોતાની દુકાન દેખાડી ન હતી."
પોલીસે બનાસકાંઠાના કાંકરેજના સીરવાડા ગામના કુલદીપ જોશી ઉર્ફે ભુવાજીનો પાસપૉર્ટ તપાસતા તે બે વર્ષમાં અનેક વખત દુબઈ ગયો હતો તે જાણવા મળ્યું.
ભાવેશ ઉર્ફે 'લાદેન'ને ત્યાં એ દુબઈમાં નોકરી કરતો અને તેની બધી જવાબદારી ભાવેશ સંભાળતો. તે વારંવાર ગુજરાત આવતો અને દુબઈમાં ભાવેશ 'લાદેન' અને કનુ વારાહીને સિમકાર્ડ આપતો. બીબીસી ગુજરાતીએ સરવાડામાં તેમનાં સગાંનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કુલદીપ ભુવાજી વિશે કંઈ પણ કહેવાની ના પાડી હતી.
આવા ફ્રૉડથી બચવા શું કરવું?
અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માંકડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કોઈ સિમકાર્ડ એજન્ટ તમારા ડૉક્યુમેન્ટ્સ અને બાયૉમેટ્રિક પુરાવા લઈ લે અને સર્વર ડાઉન છે એવું કહીને અથવા બીજાં બહાનાં કાઢીને સિમકાર્ડ બનાવ્યાં વગર ડૉક્યુમેન્ટ પાછું આપે તો ટેલિકૉમ વિભાગના ટેફકો પૉર્ટલ પર જાવ."
"ત્યાં તમારાં નામે કેટલાં સિમકાર્ડ ઇશ્યુ થયાં છે તેની તપાસ કરો. તમારી જાણબહાર સિમકાર્ડ બન્યાં હોય તો પોલીસ ફરિયાદ કરીને તેને રદ કરી શકાય. આના માટે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન