You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મોટાં સ્તનોના કારણે મને સતત દુ:ખાવો થાય છે, પરંતુ તેને નાનાં કરાવી શકતી નથી'
- લેેખક, ક્લેર થોમ્સન
- પદ, બીબીસી સ્કોટલૅન્ડ
એક મહિલા કેટલાંય વર્ષોથી પોતાનાં મોટા કદનાં સ્તનોને કારણે પીડા અનુભવી રહી છે, પરંતુ તબીબી નિયમોના કારણે તેમના માટે સ્તન ઘટાડવાની સર્જરી કરાવવી અશક્ય બની ગઈ છે.
મેલિસા એશક્રોફ્ટનાં સ્તનની સાઇઝ 36M છે. તેઓ કહે છે કે આના કારણે તેમનું જીવન મુશ્કેલ બની ગયું છે. વજનદાર સ્તનોના કારણે ક્યારેક તેઓ પોતાની નવજાત બાળકીને ઘોડિયામાંથી ઊંચકી પણ શકતાં નથી.
30 વર્ષીય મેલિસાને બે બાળકો છે. આ વર્ષની શરૂઆતમાં તેમનો બૉડી માસ ઇન્ડેક્સ (BMI) લગભગ 35 હતો. યુકેની નૅશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર સ્તન ઘટાડવાની સર્જરીના માપદંડ કરતાં આ સાઇઝ વધારે છે.
સ્કોટલૅન્ડના બ્લેરગોવરીમાં રહેતાં મેલિસાએ કહ્યું કે તેમનાં સ્તનોના કારણે તેમનું વજન લગભગ 16 કિલો વધારે આવે છે. સ્તનના કદના કારણે તેઓ વજન ઘટાડવા માટે જરૂરી કસરત પણ કરી શકતાં નથી.
'મને આ પ્રકારનું ધ્યાન નથી જોઈતું'
મેલિસાએ બીબીસી રેડિયો સ્કોટલૅન્ડને જણાવ્યું હતું કે, "મારાં ખભા અને પીઠ દુ:ખે છે, તેથી કસરત કરવી મુશ્કેલ છે."
"જ્યારે હું ટ્રેડમિલનો ઉપયોગ કરું છું, ત્યારે મને એવું લાગે છે કે લોકો મને જાતીય દૃષ્ટિએ જોઈ રહ્યા છે અને મને શરમ આવે છે, હું આવી પરિસ્થિતિ ઇચ્છતી નથી."
મેલિસા ફિટ રહેવા માટે સ્વિમિંગ કરે છે, પરંતુ ક્યારેક તેમને લાગે છે કે જ્યારે તેઓ સ્વિમસ્યુટ પહેરે છે, ત્યારે તેમને જાતીય તરીકે જોવામાં આવે છે. મેલિસાએ કહ્યું, "મને આ પ્રકારનું ધ્યાન નથી જોઈતું."
તેઓ કહે છે, "આ મજાક નથી. હું કંઈ માત્ર બે સ્તન નથી. મારું એક વ્યક્તિત્વ છે. અન્ય કોઈપણ પીડાની જેમ આ પણ ગંભીર છે, ખૂબ જ પીડાદાયક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેલિસાએ 20 વર્ષની ઉંમરે સ્તન ઘટાડવા વિશે સૌપ્રથમ પોતાના ડૉક્ટરની સલાહ લીધી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ સર્જરી કરાવશે, તો ભવિષ્યમાં તેમનાં બાળકોને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડશે. હવે તેમને સાત વર્ષનો એક પુત્ર અને નવ મહિનાની પુત્રી, એમ બે બાળકો છે. ગર્ભાવસ્થા દરમિયાન તેમનાં સ્તન વધુ મોટાં થઈ ગયાં હતાં.
તેમણે પીડા દૂર કરવા માટે ફિઝિયોથેરાપી પણ અજમાવી જોઈ. જોકે, મેલિસા કહે છે કે સામાન્ય જીવન જીવવા માટે સ્તનની સાઇઝમાં ઘટાડો જરૂરી છે.
ડૉકટરો કેમ સર્જરીની ના પાડી રહ્યા છે?
સ્તન ઘટાડવા માટે NHS પ્રાદેશિક અભિગમ અપનાવે છે, પરંતુ મેલિસા જેવી ઘણી મહિલાઓને તેમના ઊંચા BMIને કારણે અસ્વીકાર મળે છે. ઊંચા BMI ધરાવતા લોકોને એનિસ્થેસિયાની તકલીફો, ઘા ધીમેથી રૂઝાવું, લોહી ગંઠાવાનું અને સર્જરી દરમિયાન ચેપનું જોખમ વધારે હોય છે.
સ્તન ઘટાડાની સર્જરી માટે લાયક બનવા માટે, દર્દીઓએ સામાન્ય રીતે એક વર્ષ સુધી તેમનો BMI 20થી 27ની વચ્ચે જાળવી રાખવો જરૂરી હોય છે.
મેલિસાએ જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછી તેના હૉર્મોન્સ સામાન્ય થઈ ગયા પછી તેને NHSમાં રિફર કરવામાં આવ્યાં હતાં. તે વખતે તેમનું વજન થોડું ઓછું થઈ ગયું હતું. પરંતુ તેમને હજી પણ સમજાતું નહોતું કે BMI માર્ગદર્શિકા કેવી રીતે પૂર્ણ કરવી, કારણ કે તેમનાં સ્તનો હજુ પણ ભારે હતાં.
સરકાર શું કહે છે?
BMIને શરીરના સ્વાસ્થ્ય અથવા સ્થૂળતાનો માપદંડ ગણવો કે નહીં તેના વિશે એક દાયકાથી ચર્ચા ચાલે છે. ખાસ કરીને મેલિસા જેવું શરીર ધરાવતા લોકો માટે આ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે.
સેન્ટ એલેન હૉસ્પિટલ્સના સ્થાપક અને કૉસ્મેડિકેરના માલિક ગિલ બેયર્ડે જણાવ્યું હતું કે મેલિસા માપદંડો માટે લાયક ઠરે તો પણ, તેમને NHS હેઠળ સ્તન ઘટાડવાની સર્જરીની ગૅરંટી નહીં મળે.
તેમણે બીબીસી સ્કોટલૅન્ડને જણાવ્યું કે, "કોવિડ પહેલાંથી જ હજારો લોકો સર્જરીની રાહ જોઈ રહ્યા છે. હાલમાં NHS ફક્ત સૌથી ગંભીર કેસોની સારવાર કરી રહ્યું છે."
"NHSએ ઇમર્જન્સી કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. BMI તેમાંથી ઘણાને મર્યાદિત કરે છે. કારણ કે, તમે ગંભીર કેસો જુઓ, તો G, H અથવા M કદનાં સ્તનો ધરાવતી સ્ત્રીઓ માટે 30 કરતાં ઓછું BMI હોવું દુર્લભ છે."
સ્કોટિશ સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે સમજીએ છીએ કે લોકો માટે સ્તન ઘટાડાની સર્જરી માટે તબીબી રીતે યોગ્ય ઍક્સેસ હોવી મહત્ત્વપૂર્ણ છે. આ પારદર્શક અને પુરાવા આધારિત હોવું જોઈએ."
તેમણે કહ્યું કે, "દર્દીઓએ નૅશનલ રેફરલ પ્રોટોકૉલ (NRP)નું પાલન કરવું પડશે જે તબીબી નિષ્ણાતોની પૅનલ દ્વારા ઘડવામાં આવ્યા છે અને તેના પર સહમતી સધાઈ છે. આ નિયમો તબીબી સંશોધન પર આધારિત છે. તેનો હેતુ લોકોને રોકવાનો નથી, પરંતુ એ ખાતરી કરવાનો છે કે જેમને સર્જરીની જરૂર છે, તેઓ તે મેળવી શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન