જૂનો મોબાઇલ ખરીદવામાં શું જોખમ હોય છે? સાયબર ક્રાઇમ અંગે પાંચ મહત્ત્વપૂર્ણ સવાલના જવાબ

    • લેેખક, વિજયાનંદ અરુમુગમ
    • પદ, બીબીસી તમિલ સંવાદદાતા

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમે (ડીઓટી) ચેતવણી બહાર પાડતા કહ્યું છે, "મોબાઇલ ફોનના IMEI નંબર સાથે ચેડાં કરવાં એ દંડનીય અપરાધ છે તથા તેના માટે ટેલિકૉમ્યુનિકેશન્સ ઍક્ટ હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે."

ટેલિકૉમ મંત્રાલયે નાગરિકોને સંચારસાથી ઍપ ડાઉનલોડ કરીને નાગરિકોને સલાહ આપી છે કે તેમના મોબાઇલ ફોનનો IMEI નંબર બરાબર છે કે નહીં, તેની ખરાઈ કરે.

સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે જો મોબાઇલ ખરીદતી કે વેચતી વખતે પૂરતી સાવધાની ન રખાય, તો કાયદાકીય મુસીબતમાં ફસાઈ જવાની શક્યતા રહે છે.

ટેલિકૉમ વિભાગે અલગ-અલગ સંચાર સંબંધિત ગુનાઓ અને તેના માટે સજાની જોગવાઈઓ અંગે નાગરિકોને સાવધ કરતી પ્રેસ-રિલીઝ 24મી નવેમ્બરે બહાર પાડી હતી, જોકે, ચાલુ સપ્તાહના શરૂઆતમાં જ તે ચર્ચામાં આવી હતી.

IMEI નંબરની સમસ્યા

ટેલિકૉમ વિભાગનું કહેવું છે કે ભારતમાં મોબાઇલ ફોનનો વપરાશ અસામાન્ય રીતે વધી રહ્યો છે, તેની સાથે જ આઇએમઇઆઇ (ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબર સાથે ચેડાં થવાં એ ગંભીર સમસ્યા બની ગઈ છે.

મંત્રાલયનું કહેવું છે કે કેટલીક બાબતો વિશે કાળજી રાખીને વપરાશકર્તા તેની કેટલીક મુસીબતોથી બચી શકે છે :

  • IMEI નંબર સાથે ચેડા થયા હોય તેવા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ ન કરો
  • જેની મદદથી IMEI નંબર બદલી શકાય અથવા જેની સાથે ચેડાં થયાં હોય તેવાં મોડેમ, મૉડ્યુલ, સીમબૉક્સ જેવાં સાધનો ખરીદો કે વાપરો નહીં
  • બનાવટી દસ્તાવેજો, અન્ય કોઈ વ્યક્તિ તરીકેનો સ્વાંગ ધરીને કે છેતરપિંડીથી સિમ (સબસ્ક્રાઇબર આઇડેન્ટિફિકેશન મૉડ્યૂલ) કાર્ડ ન ખરીદો
  • પોતાના નામે સિમ કાર્ડ ખરીદીને બીજાને ટ્રાન્સફર કરવું કે સોંપવું નહીં, અન્યો દ્વારા તેનો દુરુપયોગ થઈ શકે છે. જો અન્ય વ્યક્તિ દ્વારા દુરુપયોગ થાય, તો પણ જે વ્યક્તિના નામે સિમ કાર્ડ હશે, તે જવાબદાર રહેશે.
  • કોલિંગ લાઇન આઇડેન્ટિટી કે અન્ય કોઈ સંચાર સંબંધિત ઓળખ સાથે ચેડાં કરે તેવી ઍપ્લિકેશન્સ કે વેબસાઇટનો ઉપયોગ કરવો નહીં.

બીએસએનએલ ઍમ્પલૉઇઝ યુનિયનના (ચેન્નાઇ સર્કલ) સ્ટેટ સેક્રેટરી શ્રીધર શ્રીધર સુબ્રમણ્યનનું કહેવું છે, "સાયબર ક્રાઇમમાં ભારે વધારાને કારણે મંત્રાલયે આ પ્રકારની ચેતવણી બહાર પાડી છે."

તેમનું કહેવું છે, "પહેલાં માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરીને સિમ કાર્ડ વેચવામાં આવતાં. હવે ફિંગરપ્રિન્ટ અને આધાર કાર્ડની ઉપયોગ કરીને સિમ કાર્ડ આપવામાં આવે છે, છતાં સાયબર ગુના વધી રહ્યા છે."

સાયબર ટૅક્નૉલૉજી ઍક્સપર્ટ અને વકીલ કાર્તિકેયનનું કહેવું છે કે દરેક સાયબર ક્રાઇમની શરૂઆત સિમ કાર્ડથી થાય છે.

તેમણે ઉમેર્યું, "સાયબર ક્રિમિનલ પોતાની ઓળખ છુપાવીને છેતરપિંડીપૂર્વક સિમ કાર્ડ મેળવે છે. દરેક મોબાઇલ ડિવાઇસને આગવો IMEI નંબર આપવામાં આવે છે, તે જાણે કે ફોનની ફિંગરપ્રિન્ટ છે. જ્યારે તેની સાથે ચેડાં કરવામાં આવે, ત્યારે ઉત્પાદકની વિગતો બદલી જાય છે."

કાર્તિકેયન કહે છે કે કેટલાક સાયબર ક્રિમિનલ પકડાય છે, ત્યારે તેમની પાસેથી જે મોબાઇલ ફોન મળી આવે છે, તે તથા ઉત્પાદકની મૂળ ડિટેઇલ્સમાં તફાવત હોય છે.

કાર્તિકેયન કહે છે, "બંને સરખા ન હોવાને કારણે ઘણી વખત સાયબર ક્રિમિનલ છૂટી જાય છે."

જૂના ફોન વેચવાનાં જોખમ

કાર્તિકેયન કહે છે, "મોબાઇલનો IMEI નંબર તથા જે વ્યક્તિના નામે સિમ કાર્ડ હોય, તે બંને એકબીજા સાથે 'ટૅગ' થઈ જાય છે."

કાર્તિકેયન કહે છે, "ફોનનો શક્ય એટલો વપરાશ કરો તથા બીજી વ્યક્તિને વેચવાનું ટાળો, કારણ કે જો સેલ ફોન વેચવામાં આવે, તો પણ તે મૂળ ખરીદનારના નામે જ નોંધાયેલો હોય છે. આથી, જો અન્ય કોઈ વ્યક્તિ ગુનો કરે, તો પણ મૂળ માલિકની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે."

જ્યારે જૂની કાર કે ટુ-વ્હીલર વેચીએ છીએ ત્યારે આરટીઓમાં (રિજિયનલ ટ્રાન્સપૉર્ટ ઑફિસ) નામ બદલવાની સવલત હોય છે, પરંતુ મોબાઇલ ફોન વેચતી વખતે નવા ડૉક્યુમેન્ટ્સ બનતા નથી.

કાર્તિકેયન સૂચવે છે, "વપરાયેલા મોબાઇલ ફોનની બજારકિંમત ખૂબ જ ઓછી હોય છે, ત્યારે અમુક હજાર રૂપિયા માટે શા માટે કાયદાકીય મુશ્કેલી વહોરી લેવી?"

IMEI નંબરની ખરાઈ કેવી રીતે કરવી?

ટેલિકૉમ વિભાગનું કહેવું છે કે સંચારસાથી વેબસાઇટ પરથી IMEI નંબરની વિગતોની ખરાઈ થઈ શકે છે.

મંત્રાલયે ઍપલ તથા ઍન્ડ્રોઇડ ફોન માટે સંચારસાથી મોબાઇલ ઍપ્લિકેશન પણ બનાવી છે.

કાર્તિકેયન કહે છે, "સાઇટ પર મોબાઇલ ફોન તથા IMEI (આઇએમઇઆઇ) નંબર રજિસ્ટર કરો. IMEI નંબરના આધારે તમને મોબાઇલ ફોન ઉત્પાદક તથા તેનાં મૉડલ વિશે વિગતો મળશે. મોબાઇલ ફોન સાથે સંબંધિત સિમ કાર્ડ સુસંગત છે કે નહીં, તે પણ જાણી શકાય છે."

કાર્તિકેયન કહે છે, "હાલમાં ડ્યૂઅલ સિમ કાર્ડવાળા મોબાઇલનું વ્યાપક ચલણ છે. સંચારસાથી વેબસાઇટ પર બંને સિમ કાર્ડનું રજિસ્ટ્રેશન કરાવીને ખરાઈ થઈ શકે છે."

"IMEI નંબર રજિસ્ટર કરાવો ત્યારે તમારા પ્રોડક્શન નંબર તથા સરકારી રેકૉર્ડ્સ વચ્ચે સમાનતા છે કે નહીં, તે ચકાસો. જો બંને સરખા ન હોય, તો નજીકના પોલીસ સ્ટેશને જઈને વિક્રેતા સામે ફરિયાદ નોંધાવો."

શ્રીધર સુબ્રમણ્યન કહે છે, "તમે જેને મોબાઇલ ફોન વેચો તેના દ્વારા જો કોઈ ગુનો આચરવામાં આવે, તો જ તમારી મુશ્કેલીઓ વધી શકે છે."

મોબાઇલ ફોન ખોવાઈ જાય તો?

જો તમારો મોબાઇલ ફોન ખોવાઈ કે ચોરાઈ જાય તો સંચારસાથી વેબસાઇટ અને ઍપ્લિકેશનની મદદથી તમે તેના IMEI નંબરને બિનઉપયોગી (ડિસેબલ) કરી શકો છો.

સંચારસાથી વેબસાઇટનું કહેવું છે કે જ્યારે તેમને ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલ ફોન વિશે માહિતી મળે છે, એટલે તેઓ તત્કાળ કાર્યવાહી કરે છે.

સંચારસાથી વેબસાઇટ પર બ્લૉક કરવામાં આવેલા મોબાઇલ ફોન, પોતાના નામે કેટલા મોબાઇલ ફોન નોંધાયાલા છે, તથા મોબાઇલ ફોન ફ્રૉડ માટે કેટલી અરજીઓ મળી અને તેમાંથી કેટલાની ઉપર કામ થયું, તેના વિશે વિગતો આપવામાં આવી છે.

જો ખોવાયેલો ફોન મળી જાય તો સંચારસાથી વેબસાઇટ ઉપર IMEI નંબરને અનબ્લૉક કરવાની પણ સવલત છે.

કાર્તિકેયનનું કહેવું છે, "જો તમારો મોબાઇલ ફોન ખોવાઈ જાય અને તમારી પાસે તેના IMEI નંબર વિશે માહિતી ન હોય, તો નજીકના પોલીસ સ્ટેશને જઈને તમારો મોબાઇલ ફોન નંબર આપો. તેઓ તમારો IMEI નંબર મેળવી આપશે."

કેટલી સજાની જોગવાઈ?

ટેલિકૉમ મંત્રાલયની પ્રેસ-રિલીઝમાં જણાવ્યા મુજબ, IMEI નંબર સાથે ચેડા, ટેલિકૉમ સાધનો ખરીદવા માટે કોઈ બીજાની ઓળખનો ઉપયોગ કરવો, વગેરે જેવી બાબતો દંડનીય અપરાધ છે. કેટલીક કાયદાકીય જોગવાઈઓ આ મુજબ છે:

  • ઇન્ડિયન ટેલિકૉમ્યુનિકેશન્સ ઍક્ટ-2025ની કલમ (42(3)(સી) મોબાઇલ ફોનના IMEI નંબર સાથે છેડછાડ ન થઈ શકે
  • સેક્શન 42(3)(ઇ) મુજબ, ફ્રૉડ દ્વારા, ખોટી રજૂઆત કરીને કે અન્ય કોઈનો સ્વાંગ લઈને સિમ કાર્ડની ખરીદી ન કરવી.
  • સેક્શન 42(3)(એફ) મુજબ, IMEI નંબર કે ટેલિકૉમ્યુનિકેશન આઇડેન્ટિટી સાથે ચેડા કરતા મોબાઇલ ફોન, મોડેમ કે સિમ બૉક્સ (જેમાં એકસાથે અનેક સિમકાર્ડનો ઉપયોગ થઈ શકે) કરવો એ દંડનીય અપરાધ છે.
  • સેક્શન 42 (7)ની જોગવાઈઓ મુજબ, આવા ગુના માટે રૂ. 50 લાખ સુધીનો દંડ, ત્રણ વર્ષ સુધીની જેલની સજા અથવા બંને થઈ શકે છે. સેક્શન 42 (6)ની જોગવાઈ મુજબ, આવા ગુના આચરવા માટે પ્રોત્સાહિત કરનાર કે દુષ્પ્રેરણા આપનારને પણ એટલી જ સજા થઈ શકે છે.

કાર્તિકેયનનું કહેવું છે કે, 'ગુનો આચરવા તથા તેના માટે પ્રોત્સાહન આપવા બદલ સરખી સજા છે. ગુનેગારને ત્રણ વર્ષ સુધીની જેલ કે રૂ. 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે અને જો ગુનો ગંભીર હોય, તો બંને સાથે થઈ શકે છે.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન