જે બાળકો મોબાઇલમાં રચ્યાં-પચ્યાં રહે છે તેમનાં મગજ પર કેવી અસર થાય છે?

    • લેેખક, જો ક્લેઇનમૅન
    • પદ, ટૅક્નૉલૉજી ઍડિટર

એક દિવસ હું ઘરનાં કેટલાંક કામો કરી રહી હતી ત્યારે મેં મારા નાના સંતાનને વ્યસ્ત રાખવા માટે તેના પિતાનું આઈપેડ આપ્યું હતું, પરંતુ થોડા સમય પછી મેં અચાનક અસ્વસ્થતા અનુભવી. મારા બાળકે કેટલો સમય આઈપેડ વાપર્યું હતું અથવા તેણે તેના પર શું જોયું હતું તેના પર મેં ધ્યાન આપ્યું ન હતું. તેથી મેં તેને કહ્યું હતું કે હવે બહુ થયું. બસ.

મારું બાળક એકદમ રોષે ભરાયું. તેણે લાતો મારી. બૂમાબૂમ કરી, આઈપેડ જકડી રાખ્યું અને પાંચ વર્ષથી ઓછી વયનું ગુસ્સે થયેલું બાળક જેટલી શક્તિથી પ્રયાસ કરે એટલા પ્રયાસ તેણે મને તેનાથી દૂર ધકેલવા માટે કર્યા.

મારે સ્વીકારવું જોઈએ કે વાલી તરીકે એ મારા માટે સારી બાબત ન હતી અને તેની આકરી પ્રતિક્રિયાથી હું પરેશાન થઈ ગઈ હતી.

મારાં મોટાં સંતાનો સોશિયલ મીડિયા, વર્ચ્યુઅલ રિયાલિટી અને ઑનલાઈન ગેમિંગમાં વ્યસ્ત રહેતાં હોય છે.

ક્યારેક મને તેની પણ ચિંતા થાય છે. ટૅક્નૉલૉજીથી ડિસ્કનેક્ટ થઈને ઘરની બહાર નીકળવાની જરૂરિયાતની વાત કરું ત્યારે તેઓ પણ ચિડાઈ જાય છે.

ઍપલ કંપનીએ આઈપેડ લૉન્ચ કર્યું ત્યારે સ્ટીવ જોબ્સ તેના સીઈઓ હતા. તેઓ પણ તેમનાં સંતાનોને આઈપેડનો ઉપયોગ કરવા દેતા ન હતા.

બિલ ગેટ્સે કહ્યું હતું કે તેમણે તેમનાં સંતાનોની ટૅક્નૉલૉજી સુધીની પહોંચ મર્યાદિત કરી દીધી હતી.

સ્ક્રીન ટાઇમ ખરાબ બાબતનો પર્યાય બની ગયો છે. તે યુવા લોકોમાં ડિપ્રેશનમાં વધારો, વર્તણૂક સંબંધી સમસ્યાઓ અને ઊંઘની અછત માટે જવાબદાર છે.

પ્રખ્યાત ન્યૂરોસાયન્ટિસ્ટ બેરોનેસ સુસાન ગ્રીનફિલ્ડે તો ત્યાં સુધી કહ્યું હતું કે ઇન્ટરનેટનો ઉપયોગ અને કમ્પ્યૂટર ગેઇમ્સ કિશોરવયનાં બાળકોનાં મગજને નુકસાન પહોંચાડી શકે છે.

તેમણે 2013માં લાંબા સ્ક્રીન ટાઇમની નકારાત્મક અસરોની તુલના આબોહવા પરિવર્તનના પ્રારંભિક દિવસો સાથે કરી હતી. ક્લાયમેટ ચેન્જનો પ્રારંભ એક નોંધપાત્ર પરિવર્તન હતું, પણ લોકો તેને ગંભીરતાથી લેતા ન હતા.

ઘણા લોકો હવે તેને વધુ ગંભીર ગણી રહ્યા છે, પરંતુ તેની ખરાબ બાજુ વિશેની ચેતવણી હજુ પણ કદાચ અપૂરતી છે.

બ્રિટિશ મેડિકલ જર્નલના એક તંત્રીલેખમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મગજ સંબંધી બેરોનેસ ગ્રીનફિલ્ડના દાવા "પુરાવાના વાજબી વૈજ્ઞાનિક મૂલ્યાંકન પર આધારિત નથી અને તે માતાપિતા તથા મોટાભાગના લોકોને ગેરમાર્ગે દોરે છે."

હવે યુનાઇટેડ કિંગ્ડમના વિજ્ઞાનીઓના બીજા જૂથે દાવો કર્યો છે કે સ્ક્રીનના ગેરફાયદા વિશેના નક્કર વૈજ્ઞાનિક પુરાવાનો અભાવ છે.

તેથી સવાલ થાય કે આપણે બાળકોની અને ટેબ્લેટ તથા સ્માર્ટફોન સુધીની તેમની પહોંચ મર્યાદિત કરવાની ચિંતા ખોટી રીતે કરી રહ્યા છીએ?

શું તે ખરેખર બહુ ખરાબ છે?

પુરાવાના અભાવની દલીલ કરતા વિજ્ઞાનીઓના જૂથમાં બાથ સ્પા યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર પીટ ઍચેલ્સનો સમાવેશ થાય છે.

પીટ ઍચેલ્સે સ્ક્રીન ટાઇમ અને માનસિક સ્વાસ્થ્ય વિશેના સેંકડો અભ્યાસોનું વિશ્લેષણ કર્યું છે. તેમણે યુવા લોકો અને તેમની સ્ક્રીન હેબિટ્સ વિશે મોટા પ્રમાણમાં માહિતી મેળવી છે.

તેમના પુસ્તક 'અનલૉક્ડઃ ધ રિયલ સાયન્સ ઑફ સ્ક્રીન ટાઇમ'માં તેઓ દલીલ કરે છે કે સમાચારમાં મથાળા બનતા નિષ્કર્ષ પાછળનું વિજ્ઞાન ગૂંચવણભર્યું છે અને ઘણા કિસ્સામાં ખામીયુક્ત છે.

તેઓ લખે છે, "સ્ક્રીન ટાઇમનાં ભયંકર પરિણામ વિશેની કથાઓને સમર્થન આપતા કોઈ નક્કર પુરાવા નથી."

અમેરિકન સાયકોલૉજી ઍસોસિયેશન દ્વારા 2021માં પ્રકાશિત કરવામાં આવેલા સંશોધનમાં પણ આવી જ વાત કહેવામાં આવી હતી.

વિશ્વભરની વિવિધ યુનિવર્સિટીઓના 14 લેખકોએ 2015 અને 2019 વચ્ચે પ્રકાશિત થયેલા 33 અભ્યાસોનું વિશ્લેષણ કર્યું હતું.

તેમને જાણવા મળ્યું હતું કે સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને વીડિયો ગેઇમ્સ સહિતના સ્ક્રીન યુઝની "માનસિક સ્વાસ્થ્ય સંબંધી ચિંતામાં ઓછી ભૂમિકા હતી."

કેટલાક અભ્યાસો સૂચવે છે કે મોબાઇલ કે કમ્પ્યૂટર સ્ક્રીન દ્વારા ઉત્સર્જિત બ્લૂ લાઇટને કારણે એ ઉપકરણોથી દૂર થવાનું મુશ્કેલ બને છે, કારણ કે તે મેલાટોનિન નામના હૉર્મોનને દબાવી દે છે.

સૂવાના એક કલાક પહેલાં મોબાઇલ ફોનની સ્ક્રીન લાઇટને કારણે ઊંઘવાનું મુશ્કેલ બની જતું હોવાના કોઈ પુરાવા ન મળ્યા હોવાનું વિશ્વભરના 11 અભ્યાસોની 2024માં કરાયેલી સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું.

વિજ્ઞાનની સમસ્યાઓ

પ્રોફેસર ઍચેલ્સ જણાવે છે કે, "એક મોટી સમસ્યા સ્ક્રીન ટાઇમ વિશેનો મોટાભાગનો "સેલ્ફ-રિપોર્ટિંગ" પર આધારિત ડેટા છે."

"બીજા શબ્દોમાં કહીએ તો સંશોધકો ફક્ત યુવા લોકોને પૂછે છે કે તેઓ સ્ક્રીન પર કેટલો સમય વિતાવે છે અને તેનાથી તેમને કેવો અનુભવ થાય છે."

તેઓ એવી દલીલ પણ કરે છે કે આવા જંગી ડેટાનું અર્થઘટન કરવાની લાખો રીતો છે. "આપણે સહસંબંધ સ્થાપવાની બાબતમાં સાવચેત રહેવું પડે."

તેઓ ઉનાળામાં આઇસક્રીમના વેચાણ અને ત્વચાના કૅન્સરનાં લક્ષણો, એમ બંનેમાં થતા નોંધપાત્ર આંકડાકીય વધારાનું ઉદાહરણ આપે છે. આ બંનેને ગરમ હવામાન સાથે સંબંધ છે, પણ એકબીજા સાથે નથી. ત્વચાના કૅન્સરનું કારણ આઇસક્રીમ નથી.

તેઓ જીપી દ્વારા પ્રેરિત એક રિસર્ચ પ્રોજેક્ટને પણ યાદ કરે છે. એ પ્રોજેક્ટમાં બે બાબતની નોંધ લેવામાં આવી હતીઃ પ્રથમ, તેમણે યુવા લોકો સાથે ડિપ્રેશન અને ઉચાટ વિશે વધુ વાતચીત કરી હતી અને બીજું, ઘણા યુવા લોકો વેઇટિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરતા હતા.

તેઓ સમજાવે છે, "તેથી અમે ડૉક્ટર્સ સાથે કામ કર્યું હતું અને કહ્યું હતું કે ઓકે, ચાલો આપણે આનું પરીક્ષણ કરીએ. આપણે આ ડેટાનો ઉપયોગ પ્રસ્તુત સંબંધને સમજવાના પ્રયાસ માટે કરીએ."

બંને એકમેકની સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમાં એક મહત્ત્વપૂર્ણ, વધારાનું પરિબળ – હતાશ અથવા ચિંતિત લોકો એકલા કેટલો સમય વિતાવતા હતા, એ પણ હતું.

અભ્યાસ આખરે સૂચવવામાં આવ્યું હતું કે વાસ્તવમાં સ્ક્રીન ટાઇમને બદલે એકલતા એ લોકોના માનસિક સ્વાસ્થ્ય સંઘર્ષને આગળ ધપાવતી હતી.

'ડૂમસ્ક્રૉલિંગ' શું છે?

પ્રોફેસર ઍચેલ્સ દલીલ કરે છે કે સ્ક્રીન ટાઇમની પ્રકૃતિ વિશેની વિગતો પૂરતી નથી. આ શબ્દ ખૂબ જ અસ્પષ્ટ છે.

તેનાથી સ્ક્રીન ટાઇમમાં વધારો થાય છે? શું તે ઉપયોગી હતો? માહિતીપ્રદ હતો કે પછી તે "ડૂમસ્ક્રૉલિંગ" હતું? યુવા વ્યક્તિ એકલી હતી કે તે દોસ્તો સાથે ઑનલાઇન વાતચીત કરતી હતી?

દરેક પરિબળ એક અલગ અનુભવ દર્શાવે છે.

અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમના સંશોધકોએ હાથ ધરેલા એક અભ્યાસમાં નવથી બાર વર્ષની વયનાં બાળકોનાં 11,500 બ્રેઇન સ્કૅન, આરોગ્ય મૂલ્યાંકન અને તેમના સેલ્ફ-રિપોર્ટેડ સ્ક્રીન ટાઇમનો ઉપયોગની વિગતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સ્ક્રીન ટાઇમના ઉપયોગની પૅટર્ન, મગજનાં ક્ષેત્રોનાં જોડાણમાં થતા ફેરફાર સાથે સંકળાયેલી હતી, જ્યારે સ્ક્રીન ટાઇમને નબળી માનસિક સુખાકારી અથવા જ્ઞાનાત્મક સમસ્યાઓ સાથે કોઈ સંબંધ હોય તેવા કોઈ પુરાવા મળ્યા ન હતા.

દિવસમાં કલાકો સુધી સ્ક્રીનનો ઉપયોગ કરતા લોકોમાં પણ એવા પુરાવા મળ્યા ન હતા.

2016થી 2018 સુધી ચાલેલા આ અભ્યાસનું સુપરવિઝન ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રૂ પ્રઝીબિલ્સ્કીએ કર્યું હતું.

તેમણે વીડિયો ગેઇમ્સ અને સોશિયલ મીડિયાની માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરનો અભ્યાસ કર્યો છે. તેમના સમોવડિયાઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી તે અભ્યાસો સૂચવે છે કે વાસ્તવમાં તે સુખાકારીને નુકસાન કરવાને બદલે તેમાં વધારો કરી શકે છે.

પ્રોફેસર ઍચેલ્સ કહે છે, "સ્ક્રીન્સ મગજને વધુ ખરાબ કરે છે એવું તમે માનતા હો તો તેના સંકેતો આવા મોટા ડેટામાં જોવા મળે, પરંતુ એવું થતું નથી. તેથી મોબાઇલ ફોનનો ઉપયોગ મગજને ખરાબ કરે છે તે વિચાર સાચા લાગતો નથી."

કાર્ડિફ યુનિવર્સિટીના બ્રેઇન સ્ટીમ્યુલેશનના વડા ક્રિસ ચૅમ્બર્સ દ્વારા પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે.

પ્રોફેસર ઍચેલ્સને પુસ્તકમાં તેમને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે "નુકસાન થતું હોય તો સ્પષ્ટ હોય."

"છેલ્લાં 15 વર્ષના સંશોધનના આધારે એવું કહી શકાયું હોત. આપણી જ્ઞાનાત્મક પ્રણાલી પર્યાવરણમાં થતા ફેરફારો સામે ઝીંક ઝીલી શકે એવી ન હોત તો આપણે અહીં ન હોત. આપણે ઘણા સમય પહેલાં લુપ્ત થઈ ગયા હોત."

માનસિક સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે?

પ્રોફેસર પ્રઝીબિલ્સ્કી કે પ્રોફેસર ઍચેલ્સ બંનેમાંથી કોઈ હાનિકારક સામગ્રીના ઑનલાઇન સંપર્કથી થતા ગંભીર નુકસાનનો વિરોધ કરતા નથી, પરંતુ બંને દલીલ કરે છે કે સ્ક્રીન ટાઇમ સંબંધી વર્તમાન ચર્ચા તેને વકરાવી શકે છે.

ઉપકરણોને મર્યાદિત કરવાની અથવા તેના પર પ્રતિબંધ મૂકવાની દલીલોથી પ્રોફેસર પ્રઝીબિલ્સ્કી ચિંતિત છે. તેઓ માને છે કે સ્ક્રીન ટાઇમને જેટલો કડક રીતે નિયંત્રિત કરવામાં આવશે, એટલો જ તેમાં વધારો થઈ શકે છે.

ઘણા લોકો આ વાત સાથે અસંમત છે. સ્માર્ટફોન ફ્રી ચાઇલ્ડહૂડ નામનું યુનાઇટેડ કિંગ્ડમનું એક ઝુંબેશ સંગઠન કહે છે કે 14થી ઓછી વયનાં બાળકોના સ્માર્ટફોનના વપરાશ પર પ્રતિબંધ મૂકવાના અને બાળકો 16 વર્ષનાં ન થાય ત્યાં સુધી તેમને સોશિયલ મીડિયાનું ઍક્સેસ ન આપવાના સંગઠનના કરાર પર અત્યાર સુધીમાં દોઢ લાખ લોકોએ હસ્તાક્ષર કર્યા છે.

સાન ડિએગો યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાનના પ્રોફેસર જીન ટ્વેન્જેએ મને જણાવ્યું હતું કે તેમણે અમેરિકામાં કિશોર વયનાં બાળકોમાં વધતા ડિપ્રેશનના પ્રમાણ બાબતે સંશોધન શરૂ કર્યું ત્યારે તેમનો હેતુ સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન "ભયંકર" છે, એવું પૂરવાર કરવાનો ન હતો, પરંતુ તેમને આ એકમાત્ર સમાનતા મળી હતી.

આજે તેઓ માને છે કે બાળકોને સ્ક્રીનથી દૂર રાખવા એ કોઈ મુશ્કેલ કામ નથી અને તેઓ માતાપિતાને આગ્રહ કરી રહ્યાં છે કે તમારાં સંતાનોને સ્માર્ટફોનથી શક્ય તેટલાં દૂર રાખો.

તેઓ એવી દલીલ કરે છે કે "(બાળકોનું) મગજ 16 વર્ષની વયે વધારે વિકસિત અને પરિપકવ હોય છે. 16 વર્ષની વયે સ્કૂલ અને દોસ્તોમાં સામાજિક માહોલ 12 વર્ષની વયની સરખામણીએ વધારે સ્થિર હોય છે."

યુવા લોકોના સ્ક્રીન યુઝ વિશે એકત્રિત કરવામાં આવેલી મોટાભાગની માહિતી સેલ્ફ-રિપોર્ટેડ હોવાની વાત સાથે તેઓ સંમત થાય છે. સાથે એવી દલીલ પણ કરે છે કે તેનાથી પુરાવા નબળા પડતા નથી.

89 પરિવારોનાં 181 બાળકોને આવરી લેતા એક અભ્યાસનાં તારણો 2024માં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.

એ પૈકીનાં અડધાં બાળકોનો સ્ક્રીન ટાઇમ સપ્તાહના ત્રણ કલાક સુધી બે અઠવાડિયા માટે મર્યાદિત રાખવામાં આવ્યો હતો.

તેમની પાસેથી તેમનાં ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન્સ લઈ લેવામાં આવ્યાં હતાં. આ પ્રયોગમાંથી એવું તારણ નીકળ્યું હતું કે સ્ક્રીન મીડિયામાં ઘટાડો કરવાથી "નાનાં અને કિશોર વયનાં બાળકો પર હકારાત્મક માનસિક અસર જોવા મળી હતી."

આ સિવાય તેમના સામાજિક વર્તનમાં સુધારો થયો હતો." જોકે, આ સંદર્ભે વધુ સંશોધન જરૂરી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું."

યુનાઇટેડ કિંગ્ડમમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં સહભાગીઓને તેમના સ્ક્રીન ટાઇમની નોંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે છોકરીઓમાં સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગને કારણે તેમની હતાશામાં વધારો થયો હતો.

પ્રોફેસર ટ્વેન્જ કહે છે, "ફૉર્મ્યુલા આવી બને છેઃ સામાન્ય રીતે એકલા હો, ઓછું ઊંઘતા હો, દોસ્તો સાથે ઓછો સમય પસાર કરતા હો અને વધારે સમય ઑનલાઇન રહો તે માનસિક આરોગ્ય માટે બહુ જોખમી છે."

"આ બાબતે આટલો વિવાદ શા માટે છે એ હું સમજી શકતો નથી."

માતાપિતાની ચિંતા

હું અને પ્રોફેસર ઍચેલ્સ વીડિયો ચૅટ દ્વારા વાતચીત કરતા હતાં ત્યારે તેમનું એક સંતાન તથા તેમનો શ્વાન અંદર-બહાર આવતા રહ્યા હતા. મેં તેમને સવાલ કર્યો હતો કે શું સ્માર્ટફોન સ્ક્રીન બાળકોને મગજની નવરચના કરી રહ્યો છે? તેમણે હસીને સમજાવ્યું હતું કે મગજમાં ફેરફાર થાય છે અને માણસ આ રીતે જ શીખે છે.

નિરંકુશ સ્ક્રીન ટાઇમને થતા નુકસાન સંબંધી માતાપિતાના ડર પ્રત્યે તેઓ સ્પષ્ટ સહાનુભૂતિ ધરાવે છે.

બહુ ઓછું સ્પષ્ટ માર્ગદર્શન હોવાને કારણે માતાપિતાને કોઈ મદદ મળતી નથી. વળી આ વિષય પૂર્વગ્રહ તથા ધારણાઓથી છલોછલ પણ છે.

મિશિગન યુનિવર્સિટીના બાળરોગ નિષ્ણાત એન્ની રેડેસ્કી દાના ફાઉન્ડેશનમાં બોલતાં આ વાતનો સારાંશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, "માતાપિતાઓમાં વધુને વધુ ધારણાયુક્ત ચર્ચા ચાલી રહી છે."

તેમણે કહ્યું હતું, "લોકો જે વાતો કરી રહ્યા છે તે, સંશોધનનું તારણ શું છે તે જણાવવાને બદલે માતાપિતામાં અપરાધભાવનાને પ્રેરિત કરે છે અને તે ખરી સમસ્યા છે."

મારા સૌથી નાના સંતાન પાસેથી આઇપેડ લઈ લીધું ત્યારે તેણે જે ગુસ્સો કર્યો હતો તેનાથી મને ચિંતા થઈ હતી, પરંતુ એ બાબતે વિચાર્યું ત્યારે મેં સ્ક્રીન સિવાયની પ્રવૃત્તિઓમાં એવી જ લાગણી અનુભવી હતી. જેમ કે, મારું નાનું સંતાન તેના ભાઈઓ સાથે સંતાકૂકડી રમતું હતું ત્યારે પણ તે ઊંઘી જવા રાજી ન હતું.

અન્ય માતાપિતાઓ સાથેની મારી વાતચીતમાં પણ સ્ક્રીન ટાઇમનો મુદ્દો અનેક વખત આવ્યો હતો. આપણે પૈકીના કેટલાક એ બાબતે અન્યો કરતા વધારે કડક હોઈએ છીએ.

હાલમાં કોઈ સત્તાવાર સલાહ આપવામાં આવતી નથી. અમેરિકન ઍકેડમી ઑફ પીડિયાટ્રિક્સ કે યુનાઇટેડ કિંગ્ડમની રૉયલ કૉલેજ ઑફ પીડિયાટ્રિક્સ અને ચાઇલ્ડ હેલ્થ બાળકો માટે કોઈ ચોક્કસ સમય મર્યાદાની ભલામણ કરતા નથી.

દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને એક વર્ષથી ઓછી વયનાં બાળકો માટે શૂન્ય સ્ક્રીન ટાઇમનું અને ચાર વર્ષથી ઓછી વયનાં બાળકો માટે દરરોજ વધુમાં વધુ એક કલાકનો સ્ક્રીન ટાઇમ રાખવાનું સૂચન કર્યું છે. (જોકે, નીતિનો હેતુ શારીરિક પ્રવૃત્તિને અગ્રતા આપવાનો છે)

અહીં મોટી સમસ્યા એ છે કે ચોક્કસ ભલામણ કરવા માટે પૂરતો વૈજ્ઞાનિક આધાર નથી અને એ કારણે વૈજ્ઞાનિક સમુદાયમાં ભિન્નમત પ્રવર્તે છે. બાળકોનાં ઍક્સેસ મર્યાદિત કરવા જોરદાર સામાજિક દબાણ હોવા છતાં આ સ્થિતિ છે.

કોઈ નિર્ધારિત ગાઇડલાઇન્સ નથી ત્યારે સવાલ થાય કે આપણે પુખ્ત થતાં પહેલાં જ ટૅક્નૉલૉજીના જાણકાર બની જતાં બાળકો માટે અને જાણકાર ન હોવાને કારણે વધારે અસલામત હોય તેવાં બાળકો માટે અયોગ્ય ધોરણ બનાવી રહ્યા છીએ?

ઘણુંબધું દાવ પર લાગેલું છે. મોબાઇલ કે ટેબ્લેટ સ્ક્રીન્સ બાળકોને ખરેખર નુકસાન કરી રહ્યાં હોય તો તેને સમજવામાં અને સાબિત કરવામાં વિજ્ઞાનને વર્ષો જશે.

વાસ્તવમાં આવું નથી, એવો નિષ્કર્ષ અંતે નીકળશે ત્યાં સુધીમાં આપણાં ઊર્જા અને પૈસા બરબાદ થઈ ગયા હશે. આ પ્રક્રિયામાં બાળકોને કોઈ એવી ચીજથી દૂર રાખવાના પ્રયાસો થશે, જે તેમના માટે અત્યંત ઉપયોગી પણ હોઈ શકે.

આ બધાની વચ્ચે સ્ક્રીન્સે હવે ચશ્માનું સ્વરૂપ લીધું છે, સોશિયલ મીડિયા નાના-નાના સમુદાયો પૂરતું મર્યાદિત થઈ રહ્યું છે અને લોકો હોમવર્ક કે થેરપી માટે એઆઈ ચૅટબોટ્સનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આપણે આપણાં સંતાનોને તેના સુધી પહોંચવા દઈએ કે નહીં, પરંતુ આપણા જીવનમાં પહેલાંથી જ મોજુદ ટૅક્નૉલૉજી ઝડપભેર વિકસી રહી છે.

ચિત્રાંકન : જોડી લાઈ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન