ડૉલરની સામે રૂપિયો 90ને પાર, ભારતીય રૂપિયો કેમ ઘસાતો જાય છે?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વાસ્તવિક જીડીપી દર 8.2 ટકા રહ્યો છે.

એક તરફ ભારતના આર્થિક વિકાસના આ આંકડા છે, બીજી તરફ ભારતીય રૂપિયામાં સતત ઘટાડો જારી છે. અમેરિકન ડૉલરનો ભાવ લગભગ 90 રૂપિયા સુધી પહોંચવાની તૈયારીમાં છે.

પહેલી ડિસેમ્બર 2025, સોમવારે ભારતીય રૂપિયો સાધારણ ઘટાડા સાથે ડૉલરની તુલનામાં 89.63ના સ્તરે હતો.

ગત નાણાકીય વર્ષમાં ડૉલરની તુલનામાં રૂપિયાનો નીચો સ્તર 84.22 રૂપિયા પ્રતિ ડૉલર હતો, જ્યારે પાંચ વર્ષ અગાઉ જાન્યુઆરી 2021માં ડૉલરનો ભાવ 72 રૂપિયા હતો. છેલ્લાં પાંચ વર્ષમાં યુએસ ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો સતત ઘટતો જાય છે, જ્યારે ભારતીય અર્થતંત્રનો વિકાસદર સારો રહ્યો છે અને દુનિયાના બીજા ઘણા દેશોની તુલનામાં 'બહેતર' રહ્યો છે.

તાજેતરમાં ભારતે પોતાના વર્ષ 2023ના અંદાજિત જીડીપીને 7.3 ટ્રિલિયન અમેરિકન ડૉલર ગણાવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ)એ ભારતના જીડીપી અને નૅશનલ એકાઉન્ટ્સ, એટલે કે આંકડાને 'સી' રેટિંગ આપ્યું અને ભારતીય આંકડાની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યો હતો.

આઈએમએફ ચાર શ્રેણીમાં ડેટાને વિભાજિત કરે છે. 'સી ગ્રેડ'નો અર્થ એવો થયો કે ડેટામાં કેટલીક ખામીઓ છે અને મૉનિટરિંગની પ્રક્રિયાને અમુક હદ સુધી અસર પાડે છે. 26 નવેમ્બરે જારી થયેલા એક રિપોર્ટમાં આઈએમએફે ભારતને 'સી ગ્રેડ' આપ્યો હતો.

નિષ્ણાતોને એ વાતને લઇને પણ આશ્ચર્ય છે કે 8.2 ટકા વિકાસદરનો આંકડો આવવા છતાં ભારતીય શૅરબજારમાં જેની અપેક્ષા રાખવામાં આવતી હતી તેવો ઉત્સાહ દેખાયો નથી. જ્યારે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો.

રૂપિયામાં ઘટાડાની કેવી અસર થઈ?

નાણાકીય વર્ષ 2025-26માં ભારતીય રૂપિયો ડૉલરની તુલનામાં 6.19 ટકા ઘટી ચૂક્યો છે, જ્યારે છેલ્લા એક મહિનામાં આ ઘટાડો 1.35 ટકા રહ્યો છે. હાલમાં રૂપિયામાં ડૉલરની તુલનાએ સૌથી ઝડપી ઘટાડો થયો છે. આ રીતે જોતા રૂપિયો એ એશિયામાં 'સૌથી નબળું ચલણ' બની ગયું છે.

જેએનયુમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અરુણકુમાર માને છે કે રૂપિયાનો ઘટાડો દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય અર્થતંત્રની શાખ નબળી પડી રહી છે.

વ્યાપાર ખાધ, વિદેશ રોકાણ બહાર ખેંચાઈ જવું (આંકડા પ્રમાણે 16 અબજ ડૉલરથી વધારે ઇક્વિટી આઉટફ્લૉ નોંધાયો છે) અને અમેરિકા-ભારત વ્યાપાર સંધિમાં થયેલો વિલંબ આનું કારણ છે.

પ્રોફેસર અરુણકુમાર કહે છે, "રૂપિયાનો ઘટાડો એ ભારતની આંતરરાષ્ટ્રીય શાખ અને આર્થિક સ્થિતિનો સંકેત છે, જે આયાત-નિકાસ, મૂડીપ્રવાહ અને અમેરિકન ટેરિફથી અસર પામે છે. ટ્રમ્પના ઊંચા ટેરિફના કારણે આપણી નિકાસને અસર થઈ છે. તેનાથી કરન્ટ એકાઉન્ટ ખરાબ થયું છે અને એફડીઆઈ બહાર જવા લાગી છે. આ બધાના કારણે રૂપિયો નબળો પડતો જાય છે."

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાઇનાન્સનાં અર્થશાસ્ત્રી યામિની અગ્રવાલ માને છે કે ભારતનો જીડીપી ગ્રોથ વધવો અને રૂપિયો નબળો પડવો, તે બંને ઘટનાને એક સાથે જોવું એ યોગ્ય આકલન નથી.

યામિની કહે છે, "ડૉલરની તુલનામાં રૂપિયાની કિંમત આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ અને સપ્લાય પર નિર્ભર છે. આ ડિસેમ્બર મહિનો ચાલે છે અને બૅલેન્સ શીટ જોવામાં આવે છે કારણ કે આંતરરાષ્ટ્રીયસ્તરે આ ક્લોઝિંગનો સમય છે. આવામાં ભારતીમાં ઘણા વિદેશી રોકાણકારો અને બીજા ઇન્વેસ્ટરો નફાવસૂલી કરે છે જેથી તેઓ પોતાના દેશમાં પોતાની બૅલેન્સ શીટને મજબૂત દેખાડી શકે. આ મહિનામાં ભારે ખરીદ-વેચાણ થાય છે, તેની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાની કિંમત પર પડે છે."

પ્રોફેસર અરુણકુમાર કહે છે કે રૂપિયો નબળો પડવાની અસર ભારતમાં સ્થાનિક બજાર પર પણ પડી શકે છે. "તે એટલા માટે ચિંતાની વાત છે કારણ કે રૂપિયો ઘટવાથી આપણી નિકાસ તો વધશે પરંતુ આયાત મોંઘી પડશે. તેનાથી મોંઘવારી વધી શકે છે."

તેઓ કહે છે, "ભારતની કૅપિટલ એફડીઆઈ અથવા એફઆઈઆઈ વગેરેમાં હોય તો તેની અસર આપણાં અર્થતંત્ર અને સ્ટૉકમાર્કેટ પર પડશે."

"અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર ઘણી વાતો નિર્ભર કરે છે. કારણ કે ટ્રમ્પની નીતિઓ આંતરરાષ્ટ્રીય બિઝનેસને અસર કરી રહી છે. તેનાથી ભારતના બૅલેન્સ ઑફ પેમેન્ટને અસર થાય તો રૂપિયાની કિંમત હજુ વધારે ઘટી શકે છે."

જીડીપી વિકાસદર વધુ સારો સંકેત?

ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈથી સપ્ટેમ્બર)માં 8.2 ટકાનો વાસ્તવિક જીડીપી ગ્રોથ નોંધાવ્યો હતો, જે અપેક્ષા કરતાં ઘણો વધુ હતો. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથનો આંકડો 5.6 ટકા હતો. છેલ્લા છ મહિનામાં આ સૌથી તેજ વધારો છે.

જોકે, આ દરમિયાન નૉમિનલ જીડીપી દર 8.7 ટકા રહ્યો હતો. વાસ્તવિક જીડીપી દર અને નૉમિનલ જીડીપી દર વચ્ચે વર્ષ 2020 પછી આ સૌથી પાતળો તફાવત છે.

ક્રિસિલ (ક્રૅડિટ રેટિંગ ઇન્ફૉર્મેશન સર્વિસિસ ઑફ ઇન્ડિયા લિમિટેડ)ના મુખ્ય અર્થશાસ્ત્રી ડી. કે. જોશી કહે છે, "બીજા ક્વાર્ટરમાં ભારતનો વૃદ્ધિદર 8.2 ટકા રહ્યો જે અપેક્ષા કરતાં ઘણો સારો છે. તેનું મુખ્ય કારણ ખાનગી વપરાશમાં થયેલો વધારો છે. ખાદ્યાન્ન ફુગાવો ઘટ્યો છે જેના કારણે મુનસફી આધારિત ખર્ચ પણ વધી રહ્યો છે."

ક્રિસિલે ભારતના વૃદ્ધિદરના પોતાના અંદાજને 6.5 ટકાથી વધારીને સાત ટકા કર્યો છે.

ભારતના વૃદ્ધિદરના આંકડા પ્રભાવશાળી તો છે, પરંતુ તેની વિશ્વસનીયતા સામે સવાલ પેદા થાય છે.

પ્રોફેસર અરુણકુમાર કહે છે, "આઈએમએફે જીડીપીની ગણતરીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. ભારતનાં અસંગઠીત ક્ષેત્રનો ડેટા નથી મળતો. તેનો બેઝ વર્ષ 2011-12 છે, જે ઘણો જૂનો છે. ગ્રાહક મૂલ્ય સૂચકાંક પણ અપડેટેડ નથી. ઉત્પાદન અને ખર્ચ પ્રક્રિયામાં ઘણી વિસંગતતા છે. સાથે સાથે રાજ્યો અને સ્થાનિક એકમોનો સંગઠીત ડેટા પણ 2019 પછી નથી મળ્યો. આ કારણોથી આપણા જીડીપીના આંકડાની વિશ્વસનીયતા ઓછી છે. તેથી 8.2 ટકાના વૃદ્ધિદરને ઘણા લોકો નથી સ્વીકારતા."

પરંતુ યામિની અગ્રવાલ 8.2 ટકાના વૃદ્ધિદરના આંકડાને ભારતીય અર્થતંત્ર માટે એક સકારાત્મક સંકેત માને છે.

પ્રોફેસર અગ્રવાલ કહે છે, "જીડીપી વૃદ્ધિ તમામ આર્થિક ઇન્ડિકેટર્સને દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે. જીએસટીના દરોમાં થયેલા ઘટાડાએ આ ક્વાર્ટરમાં હકારાત્મક અસર કરી. જોકે, નીચો ફુગાવો ચિંતાજનક છે. જીએસટી અને કિંમતમાં ઘટાડાથી ડિફ્લેશનની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ."

જ્યારે ડી. કે. જોશી કહે છે, "વાસ્તવિક જીડીપીમાં વધારો ઉત્સાહજનક છે, પરંતુ મોંઘવારીમાં ઘટાડાના કારણે જીડીપીમાં મામુલી વધારાની કેટલીક નકારાત્મક અસર પડી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન