ભારતના જીડીપીના આંકડા સામે સવાલ કેમ કરાયો, IMFએ કેમ 'સી ગ્રેડ' આપ્યો?

ભારત સરકારે તાજેતરમાં નાણાકીય વર્ષ 2025- '26ના બીજા ત્રિમાસિક ગાળાના આંકડા બહાર પાડ્યા હતા, જેમાં જીડીપીનો દર 8.2 ટકાના દરે વધ્યો હતો, જે ગત નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળા દરમિયાન 5.6 ટકા હતો. જે અસામાન્ય ઉછાળ સૂચવે છે.

ભારત સરકારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું, ભારતે ઝડપભેર વિકસતી અગ્રણી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ભારતે તેનું અનુમાનિત કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી, ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્શન) 7.3 ટ્રિલિયન હોવાનું જણાવ્યું હતું.

બીજી બાજુ, આઈએમએફએ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ) તેના તાજેતરના રિપોર્ટમાં ભારતના જીડીપી તથા નૅશનલ ઍકાઉન્ટ્સ એટલે કે આંકડાની ગુણવતાને 'સી' રેટિંગ આપ્યું છે.

એ પછી ભારતના જીડીપીના આંકડા વિશે ચર્ચા થઈ રહી છે. એક તરફ એવું કહેવાય રહ્યું છે કે જો ભારતના જીડીપીના આંકડા આર્થિક વિકાસ સૂચવી રહ્યા છે, તો આઈએમએફએ 'સી' રેટિંગ શા માટે આપ્યું? તો ભાજપે આ ચર્ચાને નકારી કાઢી છે.

કૉંગ્રેસ અને ભાજપ સામ-સામે

કૉંગ્રેસના નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ અંગે સવાલ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયે લખ્યું :

"કૉંગ્રેસ પાર્ટીએ સત્તા છોડી, ત્યારે ભારત 'ફ્રૅજાઇલ ફાઇવ ઇકૉનૉમી'માંથી એક હતી અને હવે ભારત એ (યાદીમાં) નથી. કૉંગ્રેસ પાર્ટી એ વાત પચાવી નથી શકતી. પૂર્વ નાણા મંત્રી ભય ફેલાવી રહ્યા છે, તે ચિંતાજનક બાબત છે."

ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે આઈએમએફએ તેની વાર્ષિક સમીક્ષામાં ભારતના નૅશનલ ઍકાઉન્ટ્સ સ્ટેટસ્ટિક્સને 'સી' ગ્રેડમાં કેમ રાખ્યા છે?

કૉંગ્રેસ પાર્ટીના મીડિયા પ્રભારી જયરામ રમેશનું કહેવું છે, "ગ્રૉસ ફિક્સ્ડ કૅપિટલ ફૉર્મેશનમાં કોઈ વધારો નથી થયો. ખાનગી રોકાણમાં નવી ગતિ વગર ઉચ્ચ જીડીપી દર ટકાઉ નથી."

કૉંગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું, "આઈએમએફનું કહેવું છે કે ભારતના નૅશનલ ઍકાઉન્ટ્સ તથા મોંઘવારીના આંકડા અનૌપચારિક ક્ષેત્ર તથા લોકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવી મહત્ત્વપૂર્ણ પૅટર્ન નથી દર્શાવતા."

તેમનું કહેવું છે, "ભારતને ગત વર્ષે પણ આઈએમએફે સી ગ્રેડ જ આપ્યો હતો, આમ છતાં કશું નથી બદલાયું."

ભાજપનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2011- '12ને આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું છે. અનેક વર્ષોથી ટેક્નિકલ માપદંડ બદલવામાં નથી આવ્યા, એટલે વર્ષોથી આ ગ્રેડ પણ નથી બદલ્યો. નહીં કે જીડીપીના આંકડા બનાવટી છે.

આઈએમએફના રિપોર્ટમાં શું છે?

તા. 26મી નવેમ્બરના રોજ આઈએમએફે ભારત અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સમીક્ષા કરવા માટે પૂરતો ડેટા ન હોવાને કારણે ભારતને સી ગ્રેડ આપવામાં આવ્યો છે.

આઈએમએફને જે ડેટા મળે છે, તેને તે ચાર શ્રેણી એટલે કે ગ્રેડમાં વર્ગીકૃત કરે છે.

સમીક્ષા કરવા માટે પૂરેપૂરો ડેટા હોય તો 'એ' ગ્રેડ, ડેટામાં જો કોઈ ખામી હોય,પરંતુ સર્વાંગી સમીક્ષા માટે પૂરતો ડેટા હોય તો 'બી' ગ્રેડ, ડેટામાં કેટલીક ત્રુટિ હોય કે જે સમીક્ષા પ્રક્રિયાને આંશિક રીતે પ્રભાવિત કરે તેમ હોય તો તેને 'સી' ગ્રેડ તથા ડેટામાં ગંભીર પ્રકારની ખામી હોય, જેના કારણે સમીક્ષાપ્રક્રિયાને ભારે અસર પડે તેમ હોય તો તેને ચોથી શ્રેણીમાં મૂકવામાં આવે છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, નૅશનલ ઍકાઉન્ટ્સના આંકડાની ફ્રિક્વન્સી બરાબર છે તથા પૂરતી બારિક માહિતી ઉપલબ્ધ છે, પરંતુ તેમાં પદ્ધતિલક્ષી ખામીઓ છે, જે સમીક્ષા કરવામાં અવરોધ ઊભા કરે છે.

આઈએમએફનું કહેવું છે કે ભારત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2011-'12ને આધારવર્ષ તરીકે લેવામાં આવે છે, જે હવે પ્રાસંગિક નથી.

સાથે જ ભારત પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના બદલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ કરે છે, જેના કારણે ડેટામાં ત્રુટિ આવે છે.

આઈએમએફના રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે એનબીએફસી (નૉન બૅન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ), પરિવારો તથા સમગ્ર સિસ્ટમની ફાઇનાન્શિયલ ઇન્ટરકનેક્ટેડનેસ અંગે ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ છે.

ચિદમ્બરમની પોસ્ટ ઉપર ટિપ્પણી કરતા માલવીયે લખ્યું કે વર્ષ 2011-'12ને આધારવર્ષ તરીકે ગણવું એ ટેક્નિકલ બાબતે પ્રાથમિક કારણ છે અને વિટંબણા એ છે કે જ્યારે સરકારે આધારવર્ષ 2011-'12ને અપડેટ કર્યું, તો વિપક્ષે 'ગરબડના રોદણાં રડ્યાં.'

સાથે જ અમિત માલવીયે લખ્યું કે સરકારે ફેબ્રુઆરી-2026થી નાણાકીય વર્ષ 2022-23ની સિરીઝ ધ્યાને લેવાની છે.

માલવીયે કહ્યું કે ભારતીય ડેટાની ફ્રિક્વન્સી તથા સમયબદ્ધતા માટે 'એ' ગ્રેડ આપવામાં આવ્યો છે, એ વાતને અવગણવામાં આવી છે.

નિષ્ણાતો શું કહે છે?

દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ખાતે અર્થશાસ્ત્રના પૂર્વ પ્રોફેસર અરુણ કુમારનું કહેવું છે કે જીડીપીના આંકડા અંગે વર્ષોથી સવાલ ઉઠાવવામાં આવે છે.

વરિષ્ઠ પત્રકાર કરણ થાપર સાથે એક કાર્યક્રમમાં વાત કરતી વેળાએ પ્રો. અરુણ કુમારે કહ્યું કે જીડીપી માટે પહેલાં વર્ષ 2011-12ના આંકડાને ખુદ સરકારે જ સ્વીકાર નહોતા કર્યા.

પ્રો. અરુણ કુમાર કહે છે, "નોટબંધી સમયે લગભગ ત્રણ લાખ જેટલી રજિસ્ટર્ડ કંપનીઓને 'શેલ કંપની' (ખોખા કે પોસ્ટબૉક્સ કંપની) કહીને બંધ કરી દેવામાં આવી, આમ છતાં આંકડા ઉપર તેની કોઈ અસર ન પડી."

"સર્વિસ સેક્ટરના સર્વે દરમિયાન માલૂમ પડ્યું કે 35 ટકા કંપનીઓ જ્યાં લિસ્ટેડ હતી, ત્યાં કાર્યરત જ ન હતી, તો પછી આ ડેટા વાસ્તવિક કેવી રીતે થયો? ડેટામાં આ બધું રિફ્લેક્ટ થવું જોઈએ."

પ્રો. અરુણ કુમાર કહે છે, "વર્ષ 2019માં એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં બેરોજગારીનો દર 45 વર્ષની સર્વોચ્ચ સપાટી પર હતો. એ પછી વસતિગણતરી નથી થઈ, ત્યારે આ આંકડા વિશે સવાલ ઊઠે, તે સ્વાભાવિક છે."

પ્રો. અરુણ કુમારનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન અસંગઠિત ક્ષેત્રને એક પછી એક આંચકા લાગ્યા છે. તેઓ કહે છે, "પહેલાં નોટબંધી, પછી જીએસટીમાં અનેક મુશ્કેલીઓ હતી, એ પછી બિન-નાણાંકીય બૅન્કિંગ સેક્ટર મુશ્કેલીમાં આવ્યું અને પછી કોવિડની મહામારીએ અસંગઠિત ક્ષેત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે."

પ્રો. અરુણ કુમાર કહે છે, "આ સંજોગોમાં જીડીપીની ગણતરી કરવાની પદ્ધતિમાં ચાર વખત ફેરફાર કરવાની જરૂર હતી, પરંતુ તેમાં એક વખત પણ પરિવર્તન કરવામાં નથી આવ્યું. મને લાગે છે કે આઈએમએફે જે કર્યું, તે માત્ર અમુક મુદ્દે જ અણસાર આપે છે."

પ્રો. અરુણ કુમાર ઉમેરે છે, "એક તરફ સરકાર અસંગઠિત ક્ષેત્ર અંગે સ્વતંત્ર આકલન નથી કરતી, બીજી બાજુ, એવું માને છે કે તે સંગઠિત સેક્ટરની જેમ જ વિકસી રહ્યું છે, પરંતુ આંચકાઓની સૌથી વધુ અસર અસંગઠિતક્ષેત્રને જ થઈ છે. જે સેક્ટરમાં ઘટાડો થઈ રહ્યો છે, તેના આંકડાને વિકસતા સેક્ટરના આંકડાની જેમ જોવાઈ રહ્યા છે."

આર્થિક બાબતોના જાણકાર તથા 'ધી વાયર' ન્યૂઝ સંસ્થાના સ્થાપક એમકે વેણુ કહે છે, આઈએમએફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જીડીપીની ગણતરી કરવાની જે પદ્ધતિ છે, તેમાં અનેક ત્રુટિઓ છે.

એમકે વેણુ કહે છે, "ભારત પોતાને મોટા અને ઝડપભેર વિકસતા અર્થતંત્ર તરીકે રજૂ કરે છે, ત્યારે આ રિપોર્ટ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે."

એમકે વેણુ કહે છે કે આઈએમએફે તેના અહેવાલમાં ડેટામાં જે ગૅપ છે તેના માટે સાઇઝેબલ ડિસ્ક્રિપન્સીસ (ખૂબ મોટી ખામીઓ) શબ્દપ્રયોગ કર્યો છે. તેઓ કહે છે કે પહેલાં ભારતની ગણતરી 'બી' ગ્રેડમાં થતી હતી, તે હવે 'સી' ગ્રેડમાં આવી ગઈ છે, જે સારા અણસાર નથી.

એમકે વેણુ કહે છે, "હું જોઉં છું કે છેલ્લા પાંચ-છ વર્ષથી સરકાર આંકડામાં હેરાફેરી કરી રહી છે."

કેટલાક આર્થિક જાણકારો અને નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડની મહામારી પછી સરકાર વિકાસના આંકડોને યોગ્ય રીતે નથી દેખાડી રહી.

એમકે વેણુ ઉમેરે છે, "એક તો ઑર્ગેનાઇઝ્ડ (સંગઠિત) સેક્ટર એટલે કે લિસ્ટેડ કંપનીઓ છે, બીજું અન-ઑર્ગેનાઇઝ્ડ (એટલે કે અસંગઠિત) ક્ષેત્ર છે. સંગઠિત ક્ષેત્રના ડેટાને જોઈને એવું માનવામાં આવે છે કે અસંગઠિત ક્ષેત્ર પણ એજ ગતિથી વિકાસ કરી રહ્યો હશે."

"પરંતુ, જે રીતે ઑર્ગેનાઇઝ્ડ સેક્ટર વિકસી રહ્યું છે, તે રીતે અન-ઑર્ગેનાઇઝ્ડ સેક્ટર ગ્રૉ નથી કર્યું. જેથી, જીડીપીના આંકડાની ગણતરી ખોટી રીતે થઈ રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન