વિરાટ કોહલીએ સદી ફટકારીને એક સાથે કયા-કયા સવાલના જવાબ આપી દીધા

    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

રવિવારે રાંચી ખાતે વિરાટ કોહલી માત્ર રન નહોતા બનાવી રહ્યા, જાણે કે તેઓ સમયને પાછળ ધકેલી રહ્યા હતા. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વન-ડે મૅચમાં તેમણે 135 રનની ઇનિંગ રમી, જે માત્ર તેમની તકનીક જ નહીં, પરંતુ 'વિરાટ કથાનક' પણ હતી.

દરેક શૉટ, દરેક સ્ટાઇડ તથા દરેક રન તેમની કૅરિયરના અનુભવો અને સંઘર્ષની દાસ્તાન કહી રહ્યા હતા, જેના થકી તેઓ વિશ્વના સૌથી વિશ્વસનીય અને પ્રભાવક બૅટ્સમૅનમાંથી એક બન્યા છે.

રાંચી ખાતે સદી મારીને તેઓ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી પણ આગળ નીકળી ગયા છે.

કોહલી કોઈ એક ફૉર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડી બની ગયા છે. આ પહેલાં વિરાટ અને સચિન સરખેસરખા હતા. સચિને ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી મારી છે.

વણઉકેલાયેલો સવાલ : 'કિંગ, તે શા માટે ટેસ્ટ ક્રિકેટ છોડ્યું?'

આ સવાલ દરેક ક્રિકેટપ્રેમીના દિલમાં આજે પણ ઊઠી રહ્યો છે. ઇંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા સહિત વિશ્વના અનેક દેશોના દિગ્ગજ પૂર્વ ખેલાડીઓ વિરાટ કોહલીને 'ટેસ્ટ ક્રિકેટના બ્રાન્ડ ઍમ્બેસેડર' કહેતા, હવે વિરાટ કોહલી લાલ બૉલથી દૂર થઈ ગયા છે.

રાંચીની આ ઇનિંગે ફરીથી આ સવાલને જીવંત કરી દીધો છે. શું તેમની ટેસ્ટ કૅરિયરનો અંત સ્વાભાવિક હતો કે પરાણે લાવવામાં આવ્યો હતો? અને શું તેમનું પુનરાગમન શક્ય છે?

વિરાટની આ ઇનિંગમાં તેમનું ફૂટવર્ક ઝડપી, નિર્ણાયક અને સંગીત જેવું હતું. કવર ડ્રાઇવમાં પુરાણી ચમક, ઑન-ડ્રાઇવમાં એજ જૂની અને જાણીતી આક્રમકતા તથા ડિફેન્સિવ શૉટ્સમાં "દિવાલ જેવી શાંતિ" જોવા મળી.

આ એજ વિરાટ કોહલી હતા, જેને જોઈને બૉલર હાંફળા-ફાંફળા થઈ જતા.

સફળતાનું રહસ્ય પ્રતિબદ્ધતા

વિરાટ કોહલીની સફળતાનું રહસ્ય તેમની અથાગ મહેનત તથા ક્યારેય પોતાની જાતથી સંતુષ્ટ નહીં થવાની તેમની આદ છે.

તેઓ 17 વર્ષમાં 123 ટેસ્ટમૅચ, 306 વન-ડે મૅચ તથા 125 ટી20 મૅચ રમ્યા છે. 27 હજાર કરતાં વધુ ઇન્ટરનૅશનલ રન બનાવ્યા છે, આમ છતાં તેઓ પ્રતિબદ્ધ છે, જે તેમને મહાન બનાવે છે.

વિરાટ કોહલી રાંચી ખાતે દક્ષિણ આફ્રિકા સામેની મૅચ ચાલુ થઈ, એ પહેલાં જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા.

વિરાટ કોહલીએ મૅચ પછી કહ્યું કે, "હું સ્થિતિને સારી રીતે સમજી શકું એટલે જ અહીં વહેલો આવ્યો હતો – દિવસ દરમિયાન બે વખત તથા સાંજે એક વખત બેટિંગ કરી શકું. જેથી કરીને મારી તૈયારી થઈ જાય."

"મૅચના એક દિવસ પહેલાં મેં આરામ કર્યો, કારણ કે હવે હું 37 વર્ષનો છું અને રિક્વરીની ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે."

ટીકાકારોને જવાબ

ક્લાસિક કવર ડ્રાઇવ: 11મી ઓવરમાં કૉર્બિન બૉશની બૅક-ઑફ-અ-લૅન્થ બૉલ ઑફ-સ્ટમ્પ બહાર પડ્યો. વિરાટે કોઈપણ જાતનું જોર કર્યા વગર, માત્ર સ્ટ્રાઇડ લંબાવીને માથું સ્થિર રાખીને કવર ડ્રાઇવ તરફ મોકલી દીધો. બૉલ એટલી ચોક્કસાઈથી નીકળી ગયો કે કવર ઉપર ઊભેલા ફિલ્ડર માત્ર દર્શક બનીને બૉલને જોઈ રહ્યા.

સંરક્ષણાત્મક શાંતિ: જ્યારે પ્રેનેલન સુબ્રેયન સ્પિન બૉલિંગ મારફત દબાણ ઊભું કરી રહ્યા હતા, ત્યારે પણ વિરાટ કોહલીએ ડિફેન્સિવ શૉટ્સમાં શાંતિ જાળવી હરતી. તેમનું બૅટ-બૉલની બરાબર નીચે આવતું તથા બૉલ ધીમે-ધીમે તેમના પગ પાસે પડતો. જે દર્શાવે છે કે તેમણે બૉલને ખાસ્સા સમય સુધી જોઈ હતી. તેમણે ઉતાવળ નહોતી કરી અને પોતાનો પાયો કેટલો પાક્કો છે, તે દેખાડ્યું.

52મી સદી: માર્કો જૅનસેનના બૉલ ઉપર ચોગ્ગો ફટકારીને કોહલીએ તેમની વનડે ઇન્ટરનૅશનલ કૅરિયરની 52મી સદી પૂરી કરી. કોહલીએ બૅક-ઑફ-અ-લૅન્થ બૉલને બૅકવર્ડ પૉઇન્ડ ઉપર ડાબી બાજુએ સ્લાઇસ કરીને સદી ફટકારી. જે તેમના ભવ્ય ટાઇમિંગનું પ્રમાણ છે.

વિરાટ કહોલીએ ફેબ્રુઆરી-2025 પછી પહેલી ઇન્ટરનૅશનલ સદી ફટકારી છે. તેઓ રાંચીને મેદાન ઉપર અગાઉ પણ બે વખત સેન્ચુરી મારી ચૂક્યા છે. શતક પૂર્ણ થતાની સાથે જ કોહલીએ પોતાનું હેલ્મેટ ઊતાર્યું, ખુશીમાં હવામાં મુક્કો ઉછાળ્યો અને દર્શકોના પ્રેમનું અભિવાદન કર્યુ.

કોહલીએ સદી ફટકાર્યા બાદ સુબ્રેયનની ઓવરના છેલ્લા ત્રણ બૉલમાં 6,6, અને 4 ફટકારીને સાબિત કરી દીધું કે ધીમી પીચ ઉપર પણ તેમની આક્રમકતા યથાવત્ છે. 11 ચોગ્ગા અને સાત છગ્ગા સાથેની આ ઇનિંગ દેખાડે છે કે શૉટ લેવા માટેની નિર્ણયક્ષમતા, શૉટની રેન્જ તથા માનસિક સંતુલન બધું ચરમ ઉપર હતું.

વિરાટ કોહલીની રાંચી ખાતેની ઇનિંગએ બેટિંગ માટે શ્રેષ્ઠ માસ્ટરક્લાસ સાબિત થઈ હતી. 37 વર્ષની ઉંમરે પણ તેઓ 25 વર્ષના ખેલાડીની જેમ ફિટનેસ તથા સ્ફૂર્તી સાથે રમ્યા.

મક્કમ મનોબળ

વિરાટ કોહલી મૅચ શરૂ થાય, તે પહેલાં અનેક વખત પોતાના મગજમાં રમી લે છે.

કોહલીનું કહેવું છે: "હું ક્યારેય વધુ પડતી તૈયારી કરવામાં નથી માનતો. મારું ક્રિકેટ હંમેશા માનસિક રહ્યું છે. હું શારીરિક રીતે સઘન મહેનત કરું છું."

"જ્યાર સુધી મારી ફિટનેસનું સ્તર ઊંચુ રહે છે, હું બૅટિંગ વિશે સ્પષ્ટ રીતે વિચારી શકું છું તથા સારી અનુભૂતિ કરું છું."

વિરાટ કોહલી કહે છે, "હું રમત અંગે ખૂબ જ કલ્પનાશીલ રહું છું. જ્યારે હું રમત અંગે વિચારું ત્યારે ખુદને ખૂબ જ તીવ્ર, એકાગ્ર તથા ધારદાર અનુભવું છું. ત્યારે મને ખબર હોય છે કે હવે હું મેદાન ઉપર જઈને ખૂબ જ સહજતાથી રમી શકું છું."

બૅક-ઑફ-અ-લૅન્થ બૉલ ઉપર તેમની વિકેટ પડી. જે પાંચમી સ્ટમ્પ લાઇન ઉપર પડ્યો હતો.

કોહલી ખૂબ જ ઝડપભેર આગળ વધ્યા અને બૉલને ઍકસ્ટ્રા કવર ઉપરથી ફ્લૅટ-બૅટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હળવો બહારનો છેડો અડ્યો અને બૉલ હવામાં ઉછળ્યો.

રિકલ્ટને કવર પરથી શાનદાર ઍથ્લેટિઝમ દેખાડ્યું અને ત્રાંસી દિશામાં લાંબી દોટ મૂકી, એ પછી ફૂલ લૅન્થ ડાઇવ મારીને સ્લાઇડિંગ કૅચ પકડ્યો. બૉલ લગભગ 115 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આવી હતી, તેમ છતાં રિકલ્ટને સંપૂર્ણ નિયંત્રણ સાથે કૅચ લીધો હતો.

રિપ્લેમાં માર્કરમ પણ નજરે પડ્યા, જેઓ નજીક જઈને કોહલીને લૉ-ફાઇવ આપીને તેમની ભવ્ય ઇનિંગનું સન્માન કરતા જોવા મળ્યા હતા.

વિરાટ કોહલીની ઇનિંગ 'અર્થપૂર્ણ' કેમ?

વિરાટ કોહલીએ કૅરિયરના મહત્ત્વપૂર્ણ તબક્કે જોરદાર જાહેરાત કરી.

મૂક દબાણ: વિરાટ કોહલી છેલ્લા નવ મહિનાથી તેમની 52મી સદીની રાહ જોઈ રહ્યા હતા. તે માત્ર સમયની લાંબી પ્રતિક્ષા ન હતી, પરંતુ મૂક રાષ્ટ્રીય દબાણ પણ હતું. કોહલીની દરેક ઇનિંગ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની જતી: "શું વિરાટ કોહલી 2027નો વર્લ્ડકપ રમી શકશે?"

ભવ્ય પુનરાગમન: થોડાં અઠવાડિયાં પહેલાં ઑસ્ટ્રેલિયામાં તેઓ બે 'શૂન્ય' (ડક્સ) ઉપર આઉટ થયા હતા. જોકે, વિરાટ કોહલીનો જવાબ ક્લિનિકલ હતો : પહેલાં સિડનીમાં અણનમ 74 રન તથા રાંચીમાં 135 રનની ઇનિંગ.

પ્રતીકાત્મક ઊજવણી : વિરાટ કોહલીએ શતક માટે જે ઊજવણી કરી, તે રુટિન નહોતી; તે દબાણમાંથી મુક્તિ તથા પોતાને પુનઃપ્રસ્થાપિત કરવાની પળ પણ હતી. આ સદી રુટિન ન હતી, પરંતુ જરૂરી હતી અને તે પ્રતીકાત્મક પણ હતી.

135 રનની આ ઇનિંગ ફૉર્મેટ કે પૉલિટિક્સની પરવાહ કર્યા વગર દેખાડે છે કે તેઓ વિશ્વના સૌથી વધુ ભરોસાપાત્ર, બુદ્ધિશાળી તથા ફિટ બૅટ્સમૅન છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સારી વાત કહી હતી :

"કોહલીએ 52મી સદી બાઉન્ડ્રી મારીને પૂરી કરી. હવામાં મુક્કો ઉછાળીને ઊજવણી કરી. લાંબો સમય રાહ જોઈ હતી. તેઓ આ ફૉર્મેટમાં વધુ રમે છે. તથા આ ઇનિંગ દ્વારા તેમણે અનેક લોકોને ચૂપ કરી દીધા છે."

"આ મેદાન ઉપર ત્રીજી સદી. આ ઇનિંગ શાનદાર હતી, વિશેષ કરીને જે અંદાજથી તેઓ પહોંચ્યા – તે શૉટની ટાઇમિંગ કમાલની હતી."

રોહિત શર્માની પ્રતિક્રિયા ચર્ચાનો વિષય

કોહલીએ સદી ફટકારી ત્યારે રોહિત શર્મા ડ્રેસિંગ રુમમાં હતા, તેમની અનફિલ્ટર્ડ તથા ખૂબજ ઉત્સાહપર્વકની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાઇરલ થઈ છે.

વિરાટ કોહલીએ સદી મારી કે રોહિત શર્મા ઉત્સાહમાં ઊભા થઈ ગયા અને જોરદાર તાળીઓ વગાડી અને ખુશીની આ પળોમાં તેમના મોઢેથી જે અપશબ્દ નીકળ્યા, તે પણ કૅમેરામાં રેકૉર્ડ થઈ ગયા હતા.

આ દૃશ્ય ન કેવળ કોહલીની સ્થિતિ, પરંતુ રોહિત શર્માની સાચી ખુશી પણ દેખાડે છે, જોકે, બંને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેની સમજ, સન્માન અને ગાઢ સંબંધ પણ તેનાથી છતો થાય છે.

આ ક્લિપ ક્રિકેટપ્રેમીઓ વચ્ચે તરત જ લોકપ્રિય થઈ ગઈ તથા મૅચની સૌથી યાદગાર પળોમાંથી એક બની રહી.

ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસનું કડવું સત્ય

રવિવારે રાંચી ખાતેની ભવ્ય ઇનિંગ પછી કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ક્રિકેટર વિરાટ કોહલીને પૂછ્યું હતું કે શું તેઓ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય બદશે, ત્યારે તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો કહ્યું કે તેઓ રિટાયરમેન્ટ સુધી 'વન-ફૉર્મેટ પ્લેયર' છે.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, તેનું કારણ ક્રિકેટ કરતાં રાજકીય દબાણનું પરિણામ વધુ લાગ્યું.

વિરાટ કોહલીએ સ્વેચ્છાએ ટી20 ક્રિકેટની કપ્તાની છોડી, એ પછી જાન્યુઆરી-2022માં ટેસ્ટની કપ્તાની પછી છોડી.

સ્પટેમ્બર-2021માં તેમણે ટી20ની કપ્તાની છોડી, પરંતુ તેમણે ઇન્ટરનૅશનલ તથા ટેસ્ટ ક્રિકેટની કપ્તાની ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. એ પછી ડિસેમ્બર-2021માં બીસીસીઆઈએ અચાનક જ તેમને વન-ડે ઇન્ટરનૅશનલના કૅપ્ટનપદેથી હઠાવી દીધા.

વિરાટ કોહલીનું કહેવું છે કે તેમને આ નિર્ણય વિશે માત્ર દોઢ કલાક પહેલાં કહેવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં પરાજય પછી મતભેદ વધ્યા અને સમગ્ર પ્રકરણને કારણે જે અસહજ પરિસ્થિતિ ઊભી થઈ, તેના કારણે કોહલીએ તા. 15 જાન્યુઆરી 2022ના ટેસ્ટ ક્રિકેટમાં કપ્તાની છોડી દીધી.

લેખક આઈપીએલની લખનૌ ટીમ સાથે જોડાયેલા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન