બૉલનાં કદ અને વજનથી લઈને બાઉન્ડ્રી સુધીનું અંતર, મહિલા અને પુરુષ ક્રિકેટના નિયમો કેટલા અલગ?

    • લેેખક, અમરેન્દ્ર યરલાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીયોમાં ક્રિકેટ પ્રત્યે અસામાન્ય ક્રેઝ જોવા મળે છે. પુરુષોની સરખામણીમાં મહિલા ક્રિકેટ પ્રત્યેનો ઝુકાવ થોડો ઓછો છે, એ વાતમાં કોઈ શંકા નથી.

આમ છતાં આઈસીસી વર્લ્ડ કપમાં મહિલા ટીમના વિજય પછી આ પરિસ્થિતિમાં પરિવર્તન આવશે, એમ જાણકારો માને છે.

દેશમાં ઠેરઠેર મહિલા વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમની મૅચો દરમિયાન સ્ટેડિયમમાં ભારે ભીડ જોવા મળી હતી અને ઑડિયન્સે પણ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો.

વુમન્સ પ્રિમિયર લીગ પણ મહિલા ક્રિકેટ પ્રત્યે વધતાં જતાં સમર્થનનું એક ઉદાહરણ છે.

જોકે, પુરુષ અને મહિલા ક્રિકેટની મૅચોમાં મૂળ નિયમો સરખા છે, પરંતુ ક્રિકેટ સંબંધિત બીજા કેટલાક નિયમોમાં તફાવત ચોક્કસથી છે.

મહિલા અને પુરુષ ક્રિકેટના અલગ-અલગ નિયમ

બીસીસીઆઈ (બોર્ડ ઑફ કંટ્રૉલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા) દ્વારા આ અંગે કેટલાક 'નિયમ' બનાવવામાં આવ્યા છે, જેને બીસીસીઆઈની વેબસાઇટ ઉપર જોઈ શકાય છે.

પુરુષ અને મહિલા ક્રિકેટ વચ્ચેનો મુખ્ય તફાવત બૉલની સાઇઝ તથા પીચથી બાઉન્ડ્રી સુધીની હદમર્યાદાના અંતરનો છે.

ક્રિકેટ ઍનાલિસ્ટ વેંકટેશ કહે છે, "ક્રિકેટના મુખ્ય નિયમોમાં કોઈ તફાવત નથી, પરંતુ અમુક ટેક્નિકલ બાબતોમાં ચોક્કસથી તફાવત છે."

તેઓ કહે છે કે ભારતમાં પુરુષોનાં ક્રિકેટની સરખામણીમાં મહિલા ક્રિકેટની લોકપ્રિયતા હજુ સુધી વધી નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિયમો ઉપરાંત સ્થાનિક ક્રિકેટ માટે બીસીસીઆઈએ કેટલાક નિયમ ઘડ્યા છે.

પુરુષ ક્રિકેટ માટેના નવા નિયમો ડિસેમ્બર-2023થી અમલી બન્યા છે, જ્યારે મહિલા ક્રિકેટ મૅચો માટેના નિયમ પહેલી જાન્યુઆરી, 2024થી લાગુ થયા હતા.

વાઇડબૉલ, નો બૉલ, ઓવર તથા અમ્પાયરના નિર્ણય અંગે મહિલા અને પુરુષ ક્રિકેટના નિયમો સરખા જ હોય છે.

હૈદરાબાદસ્થિત ક્રિકેટર સ્નેહા દિપ્તીએ બીબીસીને જણાવ્યું, "આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ મૅચો દરમિયાન મૂળભૂત નિયમોમાં કોઈ તફાવત નથી હોતો. મહિલા ક્રિકેટ સંદર્ભે સામાન્ય તફાવત હોય છે."

બૉલનું કદ અને વજન

બીસીસીઆઈના નિયમો પ્રમાણે મહિલા અને પુરુષ ક્રિકેટમાં બૉલનું વજન અલગ-અલગ હોય છે. મહિલા ક્રિકેટ માટે બૉલનું વજન 140થી 151 ગ્રામની વચ્ચે હોય છે. જ્યારે પુરુષોની ક્રિકેટ મૅચમાં બૉલનું વજન 155.9 ગ્રામથી વધુ અને 163 ગ્રામ કરતાં ઓછું હોય છે.

પુરુષોની મૅચ દરમિયાન ઉપયોગમાં લેવાનારી બૉલનો ઘેરાવો ઓછામાં ઓછો 22.4 સેમી અને વધુમાં વધુ 22.9 સેમી હોવો જોઈએ. જ્યારે મહિલાઓ માટે આ રેન્જ 21 સેમીથી 22.5 સેમીના ઘેરાવા વચ્ચેની છે.

ક્રિકેટર સ્નેહા દિપ્તી કહે છે કે બેટિંગની બાબતે પુરુષઅને મહિલા ક્રિકેટર વચ્ચે કોઈ નિયમભેદ નથી.

ઓવરરેટનો તફાવત

પુરુષો અને મહિલાઓની ક્રિકેટ મૅચ દરમિયાન ઓવરરેટમાં (નિર્ધારિત સમયમાં કેટલી ઓવર ફેંકાય) તફાવત હોય છે.

બીસીસીઆઈના નિયમો મુજબ, મહિલા એકદિવસીય મૅચ દરમિયાન 50 ઓવરની એક ઇનિંગ ત્રણ કલાક અને 10 મિનિટમાં પૂરી થઈ જવી જોઈએ. આમ કલાક દીઠ સરેરાશ 15.79 ઓવર થવી જોઈએ.

સાથે જ ઉમેરવામાં આવ્યું છે કે, જ્યાં ટુર્નામેન્ટ કે સિરીઝ યોજાઈ રહી હોય, તે યજમાન દેશને આ સમયમાં ફેરફાર કરવાનો અધિકાર છે.

પુરુષ ક્રિકેટ મૅચ દરમિયાન એક ઇનિંગ માટે મહત્તમ ત્રણ કલાક અને 30 મિનિટનો સમય ફાળવવામાં આવે છે. આમ કલાકદીઠ ઓવરરેટ 14.28 જેટલી રહે છે. જોકે, સિરીઝ કે ટુર્નામેન્ટનું આયોજન કરનાર યજમાન દેશ તેમાં ફેરફાર કરી શકે છે.

મહિલા અને પુરુષ ક્રિકેટમાં બે ઇનિંગ વચ્ચેનો બ્રેક ટાઇમ અડધી કલાક જેટલો હોય છે.

બાઉન્ડ્રી સુધીનું અંતર

ઍનાલિસ્ટ વેંકટેશના કહેવા પ્રમાણે, મહિલા અને પુરુષ ક્રિકેટમાં બાઉન્ડ્રી સુધીનું અંતર અલગ-અલગ હોય છે.

મહિલાઓમાં આ અંતર ઓછામાં ઓછું 54.86 મીટર (60 યાર્ડ) અને વધુમાં વધુ 64 મીટર (70 યાર્ડ) હોવું જોઈએ. ટૉસ થાય તે પહેલાં અમ્પાયર આ અંગેનો નિર્ણય લેશે.

બીસીસીઆઈના નિયમ પ્રમાણે, પુરુષોની મૅચમાં પીચની મધ્યથી આ રેન્જ 59.43 મીટરથી 82.29 મીટર (65થી 90 યાર્ડની વચ્ચે) વચ્ચે હોવી જોઈએ.

સ્નેહા દિપ્તી કહે છે, "જોકે, બીસીસીઆઈના નિયમો મુજબ, બાઉન્ડ્રી લાઇનના અંતર અંગે કેટલાક ફેરફાર છે અને ક્યારેક મહિલા તથા પુરુષ ક્રિકેટ મૅચ દરમિયાન એકસરખું અંતર હોય છે."

પાવર પ્લે દરમિયાન રમત

બીસીસીઆઈએ પુરુષોની મૅચ દરમિયાન ત્રણ પાવર પ્લેની છૂટ આપી છે તથા એના મુજબ જ, ફિલ્ડિંગની પોઝિશન નક્કી કરવામાં આવી છે. જોકે, તેના કારણે ગ્રાઉન્ડ ઉપર બે અર્ધવર્તુળાકાર જ દેખાય છે.

મિડલ સ્ટમ્પની ગમે તે બાજુએ 30 યાર્ડની ત્રિજિયાની (27.43 મીટર) હોય છે તથા તેના આધારે ફિલ્ડરોની ગોઠવણી કરવામાં આવે છે.

જોકે, મહિલા ક્રિકેટ દરમિયાન એક જ પાવરપ્લૅ હોય છે. તે પહેલીથી લઈને 10મી ઓવરની વચ્ચે લાગુ થાય છે. પાવર-પ્લૅ દરમિયાન નિયંત્રિત વિસ્તારની બહાર બે ખેલાડીને રહેવાની છૂટ હોય છે, જ્યારે પાવર-પ્લૅ ન હોય, તેવા સમયે ચાર ખેલાડીઓ બહાર રહી શકે છે.

25.15 યાર્ડના (23 મીટર) બે અર્ધવર્તુળાકાર બનાવવામાં આવે છે.

ટેસ્ટ ક્રિકેટના દિવસો

મહિલા અને પુરુષ ટેસ્ટ ક્રિકેટના દિવસોની સંખ્યામાં પણ તફાવત હોય છે. પુરુષોની ટેસ્ટ ક્રિકેટ મૅચ પાંચ દિવસની હોય છે, પરંતુ મહિલાઓની ટેસ્ટ મૅચ ચાર કે પાંચ દિવસની હોઈ શકે છે.

જે દેશનું મહિલા ક્રિકેટ બોર્ડ ભારતની સાથે મહિલા ટેસ્ટ રમવા માંગતું હોય, તેની સાથે પરામર્શ કર્યા બાદ મૅચ ચાર દિવસની રહેશે કે પાંચ દિવસની હશે, તે અંગે અગાઉથી જ નિર્ણય કરી લેવામાં આવે છે.

પુરુષોમાં ટેસ્ટ મૅચ દરમિયાન એક કલાકમાં 15 અને મહિલા ટેસ્ટ મૅચ દરમિયાન 17 ઓવર પ્રતિકલાકની ઓવરરેટ જાળવવાની હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન