કોઈના પિતા શાકભાજી વેચતા તો કોઈના સુથાર, ભારતને વર્લ્ડકપ જિતાડનાર દીકરીઓની કહાણી

ભારતીય મહિલા ટીમે પહેલી વાર વનડે વર્લ્ડકપ જીત્યો છે. આ એક ઐતિહાસિક ક્ષણ હતી જેની ભારતીય ટીમ રાહ જોઈ રહી હતી.

ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહેલાં પણ બે વાર (2005 અને 2017માં) પહોંચી હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડી અલગ હતી.

ટીમે સાત વખતની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયાને રોમાંચક સેમિફાઇનલ મૅચમાં હરાવી દીધી હતી. મુંબઈનાં જેમિમા રૉડ્રિગ્સે 127 રનની યાદગાર ઇનિંગ રમી અને ભારતને જીત અપાવી. ત્યાર બાદ, ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું.

જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચૅમ્પિયન બની, ત્યારે ચારે બાજુથી પ્રશંસાનો વરસાદ થયો. સૂર્યકુમાર યાદવ, સચીન તેંડુલકર, વિરાટ કોહલી, પીએમ નરેન્દ્ર મોદીથી લઈને ભારતીય રાજકારણના અન્ય ઘણી અગ્રણી વ્યક્તિઓએ આ જીતને 'શાનદાર' ગણાવી હતી અને ટીમને બિરદાવી હતી.

ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયે પણ ટીમની પ્રશંસા કરતાં કહ્યું , "તમે અમને અને સમગ્ર વિશ્વને પ્રેરણા આપી છે."

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની એટલે પણ પ્રશંસા થઈ રહી છે, કારણ કે ટીમમાં રમતી છોકરીઓને મેદાન પર જે સંઘર્ષ કરવો પડ્યો તેના કરતાં ઝાઝો સંઘર્ષ તેમણે અહીં સુધી પહોંચવા માટે કરવો પડ્યો છે.

ચાલો વાત કરીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં એ ખેલાડીઓની જેઓ ખૂબ સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવે છે. પડકારજનક પૃષ્ઠભૂમિમાંથી આવવા છતાં તેઓ વિશ્વવિજેતા ભારતીય ટીમનો ભાગ બનવા સુધીની સફર ખેડી શક્યાં છે.

ક્રાંતિ ગૌડ : ભોજન માટેય ઉછીના પૈસા લેવા પડતા

22 વર્ષીય ક્રાંતિ ગૌડે મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ઘુવારા શહેરથી ટીમ ઇન્ડિયા સુધીની સફર ખેડી છે.

ક્રાંતિ ગૌડે તો છોકરાઓ સાથે ટેનિસ બૉલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, કારણ કે છોકરીઓ તેમના ઘરની આસપાસ ક્રિકેટ રમતી નહોતી.

એક ઇન્ટરવ્યૂમાં ક્રાંતિએ કહ્યું હતું કે, "ઘરની સામે એક મેદાન છે, ત્યાં કેટલાક છોકરા ક્રિકેટ રમી રહ્યા હતા. છોકરીઓ પણ બાજુમાં તેમની રમત રમી રહી હતી. પરંતુ મને લાગ્યું કે મારે ક્રિકેટ રમવું જોઈએ. પછી બધી છોકરીઓ એક બાજુ રમતી હતી અને હું છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી."

એ બાદ ક્રાંતિએ તેમના ભાઈ સાથે સ્થાનિક ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું. જોકે, આ સમય દરમિયાન તેમને ઘણા સામાજિક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. છોકરાઓ સાથે ક્રિકેટ રમવા બદલ તેમને ઘણી વાર ઠપકો પડતો હતો.

તેમણે પહેલી વાર 2017 માં તેમના જિલ્લામાં એક ટુર્નામેન્ટમાં લેધર બૉલથી મૅચ રમી હતી, જ્યાં ખરેખર તો તેઓ એક પ્રેક્ષક તરીકે ગયાં હતાં. મહિલા ટીમમાં ખેલાડીઓની અછતને કારણે, તેમને તક આપવામાં આવી હતી અને તેઓ પ્લેયર ઑફ ધ મૅચ બન્યાં હતાં.

એ દિવસોને યાદ કરતાં ક્રાંતિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "એક સમય હતો જ્યારે અમારે ખાવા માટે પણ ઉછીના પૈસા લેવા પડતા હતા અને લોકોને અમે વચન આપતા હતા કે અમે તે પાછા આપીશું. કહેવાય છે કે ખરાબ સમયમાં કોઈ તમારો સાથ આપતું નથી. જ્યારે અમારો ખરાબ સમય આવ્યો ત્યારે કોઈએ અમારો સાથ આપ્યો નહીં."

" જ્યારે મારે પ્રૅક્ટિસ માટે જવું પડતું, ત્યારે કોઈ મને ઉછીના પૈસા પણ આપતું ન હતું. એ સમયગાળામાં મારી માતાએ પોતાનાં ઘરેણાં વેચી દીધાં અને મને મૅચ રમવા મોકલી હતી."

રાધા યાદવ : પિતા શાકભાજી વેચતા હતા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ડાબોડી સ્પિનર રાધા યાદવ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે.

તેમનો પરિવાર મુંબઈના કાંદિવલીમાં રહેતો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, મુંબઈના સુપ્રસિદ્ધ કોચ રમાકાંત આચરેકર પાસેથી ક્રિકેટ શીખનારા પ્રફુલ નાઈકે રાધાને 11 વર્ષની ઉંમરે ક્રિકેટમાં રસ હોવાનું સૌપ્રથમ ઓળખ્યું હતું.

તેમણે રાધા સામે તેમના પિતા સાથે મુલાકાત કરાવવાનો આગ્રહ કર્યો. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, રાધાના પિતા શાકભાજી વેચવાનું કામ કરતા હતા. નાઈકે કોઈ રીતે પરિવારને ક્રિકેટ રમવા દેવા માટે મનાવી લીધો.

અને અહીંથી રાધાના જીવનની સફર શરૂ થઈ જેના કારણે તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ભાગ બન્યાં.

ગત ઑક્ટોબરમાં, રાધા યાદવ ન્યૂઝીલૅન્ડ સામેની વનડે દરમિયાન હવામાં ઝડપેલા આશ્ચર્યજનક કૅચ માટે હેડલાઇન્સમાં ચમક્યાં હતાં.

અમનજોતકોર : પિતા સુથારીકામ કરે છે

ભારતીય બૉલિંગ યુનિટમાં એક મુખ્ય ખેલાડી અમનજોતકોર છે, જેઓ પંજાબના સંગરુર જિલ્લાનાં છે. તેમનો પરિવાર પંજાબના મોહાલીમાં રહે છે.

તેમણે શેરી ક્રિકેટથી જ ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કર્યો. તેઓ પણ ઘણી વાર છોકરાઓ સાથે ક્રિકેટ રમતાં.

ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી અમનજોતકોરનાં માતા રણજિતકોરે બીબીસીને જણાવ્યું હતું કે, "પાંચ-છ વર્ષની છોકરી માટે છોકરાઓ સાથે એકલાં રમવું એ મોટી વાત હતી. તે છોકરાઓની જેમ પોતાના વાળ પાઘડીમાં બાંધતી હતી."

તેઓ કહે છે કે શરૂઆતના દિવસો થોડા મુશ્કેલ હતા, પણ અમનજોતને તેની રમતના આધારે પુરસ્કારો અથવા શિષ્યવૃત્તિ મળતી રહેતી હતી.

પરંતુ રસપ્રદ વાત એ છે કે, અમનજોતકોરના પિતા તેની પ્રતિભાને ઓળખનારી અને પ્રોત્સાહન આપનારી સૌપ્રથમ વ્યક્તિ હતા.

અમનજોતકોરના પિતા ભૂપિન્દર વ્યવસાયે સુથાર છે અને કૉન્ટ્રેક્ટ પર કામ કરતા હતા.

તેમણે બીબીસીને કહ્યું, "જ્યારે અમનજોતે કહ્યું કે તેઓ ઍકેડેમીમાં જોડાવા માગે છે ત્યારે મારે મારી કૉન્ટ્રેક્ટની નોકરી છોડી દેવી પડી હતી. પછી મેં સમય બચાવવા માટે એક દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું."

અમનજોતનાં માતાપિતા બંને કહે છે કે, "આ જીત છોકરીઓના રમતગમત પ્રત્યેના વલણને બદલી નાખશે અને એક નવી પ્રેરણા બનશે."

રેણુકા ઠાકુર : ખેડૂત પરિવારમાં જન્મ

ભારતીય ટીમનાં ઝડપી બૉલર રેણુકા ઠાકુર હિમાચલ પ્રદેશનાં છે અને તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે.

તેમના પિતા હયાત ન,થી પણ તેમનું સ્વપ્ન હતું કે તેમનાં બાળકોમાંથી એક ખેલાડી બને.

સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતાં રેણુકાનાં માતા સુનિતાએ જણાવ્યું કે "રેણુકાને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો અને તે વિસ્તારના છોકરાઓ સાથે જુગાડથી બનાવેલા બૅટ અને બૉલથી રમતી હતી."

સુનિતાએ પીટીઆઇને જણાવ્યું કે તેમના પતિ ક્રિકેટના ચાહક હતા અને ઇચ્છતા હતા કે તેમની પુત્રી આ રમતમાં આગળ વધે."

તેમણે કહ્યું, "તેમને ક્રિકેટ ખૂબ ગમતું હતું. આજે તેઓ હયાત નથી, પણ તેમની પુત્રીએ તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે."

ભારતીય ટીમની જીત બાદ રાજ્યના મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુખુએ રેણુકા ઠાકુર માટે એક કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

  • અમદાવાદ : 'હું વિશ્વમાં સૌથી નસીબદાર વ્યક્તિ છું, પણ...'- ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસકુમાર હાલમાં કેવી સ્થિતિમાં છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન