કુદરતના ખોળે માત્ર 20 મિનિટ ગાળવાથી બ્લડપ્રેશર સહિતની આ સમસ્યાઓમાં લાભ થઈ શકે, શું કરો તો તરત અસર દેખાય?

    • લેેખક, યાસ્મીન રુફો
    • પદ, બીબીસી ન્યૂઝ

કોઈ બગીચા અથવા જંગલમાં થોડો સમય ફર્યા પછી તમને શાંતિ અનુભવાતી હોય, તો તે તમારી કલ્પના નથી પરંતુ વિજ્ઞાન છે.

બહારના ખુલ્લા વાતાવરણમાં રહેવાથી શરીરમાં ઘણાં પરિવર્તન આવે છે. જેમ કે, તણાવ વધારતા હોર્મોન ઘટે છે, બ્લડપ્રેશર સંતુલિત રહે છે અને પાચનતંત્ર સુધરે છે.

આના માટે કલાકો સુધી ટ્રૅકિંગ કરવાની જરૂર નથી. કુદરત સાથે માત્ર 20 મિનિટ ગાળવાથી શરીર પર અસર દેખાવા લાગે છે.

એટલે કે બપોરે જમવાના સમયે પાર્ક સુધી લટાર મારવા જાઓ અથવા ક્યારેક બેન્ચ પર બેસીને સૅન્ડવિચ ખાઓ, તો તેનાથી પણ શરીર અને મનને લાભ થાય છે.

અહીં એવી ચાર રીત દર્શાવી છે, જે અનુસાર તમે કુદરતની વચ્ચે રહીને આરોગ્ય સંબંધી લાભ મેળવી શકો છો.

કુદરતનાં સાંનિધ્યમાં તમે આપોઆપ રિલેક્સ થઈ જાઓ છો

તમે દરરોજ હરિયાળી જુઓ છો, ઝાડની સુગંધ અનુભવો છો, પાંદડાંનો અવાજ અને પક્ષીઓનો કલરવ સાંભળો છો, ત્યારે તમારી ઑટોનૉમિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે. આ સિસ્ટમ એ તમારી નસોનું એવું તંત્ર છે જે કંઈ પણ વિચાર્યા વગર ઘણી બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે.

તમને આસપાસના કોઈ પાર્કમાં ટહેલવાથી પણ આ અસર અનુભવાઈ શકે છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં બાયૉડાઇવર્સિટીના પ્રોફેસર બેરોનેસ કેથી વિલિસે બીબીસી રેડિયો 4ના પૉડકાસ્ટ વ્હૉટ્સ અપ ડૉક્સમાં જણાવ્યું કે "આપણે શરીરમાં ઘણા ફેરફાર જોઈએ છીએ, જેમ કે બ્લડપ્રેશર ઘટી જવું, હાર્ટ રેટ વેરિયેબિલિટીમાં ફેરફાર થવો, હૃદયના ધબકારા ધીમા પડવા, આ બધા શરીર શાંત થવાના સંકેત છે."

બ્રિટનમાં એક અભ્યાસમાં લગભગ 20 હજાર લોકોને સામેલ કરાયા હતા. તેમાં જાણવા મળ્યું કે જે લોકો દર અઠવાડિયે ઓછામાં ઓછા 120 મિનિટ હરિયાળીમાં ગાળતા હતા, તેઓ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોવાની શક્યતા ઘણી વધારે હતી.

કુદરત વચ્ચે સમય પસાર કરવાના ફાયદા એટલા સ્પષ્ટ છે કે ઘણી જગ્યાએ "ગ્રીન સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ"ની પહેલ શરૂ થઈ છે. એટલે કે લોકોને કુદરત સાથે જોડવામાં આવે છે જેથી તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય. પ્રારંભિક તારણો દર્શાવે છે કે ખુશી અને આરોગ્ય બંને માટે આ પ્રયોગ ફાયદાકારક રહ્યા હતા.

તમારું હોર્મોન લેવલ સામાન્ય થાય છે

તમે જ્યારે કુદરત સાથે સમય પસાર કરો ત્યારે તમારી હોર્મોનલ સિસ્ટમ પણ આ આરામની પ્રક્રિયાનો ભાગ બની જાય છે.

પ્રોફેસર વિલિસ જણાવે છે કે બહાર રહેવાથી શરીરની એન્ડોઇનક્રાઇન સિસ્ટમ સક્રિય થઈ જાય છે અને તણાવ વધારતા હોર્મોન કોર્ટિસોલ અને એડ્રેનલિનનું સ્તર ઘટવા લાગે છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો સળંગ ત્રણ દિવસ સુધી હોટલના રૂમમાં જાપાની સાઇપ્રસ એટલે કે હિનોકી ઑઇલની સુગંધ વચ્ચે રહ્યા, તેના શરીરમાં એડ્રિનલિન હોર્મોનનું લેવલ ઘટી ગયું અને લોહીમાં નૅચરલ કિલર સેલ્સની સંખ્યામાં મોટો વધારો થયો.

આ નૅચરલ કિલર સેલ્સ શરીરમાં વાઇરસ સાથે લડે છે. સંશોધનમાં જાણવા મળ્યું કે આ કોશિકાઓનો સ્તર સુગંધ સાથે સંપર્કમાં આવ્યા પછી બે અઠવાડિયાં સુધી ઊંચું જળવાઈ રહ્યું હતું.

યુનિવર્સિટી ઑફ ઇલિનૉયના પ્રોફેશર મિંગ કૂઓ કહે છે કે "નૅચર એવા ભાગને શાંત કરે છે જેને શાંતિની જરૂર હોય છે, અને એવા હિસ્સાને મજબૂત કરે છે જેને મજબૂતીની જરૂર હોય છે."

તેનું કહેવું છે કે કુદરતની વચ્ચે ત્રણ દિવસનો વીકઍન્ડ ગાળો તો તેનાથી પણ વાઇરસ સામે લડવાની આપણી સિસ્ટમ ઘણી મજબૂત બને છે. એક મહિનાની અંદર તો તે સામાન્ય કરતાં લગભગ 24 ટકા વધુ સક્રિય થઈ જાય છે.

તેમણે કહ્યું કે થોડા સમય માટે પણ કુદરતની વચ્ચે રહેવાથી શરીર પર સ્થાયી અસર થાય છે.

સુગંધની શક્તિ

કુદરતને જોવાથી જે રીતે સુખદ અસર થાય છે, તેવી જ રીતે તેની સુગંધ અનુભવવાથી પણ ફાયદો થાય છે.

ઝાડ અને માટીની સુગંધમાં અનેક પ્રકારનાં જૈવિક તત્ત્વો હોય છે જે છોડમાંથી નીકળે છે. તમે શ્વાસ દ્વારા આ સુગંધ તમારી અંદર લો છો ત્યારે તેના કેટલાક અણુ (મૉલેક્યુલ્સ) સીધા લોહીમાં પહોંચે છે.

વિલિસ કહે છે કે, પાઇનનું ઝાડ આનું ઉદાહરણ છે. પાઇનના જંગલમાં જે સુગંધ હોય તે માત્ર 90 સેકન્ડમાં તમને શાંત કરી શકે છે અને લગભગ દસ મિનિટ સુધી તેની અસર રહે છે.

તમે વિચારતા હશો કે આ શાંતિ માત્ર માનસિક હોય છે. પરંતુ એક અભ્યાસમાં જાણવા મળ્યું કે નાનાં બાળકોને સુગંધ યાદ નથી રહેતી છતાં, તેમના રૂમમાં લિમોનીન નામની રાહત આપનારી સુગંધ ફેલાવવામાં આવી, ત્યારે તેઓ શાંત થઈ ગયા.

શરીરમાં સારા બૅક્ટેરિયા પ્રવેશે છે

કુદરત માત્ર મનને શાંતિ આપે છે એટલું જ નહીં, પરંતુ શરીરના માઇક્રોબાયોમ (શરીરમાં રહેતા સૂક્ષ્મજીવો)ને પણ મજબૂત બનાવે છે. માટી અને છોડમાં રહેલા સારા બૅક્ટેરિયા આપણા શરીર માટે ફાયદાકારક હોય છે.

વિલિસ કહે છે, "આ ગુડ બૅક્ટેરિયા હોય છે. તેના માટે આપણે પ્રોબાયૉટિક દવાઓ અને ડ્રિંક્સ પર રૂપિયા ખર્ચીએ છીએ."

પ્રોફેસર મિંગ કુઓએ સંક્રમણની સંભાવના અને માનસિક આરોગ્ય પર તેની અસરનો અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે કેટલાક પ્રાકૃતિક બૅક્ટેરિયા શ્વાસને અંદર લેવાથી મૂડ સુધરે છે. છોડમાંથી નીકળતા ઍન્ટિમાઇક્રોબાયલ રસાયણ, જેને ફાઇટોનસાઇડ્સ કહેવામાં આવે છે જે બીમારીઓ સામે લડવામાં મદદ કરી શકે છે.

ઇન્ફેક્શન સાયન્ટિસ્ટ ડૉ. ક્રિસ વેન ટુલકેન કહે છે કે "કુદરત એક એવો માહોલ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે."

તેઓ પોતાનાં બાળકોને જંગલની માટીમાં રમવા દે છે, જેથી કરીને માટીના કણ નાક અથવા મોઢાં દ્વારા તેમના શરીર સુધી પહોંચી શકે.

કુદરતને તમારી નજીક લાવો

કુદરતને માણવા માટે હંમેશાં બહાર જવાની જરૂર નથી.

વિલિસ કહે છે કે "ઘરમાં રહીને પણ કુદરતનો થોડો સ્પર્શ તમને અસર કરી શકે છે."

સફેદ અથવા પીળા ગુલાબ જેવાં ફૂલો મગજની પ્રવૃત્તિને શાંત કરી શકે છે એવું જાણવા મળ્યું છે.

સુગંધ માટે પાઇનિન જેવા એસેન્શિયલ ઑઇલનું ડિફ્યૂઝર વાપરી શકાય. તે મનને શાંતિ આપે છે.

શક્ય હોય તો જંગલ અને હરિયાળીની તસવીરો જોવાથી પણ ફાયદો થાય છે.

રિસર્ચ કહે છે કે લૅપટૉપ પર કુદરતની તસવીરો જોવાથી અથવા માત્ર હરિયાળી જોવાથી પણ મગજમાં શાંતિના તરંગો પેદા થાય છે અને તણાવ ઘટે છે.

પ્રોફેસર મિંગ કુઓ કહે છે કે, "કુદરતનો દરેક નાનો મોટો હિસ્સો મદદ કરે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન