24 વર્ષ વધુ જીવવા માટે આ આઠ ટેવોને અપનાવવી જોઈએ

100 વર્ષની વયે પહોંચેલા વડીલોને જોઈને આપણને નવાઈ લાગે છે, કારણ કે દરેક વ્યક્તિ આટલું લાંબુ જીવતી નથી. જોકે, આયુષ્યને સુધારવા અને વધારવાની ઘણી રીતો છે.

કેટલાક લોકો માટે આયુષ્ય આનુવંશિક હોય છે, પરંતુ અભ્યાસો દર્શાવે છે કે આપણી જીવનશૈલી આપણા દીર્ધાયુ પર અસર કરી શકે છે. લાંબા સમય સુધી જીવવાનો એક સરળ માર્ગ આપણને બધાને ખબર છે અને તે માર્ગ સ્વસ્થ જીવનશૈલીનો છે.

સવાલ એ છે કે સ્વસ્થ જીવનશૈલી શું છે?

તાજેતરના એક અભ્યાસમાં આઠ મુખ્ય ટેવોને ઓળખી કાઢવામાં આવી છે, જે વ્યક્તિનું આયુષ્ય 24 વર્ષ સુધી લંબાવી શકે છે. તેનાથી નાની વયે મોતનું જોખમ ઘટે છે. નાની વયે થતા મૃત્યુને સંશોધકોની ટીમે "અકાળ મૃત્યુદર" નામ આપ્યું છે.

પ્રસ્તુત સર્વેક્ષણમાં 2,76,000 લોકોને આવરી લેવાયા હતા.

દીર્ધાયુ થવાની આઠ રીતો નીચે મુજબ છે.

ખાવાની સ્વાસ્થ્યપ્રદ ટેવો

વૈવિધ્યસભર અને સંતુલિત આહાર લેવો તે મુખ્ય બાબત છે. ફાસ્ટ ફૂડ, વધુ ખાંડ તથા મીઠાવાળો ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે એ આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે. તેવી જ રીતે અતિ તળેલો ખોરાક પણ ટાળવો જોઈએ.

આહારમાં ફળો, શાકભાજી, આખા ધાન્ય અને પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે તે ક્રૉનિક રોગો અને ઇન્ફ્લેમેશનને અટકાવે છે.

દૈનિક વ્યાયામ

દરરોજ મધ્યમ માત્રામાં કસરત કરવી તે એકંદર સારા સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. નિયમિત કસરત કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને ક્રૉનિક રોગો થવાનું જોખમ પણ ઘટે છે.

સારી ઊંઘ

વ્યાયામને લીધે ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. તે જીવનશૈલી સંબંધી વિવિધ પરિબળો સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઘણા અભ્યાસો સૂચવે છે કે સાતથી નવ કલાકની ઊંઘ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સારી છે. ઊંઘ તમારા શરીરને સ્વસ્થ થવામાં મદદ કરે છે અને તમને વિવિધ સમસ્યાઓથી બચાવી શકે છે.

સારી ઊંઘ મેળવવા માટે દારૂ તથા તમાકુનું સેવન ટાળવાની અને સવારે અચૂક નાસ્તો કરવાની, શાકભાજી ખાવાની, વ્યાયામ કરવાની અને શરીરમાં આયર્નના લેવલનું સતત મૉનિટરિંગ કરવાની ભલામણ નિષ્ણાતો કરે છે.

તણાવ પર નજર રાખો

તણાવ માત્ર માનસિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. તે હૃદય રોગ સહિતની ઘણી સમસ્યાઓને નોતરી શકે છે.

મજબૂત વ્યક્તિગત સંબંધો

પરિવારજનો અને દોસ્તો સાથેનો આપણો ગાઢ સંબંધ એકમેક સાથે જોડાયેલા રહેવા માટે મહત્ત્વપૂર્ણ છે. તે આપણી એકલા પડવાની સંભાવનાને ઘટાડે છે. આ સંબંધો આપણને ચિંતા અને તણાવની નકારાત્મક અસરથી પણ બચાવે છે.

દોસ્તી વિશે એક પુસ્તક લખી ચૂકેલાં વિજ્ઞાન પત્રકાર લિડિયા ડેનવર્થના કહેવા મુજબ, કોઈ વ્યક્તિ અલગ રહે છે ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. એવી વ્યક્તિના શ્વેત રક્તકણો તેમના શારીરિક કાર્યોમાં ફેરફાર કરે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

સારા સ્વાસ્થ્ય માટે ઉપરના પાંચ નિયમોનું અનુસરણ કરવું જોઈએ. લાંબુ જીવવા માટે શું ટાળવું જોઈએ એ હવે પછીના ત્રણ નિયમો જણાવે છે.

માદક પદાર્થોનું સેવન ટાળવું

સારા સ્વાસ્થ્ય માટે ઓપીઓઈડ્સ સહિતની તમાન પ્રકારની ડ્રગ્સ ટાળવી જરૂરી છે. ખાસ કરીને ડ્રગ્સના વ્યસન સહિતના કોઈ પણ નશાને ટાળવો દીર્ધાયુ થવાની મહત્વની શરત છે.

વધુ પડતા દારૂનું સેવન ટાળવું

દારૂના વધુ પડતા સેવનથી લીવર ફેઈલ્યોર, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગો થઈ શકે છે. દારૂના સેવનથી ક્રોનિક લીવર સિરોસિસ, એક્યુટ આલ્કોહોલિક હેપેટાઈટિસ અથવા એક્યુટ લીવર ફેઈલ્યોર તથા ક્રોનિક લીવર ડિસીઝ થઈ શકે છે. તેથી દારૂનું વધુ પડતું સેવન અવશ્ય ટાળવું જોઈએ.

ધૂમ્રપાન નહીં કરવાનું

ધૂમ્રપાનને લીધે ઘણા રોગો થઈ શકે છે. ધૂમ્રપાન ટાળવાથી આપણું આયુષ્ય લંબાઈ શકે છે.

ગવર્નમેન્ટ સ્ટેનલી મેડિકલ કૉલેજના જનરલ મેડિસિન વિભાગના વડા. ડો. એસ. ચંદ્રશેખર કહે છે, "કોઈ વ્યક્તિ 40 વર્ષની વય સુધીમાં ધૂમ્રપાન છોડી દે તો તેના આયુષ્યમાં દસ વર્ષનો વધારો થાય છે, એવું ડોક્ટરો કહે છે."

"તેનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમર પછી ધૂમ્રપાન છોડી દે તો તેના શરીને ધૂમ્રપાનથી થતા નુકસાનમાં 90 ટકા ઘટાડો થશે. જોકે, તેના આયુષ્યમાં વધારો થશે તેવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં."

અભ્યાસનું તારણ દર્શાવે છે કે જે લોકો આ જીવનશૈલીને અનુસરતા રહ્યા છે તેઓ 87 વર્ષ સુધી જીવ્યા છે અને એ આયુષ્યનો એ આંકડો અમેરિકામાં સરેરાશ આયુષ્ય કરતાં 10 વર્ષ વધારે છે.

અલબત, લાંબા આયુષ્યની ખાતરી કંઈ પણ આપી શકતું નથી, પરંતુ ઉપરોક્ત આઠ આદતો તમને દીર્ધાયુ પ્રાપ્તિના સાચા માર્ગ પર લાવી શકે છે.

(બીબીસી રીલ્સ પર આધારિત, હેલ્થ રિપોર્ટર મેલિસા હોકનબૂમ દ્વારા નિર્મિત કાર્યક્રમમાંથી સંકલિત માહિતી)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન