એક કેળું ખાવાથી કઈ ગંભીર બીમારી રોકી શકાય અને ભોજનમાં શું સામેલ કરવાથી પોટેશિયમ મળે?

    • લેેખક, આનંદ મણિ ત્રિપાઠી
    • પદ, બીબીસી સંવાદદાતા

જ્યારે પોટેશિયમની વાત આવે છે, ત્યારે મોટા ભાગના લોકો કેળાં વિશે વિચારે છે. જોકે, એક કેળું તમારા શરીરને જરૂરી પોટેશિયમ પૂરું પાડવા માટે પૂરતું નથી.

આ પોટેશિયમ આખરે શું છે?

પોટેશિયમ શરીરના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનિજ છે. તે બ્લડપ્રેશર જાળવવામાં મદદ કરે છે અને કિડનીને વધારાનું સોડિયમ દૂર કરવામાં મદદ કરે છે.

વધુમાં, પોટેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે, કોષોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વરિષ્ઠ સલાહકાર અને ડાયેટિશિયન ડૉ. અદિતિ શર્મા કહે છે, ''પોટેશિયમ માઇક્રો ન્યૂટ્રિયન્ટ મિનરલ છે, જે શરીરને જરૂરી ન્યૂટ્રિયન્ટસ અને બૉડી વેસ્ટને બહાર કાઢવામાં મદદ કરે છે.''

પોટેશિયમ શરીરમાં શું કામ કરે છે?

પોટેશિયમ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે છે.

  • તે સ્નાયુઓની પ્રવૃત્તિમાં મદદ કરે છે.
  • હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે.
  • ચેતાને યોગ્ય રીતે સંકેતો મોકલવામાં મદદ કરે છે.

એઇમ્સના ભૂતપૂર્વ ડાયેટિશિયન અને વન ડાયેટ ટુડેનાં સ્થાપક ડૉ. અનુ અગ્રવાલ કહે છે, "પોટેશિયમ આપણા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવાનું કામ કરે છે.

પોટેશિયમ એક ઇલેક્ટ્રોલાઇટ છે જે આપણા શરીરના દરેક કોષમાં હાજર છે અને હૃદય, મગજ અને શરીરના દરેક સ્નાયુને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે."

તેઓ સમજાવે છે કે પોટેશિયમ સ્નાયુઓના કાર્ય માટે મહત્ત્વપૂર્ણ છે. તે સ્નાયુઓને સંકોચવામાં અને આરામ કરવામાં મદદ કરે છે.

પોટેશિયમ આપણા શરીરના pHને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે અને શરીરમાંથી વધારાનું સોડિયમ દૂર કરવામાં મદદ કરે છે.

પોટેશિયમની જરૂરિયાત

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અનુસાર, પુખ્ત વયના લોકોએ દરરોજ સરેરાશ 3,500 મિલીગ્રામ પોટેશિયમનું સેવન કરવું જોઈએ.

આ માત્ર બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે.

શું તમને ખોરાકમાંથી પોટેશિયમ મળી શકે છે?

હા, જો ખોરાકમાં પૂરતા પ્રમાણમાં ફળો અને શાકભાજીનો સમાવેશ થાય તો પોટેશિયમ સરળતાથી મળી રહે છે.

પરંતુ સમસ્યા એ છે કે મોટા ભાગના લોકો અઠવાડિયામાં પાંચ દિવસ પણ તેમના હિસ્સાનાં ફળો અને શાકભાજી ખાતા નથી.

તેમની અડધાથી વધુ કેલરી પ્રોસેસ્ડ ફૂડમાંથી આવે છે.

યુકેના એક સર્વે મુજબ, 10 ટકા પુરુષો અને 24 ટકા સ્ત્રીઓ પોટેશિયમની દૈનિક જરૂરિયાત પૂરી કરતા નથી.

પોટેશિયમ ઓછું થાય તો શું થાય છે?

પોટેશિયમની ઊણપથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે

પોટેશિયમની ઊણપ સામાન્ય રીતે ફક્ત ખોરાકને કારણે થતી નથી.

ક્યારેક ઊલટી, ઝાડા, કેટલીક દવાઓની અસર અથવા વધુ પડતા દારૂના સેવનને કારણે પણ તે ઓછું થાય છે.

તેની ઊણપ બ્લડપ્રેશર વધારી શકે છે અને હૃદયરોગ અથવા સ્ટ્રૉકનું જોખમ પણ વધારી શકે છે.

ડૉ. અનુ અગ્રવાલ કહે છે, "પોટેશિયમની ઊણપથી સ્નાયુઓમાં ખેંચાણ અને તણાવ વધે છે. શરીર થાકેલું રહે છે. આનાથી કબજિયાત પણ થાય છે. સૌથી અગત્યનું, તેની ઊણપથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે. આની સીધી અસર બ્લડપ્રેશર પર પડે છે."

શરીરમાં પોટેશિયમ વધુ હોય તો શું થાય?

સામાન્ય રીતે કિડની વધારાના પોટેશિયમને મૂત્ર દ્વારા બહાર કાઢે છે, પણ જેમને કિડનીની બીમારી હોય એ લોકોમાં આ પ્રક્રિયા બરાબર થતી નથી.

આવામાં શરીરમાં પોટેશિયમ જમા થવા લાગે છે. જેનાથી હૃદયના ધબકારા અનિયમિત બની જાય છે અને હાર્ટ ફેઇલ થવાનો ખતરો વધી જાય છે.

આ કારણે કિડનીના રોગીઓને ઓછો પોટેશિયમવાળો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે.

ડૉ. અદિતિ શર્મા જણાવે છે કે આની ઊણપથી હાર્ટ, નર્વ અને મસલ્સને અસર થાય છે. પણ વઘારે પડતા સેવનથી હૃદય કામ કરવાનું બંધ કરી શકે છે. આ સ્થિતિમાં આનું વધારે સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

શું કેળાં પોટેશિયમનો શ્રેષ્ઠ વિકલ્પ છે?

કેળાં પોટેશિયમ પૂરું પાડે છે, પરંતુ તે શ્રેષ્ઠ કે સૌથી વધુ પોટેશિયમ પૂરો પાડતો સ્રોત નથી.

એક કેળું દૈનિક પોટેશિયમ જરૂરિયાતના લગભગ 10% પૂરું પાડે છે, જ્યારે બેક્ડ બટાકા 30% સુધી પૂરું પાડી શકે છે.

પોટેશિયમના અન્ય સારા સ્રોતોમાં સૂકાં ફળો, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, બદામ, બીજ, દૂધ અને દહીં, કઠોળ અને માછલીનો સમાવેશ થાય છે.

ડૉ. અનુ અગ્રવાલ કહે છે કે પોટેશિયમને સંતુલિત કરવા માટે, શક્ય તેટલાં ફળો અને શાકભાજીનું સેવન કરવું મહત્ત્વપૂર્ણ છે.

આ ઉપરાંત નારિયેળ પાણી, નારંગી, બીટમાંથી પણ પોટેશિયમ મળી શકે છે. તે લગભગ બધા ફળો અને શાકભાજીમાં જોવા મળે છે.

સપ્લિમેન્ટ્સ અને પોટેશિયમ

મોટા ભાગના લોકો માટે 3700 મિલીગ્રામ અથવા એનાથી ઓછું પોટેશિયમ સપ્લિમેન્ટ લેવું વધારે સુરક્ષિત છે.

પણ વૃદ્ધો અને કિડનીના રોગીઓએ ડૉક્ટરની સલાહ વગર ન લેવા જોઈએ, કારણ કે એમની કિડની વધારાના પોટેશિયમને સરળતાથી બહાર કાઢી શકતી નથી.

ડૉ. અદિતિ શર્મા સલાહ આપે છે કે, ''કોઈ ડૉક્ટર કે ડાયેટિશિયનની મંજૂરી વગર વધારે પ્રમાણમાં પોટેશિયમ ન લેવું જોઈએ. જો કોઈ રોજ સિઝનલ શાકભાજી કે ફળોનું સેવન કરે છે તો એને યોગ્ય પ્રમાણમાં પોટેશિયમ મળતું રહે છે. આ માટે વધારે પ્રમાણમાં સપ્લિમેન્ટ લેવાની જરૂરિયાત બિલકુલ નથી.''

શું સ્પૉર્ટ્સ ડ્રિંક્સમાં પોટેશિયમ જરૂરી છે?

પરસેવામાં બહુ ઓછી માત્રામાં પોટેશિયમ નીકળે છે. વર્કઆઉટ પછી એમની ભરપાઈ માટે પ્રાકૃતિક વિકલ્પો વધારે સારા છે.

તમે ટમેટાનો જ્યૂસ પી શકો છો, જેમાં એક ગ્લાસમાં લગભગ 460 મિલીગ્રામ પોટેશિયમ હોય છે.

આ સિવાય છાલવાળા બટાટા પણ સારો વિકલ્પ છે. આનાથી માત્ર પોટેશિયમ મળતું નથી, પરંતુ એમાં મોજુદ કાર્બોહાઇડ્રેટ શરીરની ઊર્જાને પણ ફરી પાછી લાવે છે.

પોટેશિયમ વધારવાનો સરળ ઉપાય

  • રોજ પાંચ રીતે ફળો અને શાકભાજી ખાઓ (જેમ કે નાસ્તામાં એક ફળ, લંચમાં એક ફળ અને એક શાકભાજી, ડિનરમાં બે શાકભાજી)
  • દરરોજ ત્રણ ડેરી પ્રોડક્ટ સામેલ કરો (દૂધવાળી કૉફી, સલાડ સાથે ચીઝ અથવા દહીં)
  • અઠવાડિયામાં એક વાર કઠોળ અને દાળ જરૂર ખાવી જોઈએ
  • નાસ્તા માટે સૂકામેવો, બદામનું સેવન કરો
  • શાકભાજીને સ્ટીમ કરીને ખાવા જોઈએ
  • લંચ કે ડિનરની સાથે સલાડ જરૂર ખાઓ, કાચા શાકભાજી પોટેશિયમનો સારો સ્રોત છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન