કોલેસ્ટ્રૉલને નિયંત્રણમાં રાખવા માટે શું ખાવું અને શું ન ખાવું, હૃદયરોગનો ખતરો કેમ ટાળવો?

    • લેેખક, સુમિરન પ્રીત કૌર
    • પદ, બીબીસી સંવાદદાતા

આપણામાંથી ઘણા લોકોને ભજિયાં, સમોસાં, બર્ગર જેવી તળેલી ચીજો બહુ પસંદ હોય છે. પરંતુ આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે તેનું વધારે સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રૉલનો સ્તર વધી જાય છે.

ડૉક્ટરો કહે છે કે વધતા કોલેસ્ટ્રૉલની સમસ્યા માત્ર મોટી ઉંમરના લોકો પૂરતી સીમિત નથી, હવે યુવાનોમાં પણ તે એક ગંભીર સમસ્યા બનતું જાય છે.

ઓછી ઉંમરે કોલેસ્ટ્રૉલ વધુ હોય તે મોટી ઉંમરે વધી જતા કોલેસ્ટ્રૉલ કરતા ઘણું વધારે નુકસાનકારક હોઈ શકે છે.

તો કોલેસ્ટ્રૉલ શું હોય છે, તે આપણા શરીરમાં કઈ રીતે વધે છે અને તેને કઈ રીતે ઘટાડી શકાય? આપણે આ જાણવાનો પ્રયાસ કરીશું.

કોલેસ્ટ્રૉલ એક ચરબીયુક્ત, જેલ જેવો પદાર્થ છે જે લિપિડ કૅટેગરીમાં આવે છે.

તે શરીરમાં કેટલાંક મહત્ત્વનાં કામ કરે છે. કોલેસ્ટ્રૉલ શરીરની દરેક કોશિકામાં હાજર હોય છે અને લોહી દ્વારા આખા શરીરમાં પહોંચે છે.

તે દરેક કોશિકાની ચારેબાજુ એક પ્રકારનું સુરક્ષા લેયર બનાવે છે.

કોલેસ્ટ્રૉલ કેટલાક હોર્મોનના નિર્માણમાં સહાયક હોય છે. શરીરમાં હાજર કુલ કોલેસ્ટ્રૉલનો લગભગ 80 ટકા હિસ્સો લીવર જ બનાવે છે.

કોલેસ્ટ્રૉલ બે પ્રકારનાં હોય છે - એચડીએલ અને એલડીએલ. એચડીએલ એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીનને ગુડ કોલેસ્ટ્રૉલ ગણવામાં આવે છે. જ્યારે એલડીએલ એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીનને ખરાબ કોલેસ્ટ્રૉલ ગણવામાં આવે છે.

લોહીમાં જ્યારે એચડીએલ અને એલડીએલ હાજર હોય ત્યારે શરીરમાં પ્રવાહિત હોય છે, તેથી એચડીએલ કોઈ પણ અવરોધ વગર આગળ વધે છે.

પરંતુ એલડીએલનો સ્તર વધી જાય તો તે ચીકણા પદાર્થની જેમ રક્તવાહિનીઓ અને ધમનીઓ સાથે ટકરાઈને તેની સાથે ચોંટી જાય છે. તેનાથી પ્લેક બને છે જે એક પાતળો સ્તર હોય છે.

લાંબા સમય સુધી પ્લેક જમા થાય તો તેનાથી લોહીનો પ્રવાહ અવરોધાય છે. તેનાથી મગજ અને હૃદય સુધી પૂરતા પ્રમાણમાં ઑક્સિજન અને પોષક તત્ત્વો નથી પહોંચતા. તેનાથી હાર્ટ ઍટેક અથવા સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે.

તમારા કોલેસ્ટ્રૉલના સ્તરને ઘણી ચીજો અસર કરે છે. તેમાં ઉંમર, દવાઓ અથવા પહેલેથી હાજર આરોગ્યની સમસ્યા હોઈ શકે છે. આ ઉપરાંત જીવનશૈલી, દિનચર્યા અને ખાનપાન પણ આ સ્થિતિને નક્કી કરે છે. તમે શારીરિક રીતે કેટલા સક્રિય છો તેના ઉપર પણ નિર્ભર હોય છે.

દિલ્હીની ફોર્ટિસ એસ્કૉર્ટ્સ હૉસ્પિટલના હૃદય રોગના નિષ્ણાત ડૉક્ટર વિવુધ પ્રતાપ સિંહ જણાવે છે કે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને ટ્રાન્સ ફેટ્સથી કોલેસ્ટ્રૉલનું લેવલ વધી શકે છે.

તેઓ કહે છે, "આપણે પ્રોસેસ્ડ સ્નૅક્સ અને બેકરી ઉત્પાદનોની વાત કરીએ છીએ જેમાં આર્ટિફિશિયલ ફેટ્સ હોય છે. તેને વારંવાર ઉપયોગમાં લેવાતા તેલથી બનાવવામાં આવે છે અથવા તેમાં ખાંડ અને નમકનું પ્રમાણ બહુ વધારે હોય છે."

તેઓ કહે છે કે, "આ ઉપરાંત મેંદા જેવા હાઈલી રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટથી પણ દૂર રહેવું જોઈએ. આવી ચીજોમાં ઍન્ટી ઑક્સિડન્ટની કમી હોય છે અને તે એલડીએલ કોલેસ્ટ્રૉલનું સ્તર વધારે છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ઘણી વખત વજન વધવા સાથે સંકળાયેલા હોય છે જે હૃદયરોગનો ખતરો વધારી શકે છે."

કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક ટીમે જણાવ્યું છે કે ઓછી ઉંમરમાં કોલેસ્ટ્રૉલ વધારે હોય તે પાછલી ઉંમરે શરૂ થતા કોલેસ્ટ્રૉલની તુલનામાં ઘણું વધારે હાનિકારક હોઈ શકે છે.

તમે શારીરિક રીતે જેટલા વધુ સક્રિય રહેશો, તેટલા પ્રમાણમાં તમારી માંસપેશીઓ ફેટનો ઉપયોગ ઊર્જા માટે કરશે.

એટલે કે તમારા શરીરમાં સેચ્યુરેટેટ ફેટનું પ્રમાણ ઘટશે. તેનાથી પ્લેક જમા નહીં થાય અને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ પણ ઘટશે.

તંદુરસ્ત હૃદય માટે કેટલીક આદતો રાખવી જરૂરી છે. જેમ કે ધૂમ્રપાન છોડી દો, વજનને નિયંત્રણમાં રાખો, શરાબનું સેવન મર્યાદિત કરો. આ ઉપરાંત સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સફેટ તથા પ્રોસેસ્ડ ફૂટથી દૂર રહો.

ઘણાં સંશોધનોમાં જોવા મળ્યું છે કે સંતુલિત આહાર લેવાથી કોલેસ્ટ્રૉલ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

ભોજનમાં ફાઈબર હોવું જરૂરી છે. ફાઇબર આંતરડામાં જઈને જેલ જેવું એક લેયર બનાવે છે. તે પાચન પ્રક્રિયાને ધીમી કરે છે અને ફેટને અવશોષિત થતું અટકાવે છે.

આ ઉપરાંત કેટલાક પ્રકારના પ્રોટીન પણ ફાયદાકારક હોય છે. એકંદરે તમારા ભોજનમાં ફાઇબરનું પ્રમાણ વધારો તો કોલેસ્ટ્રૉલના સ્તરને સંતુલિત કરી શકાય છે.

આખા ધાન્ય, ઓટમીલ, ઓટ્સ, નટ્સ, ફળ અને શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે.

શરીરમાં પાણી અને પ્રવાહીની અછત ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. તે હૃદય અને બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ માટે ખાસ કરીને નુકસાનકારક હોઈ શકે છે.

શરીર જ્યારે ડિહાઇડ્રેટ થઈ જાય ત્યારે લોહીનો પ્રવાહ ઘટી જાય છે. તેનાથી લો બ્લડ પ્રેશર, ચક્કર આવવા અને બેહોશી જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. શરીરમાં લોહીને પંપ કરવા માટે હૃદયે વધારે મહેનત કરવી પડે છે. તેનાથી ધબકારા વધી જાય છે અને પેલ્પિટેશન અનુભવાઈ શકે છે.

ડિહાઈડ્રેશનથી લોહી ઘટ્ટ બને છે. તેથી લોહીમાં ગઠ્ઠા જામવાની શક્યતા વધી જાય છે, હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે.

તેથી હૃદયનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. કેટલીક વખત માત્ર જીવનશૈલીમાં ફેરફાર કરવા પૂરતા નથી હોતા. આવી સ્થિતિમાં દવા લેવી જરૂરી બની જાય છે. હાર્ટ એટેકથી બચવા માટે સમયાંતરે તપાસ કરાવવી અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન