ભારતીય મૂળના લોકોનો એ દેશ જ્યાં HIV ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે

    • લેેખક, ગેવિન બટલર
    • પદ, બીબીસી સંવાદદાતા

સેસેનિયલી નૈતાલાની ઉંમર માત્ર દસ વર્ષ છે. મળેલી એચઆઈવીગ્રસ્ત વ્યક્તિઓ પૈકી તે સૌથી નાની વયની છે.

સેસેનિયલી નૈતાલાએ 2013માં ફીજીમાં સર્વાઇવર ઍડ્વોકસી નેટવર્કની શરૂઆત કરી ત્યારે એચઆઈવીગ્રસ્ત એ છોકરો હજુ જન્મ્યો પણ ન હતો. હવે તે હજારો ફીજીવાસીઓ પૈકીનો એક છે, જેમને તાજેતરનાં વર્ષોમાં એચઆઈવી વાયરસનો ચેપ લાગ્યો છે. એ પૈકીનાં ઘણાં 19 વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં છે અને તેમાંથી અનેકને આ ચેપ ઇન્ટ્રાવિનસ ડ્રગ્સ લેવાને કારણે લાગ્યો છે.

સેસેનિયલી નૈતાલાની સંસ્થા ફિજીની રાજધાની સુવામાં સેક્સ વર્કર્સ અને ડ્રગ્સનો નશો કરતા લોકોને સહાય પૂરી પાડે છે. બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "વધુ યુવાનો ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છે. પેલો એચઆઈવી ગ્રસ્ત છોકરો કોવિડ દરમિયાન એકમેકની સાથે સોય શૅર કરતા યુવા લોકો પૈકીનો એક હતો."

દસ લાખથી ઓછી વસ્તી ધરાવતો એક નાનો દક્ષિણ પૅસિફિક દેશ ફિજી છેલ્લાં પાંચ વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ ઝડપથી ફેલાતી એચઆઈવી બીમારીનું કેન્દ્ર બની ગયો છે.

2014માં ફિજીમાં 500થી ઓછા લોકો એચઆઈવીથી પીડાતા હતા. 2024 સુધીમાં તે સંખ્યા વધીને લગભગ 5,900 થઈ ગઈ હતી, જે અગિયાર ગણો વધારો દર્શાવે છે.

એ જ વર્ષે ફિજીમાં નવા 1,583 કેસ નોંધાયા હતા, જે તેની પાંચ વર્ષની સામાન્ય સરેરાશ કરતાં તેર ગણી વૃદ્ધિ દર્શાવે છે. એ પૈકીના 41 કેસ 15 વર્ષ કે તેથી નાની વયના લોકોના હતા. 2023માં આ વયજૂથના કેસોની સંખ્યા માત્ર 11 હતી.

આવા આંકડાઓને પગલે દેશના આરોગ્ય અને તબીબી સેવાઓ ખાતાના મંત્રીએ એચઆઈવી ફાટી નીકળ્યાની જાહેરાત જાન્યુઆરીમાં કરી હતી. સહાયક આરોગ્ય મંત્રી પેનીઓની રાવુનાવાએ ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે 2025ની અંત સુધીમાં ફિજીમાં એચઆઈવીના 3,000 નવા કેસ નોંધાઈ શકે છે.

તેમણે કહ્યું હતું, "આ એક રાષ્ટ્રીય કટોકટી છે અને કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે."

લોહી મારફતે એઇડ્સનો પ્રસાર

એચઆઈવીના કેસોની સંખ્યામાં આટલા મોટા વધારા પાછળનાં કારણો જાણવા માટે અનેક નિષ્ણાતો, હિમાયતીઓ અને ફ્રન્ટલાઇન કાર્યકરો સાથે વાત કરી હતી. એ પૈકીના ઘણાએ જણાવ્યું હતું કે એચઆઈવી વિશે જાગૃતિ ફેલાઈ રહી છે. તેથી કલંકની ભાવના ઘટી રહી છે અને વધુને વધુ લોકો આગળ આવીને પરીક્ષણ કરાવી રહ્યા છે.

અલબત, તેમણે એવું પણ જણાવ્યું હતું કે સત્તાવાર આંકડાઓમાં અસંખ્ય લોકોનો સમાવેશ નથી અને વાસ્તવિક આંકડો વર્તમાન વિક્રમસર્જક આંકડા કરતાં ઘણો મોટો હોવાની શક્યતા છે.

ફિજીમાં એચઆઈવીના ઝડપી પ્રસારનાં કારણોમાં ડ્રગ્સનો વધતો જતો ઉપયોગ, અસલામત સેક્સ, નીડલ શૅરિંગ અને "બ્લૂટૂથિંગ" છે.

બ્લૂટૂથિંગ અન્યથા હૉટસ્પૉટિંગ તરીકે પણ ઓળખાય છે. જેમાં નસ મારફત ડ્રગનો નશો કરનાર વ્યક્તિને નશો ચડે પછી તેનું લોહી બહાર ખેંચવામાં આવે છે અને બીજી વ્યક્તિના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. એ બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિ માટે પણ આવું કરી શકે છે.

'ડ્રગ ફ્રી ફિજી' નામના સ્વયંસેવી સંગઠનના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાલેસી વોલાટાબુએ ઉપરોક્ત ઘટના જાતે જોઈ છે.

ફિજીની રાજધાની સુવામાં ગયા મે મહિનામાં તેઓ રાબેતા મુજબ મોર્નિંગ વૉક પર નીકળ્યાં હતાં. એ દરમિયાન તેઓ ડ્રગ્ઝનો નશો કરતા લોકોમાં જાગૃતિ ફેલાવતાં હતાં. તેમણે જોયું તો એક ખૂણામાં સાતથી આઠ લોકોનું એક જૂથ હતું.

કાલેસી વોલાટાબુએ કહ્યું હતું, "મેં લોહીવાળી સોય જોઈ હતી. મારી નજર સામે જ હતી. એક યુવતીએ ડ્રગનો શૉટ લીધો હતો અને એ લોહી બહાર કાઢી રહી હતી. પુખ્ત વયની બીજી છોકરીઓ નશો કરવા પહેલેથી જ લાઇનમાં ઊભી હતી."

દક્ષિણ આફ્રિકા અને લેસોથોમાં પણ બ્લૂટૂથિંગના કિસ્સા નોંધાયા છે. આ બન્ને દેશોમાં વિશ્વનો સૌથી વધુ એચઆઈવી દર છે. બ્લૂટૂથિંગ ફિજીમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકપ્રિય બન્યું છે, એવું વોલાટાબુ અને નૈતાલા બંનેનું કહેવું છે.

તેની લોકપ્રિયતાનું કારણ સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે તેની સસ્તી કિંમતને લીધે ડ્રગની એક જ હિટનો ઉપયોગ અનેક લોકો કરી શકે છે અને એકમેકની સાથે શૅર કરી શકે છે. બીજું કારણ એક જ સોય અને એક જ સિરીંજની જરૂરિયાતની અનુકૂળતા છે.

બાળકો પણ સકંજામાં

ફિજીમાં આ ડ્રગ્સ મેળવવાનું મુશ્કેલ હોય છે. ફિજીમાં ફાર્મસીઓ પોલીસના દબાણને કારણે સિરીંજ માટે પ્રિસ્ક્રિપ્શનની માગણી કરે છે. એ ઉપરાંત નીડલ-સિરીંજ પ્રોગ્રામ્સનો અભાવ છે.

જોકે, એચઆઈવી જેવા રક્તજન્ય ચેપના પ્રસારને ઘટાડવાના પ્રયાસમાં ડ્રગ્સના બંધાણીઓને સ્વચ્છ ઇન્જેક્ટિંગ સાધનો પૂરા પાડતા આવા પ્રોગ્રામ્સના અમલ માટે સ્વીકાર્યતા અને મંજૂરી વધી રહી છે. અત્યંત ધાર્મિક અને રૂઢિચુસ્ત દેશમાં આવી યોજનાઓનું અમલીકરણ પડકારજનક સાબિત થયું છે.

કાલેસી વોલાટાબુએ જણાવ્યું હતું કે નીડલ-સિરીંજ સાઇટ્સની "જોરદાર અછત" છે. તેને લીધે નીડલ શૅરિંગ અને બ્લૂટૂથિંગ જેવી ખતરનાક પ્રથાઓને વેગ મળી રહ્યો છે. એ ઉપરાંત સિરીંજ તથા કૉન્ડોમના વિતરણની જવાબદારી સ્વયંસેવી સંગઠનો પર મૂકવામાં આવે છે.

દેશમાં એચઆઈવીના કેસોમાં વધારા માટેનું એક કારણ બ્લૂટૂથિંગ હોવાનું ફિજીના આરોગ્ય અને તબીબી સેવાઓ મંત્રાલયે ઑગસ્ટ 2024માં સ્વીકાર્યું હતું. બીજું એક કારણ કૅમ-સેક્સ છે, જેમાં લોકો સંભોગ કરતા પહેલાં અને એ દરમિયાન ઘણીવાર મેથામ્ફેટામાઇનનો ઉપયોગ કરે છે.

વિશ્વના મોટાભાગના દેશોથી વિપરીત ફિજીમાં ક્રિસ્ટલ મેથનો નશો મુખ્યત્વે નસમાં ઇન્જેક્શન દ્વારા કરવામાં આવે છે.

2024ના પ્રથમ નવ મહિનામાં નોંધાયેલા 1,093 નવા કેસ પૈકીના 223 એટલે કે લગભગ 20 ટકા કેસ ઇન્ટ્રાવિનસ ડ્રગના હોવાનું આરોગ્ય અને તબીબી સેવા મંત્રાલયે શોધી કાઢ્યું હતું.

ફિજી છેલ્લાં 15 વર્ષમાં ક્રિસ્ટલ મેથ માટે પૅસિફિકમાં એક મુખ્ય ટ્રાફિકિંગ કેન્દ્ર બની ગયું છે. તેનું મુખ્ય કારણ દેશનું ભૌગોલિક સ્થાન છે. ફિજી મોટા ભાગના પૂર્વ એશિયા અને અમેરિકા તેમજ વિશ્વના કેટલાક સૌથી મોટા ડ્રગ ઉત્પાદકો તેમજ વિશ્વમાં સૌથી વધુ ચૂકવણી કરતાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની વચ્ચે આવેલું છે.

છેલ્લાં 15 વર્ષમાં મેથ ડ્રગ સ્થાનિક સમુદાય ફેલાયું છે, જેને એચઆઈવીની માફક તાજેતરમાં "રાષ્ટ્રીય કટોકટી" હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેના વપરાશકર્તાઓ પૈકીના મોટાભાગના નાની વયના છે.

વોલાટાબુએ કહ્યું હતું, "તેમાં વધુને વધુ યુવા વયના લોકો જોવા મળી રહ્યા છે."

'એચઆઈવીગ્રસ્તોની સંખ્યા ઘણી મોટી'

ફિજીના તાજેતરના એચઆઈવી સંબંધી આંકડા ઇન્જેક્ટેબલ ડ્રગના ઉપયોગને પ્રસારનું સૌથી જાણીતું માધ્યમ ગણાવે છે. 48 ટકા કેસમાં એવું થાય છે. 47 ટકા કેસમાં જાતીય સંક્રમણ હોય છે, જ્યારે મોટાભાગના બાળરોગના કેસોનું કારણ ગર્ભાવસ્થા અને બાળજન્મ દરમિયાન માતાથી બાળકમાં થયેલું ટ્રાન્સમિશન હતું.

બીબીસીએ જે લોકો સાથે વાત કરી એ તમામ એક વાતે સંમત થયા હતા કે શિક્ષણનો અભાવ રોગચાળાનું મુખ્ય પરિબળ છે. તેમાં પરિવર્તન માટે વોલાટાબુ અને નૈતાલા કામ કરી રહ્યાં છે. નૈતાલાએ જણાવ્યું હતું કે સમગ્ર સમુદાયમાં એચઆઈવીનાં જોખમો વિશે વધુ જાગૃતિ ફેલાવાને કારણે બ્લૂટૂથિંગ તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે.

વધુ લોકો એચઆઈવી માટે પરીક્ષણ કરાવી રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે. એ કારણે આ સમસ્યાના કદ વિશે વધુ મજબૂત માહિતી મળી રહી છે.

તેમ છતાં ચિંતા એ વાતની છે કે કેસોની સત્તાવાર સંખ્યા તો હિમશિલાનું ટોચકું છે. સપાટી નીચે કશુંક અણધાર્યું છુપાયેલું હોવાનો ડર પણ છે.

ન્યુઝીલૅન્ડની કૅન્ટરબરી યુનિવર્સિટીના પૅસિફિક રિજનલ સિક્યૉરિટી હબના વડા જોસે સોસા-સાન્ટોસે કહ્યું હતું, "એક ભયંકર તોફાન આવી રહ્યું છે."

તેમણે કહ્યું હતું, "ફિજીના એચઆઈવી સંકટ બાબતે સમાજ અને સરકારમાં તમામ સ્તરે ચિંતા છે. હાલમાં શું થઈ રહ્યું છે તેની જ નહીં, પરંતુ આગામી ત્રણ વર્ષમાં પરિસ્થિતિ કેવી હશે તેની તેમજ ફિજીમાં સંસાધનોના અભાવની ચિંતા પણ છે."

ફિજીમાં સપૉર્ટ સિસ્ટમ, નર્સિંગની વ્યવસ્થા, એચઆઈવીની સારવારની દવાઓના વિતરણ તથા ઉપલબ્ધતાની ક્ષમતાનો અભાવ છે.

તેમણે ઉમેર્યું હતું, "આ હકીકત અમને, આ પ્રદેશમાં કામ કરતા લોકોને ડરાવી રહી છે. ફિજી આનો કોઈ પણ રીતે સામનો કરી શકે તેમ નથી."

ફિજીમાં HIVની ભયંકર સ્થિતિ

ચેપ ફાટી નીકળ્યાની જાન્યુઆરીની જાહેરાત પછી ફિજી સરકારે તેના એચઆઈવી સર્વેલન્સમાં સુધારો કરવાનો અને કેસોના અન્ડરરિપોર્ટિંગની સમસ્યાના નિરાકરણ સંબંધી ક્ષમતા વધારવાના પ્રયાસ કર્યા છે.

ગ્લોબલ ઍલર્ટ એન્ડ રિસ્પોન્સ નેટવર્ક પાસે મદદ માગવામાં આવી હતી. આ નેટવર્કે તાજેતરના એક અહેવાલમાં જણાવ્યું હતું કે "ફિજીમાં એચઆઈવી રોગચાળાનો પ્રસાર અટકાવવા માટે સુસંકલિત રાષ્ટ્રીય પ્રયાસો દ્વારા આ સમસ્યાઓનું નિરાકરણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."

અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે કર્મચારીઓની અછત, કૉમ્યુનિકેશનની સમસ્યાઓ, પ્રયોગશાળાઓમાં સાધનોનો અભાવ, એચઆઈવી રેપિડ ટેસ્ટ્સ તથા દવાઓના સ્ટૉકઆઉટ્સની અસર સ્ક્રિનિંગ, નિદાન અને સારવાર પર થઈ રહી છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, ડેટા કલેક્શન બહુ ધીમું અને ભૂલભર્યું હોય છે. ફિજીમાં એચઆઈવી રોગચાળાના પ્રમાણ અને તેની સામેના પ્રતિભાવની અસરકારકતાને સમજવાના પ્રયાસોને આ બન્ને બાબતો પણ અવરોધે છે.

એ કારણે ઘણા નિષ્ણાતો, અધિકારીઓ અને સામાન્ય ફિજીવાસીઓ હકીકત જાણી શકતા નથી. સોસા-સાન્ટોસ હજુ પણ કેસોના "હિમપ્રપાત"ની આગાહી કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું, "આપણે જોઈ રહ્યા છીએ તે હિમપ્રપાતનો પ્રારંભ છે, પરંતુ તેને રોકી શકાય તેમ નથી, કારણ કે ચેપ સતત ફેલાઈ રહ્યો છે અથવા ફેલાઈ ચૂક્યો છે. આપણને તેની ખબર પડવાની નથી અને લોકો પરીક્ષણ માટે આગામી બેથી ત્રણ વર્ષ સુધી રાહ જોવાના નથી."

તેમણે ઉમેર્યું હતું, "છેલ્લા એક વર્ષ દરમિયાન ફેલાયેલા ચેપને રોકવા માટે આપણે હાલ કશું કરી શકતા નથી. હવે તે થઈ રહ્યું છે. તે ખરેખર ભયાનક છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન