સ્ટીલના થાંભલા પર બનેલાં આ તરતાં ઘરોનું પૂર અને તોફાન કેમ કંઈ બગાડી શકતાં નથી?

    • લેેખક, શિરા રૂબિન
    • પદ, બીબીસી સંવાદદાતા

વારંવાર આવતા પૂર અને આવાસોની અછત સામે ઝઝૂમી રહેલા નેધરલૅન્ડ્ઝના લોકોમાં તરતાં ઘરો તરફનો ઝુકાવ સતત વધી રહ્યો છે. આ તરતાં ઘરો ફ્રેન્ચ પોલિનેશિયાથી લઈને માલદિવ્ઝ જેવાં પૂરથી પ્રભાવિત રાષ્ટ્રોમાં ડચ નેતૃત્વ ધરાવતા વધુ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને પ્રેરિત કરી રહ્યાં છે.

ઑક્ટોબર, 2022માં જ્યારે ભારે તોફાન આવ્યું, ત્યારે એમ્સ્ટરડેમમાં શૂનશિપ નામના તરતા સમુદાયના રહીશોને પૂરો વિશ્વાસ હતો કે, તેઓ આ આફતમાંથી હેમખેમ બચી જશે.

તેમણે તેમનાં બાઇક્સ અને આઉટડોર બેન્ચીઝને બાંધી દીધાં, પાડોશીઓનો સંપર્ક સાધીને સુનિશ્ચિત કર્યું કે, તમામ લોકો પાસે પૂરતા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી અને પાણી છે. પાડોશના સ્ટીલના આધાર-સ્તંભો ઉપર-નીચે હાલક-ડોલક થતા હતા, તે સમયે તેઓ સલામત સ્થળે બેસી રહ્યા.

તેમની આસપાસની જગ્યા પાણી સાથે ઉપર ઊઠતી હતી અને વરસાદનું જોર ધીમું પડી ગયા પછી મૂળ સ્થાન પર આવી જતી હતી.

"તોફાનમાં પણ અમે સલામતી અનુભવતાં હતાં, કારણ કે, અમે પાણી પર તરી રહ્યાં હતાં. વિશ્વભરમાં પાણી પર નિર્માણ કાર્ય કરવામાં નથી આવતું, તે મને અજીબ લાગે છે," એમ બે વર્ષ પહેલાં શૂનશિપમાં સ્થળાંતર કરનારાં ડચ ટેલિવિઝન નિર્માતા સીટી બોએલને જણાવ્યું હતું.

દરિયાની સપાટી વધવાથી તથા શક્તિશાળી તોફાનોને કારણે પાણીમાં ઉછાળો તરતાં ઘરો પૂર સામે રક્ષણ મેળવવા માટે એવો પ્રયોગ રજૂ કરે છે, જે દરિયાકાંઠે વસનારા સમુદાયોને ક્લાઇમેટ ચેન્જનો બહેતર રીતે સામનો કરવા માટે સક્ષમ બનાવી શકે છે.

જમીનની તંગી ધરાવતા અને ગીચ વસ્તી ધરાવતા નેધરલૅન્ડ્ઝમાં આવાં ઘરોની માગ વધી રહી છે. અને વધુને વધુ લોકો ત્યાં પાણી પર ઘર બનાવવા વિચારી રહ્યા છે, ત્યારે અધિકારીઓ તરતાં ઘરોના નિર્માણને સરળ બનાવવા માટે ઝોનિંગના કાયદામાં સુધારો કરવા માટે કાર્ય કરી રહ્યા છે.

ગ્રીનલેફ્ટ પક્ષના એમ્સ્ટરડેમ શહેરનાં કાઉન્સેલર નિએનકે વેન રેનસેન જણાવે છે, "નગરપાલિકા તરતાં ઘરોની સંકલ્પનાને વિસ્તારવા માગે છે, કારણ કે, તેમ કરીને ઘર માટે જગ્યાનો બહુવિધ રીતે ઉપયોગ કરી શકાય છે. વળી, સાતત્યપૂર્ણ માર્ગ જ આગામી સમયનો આવશ્યક માર્ગ છે."

નેધરલૅન્ડ્ઝમાં ગત દાયકામાં ઊભરી આવેલા તરતા સમુદાયો હવે ડચ ઍન્જિનિયરોની આગેવાની હેઠળ તૈયાર થઈ રહેલા વિશાળ પ્રકલ્પોની સંકલ્પના માટે આદર્શ ઉદાહરણ પુરવાર થયા છે.

આ પ્રોજેક્ટ બ્રિટન, ફ્રાન્સ અને નૉર્વે જેવા યૂરોપના દેશો ઉપરાંત ફ્રેન્ચ પોલિનેશિયા અને માલદિવ્ઝમાં પણ મોજૂદ છે, જ્યાં હિંદ મહાસાગરના જળસ્તરમાં થઈ રહેલો વધારો આ દેશના અસ્તિત્વ માટે જોખમી બની રહ્યો છે. એટલું જ નહીં, બાલ્ટિક સમુદ્રમાં તરતા ટાપુઓ બનાવવાની પણ દરખાસ્ત છે, જ્યાં નાનાં શહેરો ઊભાં કરવામાં આવશે.

તરતું ઘર કોઈપણ તટરેખા પર બાંધી શકાય છે અને પાણીની સપાટી પર તે તરતું હોવાથી વધતા જળ સ્તર કે વરસાદને કારણે આવતા પૂરનો સામનો કરવા સક્ષમ હોય છે.

હાઉસબોટને લંગરથી અલગ કરીને બીજા સ્થળે લઈ જઈ શકાય છે, તેનાથી અલગ, તરતાં ઘરો કાંઠા સાથે જોડાયેલાં હોય છે અને મોટાભાગે સ્ટીલના થાંભલા પર ટકેલાં હોય છે. વળી, સામાન્યતઃ તે સ્થાનિક સીવર સિસ્ટમ અને પાવર ગ્રિડ સાથે જોડાયેલાં હોય છે.

માળખાકીય રીતે તે જમીન પર બનાવાતાં ઘરો જેવાં જ હોય છે, પણ બેઝમેન્ટને બદલે તેમાં કોંક્રીટનું માળખું હોય છે, જે સંતુલન જાળવી રાખવાનું કામ કરે છે. તેના કારણે આ ઘરો પાણીમાં સ્થિર રહે છે.

નેધરલૅન્ડ્ઝમાં મોટાભાગે આ તરતાં ઘરો અગાઉથી તૈયાર કરવામાં આવેલાં, ચોરસ આકારનાં અને ત્રણ માળનાં ટાઉનહાઉસ હોય છે.

આવાસો માટે જમીનની અછત ધરાવતા અને પૂરનો વારંવાર સામનો કરતાં શહેરો માટે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિમાં શહેરી આવાસોનો વિસ્તાર કરવા માટે તરતાં ઘરો એક સંભવિત સમાધાન છે.

તરતી ઇમારતો ક્ષેત્રે કાર્યરત ડચ આર્કિટેક્ચરલ ફર્મ વૉટરસ્ટુડિયોની 2003માં સ્થાપના કરનારાં કોએન ઑલ્થુઈસ જણાવે છે કે, તરતાં ઘરોનું પ્રમાણમાં ઓછું તકનીકી સ્વરૂપ જ કદાચ તેનું સૌથી મોટું જમા પાસું છે.

તેઓ જે ઘરોની ડિઝાઇન તૈયાર કરે છે, તેમાં જમીનની અંદર આશરે 65 મીટર (210 ફૂટ) ઊંડે થાંભલા મૂકીને ઘરને સ્થિર કરવામાં આવે છે અને તેમાં આંચકાઓ ખમી લેતી સામગ્રી લગાવવામાં આવે છે, જેથી આસપાસ ઊછળી રહેલાં મોજાંને કારણે થતો ઊતાર-ચઢાવ ખાસ ન અનુભવાય.

પાણીની સપાટી વધે, ત્યારે ઘરો ઉપર જાય છે અને પાણીનું સ્તર ઘટે, ત્યારે નીચે જાય છે.

300 તરતાં ઘરો, ઑફિસો, શાળાઓ અને આરોગ્ય સંભાળ કેન્દ્રોની ડિઝાઇન કરનારાં ઑલ્થુઈસ આગળ જણાવે છે, "અમારી પાસે હવે ટેકનૉલૉજી છે, પાણી પર નિર્માણ કાર્ય કરવાની સંભવિતતા છે. હું અને મારા સહકર્મીઓ સ્વયંને આર્કિટેક્ટ્સ તરીકે નહીં, બલ્કે શહેરના ડૉક્ટરો માનીએ છીએ અને પાણીને અમે દવા ગણીએ છીએ."

ઉલ્લેખનીય છે કે, નેધરલૅન્ડ્ઝનો મોટાભાગનો પ્રદેશ દરિયાઈ સપાટીથી નીચેની જમીન પર આવેલો છે, તેનો એક તૃત્યાંશ ભાગ સમુદ્રની સપાટી કરતાં નીચેના સ્તર પર આવેલો છે.

આ સ્થિતિ જોતાં તરતાં ઘરો બનાવવાનો વિચાર એટલો અકલ્પનીય જણાતો નથી.

દેશમાં વધી રહી છે તરતાં ઘરોની સંખ્યા

એમ્સ્ટર્ડેમની કેનાલ્સ પર 3,000 જેટલી સત્તાવાર રજિસ્ટર્ડ પરંપરાગત હાઉસબોટ આવેલી છે, ત્યારે સેંકડો લોકો હવે અગાઉ ઉપેક્ષા પામેલા વિસ્તારોમાં તરતાં ઘરોમાં વસવાટ કરે છે.

ડચ ફર્મ સ્પેસ ઍન્ડ મેટર દ્વારા તૈયાર કરવામાં આવેલા શૂનશિપમાં એક જૂના ઉત્પાદન વિસ્તારમાં કેનાલ પર 30 ઘરો આવેલાં છે, જે પૈકીનાં અડધાં ડુપ્લેક્સ છે.

એમ્સ્ટરડેમના મધ્ય ભાગથી થોડે જ દૂર આ વિસ્તાર આવેલો છે અને ફેરી થકી ત્યાં પહોંચી શકાય છે.

સમુદાયના સભ્યો વચ્ચે બાઇક અને કારથી માંડીને સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલા ખાદ્ય પદાર્થો સુધીની લગભગ તમામ ચીજો સહિયારી રહે છે.

દરેક મકાનમાં તેનો પોતાનો હિટ પમ્પ આવેલો હોય છે અને તેની છતનો આશરે ત્રીજો ભાગ હરિયાળી અને સોલાર પેનલ્સ માટે સમર્પિત રહે છે.

રહીશો વધારાની વીજળીનું એકમેકને અને નેશનલ ગ્રીડને વેચાણ કરે છે.

"પાણી પર વસવાટ કરવો અમારા માટે સામાન્ય છે અને એ જ અસલ વાત છે," એમ ડચ ટીવી ડિરેક્ટર મારજાન દ બ્લોક કહે છે, જેમણે 2009માં આર્કિટેક્ટ્સ, કાયદાકીય નિષ્ણાતો, ઍન્જિનિયરો અને રહીશોના જૂથને એકજૂટ કરીને આ પ્રકલ્પનો પ્રારંભ કર્યો હતો.

દરિયાઈ સપાટીથી 90 ટકા નીચે આવેલું અને યૂરોપના સૌથી મોટા બંદરનું સ્થળ એવા રોટરડેમમાં વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડિંગ તથા તરતું ફાર્મ આવેલું છે, જ્યાં રોબોટ ગાયોનું દૂધ દોહે છે અને દૂધ તથા તેની બનાવટો સ્થાનિક કરિયાણાના સ્ટોર્સ સુધી પહોંચાડે છે.

રોટરડેમ બંદરમાં સોલાર-પાવર્ડ મિટિંગ અને કાર્યક્રમના સ્થળ એવા તરતા પેવિલિયનને 2010માં લૉન્ચ કરવામાં આવ્યું, ત્યારથી શહેરમાં આવા પ્રોજેક્ટ્સને મુખ્યપ્રવાહમાં લાવવા માટેના પ્રયાસો ઝડપી બનાવવામાં આવ્યા છે.

સાથે તરતી ઇમારતોને શહેરની ક્લાઇમેટ પ્રૂફ તથા અનુકૂલન રણનીતિના એક સ્તંભ તરીકે નામાંકિત કરવામાં આવી છે.

રોટરડેમ શહેરના મુખ્ય રેઝિલિયન્સ ઑફિસર આર્નોડ મોલેનારે જણાવ્યું હતું, "છેલ્લાં 15 વર્ષોમાં અમે આ શહેરને ડેલ્ટા શહેર તરીકે સ્થાપિત કર્યું છે. પાણીને મુશ્કેલી તરીકે જોવાને બદલે અમે તેને તક સ્વરૂપે જોઈએ છીએ."

ક્લાઇમેટ ચેન્જ સામે શહેરોનું રક્ષણ કરવા માટે 2006માં ડચ સરકારે તેનો "રૂમ ફૉર ધી રિવર" કાર્યક્રમ હાથ ધર્યો હતો, જે હેઠળ મૂશળધાર વરસાદ દરમિયાન કેટલીક જગ્યાઓને વ્યૂહાત્મક રીતે પૂરગ્રસ્ત થવા દેવાય છે.

આ એક એવું પરિવર્તન છે, જે વધતા જળ સ્તરનો વિરોધ કરવાને બદલે તેને સ્વીકારવાનો પ્રયાસ કરે છે.

ઑલ્થુઈસના મતે, નેધરલૅન્ડ્ઝમાં જગ્યાનો અભાવ તરતાં ઘરોની માગ વધારી શકે છે, ખાસ કરીને "રૂમ ફોર ધ રિવર" વિસ્તારોમાં, જ્યાં વર્ષના અમુક સમયે પૂરનું દ્રશ્ય સામાન્ય હોય છે.

નિષ્ણાતો જણાવે છે કે, દેશમાં આવાસોની તંગીને હળવી કરવા માટે આગામી 10 વર્ષોમાં અહીં દસ લાખ નવાં ઘરો ઊભાં કરવાં પડશે. આ સ્થિતિમાં તરતાં ઘરો વિકાસ માટે ઉપલબ્ધ જમીન પરનું દબાણ દૂર કરવામાં સહાયરૂપ બની શકે છે.

તરતાં મકાનોમાં નિપુણતા ધરાવતી ડચ કંપનીઓને વિદેશના ડેવલપર્સ વધુ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટેની ઢગલાબંધ ઓફર્સ કરી રહ્યા છે.

તરતાં મકાનો બનાવવાનું કામ કરતી ડચ ટેક કંપની બ્લ્યૂ21 હાલમાં બાલ્ટિક સમુદ્રમાં તરતા ટાપુઓની પ્રસ્તાવિત ઋંખલા પર કામ કરી રહી છે.

આ પ્રકલ્પમાં 50,000 લોકો વસવાટ કરી શકે છે. વળી, તે હેલસિન્કી, ફિનલૅન્ડ તથા ઇસ્ટોનિયામાં ટાલિનને જોડનારી અને 15 અબજ યૂરો (16.9 અબજ ડૉલર, 12.5 અબજ પાઉન્ડ)નું ખાનગી ફંડિંગ ધરાવતી ભૂગર્ભ રેલ ટનલ સાથે જોડાશે.

આ પ્રોજેક્ટને ફિનલૅન્ડના રોકાણકાર અને "ઍન્ગ્રી બર્ડ્ઝ"ના ઉદ્યોગ સાહસિક પિટર વેસ્ટરબેકાનું પીઠબળ સાંપડ્યું છે.

બીજી તરફ, વૉટરસ્ટુડિયો શિયાળામાં માલદિવ્ઝની નીચાણવાળા ભાગમાં આવેલી રાજધાની માલે નજીક તરતા આવાસોના એક પ્રોજેક્ટના નિર્માણ પર દેખરેખ રાખશે.

માલદિવ્ઝનો 80 ટકા હિસ્સો દરિયાઈ સપાટીથી એક મીટર (ત્રણ ફૂટ) કરતાં નીચે વસેલો છે.

ત્યાં 20,000 લોકો માટે સરળ ડિઝાઇન ધરાવતાં પોસાય એવા આવાસો તૈયાર કરવામાં આવશે.

દરિયાઈ સૃષ્ટિને સહાય પૂરી પાડવા માટે મકાનની નીચે કૃત્રિમ પ્રવાળ ખડકો (રીફ) બનાવવામાં આવશે.

ઍર કન્ડિશનિંગ સિસ્ટમ ચલાવવા માટે ઇમારતોમાં ઊંડા સમુદ્રમાંથી ઠંડું પાણી પમ્પ કરવામાં આવશે.

"કોઈ તરંગી જાદુગર જ તરતું ઘર બનાવતો હોય, એ ધારણા હવે રહી નથી. હવે અમે પાણીને એક સાધન ગણીને નીલરંગી શહેરો બનાવી રહ્યાં છીએ," એમ ઑલ્થુઈસે જણાવ્યું હતું.

જોકે, તરતાં ઘરોમાં પણ ઘણા પડકારો રહેલા હોય છે.

ભારે પવન અને વરસાદને કારણે કે પછી વિશાળ ક્રૂઝ શિપ પસાર થવાથી પણ ઇમારતો હાલક-ડોલક થવા માંડે છે.

શૂનશિપમાં રહેતાં સીટી બોએલન કહે છે કે, જ્યારે તેઓ પહેલી વખત અહીં રહેવા આવ્યાં હતાં, ત્યારે વાવાઝોડાને કારણે તેમણે ત્રીજા માળે આવેલા તેમના રસોડામાં જતાં પહેલાં બે વખત વિચારવું પડતું હતું.

કારણ કે, રસોડામાં સૌથી વધુ હલન-ચલન અનુભવાતી હતી. "જોકે, એ પછી મને તેની આદત થઈ ગઈ છે," એમ તેમણે કહ્યું હતું.

વળી, તરતાં ઘરોને પાવર ગ્રિડ અને સિવર સિસ્ટમ સાથે જોડવા માટે વધુ નક્કર માળખું જરૂરી બની રહે છે.

સાથે જ ઊંચી જમીન પરની નગરપાલિકાની સેવાઓ સાથે જોડાવા માટે વૉટરપ્રૂફ તાર તથા પમ્પની જરૂર પડે છે.

ઍમ્સ્ટરડેમમાં શૂનશિપ અને રૉટરડેમમાં તરતી ઑફિસ બનાવવા માટે નવાં માઇક્રોગ્રિડ્ઝ નવેસરથી બનાવવા પડ્યાં હતાં.

કેટલા ફાયદાકારક છે આવાં તરતાં ઘરો?

પણ તેના લાભ નુકસાન કરતાં ઘણા વધારે હોઈ શકે છે.

લ્યૂ21ના સહ-સ્થાપક તથા ડિરેક્ટર રૂટગર ડી ગ્રાફ જણાવે છે કે, વિશ્વભરમાં વધી રહેલાં વિનાશક તોફાનોને કારણે સિટી પ્લાનર્સ તેમજ રહીશો, બંનેની દૃષ્ટિ ઉકેલ માટે પાણી પર સ્થિર થઈ છે.

ગયા ઊનાળામાં જર્મની અને બેલ્જિયમમાં આવેલા ભયાનક પૂરને કારણે 222 લોકોએ જાન ગુમાવ્યા હતા, ત્યારે તે સ્થિતિમાં તરતી ઇમારતોથી સેંકડો જિંદગીઓ બચાવી શકાઈ હોત અને અબજો ડૉલરનું નુકસાન થતું અટકી શક્યું હોત.

ડી ગ્રાફે જણાવ્યું હતું કે, "પૂર આવે, ત્યારે ઘણા લોકો ઊંચાણવાળા વિસ્તારોમાં ખસી જાય, તેવો આગ્રહ રાખવામાં આવે છે."

"પણ બીજો વિકલ્પ દરિયાકાંઠાનાં શહેરોની નજીક રહીને પાણીમાં વિસ્તરણની તકો ખોળવાનો છે."

"જો તમે વિચારી રહ્યા હોવ કે, સદીના ઉત્તરાર્ધમાં સમુદ્રનું જળ સ્તર વધવાથી લાખો લોકોએ વિસ્થાપન કરવું પડશે, તો તરતાં મકાનોનો વ્યાપ વધારવાનું કામ આપણે અત્યારે જ શરૂ કરી દેવું જોઈએ."

આ લેખ મૂળ યેલ ઈ360 દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને પરવાનગી સાથે તેને પુનઃ પ્રકાશિત કરવામાં આવ્યો છે. મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન