ગુજરાત : ઉત્તરાયણમાં પતંગની દોરીથી મોત થવાનો સિલસિલો કેમ અટકાવી શકાતો નથી?

ઉત્તરાયણના દિવસે સુરતમાં દોરીના કારણે એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોતની ઘટના બની હતી.સુરતના વેડ રોડ અને અડાજણ વિસ્તારને જોડતા ફ્લાયઓવર બ્રિજ ઉપરથી રેહાન શેખ, તેમનાં પત્ની અને તેમની દીકરી નીચે પટકાયાં હતાં.

આ પરિવાર બાઇકથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન તેમની આગળ દોરી આવી જતાં બાઇકચાલક રેહાને સંતુલન ગુમાવતાં પરિવાર બ્રિજની 70 ફુટની ઊંચાઈથી નીચે પટકાયો હતો.

એ જ રીતે ઉતરાયણના દિવસે જ અરવલ્લીના બાયડ તાલુકાના ચોઇલા ગામમાં પણ દોરીના કારણે ગળું કપાઈ જતાં ધોરણ 11માં ભણતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

આ વિદ્યાર્થી સ્કુટર લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આડે દોરી આવી જતાં તેને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

રાજ્ય સરકારે ગુજરાતભરમાં ચાઇનીઝ દોરીના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે. એમ છતાં સીધી કે આડકતરી રીતે દોરીના કારણે મોત નીપજ્યાં હોવાની ઘટનાઓ દર ઉત્તરાયણે સામે આવતી રહે છે. અને દરેક મોત પછી ચાઇનીઝ દોરીની ચર્ચા પણ થતી રહે છે.

આ વખતે ઉત્તરાયણમાં કેટલા કેસ આવ્યા?

108 ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, વર્ષ 2026માં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ (14 અને 15 જાન્યુઆરી) દરમિયાન રાજ્યમાં ઇમરજન્સી કૉલ્સમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

મુખ્ય આંકડાકીય વિગતો:

  • કુલ ઇમરજન્સી કૉલ્સ: સમગ્ર ગુજરાતમાંથી કુલ 11,578 કૉલ મળ્યા, જે સામાન્ય દિવસો કરતા 33% વધુ છે.
  • ઊંચાઈ પરથી પડવાના કેસ: ઉત્તરાયણના દિવસે: 488 કેસ
  • ઊંચાઈ પરથી પડવાના કેસ: વાસી ઉત્તરાયણના દિવસે: 442 કેસ

અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ઇન્ચાર્જ મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયાના જણાવ્યા અનુસાર સિવિલ હૉસ્પિટલમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની ઇજાના દર્દીઓ નોંધાયા હતા :

1. પતંગની દોરીથી થયેલી ઇજા:

  • કુલ દર્દીઓ: 42
  • સારવારની સ્થિતિ: 25 લોકોને પ્રાથમિક સારવાર અપાઈ, 17 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા.
  • ગંભીરતા: 5 દર્દીઓને ગંભીર પ્રકારની ઇજા જોવા મળી હતી

2. ધાબા પરથી પડી જવાના કિસ્સા:

  • કુલ દર્દીઓ: 24
  • સારવારની સ્થિતિ: 7 લોકોને ઓપીડીમાં સારવાર અપાઈ અને 17 લોકોને દાખલ કરાયા.
  • સર્જરી: દાખલ કરાયેલા દર્દીઓમાંથી 4 વ્યક્તિઓની સર્જરી કરવી પડી હતી.

3. માર્ગ અકસ્માતના કિસ્સા:

  • કુલ દર્દીઓ: 50
  • સારવારની સ્થિતિ: 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 20 દર્દીઓને દાખલ કરાયા.

હાલની તબીબી સ્થિતિ:

  • ગંભીર દર્દીઓ: કુલ 7 દર્દીઓ વેન્ટિલેટર પર અને 7 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.
  • અન્ય દર્દીઓ: બાકીના તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે.

ચાઇનીઝ દોરી પર કડક પગલાં લેવાની માગ

ઉત્તરાયણ દરમિયાન ઘણા પતંગબાજો પોતાની પતંગ ન કપાય તે માટે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. ગેરકાયદેસર રીતે વપરાતી આ ચાઈનીઝ દોરી એટલી ઘાતક હોય છે કે તેનાથી લોકોનાં ગળાં કપાઈ જતાં હોય છે; તેમ છતાં, રાજ્ય સરકારની કથિત કાર્યવાહી છતાં આ દોરીનો વપરાશ હજુ પણ થતો રહે છે.

અમદાવાદના રહેવાસી અને ગુજરાત હાઈકોર્ટના ઍડવોકેટ નિમેષ કાપડિયાએ ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધ માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી. કાપડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે, "પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે લોકોને ઈજા થાય કે તેઓ મૃત્યુ પામે, તો તે માટે સરકાર જવાબદાર છે. પોલીસ વિભાગ તેમજ કલેક્ટર દ્વારા ચાઈનીઝ દોરીના પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે છે, પરંતુ તેઓ તેનો કડક અમલ કરાવી શકતા નથી."

"આવા કિસ્સામાં યોગ્ય તપાસ થતી નથી. પોલીસ દ્વારા પતંગ ચગાવવા માટે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનારી વ્યક્તિને શોધવામાં આવતી નથી. પોલીસ દ્વારા દરોડા પાડીને વેપારીઓને પકડવામાં આવે છે પરંતુ તે પૂરતું નથી. પોલીસે ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનારા લોકોને પણ શોધીને તેમની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ."

કાપડિયા ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત થનારા અથવા મૃત્યુ પામનારી વ્યક્તિના પરિવારને સરકારી સહાય મળવાની પણ વકાલત કરે છે.

અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજ ભાવસાર વાહનચાલકોને દોરી ન વાગે તે માટે શહેરના ફ્લાયઓવર અને બ્રિજ ઉપર પોતાના ખર્ચે તાર બાંધવાનું 19 વર્ષથી આ સેવાકાર્ય કરી રહ્યા છે.

વર્ષ 2006માં જ્યારે તેઓ ટુ-વ્હીલર લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમને પતંગની દોરી વાગી હતી. આ ઘટના બાદ તેમણે આ ઝુંબેશ શરૂ કરી હતી.

ભાવસારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીના વેપારીઓને પકડવામાં આવે છે, પરંતુ પોલીસે ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવી જોઈએ; તો જ લોકોમાં કાયદાનો ડર પેદા થશે."

પોલીસતંત્ર અને સરકારનું શું કહેવું છે?

ગુજરાત પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવાર પૂર્વે જ સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા અથવા તેનું ગેરકાયદે સંગ્રહ કરનારાં તત્વો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવે છે.

આ મામલે પોલીસતંત્ર અટકાયતી પગલાં માટે પ્રો-ઍક્ટિવ ઝુંબેશ ચલાવી વેપારીઓનાં ગોડાઉન પર દરોડા પાડીને ચકાસણી કરતી હોવાનું જણાવતાં રાજ્યના ઍડિશનલ ડીજીપી (લૉ એન્ડ ઓર્ડર) રાજકુમાર પાંડિયને બીબીસી ગુજરાતીને માહિતી આપે છે, "પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ કરતાં તત્ત્વોને પકડવામાં આવે છે અને તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે છે. જોકે, કોઈપણ પ્રકારના ગુનાને 100 ટકા રોકવો મુશ્કેલ હોય છે."

ચાઈનીઝ દોરી વાપરનારી વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થતી ના હોવા અંગે તેમણે જણાવ્યું, "આ કામ ઘણું મુશ્કેલ છે, કારણ કે કપાયેલો પતંગ ક્યાંથી આવ્યો, તે કોણ ચગાવતું હતું અથવા કોની દોરીથી ઈજા થઈ તે શોધવું અઘરું છે. તેમ છતાં, અમે હવે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનારાઓ સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી સહિતની માહિતી એકઠી કરીને તપાસ કરીશું અને આવા કિસ્સાઓમાં કડક પગલાં પણ લેવાશે."

તેમનું કહેવું છે કે ચાઈનીઝ દોરી પર નિયંત્રણ લાવવા માટે લોકભાગીદારી પણ એટલી જ આવશ્યક છે.

આવા કિસ્સામાં ઈજા કે મોતના મામલે સહાય ચૂકવવા અંગે ગુજરાત સરકારના રાહત કમિશનર આલોક પાંડેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમારા વિભાગ દ્વારા મુખ્યત્વે કુદરતી આફતો દરમિયાન જ રાહત પૅકેજ આપવામાં આવે છે. અકસ્માત જેવા કિસ્સાઓમાં સામાન્ય રીતે મુખ્ય મંત્રી રાહત નિધિમાંથી સહાય જાહેર કરવામાં આવતી હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન