એઆર રહમાને કેમ કહ્યું- 'છેલ્લાં આઠ વર્ષમાં બૉલીવૂડમાં કામ મળવાનું બંધ થતું ગયું છે'

    • લેેખક, હારૂન રશીદ
    • પદ, બીબીસી એશિયન નેટવર્ક

ઘણી બૉલીવૂડ ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર ઑસ્કરવિજેતા સંગીતકાર એઆર રહમાને સ્વીકાર્યું છે કે 'છેલ્લાં આઠ વર્ષમાં તેમને બૉલીવૂડમાં કામ મળવાનું બંધ થતું ગયું.'

બીબીસી સાથેના એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં એઆર રહમાને પોતાની અત્યાર સુધીની સંગીતસફર, બદલાતા સિનેમા, ભવિષ્યની યોજનાઓ અને સમાજમાંના વર્તમાન વાતાવરણ વિશે ખુલ્લા મને વાત કરી.

નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ'માં તેમણે આલ્બમ કમ્પોઝ કર્યો છે. અલગ ધર્મના હોવા છતાં આ ફિલ્મ માટે મ્યુઝિક કમ્પોઝ કરવા સાથે સંકળાયેલા સવાલોના પણ તેમણે જવાબ આપ્યા.

ગયા વર્ષે 'છાવા' ફિલ્મ આવી હતી, જેમાં એઆર રહમાને સંગીત આપ્યું હતું. આ ફિલ્મને ઘણા ઇતિહાસકારોએ તથ્યો સાથે છેડછાડ કરીને રજૂ કરાયેલી અને વિભાજનકારી ગણાવી હતી.

ફિલ્મ રિલીઝના સમયે મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાઓએ તોફાનો થયાં હતાં.

એઆર રહમાને પણ આ ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે 'છાવા' એક 'ભાગલા' કરાવનારી ફિલ્મ હતી.

આ ઇન્ટરવ્યૂમાં એઆર રહમાને પોતાના પ્રારંભિક સંઘર્ષ, પશ્ચિમી અને ભારતીય સંગીત વચ્ચે તાલમેળ બેસાડવાના પડકારો વિશે પણ વિસ્તારથી વાતચીત કરી છે.

'રોજાનો ટ્રૅક પૂછ્યા વિના ઉપયોગ કર્યો'

ફિલ્મ 'એનિમલ'માં 'રોજા' ફિલ્મનો એક સાઉન્ડટ્રૅક વાગે છે, જે નવી પેઢીને એઆર રહમાનના સંગીતનો પરિચય કરાવે છે.

હવે જ્યારે રહમાન 'એનિમલ'માં 'છોટી સી આશા' સાંભળે છે, લોકો તેનો ઇન્સ્ટાગ્રામ, ટિકટૉક પર ઉપયોગ કરી રહ્યા છે, તે દરેક જગ્યાએ ટ્રેન્ડ કરી રહ્યો છે.

તેમને કેવું લાગે છે કે 33 વર્ષ પહેલાં બનાવેલું કેટલુંક આજે નવું જીવન મેળવી રહ્યું છે?

આ સવાલના જવાબમાં રહમાન કહે છે, "આ નૉસ્ટૅલ્જિક છે. તેમણે મને ક્યારેય પૂછ્યું પણ નહીં. રિલીઝ થયા પછી તેમણે કહ્યું કે અમે આનો ઉપયોગ કરી રહ્યા છીએ."

"ઑરિજિનલ રેકૉર્ડ હોવા છતાં અમે તેનું એટમૉસ મિક્સ કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને તે હજુ પણ ઘણું સારું સંભળાય છે."

પરંતુ 33 વર્ષ પહેલાં આ સાઉન્ડટ્રૅક રિલીઝ થવાનો દિવસ તેમને આજે પણ યાદ છે.

રહમાન કહે છે, "'રોજા' કરતા સમયે મને ઘણી નિરાશાઓ મળી હતી. મારા મનમાં હતું કે ઠીક છે, આ કરી લઉં છું અને પછી નીકળી જઈશ અને પોતાના આલ્બમ બનાવીશ."

"મારે ફિલ્મોમાં નહોતું રહેવું; કેમ કે, મારું આખું બાળપણ ફિલ્મોમાં વીત્યું હતું."

"કિસ્મતથી બધું એ રીતે જ બદલાઈ ગયું જેવું હું ઇચ્છતો હતો. ડૉલ્બી આવ્યું, પછી ડીટીએસ આવ્યું, સાઉન્ડ ઘણું સારું થયું."

"હું થોડો નિરાશાવાદી હતો. પરંતુ પછી બધું બદલાઈ ગયું. એટલી ઝડપથી ટેક્‌નૉલોજી આવી. પાંચ વર્ષમાં ડીટીએસ ડિજિટલ અને ડૉલ્બી આવી ગયાં."

"તેનાથી મને સફળતા અને એવૉર્ડ્સ પણ મળ્યાં, તો મેં કહ્યું ઠીક છે, છોડતાં પહેલાં થોડુંક વધારે. અને 10 વર્ષ પછી મેં કહ્યું, હવે છોડવાની વાત બંધ."

'રોજા'નું મ્યુઝિક બનાવતાં સમયે પોતાના શરૂઆતના સંઘર્ષ વિશે તેમણે કહ્યું, "જ્યારે મેં 16 ટ્રૅક પર મ્યુઝિક મિક્સ કરવાનું શરૂ કર્યું, ત્યારે બાકીના સ્ટુડિયોમાં માત્ર ત્રણ ટ્રૅક હતા."

"મને લાગ્યું કે આ સંગીત ટકશે અને એવું જ સંભળાશે. તેમાં ઘટાડો નહીં થાય. મારે તેને ડૉક્યુમેન્ટ અને સ્ટોર કરવાનું હતું, આર્કાઇવ કરવાનું હતું."

"મારી પાસે ટેપ્સના પૈસા નહોતા, તેથી મારે મારા બધા બૅકગ્રાઉન્ડ સ્કોર અને જૂનાં ગીતો નષ્ટ કરવા પડ્યાં."

"મારી પાસે ગીતોની ટેપ્સ છે, પરંતુ સ્કોર નથી. કેમ કે ફિલ્મો માટે મને ખૂબ ઓછા પૈસા મળતા હતા."

"જેટલા એક જિંગલ માટે મળતા હતા, એટલા મને છ મહિનાના ફિલ્મના કામ માટે મળતા હતા, પરંતુ હું સમજી ગયો હતો કે હું પ્રગતિ કરી રહ્યો છું."

બૉલીવૂડમાં સ્થાન માટેનો સંઘર્ષ

શું 'દિલ સે' સુધી આવ્યા પછી જ આખા ભારતમાં એઆર રહમાનને ઓળખ મળી?

આના જવાબમાં તેઓ કહે છે, "મને લાગે છે 'રંગીલા'. રામગોપાલ વર્મા મણિ રત્નમ્‌ના દોસ્ત હતા. એક દિવસ આવ્યા અને કહ્યું કે એક ફિલ્મ કરી રહ્યો છું.

તેમની 'શિવા' ઘણી હિટ હતી. તેમણે કહ્યું, મને તમારું સંગીત ગમે છે અને હું તમારી સાથે કામ કરવા માગું છું. તેઓ મણિ રત્નમ્‌થી બિલકુલ જુદા હતા."

"ત્રણ ફિલ્મોની સાથે પણ હું હજુ આઉટસાઇડર હતો, પરંતુ 'તાલ' દરેક ઘરમાં પહોંચી ગઈ. તે દરેક ઘરના રસોડા સુધી પહોંચી."

"આજે પણ મોટા ભાગના ઉત્તર ભારતીયોના લોહીમાં છે, કેમ કે તેમાં થોડુંક પંજાબી, હિન્દી અને પહાડી સંગીત છે."

બીબીસીએ પૂછ્યું, "એ રસપ્રદ છે કે રહમાન પોતાને 1999 સુધી આઉટસાઇડર કહે છે, જ્યારે 'રોજા' 1992માં આવી હતી અને સાત-આઠ વર્ષ સુધી તમે 'બૉમ્બે', 'રંગીલા', 'દિલ સે', 'તાલ' જેવા દેશના સૌથી મોટા સાઉન્ડટ્રૅક બનાવી રહ્યા હતા, છતાં પણ તમને ન લાગ્યું કે તમે એ જગ્યા સાથે જોડાયેલા છો?

રહમાને કહે છે, "હું હિન્દી નહોતો બોલતો. તમિલ વ્યક્તિ માટે હિન્દી શીખવું અઘરું છે, કેમ કે અમને તમિલ સાથે ઘણો લગાવ છે."

"પરંતુ સુભાષ ઘઈએ કહ્યું, મને તમારું સંગીત ગમે છે, અને હું ઇચ્છું છું કે તમે વધુ સમય રહો. તેથી હિન્દી શીખો."

"મેં કહ્યું, ઠીક છે, હું હિન્દી શીખીશ અને એક પગલું આગળ વધીને ઉર્દૂ શીખીશ, જે 60-70ના દાયકાના હિન્દી સંગીતની જનની છે."

"પછી હું અરબી શીખતો હતો, જે ઉચ્ચારમાં ઉર્દૂને મળતી આવે છે. પછી મને પંજાબીમાં રસ પડ્યો – નુસરતનાં ગીતો અને સુખવિંદરના પ્રભાવથી."

રહમાને કહ્યું, "વિચિત્ર વાત એ છે કે મેં કર્ણાટક સંગીતનો વધુ ઉપયોગ નથી કર્યો, કેમ કે એમાં પહેલાંથી ઘણું કામ કર્યું હતું."

"કોઈ પણ ધૂનને સ્પર્શતાં જ લાગે છે કે આ પહેલાં સાંભળેલી છે. તેથી મેં હિન્દુસ્તાની રાગોને પસંદ કર્યા, જેમ કે, દેશ, પીલૂ, દરબારી."

"આ રાગ તમિલ કે દક્ષિણ ભારતીય સંગીતમાં વધુ નહોતા આવ્યા. આ જ કારણ છે કે તે ઉત્તર ભારતીયોને વધુ ગમ્યું."

"આ એક સમજી-વિચારીને લેવાયેલો નિર્ણય હતો કે કર્ણાટક સંગીતનો ઉપયોગ ન કરું."

'છાવા એક ભાગલા પાડતી ફિલ્મ છે'

બૉલીવૂડમાં સંગીત બનાવતા એઆર રહમાને ઘણી એવી રચનાઓ આપી છે જે સદાબહારની શ્રેણીમાં આવે છે

તાજેતરમાં જ એક ફિલ્મ આવી, 'છાવા', જેમાં તેમણે મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કામ કર્યું. આ ફિલ્મના સંગીતની ઘણી સરાહના કરવામાં આવી.

જોકે, રિલીઝ સમયે આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી રહી અને મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ તોફાનો પણ થયાં.

બીબીસી એશિયન નેટવર્કના ઇન્ટરવ્યૂમાં જ્યારે રહમાનને પૂછવામાં આવ્યું કે શું આ એક વિભાજનકારી ફિલ્મ હતી? તો તેમણે કહ્યું, "તે ભાગલા પાડતી ફિલ્મ છે."

રહમાને કહ્યું, "મારું માનવું છે કે તેણે વિભાજનને વધાર્યું છે, પરંતુ મને લાગે છે કે તેનો હેતુ બહાદુરી દર્શાવવાનો છે, કેમ કે મેં ડાયરેક્ટરને કહેલું કે તમને આ ફિલ્મ માટે મારી જરૂર કેમ છે? તેમણે કહ્યું કે આના માટે મને માત્ર તમે જ જોઈએ."

રહમાને કહ્યું, "મને લાગે છે કે તેમાં ઘણું બધું છે અને તેનો અંત પણ જોવા લાયક છે. પરંતુ ચોક્કસપણે મને લાગે છે કે લોકો આનાથી ઘણા વધુ સમજદાર છે."

"શું તમને લાગે છે કે લોકો ફિલ્મોથી પ્રભાવિત થઈ જશે? લોકોમાં અંતરઆત્મા હોય છે, જે જાણે છે કે સચ્ચાઈ શી છે અને કપટ શું છે."

'રામાયણ'નું સંગીત આપવામાં ધાર્મિક આસ્થા નડી?

ફિલ્મ નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' આ જ વર્ષના અંતમાં રિલીઝ થવાની છે અને તેમાં એઆર રહમાને મ્યુઝિક આપ્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ ફિલ્મમાં સંગીત આપતાં તમારી સામે ક્યારેય તમારી આસ્થાનો સવાલ ઊભો થયો?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "હું 'બ્રાહ્મણ સ્કૂલ'માં ભણ્યો છું. દર વર્ષે રામાયણ અને મહાભારત થતાં હતાં, તેથી હું કહાણી જાણું છું, કોઈ વ્યક્તિના ગુણોની કહાણી."

"હું દરેક સારી વસ્તુને મહત્ત્વ આપું છું."

"જ્ઞાન એ છે જે તમે દરરોજ, દરેક જગ્યાએ શીખી શકો છો. આપણે સંકીર્ણતા અને સ્વાર્થથી ઉપર ઊઠવું જોઈએ."

'જે ક્રિયેટિવ નથી તેમની પાસે પાવર છે'

ઘણા ફિલ્મકારો અને કલાકારોએ દાવો કર્યો છે કે બોલીવૂડમાં તમિલ સમુદાય માટે ભેદભાવનું ચલણ જોવા મળતું રહ્યું છે, પરંતુ 1990ના દાયકામાં તે કેવું હતું?

આ સવાલના જવાબમાં રહમાન કહે છે, "મને આ બધી ખબર ન પડી; અથવા કદાચ મારાથી છુપાવાયું. મેં ક્યારેય એવો અનુભવ નથી કર્યો."

જોકે તેઓ કહે છે, "છેલ્લાં આઠ વર્ષોમાં કદાચ સત્તામાં પરિવર્તન આવ્યું છે અને જે રચનાત્મક નથી, તેઓ નિર્ણય કરી રહ્યા છે. કદાચ સાંપ્રદાયિક વાત પણ રહી હોય, પરંતુ મારી સામે કોઈએ નથી કહ્યું."

"હા, કોઈ કોઈ વાતો કાન સુધી પહોંચી. જેમ કે, તમને બુક કર્યા હતા પરંતુ બીજી મ્યુઝિક કંપનીએ ફિલ્મને ફંડ આપ્યું અને પોતાના સંગીતકાર લઈ આવ્યા."

"હું કહું છું, ઠીક છે, હું આરામ કરીશ, પરિવાર સાથે સમય વિતાવીશ."

"હું કામની શોધમાં નથી. હું ઇચ્છું છું કે કામ મારી પાસે આવે. હું ઇચ્છું છું કે મારી મહેનત અને ઇમાનદારી મને વસ્તુઓ અપાવે."

"મને લાગે છે કે વસ્તુઓની શોધ કરવી અપશુકન છે. જે મારું છે, ઈશ્વર મને આપી દેશે."

ભવિષ્યની યોજનાઓ?

રહમાને આ ઇન્ટરવ્યૂમાં પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે પણ વાત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ પોતાની પહોંચ વધારવા માટે કઈ રીતે પશ્ચિમી દેશોના કલાકારો સાથે સહયોગ કરવાની કોશિશ કરે છે.

રહમાને જણાવ્યું, "મેં વર્ચુઅલ મેટા બૅંડ સિક્રેટ માઉન્ટેન બનાવ્યું છે. જેમાં ડાયવર્સિટી છે."

"તેમાં અમેરિકન કૅરેક્ટર છે, આઇરિશ કૅરેક્ટર છે, આફ્રિકન, નૉર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ કૅરેક્ટર છે. આખી દુનિયાને એકસાથે લાવવાની કોશિશ છે."

"પરંતુ, એ વાત પણ છે કે જો હું ઇન્ડિયન મ્યુઝિક નહોતો કરતો, તો શું કરતો હતો. પરંતુ, મારું મ્યુઝિક પૂરેપૂરું ઇન્ડિયન નથી. જે રીતે હું મ્યુઝિક પ્રોડ્યૂસ કરું છું, તે પૂર્ણ રૂપે ઇન્ડિયન નથી."

રહમાને હૉલીવૂડમાં ઇન્ડિયન મ્યુઝિક સાથે જોડાયેલું કામ નહીં કરવાના કારણ વિશે પણ જણાવ્યું છે.

તેમણે કહ્યું, "હૉલીવૂડ ઇન્ડિયન સ્ટફ વિશે જે કંઈ થાય છે, તે મારી પ્રાથમિકતા નથી રહેતી. કેમ કે ઇન્ડિયન મ્યુઝિક તો હું કરી જ રહ્યો છું."

"હું વધુ ઊંડાણપૂર્વકનું કામ કરવા માગું છું. બૅંડ પણ આ બાબતમાં ખૂબ ઉત્સાહી છે, કેમ કે અમારી પાસે આઝાદી છે અને અમારી પાસે ફરિયાદ કરવા જેવું કશું પણ નથી."

વેસ્ટર્ન આર્ટિસ્ટની સાથે સહયોગ વિશે તેઓ કહે છે, "ઇન્ડિયન આર્ટિસ્ટ સાથે વેસ્ટર્ન આર્ટિસ્ટનો સહયોગ ખૂબ સારી વાત છે."

નવી જનરેશન માટે સારી વાત એ છે કે તેમના પર એ ભારણ નથી જે અમારા પર હતું. તેઓ કોઈની પરવા નથી કરતા."

અલકા યાજ્ઞિકની સાથે 'તુમ સાથ હો...' અને સુખવિંદરસિંહની સાથે 'રમતા જોગી...'ના કોલૅબરેશનને તેઓ પોતાના સૌથી સારા અનુભવોમાંના એક ગણાવે છે.

આશા ભોંસલેની સાથે 'તન્હા-તન્હા યહાં પે જીના' કોલૅબરેશનને પણ ઘણું સારું ગણાવે છે.

તેઓ કહે છે, "આશા ભોંસલે દિગ્ગજ છે. તેઓ 90ની ઉંમર પાર કરી ચૂક્યાં છે અને હજુ પણ ગાઈ રહ્યાં છે. આ લિવિંગ લેજન્ડને આપણે શા માટે સેલિબ્રેટ ન કરવાં જોઈએ?"

"હું તેમની પાસે ગયો અને કહ્યું કે 'હું તમારી સાથે વધુ એક ગીત કરવા માગું છું.' તેમણે કહ્યું, 'કેમ નહીં ?' અમે ગીત પ્રોડ્યૂસ કરી લીધું છે અને તે આ વર્ષે આવી રહ્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન