ઈરાન પાસે એવું શું છે કે અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ હુમલો કરતાં પહેલાં બે વાર વિચારવું પડે

    • લેેખક, રૌનક ભૈડા
    • પદ, બીબીસી સંવાદદાતા

એવું લાગતું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. જ્યારે અમેરિકાએ ઈરાન અંગે એક ઍડલાઇઝરી જાહેર કરી ત્યારે આ આશંકા વધુ પ્રબળ થઈ ગઈ.

કતારે પોતાના અલ-ઉદેદ ઍરબેઝ (જે મધ્યપૂર્વનું સૌથી મોટું અમેરિકન ઍરબેઝ છે) પરથી કેટલાક સૈનિકો પાછા ખેંચવાનો આદેશ કર્યો હતો.

ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે જો ઈરાન પ્રદર્શનકારીઓને ફાંસી આપશે તો કડક કાર્યવાહી કરશે. જોકે, ગુરુવાર સાંજ સુધીમાં ઈરાન તરફથી સમાચાર આવ્યા કે ફાંસી મુલતવી રખાઈ છે.

પછી ટ્રમ્પે ઉમેર્યું, "અમને કહેવાયું છે કે ઈરાનમાં હત્યાઓ બંધ થઈ ગઈ છે. ફાંસી આપવાની કોઈ યોજના નથી."

ગુરુવાર સાંજ સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું કે મધ્યપૂર્વમાં બધું થાળે પડી ગયું છે. અમેરિકાએ કતારમાં તેના અલ-ઉદેદ ઍરબેઝ પર સુરક્ષા ઍલર્ટનું સ્તર ઘટાડી દીધું. બુધવારે આ બેઝ માટે સુરક્ષા ચેતવણી જારી કરાઈ હતી.

રૉયટર્સ ન્યૂઝ એજન્સીએ એક સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે બુધવારે બેઝ અમેરિકાનાં જે સૈન્ય વિમાનો ખસેડાયાં હતાં એ ધીમે ધીમે પાછાં ફરી રહ્યાં છે. પરંતુ અંગ્રેજી અખબાર 'ધ ટેલિગ્રાફ'માં પ્રકાશિત એક અહેવાલે બધાને ચોંકાવી દીધા, જેમાં દાવો કરાયો અમેરિકન સેના હુમલા માટે તૈયાર નથી.

બ્રિટિશ અખબાર 'ધ ટેલિગ્રાફ'ને ટાંકીને બીબીસી પર્સિયને લખ્યું, "અમેરિકન અધિકારીઓને ગુપ્ત રીતે ચેતવણી આપવામાં આવી હતી કે દેશની સેના મર્યાદિત વિકલ્પો અને ક્ષમતાઓને કારણે ઈરાન પર હુમલો કરવા માટે તૈયાર નથી."

આ અહેવાલ મુજબ, "કહેવાઈ રહ્યું છે કે ટ્રમ્પે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને નિર્દેશ આપ્યો કે તે ત્યારે જ કાર્યવાહી કરે જ્યારે શાસન સામે નિર્ણાયક પ્રહારની ખાતરી આપી શકે." પરંતુ અધિકારીઓએ એનબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ આવી ગૅરંટી આપી શકતા નથી અને ચેતવણી આપી હતી કે લશ્કરી કાર્યવાહીથી એક મોટો સંઘર્ષ થઈ શકે છે જે અઠવાડિયાં સુધી ચાલી શકે છે અને ઈરાન તરફથી મજબૂત પ્રતિક્રિયા આવી શકે છે.

કાર્યવાહી થશે કે કેમ એ અનિશ્ચિતતા વચ્ચે ટાઇમ મૅગેઝિનમાં 11 જાન્યુઆરીના રોજ પ્રકાશિત અહેવાલમાં પણ કંઈક આવો જ સંકેત આપવામાં આવ્યો હતો.

અહેવાલમાં જણાવાયું છે કે વાણી-વિલાસને બાજુ પર રાખીને તો હકીકત એ છે કે કોઈ પણ સૈન્ય વિકલ્પ ટ્રમ્પનાં વચનો પૂરાં કરી શકશે નહીં.

જો અમેરિકા પ્રતીકાત્મક હુમલો કરે તો પણ તે એટલો નબળો હશે કે તેનું કોઈ મહત્ત્વ નહીં રહે.

હાલ પૂરતું સંકટ ભલે ટળી ગયું હોય, પરંતુ સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ઈરાનની ભૌગોલિક સ્થિતિ કોઈ પણ લશ્કરી કાર્યવાહીને 'ડિટરેન્સ' બનાવે છે.

ઉપરાંત ઈરાને છેલ્લા કેટલાક મહિનામાં તેની સંરક્ષણ પ્રણાલીમાં પણ ધરમૂળથી ફેરફારો કર્યા છે.

ઈરાન કેટલું મજબૂત છે?

ઈરાની સેનાના કમાન્ડર-ઇન-ચીફ મેજર જનરલ અમીર હતામીએ અનેક વાર જણાવ્યું છે કે છેલ્લા સંઘર્ષ પછી ઈરાને પોતાને કેટલું મજબૂત કર્યું છે.

રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી તાસ અનુસાર, અમીર હતામીએ કહ્યું, "જૂન 2025માં થયેલા 12 દિવસના યુદ્ધની તુલનામાં આજે ઈરાની સશસ્ત્ર દળો વધુ તૈયાર છે. એ યુદ્ધ ઈરાની સેના માટે એક અનોખો અનુભવ હતો, જેણે અમારી તાકતમાં વધારો કર્યો, સૈનિકોની તાલીમનું સ્તર વધાર્યું અને વિવિધ એકમો વચ્ચે તાલમેળ વધાર્યો."

"ઈરાને કોઈ પણ સંભવિત હુમલાને રોકવા અને ઈરાનની સુરક્ષા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા તેનાં સશસ્ત્ર દળોની ક્ષમતાઓને મજબૂત બનાવી છે."

મધ્યપૂર્વ બાબતોના નિષ્ણાત અને આઇસીડબલ્યુએના સિનિયર ફેલો ડૉ. ફઝ્ઝુર રહમાને બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું, "એ સાચું છે કે ઈરાનનું ભૌગોલિક સ્થાન હંમેશાં તેના માટે ફાયદાકારક રહ્યું છે. આનાથી ભૂતકાળમાં પણ ઈરાનને વ્યૂહાત્મક ફાયદા મળ્યા છે."

"જોકે, આધુનિક યુદ્ધમાં જમીન પર હુમલો થવાની શક્યતા ઓછી છે. અમેરિકા પાસે બી-2 બૉમ્બરો અને અનેક ખતરનાક મિસાઇલો છે, જેનાથી હવાઈ હુમલા થઈ શકે છે. એ સ્પષ્ટ કે જમીન પર હુમલો કરવાની યોજના બનાવતી વખતે ઈરાનની ભૌગોલિક સ્થિતિને અવગણી ન શકાય."

ઈરાન પર હુમલો કરવો મુશ્કેલ કેમ છે?

અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયનના એક અહેવાલ અનુસાર, "વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને 'પકડ્યા' કર્યા પછી ટ્રમ્પે ઉત્સાહપૂર્વક ઈરાન પર સખત વલણ અપનાવવાની વાત કરી."

"પરંતુ અમેરિકાએ ખરેખર કોઈ સૈન્ય તૈયારીઓ કરી નથી. હકીકતમાં છેલ્લા કેટલાક મહિનામાં ઈરાનની આસપાસ અમેરિકન સેનામાં ઘટાડો થયો છે, જેના કારણે તેના વિકલ્પો મર્યાદિત થઈ ગયા છે. ઑક્ટોબર 2025થી મધ્યપૂર્વમાં કોઈ અમેરિકન ઍરક્રાફ્ટ કેરિયર તહેનાત નથી."

આનો અર્થ એ છે કે અમેરિકા ઈરાની સરકારી ઠેકાણાં કે ઈરાની નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ પર એકલા હાથે હુમલો કરી તેમ નથી.

આવું કરવા અમેરિકાએ મધ્યપૂર્વીય દેશોમાં મોજૂદ હવાઈ મથકોનો ઉપયોગ કરવો પડશે. જોકે, ઈરાને તેમને પહેલાંથી જ ચેતવણી આપી દીધી છે.

અમેરિકા પાસે બીજો વિકલ્પ છે, બી-2 બૉમ્બર, જેનો તેણે જૂન 2025માં ઉપયોગ કર્યો હતો. જોકે, ઈરાન દાવો કરે છે કે તેનાથી પણ તેનાં પરમાણુ ઠેકાણાં સંપૂર્ણપણે નાશ પામ્યાં નહોતાં.

ડૉ. ફઝ્ઝુર રહેમાન એમ પણ કહે છે કે, "અમેરિકાએ ઑક્ટોબરમાં પોતાનાં ઍરક્રાફ્ટ કેરિયર ખસેડી લીધાં હતાં, જેનાથી ઈરાનને થોડી રાહત મળી હતી, પરંતુ હવે અમેરિકા ફરીથી પોતાનાં ઍરક્રાફ્ટ કેરિયર મધ્યપૂર્વ તરફ મોકલી રહ્યું છે. જરૂરી નથી કે હુમલાના સમયે તેનો ઉપયોગ કરવામાં આવે. અમેરિકા ઈરાનના પડોશી દેશોના લશ્કરી હવાઈ મથકોનો પણ ઉપયોગ કરી શકે છે."

ઈરાનની ભૌગોલિક પરિસ્થિતિ અમેરિકા માટે મોટો પડકાર

ઈરાનની ભૌગોલિક પરિસ્થિતિ તેની સૌથી મોટી તાકત રહી છે. ઍટલસ ઑફ વૉર અનુસાર, ઈરાન મજબૂત કુદરતી સરહદોથી ઘેરાયેલું છે જે દુશ્મન માટે નોંધપાત્ર અવરોધ ઊભો કરે છે. ઈરાનની ચારે તરફ કુદરતી સુરક્ષા છે.

ઉત્તરમાં કેસ્પિયન સાગર, દક્ષિણમાં પર્શિયન ખાડી અને ઓમાનની ખાડી, પૂર્વ અને પશ્ચિમમાં રણ અને પર્વતો છે. પશ્ચિમી સરહદ પર ઝાગ્રોસ પર્વતની હારમાળા અને ઉત્તરમાં એલ્બુર્ઝ પર્વત આવેલા છે.

આ કોઈ પણ દુશ્મન સૈન્ય માટે નોંધપાત્ર પડકારો ઊભા કરે છે. ભૂતકાળમાં પણ આ પર્વતોએ વારંવાર આક્રમણકારી દળોને અટકાવ્યા છે.

1980ના દાયકામાં ઈરાન અને ઇરાક વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. 1980માં સદ્દામ હુસૈનની સેનાએ ઈરાન પર આક્રમણ કર્યું. જોકે, ઝાગ્રોસ પર્વતોને કારણે ઇરાકી સેના ઈરાનમાં ખૂબ આગળ વધી શકી ન હતી.

સદ્દામ હુસૈનની યોજના પહેલાં અહવાઝ (એક મહત્ત્વપૂર્ણ તેલક્ષેત્ર) કબજે કરવાની અને પછી પર્વતો પાર કરીને ઈરાનમાં આગળ વધવાની હતી, પરંતુ આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ રહી. અહીં પ્રકૃતિ એક મોટો પડકાર રહી અને યુદ્ધ આઠ વર્ષ સુધી ચાલ્યું. અંતે, કોઈનો વિજય ન થયો અને બંને પક્ષો વચ્ચે ગતિરોધ રહ્યો.

એ જ રીતે, જો કોઈ પૂર્વથી ઈરાન પર હુમલો કરવા માગતું હોય, તો તેણે 'દશ્ત-એ-લુત' અને 'દશ્ત-એ-કવીર' જેવા વિશાળ રણને પાર કરવું પડે. આ રણ મોટી સૈન્ય કાર્યવાહી માટે મુશ્કેલીઓ પેદા કરી શકે છે.

પહાડો અને રણ ઉપરાંત ઈરાન સમુદ્ર સાથે પણ જોડાયેલું છે. પર્સિયન ગલ્ફમાં હોર્મુઝની સામુદ્રધુની ખૂબ જ સાંકડી છે અને ઈરાનનું તેના પર નિયંત્રણ છે.

તે વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. વિશ્વના લગભગ 20 ટકા ઑઇલ આ સાંકડી સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. તેથી, કોઈ પણ મોટા સંઘર્ષમાં ઈરાન પાસે એક મહત્ત્વપૂર્ણ હથિયાર છે.

હોર્મુઝ પર નિયંત્રણ રાખીને ઈરાનને વિશ્વનો તેલ પુરવઠો રોકી શકે છે. આ આશંકાને લીધે ઈરાનના દુશ્મનો તેના પર હુમલો કરતાં પહેલાં બે વાર વિચારે છે.

ઈરાન અને અમેરિકાની મિલિટરી શક્તિ

ગ્લોબલ ફાયરપાવર અનુસાર, ઈરાન વિશ્વની ટોચની 20 સૈન્ય શક્તિમાંનું એક છે. 145 સૈન્ય શક્તિમાં ઈરાન 16મા ક્રમે છે.

ઈરાન પાસે 6.10 લાખ સક્રિય સૈનિકો અને 3.50 લાખ રિઝર્વ ફોર્સ સૈનિક છે, તેની કુલ સંખ્યા 9.60 લાખ આસપાસ થાય છે.

તેમજ ઈરાનમાં રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઇઆરજીસી) એક અલગ યુનિટ છે, જે અપરંપરાગત યુદ્ધમાં માહેર છે. ઈરાન પાસે 551 ફાઇટર વિમાન છે.

માનવરહિત હવાઈ વાહનોની દૃષ્ટિએ ઈરાન વિશ્વના ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે. ઈરાન પાસે 147 નૌકાદળ સંપત્તિ છે, જેમાં 25 સબમરીન સામેલ છે.

ઈરાન વોચના અહેવાલ મુજબ, ઈરાનનો મિસાઈલ શસ્ત્રાગાર મધ્યપૂર્વમાં સૌથી મોટો છે.

2022માં યુએસ સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું હતું કે, "ઈરાન પાસે ત્રણ હજારથી વધુ બૅલેસ્ટિક મિસાઇલ છે. તેમાં ક્રૂઝ મિસાઇલોનો સમાવેશ થતો નથી."

સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, 2024માં ઈરાનનું સંરક્ષણ બજેટ 7.9 બિલિયન ડૉલર હતું, જે જીડીપીના આશરે 2.0 ટકા હતું. 2023માં ઈરાનનો સૈન્ય ખર્ચ આશરે 10.3 બિલિયન ડૉલર હતો.

સૈન્ય ખર્ચમાં ઈરાન વિશ્વમાં 34મા ક્રમે રહ્યું છે. ઈરાને 2025ના આંકડા જાહેર કર્યા નથી, પરંતુ તે તેના સંરક્ષણ બજેટમાં 200 ટકા વધારો કરવાની યોજના ધરાવે છે, જે તેને 16.7 બિલિયન ડૉલર સુધી લઈ જશે. જોકે અમેરિકા અને ઈરાનની સૈન્ય તાકતમાં નોંધપાત્ર તફાવત છે. અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે, જે ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે.

અમેરિકા પાસે 13.28 લાખ સક્રિય સૈનિકો અને 7.99 લાખ રિઝર્વ સૈનિકો છે. આમ તેના સૈનિકોની કુલ સંખ્યા આશરે 21 લાખ છે. વર્ષ 2005થી અમેરિકા સતત ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન ધરાવે છે.

સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની રેન્કિંગમાં પણ પ્રથમ ક્રમે છે. એ પ્રમાણે, 2024માં અમેરિકાનું સંરક્ષણ બજેટ 997 બિલિયન ડૉલર હતું. આ અમેરિકાના જીડીપીના 3.4 ટકા છે. વિશ્વના કુલ સૈન્ય ખર્ચમાં અમેરિકાનો હિસ્સો 37 ટકા છે.

ભલે ઈરાન અને અમેરિકાની લશ્કરી તાકત વચ્ચે સ્પષ્ટ તફાવત હોય, પરંતુ વિશ્લેષકો માને છે કે ઈરાન પર હુમલો કરવો એટલો સરળ નથી.

નેવલ પોસ્ટગ્રેજ્યુએટ સ્કૂલમાં રાષ્ટ્રીય સુરક્ષા બાબતોના ઍસોસિયેટ પ્રોફેસર અફશોન ઓસ્તોવરે 2024માં કહ્યું હતું કે, "ઈરાન પર હુમલો ન કરવાનું એક કારણ એ નથી કે ઈરાનના વિરોધીઓ ઈરાનથી ડરે છે. પણ તેઓ સમજે છે કે ઈરાન સામે કોઈ પણ યુદ્ધ ખૂબ જ ગંભીર યુદ્ધ હશે."

સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદી માને છે કે, "ઈરાન પાસે અમેરિકા સામે લડવા માટે સૌથી ઉત્તમ હથિયારના રૂપમાં મિસાઇલ અને ડ્રોન છે. ઈરાનના ફાઇટર જેટ લાંબા સમયથી બિનકાર્યક્ષમ છે. તેની નૌકાદળ તાકત પણ પ્રમાણસર છે."

તેઓ ઉમેરે છે કે, "જો કોઈ હુમલો થાય અને ઈરાન બદલો લે, તો તે મિસાઇલોનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. બીજી બાજુ, અમેરિકા પાસે નોંધપાત્ર સૈન્ય તાકાત છે અને ઇઝરાયલનો પણ ટેકો છે. ઇઝરાયલ મધ્યપૂર્વના વિસ્તારોથી સારી રીતે વાકેફ છે અને અમેરિકાને દરેક રીતે મદદ કરી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન