સુરત : 'અમેરિકા વધુ 500 ટકા ટેરિફ ઝીંકશે તો ટૅક્સટાઇલ નિકાસની કમર ભાંગી જશે'

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઑગસ્ટ 2025માં ભારતીય માલની આયાત પર 50 ટકા જેટલો ઊંચો ટેરિફ લગાવ્યો, જેની કળ હજુ વળી નથી ત્યાં વધુ તોતિંગ ટેરિફનો ખતરો તોળાઈ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ રશિયા પાસેથી સસ્તું ઑઇલ ખરીદતા દેશો પર 500 ટકા સુધી ટેરિફ નાખવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આવા દેશોમાં ભારત પણ સામેલ હોવાથી ભારતના ટૅક્સ્ટાઇલઉદ્યોગની ચિંતા વધી ગઈ છે, જેના માટે અમેરિકા સૌથી મહત્ત્વનું બજાર છે.

બીબીસીએ સુરતના ટૅક્સટાઇલઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તથા ગારમેન્ટઉદ્યોગના નિષ્ણાતો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે યુએસ ટેરિફ પછીઉદ્યોગની સ્થિતિ કેવી છે અને જો અમેરિકા વધુ ટેરિફ લાદશે તો કાપડઉદ્યોગની હાલત કેવી થશે.

'થોડી ઘણી નિકાસ થતી હતી તે અટકી જશે'

ભારતમાંથી ટૅક્સટાઇલની નિકાસમાં તિરુપુર, સુરત અને લુધિયાણા અગ્રણી છે. નિકાસ માટે સુરતમાં બનેલા કાપડમાંથી લગભગ 75 ટકા કાપડની અમેરિકામાં નિકાસ થાય છે. હાલમાં અમેરિકાએ ભારત સામે જે સખત વલણ અપનાવ્યું છે, તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના સ્પર્ધક દેશો—વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીનના કાપડની માંગ વધી શકે છે. આવી સ્થિતિમાં ભારત માટે અમેરિકન બજાર ફરીથી કબજે કરવું મુશ્કેલ બનશે.

સાઉથ ગુજરાત ટૅક્સટાઇલ પ્રોસેસર્સ ઍસોસિયેશનના પ્રમુખ જિતુભાઈ વખારિયાએ જણાવ્યું કે, "તાજેતરમાં ક્રિસમસનો ગાળો હતો તે ગમે તેમ કરીને પાર પાડી દીધો, પરંતુ આગળ શું થશે તે નક્કી નથી. સુરતથી અમેરિકામાં ટૅક્સટાઇલની નિકાસને મોટો ફટકો પડ્યો છે. હવે જો ટેરિફ વધશે તો અત્યાર સુધી જે થોડો ઘણો માલ જતો હતો તે પણ બંધ થઈ જશે."

કોટન ટેક્સ્ટાઇલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિજય અગરવાલને ટાંકીને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે, "જે ખરીદદારો અગાઉ ભારતથી ખરીદી કરવાનું વિચારતા હતા, તેઓ હવે આવવા નથી માંગતા. તેઓ અમને લખે છે કે જો 500 ટકા ટેરિફ લાગુ થશે તો જે સ્થિતિ સર્જાશે તેની ગૅરંટી કોણ લેશે?"

વખારિયાના કહેવા મુજબ, "અમેરિકામાં વૉલમાર્ટ, માઇકલ્સ, કૉસ્ટકો વગેરે જેવા મોટા રિટેલરો અત્યંત નીચા ભાવે જથ્થાબંધ ખરીદી કરતા હોય છે. હવે જો ટેરિફ વધારવામાં આવે તો ભારતીય માલ એટલો મોંઘો થઈ જશે કે તેઓ તેની ખરીદી બંધ કરી દેશે." હાલમાં સુરતથી દુબઈ અને યુરોપમાં થોડી ઘણી નિકાસ થાય છે, પરંતુ ભારતના જે દેશો સાથે 'ઝીરો ડ્યૂટી' ઍગ્રીમેન્ટ છે ત્યાં નિકાસનું પ્રમાણ ઘણું ઓછું છે. વખારિયા માને છે કે જો ભારત સરકાર ચીનની જેમ નિકાસલક્ષી ટૅક્સટાઇલઉદ્યોગને રિબેટ આપે તો જ ટકી શકાય તેમ છે.

'આ હાલતમાં ધંધો ટકાવી શકાય નહીં'

ક્લોથિંગ મૅન્યુફેક્ચરિંગ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (CMAI)ના પ્રેસિડન્ટ રાહુલ મહેતા કહે છે કે, "અમેરિકા વધારે ટેરિફ નાખશે તો ધંધો બંધ કરવો પડશે. અત્યારે જે 50 ટકા ટેરિફ છે તે પણ લાંબો સમય ચલાવી શકાય તેમ નથી."

"હાલમાં ગ્રાહકો છૂટી ન જાય તે માટે લોકો નુકસાન ભોગવીને પણ બિઝનેસ કરી રહ્યા છે, પરંતુ આવું ત્રણ-ચાર મહિનાથી વધુ ન ચાલી શકે. જો આવી જ હાલત રહેશે તો ધંધો બંધ કરવાનો વારો આવશે અથવા બીજા બિઝનેસમાં ડાયવર્ટ થવું પડશે."

યુએસ જેવું બજાર બીજે મળવું મુશ્કેલ

સુરતના જાપાન ટૅક્સટાઇલ માર્કેટના વેપારી લલિત શર્માએ જણાવ્યું કે, "બાંગ્લાદેશમાં ઉથલપાથલ વખતે ભારતે ત્યાંથી ડમ્પ થતા માલ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનો ફાયદો સુરતના ઉદ્યોગને થયો હતો. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે તે ફાયદો ધોવાઈ ગયો છે. હવે યુએસ દ્વારા કોઈ પણ વધારાનો ટેરિફ લગાવવામાં આવશે તો તે અસહ્ય બની જશે."

રાહુલ મહેતા ઉમેરે છે કે, "ઉદ્યોગ હવે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને બીજાં બજારો શોધવા તરફ નજર દોડાવે છે, પણ તેમાં સમય લાગશે. અમેરિકા જેટલું વિશાળ બજાર બીજે ક્યાંય મળવું મુશ્કેલ છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાએ ભારત પ્રત્યે જેટલી સખતાઈ દાખવી છે તેવી ચીન સાથે નથી દાખવી. કદાચ અમેરિકાને ચીન વગર ચાલે તેમ નથી."

ભારત સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જવાનો ખતરો

એપેરલ ઍક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC)ના ચેરમેન સુધીર સેખરીને ટાંકીને 'હિંદુ બિઝનેસલાઇન'નો અહેવાલ જણાવે છે કે, "ઊંચા ટેરિફને કારણે ઉત્પાદકોનું માર્જિન ઘટ્યું છે અને ભારતીય નિકાસકારો રોજના 45 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહ્યા છે. નિકાસકારોએ હાલ પોતાનાં ખિસ્સાંમાંથી નાણાં કાઢવા પડે તેવી સ્થિતિ છે."

ગ્લોબલ ફેબ્રિક રિસોર્સિસ ઍન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC) મુજબ, ભારત દર વર્ષે લગભગ 36 અબજ ડૉલરના કાપડની નિકાસ કરે છે. તેમાંથી આશરે 10.05 અબજ અમેરિકન ડૉલરનું કાપડ એકલા સુરતથી અમેરિકા જાય છે. એટલે કે, ભારતની કુલ નિકાસનું આશરે 28 ટકા કાપડ માત્ર સુરતથી અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે, જે હવે ગંભીર જોખમમાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન