ચીન આટલું બધું સોનું કેમ ખરીદી રહ્યું છે અને દુનિયાના અર્થતંત્ર પર શું અસર પડશે?

    • લેેખક, સિદ્ધાર્થ રાય
    • પદ, ચીનના મામલાના નિષ્ણાત

લગભગ ત્રણ દાયકા બાદ 2025માં પ્રથમ વખત વૈશ્વિક કેન્દ્રીય બૅન્કો પાસે મોજૂદ સોનાનું કુલ મૂલ્ય અમેરિકન ટ્રેઝરી બૉન્ડમાંનાં તેમનાં રોકાણોને પાર કરી ગયું.

કેન્દ્રીય બૅન્કો પાસે સોનાનો જથ્થો અંદાજે ચાર ખર્વ ડૉલર સુધી પહોંચી ગયો છે, જ્યારે અમેરિકન ટ્રેઝરીમાં રોકાણો 3.5 ખર્વ ડૉલર જેટલાં છે.

યૂરોને પાછળ છોડીને સોનું અમેરિકન ડૉલર પછી બીજી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રિઝર્વ એસેટ બની ગયું છે.

અમેરિકાએ 2022માં રશિયાની અસ્કયામતો ફ્રીઝ કરી દીધી, તેને પગલે કેન્દ્રીય બૅન્કોએ સોનાની ખરીદી વધારી દીધી, તે પછી આ પરિવર્તન આવ્યું હતું.

સળંગ ત્રણ વર્ષો સુધી કેન્દ્રીય બૅન્કોએ દર વર્ષે 1,000 ટન કરતાં વધુ સોનાની ખરીદી કરી. ઊંચા ભાવો છતાં સપ્ટેમ્બર, 2025 સુધીમાં તેમાં 634 ટનનો ઉમેરો થયો હતો.

ચીનના વિશ્લેષકો કહે છે કે, સોનાનો વધી રહેલો ભંડાર કેન્દ્રીય બૅન્કોને ડૉલર પરનું તેમનું અવલંબન ઘટાડવામાં અને ડૉલર પર આધારિત અસ્કયામતો સાથે સંકળાયેલાં જોખમો સંભાળવામાં સહાયરૂપ બને છે.

જો ડૉલરની વિશ્વસનીયતા ઓછી થઈ જાય, તો વધુ સોનું કુલ વિદેશી હૂંડિયામણની અનામતોને સ્થિર કરવામાં પણ ઉપયોગી બનશે.

સપ્ટેમ્બર, 2025 સુધીમાં ચીનના કુલ આંતરરાષ્ટ્રીય રિઝર્વમાં સોનાની ટકાવારી 7.6 ટકા રહી હતી. રશિયાનાં કેટલાંક આંતરરાષ્ટ્રીય રિઝર્વ્સમાં સોનાનું પ્રમાણ 41.3 ટકા છે, જ્યારે ભારત માટે આ પ્રમાણ 13.57 ટકા છે.

નીતિગત અનિશ્ચતતા, અમેરિકાનું વધી રહેલું દેવું તેમજ વધતા ભૂ-રાજકીય તણાવોની સ્થિતિમાં વિશ્લેષકોનું માનવું છે કે, કેન્દ્રીય બૅન્કો ધીમે-ધીમે ડૉલર પરની તેમની નિર્ભરતા ઘટાડી રહી છે અને સોનામાં તેમનો હિસ્સો વધારી રહી છે.

તેનાથી વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થા વ્યાપક વૈવિધ્યતા તરફ દોરવાઈ શકે છે.

રશિયાએ 2014માં બ્રિક્સમાં તેની અધ્યક્ષતા દરમિયાન બ્રિક્સ ક્રૉસ-બૉર્ડર પેમેન્ટ્સ ઇનિશિએટિવ (બીસીબીપીઆઈ)ની દરખાસ્ત કરી હતી.

આ વ્યવસ્થાનો આશય સભ્ય દેશો વચ્ચે તેમનાં રાષ્ટ્રીય ચલણોમાં વેપારની સુવિધા પૂરી પાડવાનો અને અમેરિકન ડૉલર પર આધારિત નાણાંકીય વ્યવસ્થા પરનું તેમનું અવલંબન ઘટાડવાનો હતો.

વિશ્લેષકોનું માનવું છે કે, આ પ્રવાહ ચાઇનિઝ રેનમિનબી (ચીનના ચલણનું સત્તાવાર નામ)ના બહોળા આંતરરાષ્ટ્રીય વપરાશ માટેની નવી તકોનું પણ સર્જન કરે છે.

ચીનનો વધી રહેલો સુવર્ણ સંગ્રહ વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થામાં રેનમિનબીમાં દૃઢ થઈ રહેલા વિશ્વાસ તરીકે જોવાઈ રહ્યો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ, આઈએમએફ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ) તથા પીપલ્સ બૅન્ક ઓફ ચાઇનાના ડેટા પર આધારિત આ વિશ્લેષણમાં બ્રિક્સના દેશોની, ખાસ કરીને ચીનની સોનું એકઠું કરવાની પેટર્નને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાથે જ સોનાના એકત્રીકરણે કેવી રીતે રેનમિનબીના બહોળા આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે નવી તકોનું સર્જન કર્યું છે, તેનું પણ તેમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

જોકે, હાલનું સ્તર આ ચલણના પૂર્ણ આંતરરાષ્ટ્રીયકરણ માટે પર્પાય્ત નથી.

બ્રિક્સ દેશોમાં સુવર્ણ ભંડારની પેટર્ન

બ્રિક્સ દેશો, ખાસ કરીને વિશ્વના સૌથી મોટા બે ઉત્પાદક દેશો - ચીન અને રશિયા તેમનો સુવર્ણ ભંડાર વધારે, તે કોઈ નવી વાત નથી.

બંને દેશોએ 2008ની વૈશ્વિક નાણાંકીય કટોકટી પછી તેમનો સુવર્ણ જથ્થો વધારવા માંડ્યો હતો.

તે કટોકટીએ અમેરિકન બૅન્કિંગ વ્યવસ્થાની નબળાઈ ઉઘાડી પાડી દીધી અને ઊભરતાં અર્થતંત્રોને ડૉલરનું પ્રભુત્વ ધરાવતી અસ્કયામતોમાં રોકાણ કરવા સામે રહેલાં જોખમો પર પુનઃ વિચાર કરવાની ફરજ પાડી.

જોકે, બંને દેશોના અભિગમમાં ભિન્નતા પ્રવર્તે છે.

રશિયાએ મોટાપાયે અને અવિરત ખરીદીની નીતિ અપનાવી છે.

2022માં યુક્રેન પર આક્રમણ અને પશ્ચિમી દેશો દ્વારા મોટાપાયે લાગુ કરાયેલા પ્રતિબંધોની વચ્ચે રશિયાનો સુવર્ણ ભંડાર 2022માં તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

તે પછીના સમયમાં રશિયાનો ભંડાર મહદ્અંશે સ્થિર રહ્યો હતો.

2025માં રશિયાએ સ્થાનિક અંદાજપત્રીય ઘટને સરભર કરવા માટે તેના સુવર્ણ ભંડારનો અમુક ભાગ વેચી દીધો હતો.

બીજી તરફ, ચીનનું વલણ વ્યૂહાત્મક અને કિંમત પ્રેરિત રહ્યું હતું.

સામાન્યપણે, જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવો ગગડે, ત્યારે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના તેની સોનાની ખરીદી વધારી દે છે.

ચીનની અત્યાર સુધીની સૌથી મોટી વાર્ષિક ખરીદી 708.22 ટન 2015ના વર્ષમાં નોંધાઈ હતી.

આ ખરીદી 2013માં અમેરિકન ફેડરલ રિઝર્વે તેની બૉન્ડ ખરીદીનો કાર્યક્રમ ધીમે-ધીમે ઘટાડવાની જાહેરાત કરી, એ પછી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ સામાન્યપણે "ટેપર ટેન્ટ્રમ" તરીકે ઓળખાય છે.

2023 પછી ચીને સોનું ખરીદવાની તેની ગતિ ધીમી કરી દીધી, પણ નાની માત્રામાં ખરીદી ચાલુ રાખી હતી.

તેના પરથી સંકેત મળે છે કે, ચીન તેનો સુવર્ણ ભંડાર વધારવાની લાંબા ગાળાની રણનીતિ પ્રત્યે કટિબદ્ધ છે.

ભારતે 2018થી તેનો સોનાનો ભંડાર વધારવાની શરૂઆત કરી.

રશિયા અને ચીને ડિ-ડોલરાઈઝેશનની નીતિના ભાગરૂપે અમેરિકન ઋણમાં તેમનાં હોલ્ડિંગ્ઝ ઝડપથી ઘટાડી દીધાં, તેનાથી વિપરિત, ભારતે 2024 સુધી અમેરિકન ટ્રેઝરીમાં મોટાપાયે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ પાછળનો આશય ઉમેરારૂપ વિદેશી મૂડી વિકાસશીલ અર્થતંત્રમાં રોકવાનો હતો.

જોકે, 2026ની શરૂઆત સુધીમાં ભારતે તેનો ઝોક બદલ્યો.

અમેરિકન ટ્રેઝરીમાં હવે ભારતનું હોલ્ડિંગ્ઝ 21 ટકા છે. ભારતે હવે વૈશ્વિક નાણાંકીય જોખમો સામે ઝીંક ઝીલવા માટે અન્ય બિન-ડૉલર અસ્કયામતોમાં તેનાં રોકાણો વધારી દીધાં છે.

બ્રિક્સની વૈકલ્પિક ચુકવણી વ્યવસ્થા

ડિ-ડૉલરાઇઝેશનની સ્થિતિમાં જ્યારે વૈશ્વિક રિઝર્વનો રૂખ સોના તરફ વળ્યો છે, ત્યારે રશિયાએ લંડન મેટલ ઍક્સ્ચેન્જ જેવાં પશ્ચિમી પ્લૅટફોર્મ્સના વિકલ્પ સ્વરૂપે બ્રિક્સ પ્રિશીયસ મેટલ્સ ઍક્સ્ચેન્જની રચના કરવાની દરખાસ્ત કરી છે.

તેનો હેતુ વેપારને પ્રતિબંધોની સંભવિત અસરોથી સુરક્ષિત રાખવાનો છે.

જોકે, 2025માં બ્રાઝિલમાં બ્રિક્સ શિખર બેઠક યોજાઈ, ત્યાં સુધી આ પ્રસ્તાવ પર કોઈ નક્કર પ્રગતિ થઈ નહીં.

આ પાછળનું એક કારણ ચીનની પ્રવર્તમાન ગોલ્ડ માર્કેટ વ્યવસ્થા હોવાનું મનાઈ રહ્યું છે.

ચીન અગાઉથી જ રેનમિનબી આધારિત શાંઘાઈ ગોલ્ડ ઍક્સ્ચેન્જ ચલાવે છે અને હૉંગકૉંગમાં તે એક પ્રમાણિત બુલિયન વોલ્ટ પણ ધરાવે છે.

આ ઉપરાંત, હૉંગકૉંગમાં આંતરરાષ્ટ્રિય ગોલ્ડ ટ્રેડિંગ સેન્ટર ઊભું કરવાની પણ યોજના છે.

આથી, ચીન માટે નવું બ્રિક્સ ઍક્સ્ચેન્જ ઊભું કરવા કરતાં વૈશ્વિક બુલિયન બજારમાં પોતાની પ્રસ્થાપિત ભૂમિકાનો ઉપયોગ કરવો, એ વધુ વ્યવહારુ છે.

2022ના વર્ષથી રશિયા બ્રિક્સ બાસ્કેટ આધારિત રિઝર્વ કરન્સીનું સૌથી વાચાળ તથા પ્રબળ સમર્થક રહ્યું છે.

તેમાં સોના કે અન્ય કોમોડિટી સાથે સંકળાયેલા ચલણ માટેનાં સૂચનોનો પણ સમાવેશ થાય છે.

જોકે, આ તમામ દરખાસ્તો હાલમાં મંત્રણાના સ્તર પર છે.

વ્યાપક સ્તર પર જોઈએ તો, આર્થિક વિકાસનાં સ્તર, નીતિગત પ્રાથમિકતાઓ તથા વિદેશ નીતિના તફાવતોને કારણે ખુદ બ્રિક્સની અંદર જ તાલમેળ મર્યાદિત થઈ જાય છે.

સ્થાનિક ચલણોમાં વેપાર વધારવાના પ્રયાસો પર તેની વિપરિત અસર પડે છે. કારણ કે, તેનો આધાર મુખ્યત્વે વેપાર સંતુલન અને લિક્વિડિટીની પ્રાપ્યતા પર રહે છે.

ભારત અને ચીન વચ્ચે 102.5 અબજ ડૉલરની વેપાર ખાધ આ પડકાર સ્પષ્ટપણે વર્ણવે છે.

જો દ્વિપક્ષી વેપાર રૂપિયામાં હાથ ધરવામાં આવે, તો ચીન પાસે વ્યાપક માત્રામાં એવું ચલણ જમા થશે, જેનો આંતરરાષ્ટ્રીય ઉપયોગ સીમિત છે.

આ જ કારણસર, આવી સંધિઓ ચીન માટે આકર્ષક ગણાતી નથી.

બ્રિક્સથી આગળ વધીને રેનમિનબીનું આંતરરાષ્ટ્રીયકરણ

બ્રિક્સની બહાર પણ ચીન રેનમિનબીનો સીમા પાર વપરાશ વધારવા માટે તેની નાણાંકીય વ્યવસ્થાને સતત મજબૂત બનાવી રહ્યું છે.

ચીનની મુખ્ય પહેલમાં હૉંગકૉંગ, થાઇલૅન્ડ, યુએઇ, અને સાઉદી અરેબિયાની કેન્દ્રીય બૅન્કો સાથે સંયુક્તપણે વિકસાવવામાં આવેલા બ્લૉકચેઇન આધારિત હોલસેલ સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી પ્લૅટફૉર્મ એમબ્રિજનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ 2024ના મધ્ય ભાગમાં તેના 'મિનીમમ વાયેબલ પ્રોડક્ટ' તબક્કા સુધી પહોંચી ચૂક્યો હતો.

ચીનના વધી રહેલા સોનાના સંગ્રહે રેનમિનબીની સ્થિરતા અને વિશ્વસનીયતાની ધારણાને દ્રઢ બનાવી છે.

ચીને 2009માં રેનમિનબીના આંતરરાષ્ટ્રીયકરણ માટેનો કાર્યક્રમ શરૂ કર્યો, ત્યારથી પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ 32 દ્વિપક્ષી સ્થાનિક ચલણ સ્વૅપ સંધિ કરી છે.

તેમનું કુલ મૂલ્ય આશરે 4.5 ખર્વ યુઆન છે, જે પૈકીની અડધી સંધિઓ એશિયન અર્થતંત્રો સાથે કરવામાં આવી છે.

આ ભાગીદાર દેશો પૈકી 15 દેશો ચીન સાથે મુખ્યત્વે કોમૉડિટીનો વ્યાપાર કરે છે, જ્યારે આઠ દેશો ચીન કેન્દ્રિત ઉત્પાદન સપ્લાય ચેઇન સાથે જોડાયેલા છે.

વૈશ્વિક રિઝર્વ કરન્સી તરીકે અમેરિકન ડૉલરની પકડ સામે પડકાર ઊભો થયો છે અને વૈશ્વિક કોમૉડિટી માટે દેશો વચ્ચેની સ્પર્ધા તીવ્ર બની છે, તે સ્થિતિમાં ચીન યુઆનમાં કોમૉડિટીનો વેપાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ ઉપરાંત ચીને રેનમિનબી માટે વિદેશમાં તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિસ્તાર્યું છે.

ઑગસ્ટ, 2025 સુધીમાં પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ 33 દેશોમાં 35 વિદેશી રેનમિનબી ક્લિયરિંગ બૅન્કોને અધિકૃતતા આપી હતી, જે ચીનના મોટાભાગના મહત્ત્વપૂર્ણ વ્યાપાર ભાગીદારોને આવરી લે છે.

એકલા 2024ના વર્ષમાં જ આ ક્લિયરિંગ બૅન્કોએ 937.6 ખર્વ યુઆનનો વ્યવહાર કર્યો હતો, જે વાર્ષિક સ્તર પર 47.3 ટકાનો વધારો દર્શાવે છે.

સમાન ગાળા દરમિયાન રેનમિનબીની પ્રાપ્તિ અને ચુકવણી 64.1 ખર્વ યુઆન સુધી પહોંચી ગયાં હતાં, જે વાર્ષિક સ્તર પર 23 ટકાનો વધારો દર્શાવે છે.

2024માં પ્રાદેશિક સ્તર પર આશિયાન અને યૂરોપ, બંને સાથે ચીનની રેનમિનબી પતાવટો 8.9 ખર્વ યુઆન થઈ હતી.

જોકે, આશિયાનમાં તેની વૃદ્ધિ 50.7 ટકા રહી, જ્યારે યૂરોપમાં તે વૃદ્ધિ 13.1 ટકાના સીમિત સ્તર પર રહી હતી.

2015માં લોન્ચ કરવામાં આવેલી ચીનની સીમા પાર ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમે 2024ના અંત સુધીમાં અંદાજે 600 ખર્વ યુઆનની ચુકવણીનો વ્યવહાર કર્યો હતો.

આ સિદ્ધિ છતાં વૈશ્વિક સ્તર પર રેનમિનબીની ભૂમિકા સીમિત રહી છે.

2024માં વૈશ્વિક વિનિમય રિઝર્વમાં તેનો હિસ્સો કેવળ 2.06 ટકા રહ્યો હતો.

નવેમ્બર, 2025 સુધીમાં વૈશ્વિક ચુકવણીઓમાં આરએમબીનો હિસ્સો 2.94 ટકા નોંધાયો હતો. કોઈ ચલણના આંતરરાષ્ટ્રીયકરણનું માપન સામાન્યતઃ વેપારમાં તેના ઉપયોગ, રિઝર્વની સ્થિતિ, ભાવ નક્કી કરવામાં તેની ભૂમિકા અને રોકાણ તથા ફંડિંગમાં સ્વીકાર્યતાના આધારે થતું હોય છે.

ચીનની આર્થિક ક્ષમતા અને વ્યાપારના મોરચે વર્ચસ્વ તેને મજબૂત આધાર પૂરો પાડે છે, તેમ છતાં રેનમિનબી હજુયે નાણાંકીય બજારોના નીતિગત પૂર્વાનુમાન, ઊંડાણ અને મુક્તતાની દ્રષ્ટિએ મુખ્ય આંતરરાષ્ટ્રીય ચલણો કરતાં પાછળ છે.

ચીનના વધી રહેલા સોનાના ભંડારે રેનમિનબી પ્રત્યેનો વિશ્વાસ વધાર્યો છે અને તેના આંતરરાષ્ટ્રીયકરણ માટે બહેતર સ્થિતિનું નિર્માણ કર્યું છે.

જોકે, તેને સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવા માટે કેપિટલ એકાઉન્ટનું ઉદારીકરણ આવશ્યક છે.

વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ચીન ધીમે-ધીમે નાણાંકીય મુક્તતા વિસ્તારી રહી છે.

જોકે, વૈશ્વિક વિદેશ વિનિમય ભંડારમાં તેનો હિસ્સો ઝડપથી વધારવાને બદલે વ્યાપારી પતાવટો તથા સીમા પારની ચુકવણીઓમાં રેનમિનબીનો વપરાશ વધારવો, એ તેની પ્રાથમિકતા છે.

આ માટે ચલણની પૂર્ણતઃ રૂપાંતરણ ક્ષમતા તથા કેપિટલ એકાઉન્ટનું પૂર્ણ ઉદારીકરણ આવશ્યક છે, જેનાથી બીજીંગ દૂર રહેવા માગે છે.

ચીનનું માનવું છે કે, તેનાં નાણાંકીય બજારો હજુ પૂરતાં ગહન નથી અને સમય પહેલાંનું ઓપનિંગ અનિયંત્રિત કેપિટલ આઉટફ્લો કે અસ્થિરતા નોતરી શકે છે.

આ અભ્યાસ કેવી રીતે હાથ ધરવામાં આવ્યો હતો?

આ લેખના અભ્યાસ માટેના આંકડા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ, ધ ઇન્ટરનૅશનલ મોનેટરી ફંડ (આઈએમએફ), ધ સોસાયટી ફૉર વર્લ્ડવાઇડ ઇન્ટરબૅન્ક ફાયનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન તથા ધ પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા રેનમિનબી ઇન્ટરનૅશનલાઇઝેશન રિપોર્ટ્સમાંથી મેળવવામાં આવ્યા છે.

આ સંશોધન 2007થી લઈને 2025ના મોટાભાગના સમયગાળાને આવરી લે છે.

2007નું વર્ષ વૈશ્વિક નાણાંકીય કટોકટીની બરાબર પહેલાંનું વર્ષ છે. અભ્યાસમાં બ્રિક્સના મુખ્ય દેશોમાં સુવર્ણના જથ્થાની વૃદ્ધિની પેટર્ન્સની તપાસ કરવા માટે ગુણાત્મક વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તે મુખ્યત્વે - સોનાનો સંગ્રહ રેનમિનબીના આંતરરાષ્ટ્રીયકરણના ચીનના અભિયાનને કેવી રીતે સહાય પૂરી પાડે છે તેના પર કેન્દ્રિત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન