શેરડી ખાવાથી બ્લડ શુગરમાં ભયાનક વધારો થાય? ચાર મુદ્દામાં શંકાનું સમાધાન

    • લેેખક, ઝેવિયર સેલ્વાકુમાર
    • પદ, ઝેવિયર સેલ્વાકુમાર

ગુજરાતમાં મકરસંક્રાંતિના દિવસો દરમિયાન શેરડી ખાવાની પરંપરા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઉપર શેરડી ખાવાના તબીબી ફાયદા ગણાવતા મૅસેજિસ ફરતા થયા છે. વળી, શેરડીમાંથી બનતો ગોળ પણ ગુજરાતી ભોજનનો અવિભાજ્ય અંગ છે.

શિયાળામાં પુષ્કર પ્રમાણમાં મળતી શેરડીના ગુણો વિશે વડિલોને તમે વાતો કરતા પણ સાંભળ્યા હશે. પણ શું શેરડીનો કોઈ અવગુણ પણ છે?

જેમને ડાયાબિટીસ હોય, તેમણે શેરડી ન ખાવી જોઈએ? તો વળી કેટલાકનું માનવું છે કે શેરડીને કારણે પાચનશક્તિ સુધરે છે અને દાંત મજબૂત થાય છે. આ અંગે નિષ્ણાતો શું કહે છે, તે જાણીએ.

શેરડીને કારણે પાચનશક્તિ વધે?

કોઈમ્બતૂરસ્થિત ગૅસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ તથા ઍન્ડોસ્કોપી વિશેષજ્ઞ વીજી મોહનપ્રસાદે બીબીસી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે શેરડી ખાવાથી પાચનશક્તિ સુધરે છે અને તેના માટેનાં કારણો પણ આપ્યાં.

ડૉ. વીજી મોહને કહ્યું, "શેરડીમાં ઍન્ટિઓક્સિડન્ટ હોય છે, જેના કારણે તે શરીર માટે લાભકારક છે. તેમાં સારા પ્રમાણમાં વિટામિન C હોય છે, જેના લીધે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ તથા પોટેશિયમ જેવાં વિવિધ મિનરલ્સ પણ હોય છે."

"જો કોઈ વ્યક્તિને ઝાડા થયા હોય અને તેના કારણે શરીરમાંથી મિનરલ્સ ઘટી ગયાં હોય, તો શેરડી તેને દુરસ્ત કરી શકે છે. એટલું જ નહીં, શેરડીમાં મોટા પ્રમાણમાં ફાઈબર હોય છે, જેના કારણે આંતરડાંમાં સારા બૅક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. તે બ્રેઈન-ફૂડ બૅક્ટેરિયા વધારવામાં મદદ કરે છે. શેરડી જઠરની સુરક્ષા પ્રણાલીને મજબૂત બનાવે છે. તેનાથી પાચનશક્તિ વધે છે અને કુદરતી રીતે ઊર્જામાં વૃદ્ધિ થાય છે."

શેરડીને કારણે શરીરમાં ઍસિડિટી ઘટે છે અને તે પાચનશક્તિ વધારતી હોવાથી કબજિયાતમાં પણ રાહત આપે છે.

ડૉ. વીજી મોહન કહે છે કે શેરડીને કારણે પાચનક્રિયા વધે છે અને સંતુલિત થાય છે, જેથી તે આંતરડાં માટે પણ લાભકારક છે. શેરડીને કારણે યુરિન વધુ આવતું હોવાથી કિડનીમાં સ્ટોન થતા અટકે છે. શેરડીમાં AHA (આલ્ફા હાઈડ્રોક્સી ઍસિડ) હોય છે, જે ઉંમરને કારણે ચામડી ઉપર થતી અસરોને રોકે છે.

શેરડી અને શેરડીના રસનો તફાવત

ડૉ. વીજી મોહન પ્રસાદ કહે છે, "શેરડીમાં ગ્લૂકોઝ, સુક્રોઝ તથા ફ્રૂક્ટોઝ એમ ત્રણેય પ્રકારની શુગર હોવાથી જેમને ડાયાબિટીસ હોય, તેમનું શુગર લેવલ શેરડી ખાધા પછી વધી શકે છે. પરંતુ જો તમે શેરડી ચાવો અને તેનો કૂચો ગળો નહીં, તો તે શુગર લેવલને સ્થિર રાખે છે અને ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં ખાસ વધારો થતો નથી."

તેઓ કહે છે કે શેરડીનો રસ પીવાથી લોહીમાં શુગરનું સ્તર વધી જાય છે, છતાં જેમને ડાયાબિટીસ ન હોય, તેવા લોકો શેરડીનો તાજો કાઢેલો રસ પી શકે છે. તેઓ ઉમેરે છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિએ કેમિકલમિશ્રિત પીણાં ન પીવાં જોઈએ.

ડાયાબિટિશિયન ડૉ. કુમાર કહે છે, "શેરડીનો એક ગ્લાસ રસ કાઢવા માટે ઘણી બધી શેરડીનો ઉપયોગ થાય છે. જ્યારે તમે દાંતથી શેરડી ખાઓ છો, ત્યારે બ્લડ શુગર લેવલ જે રીતે વધે છે તેના કરતાં શેરડીનો રસ પીવાથી તે તુરંત વધી જાય છે. માણસ દાંતથી માંડ એક શેરડી ખાઈ શકે છે અને તેમાં જ્યૂસનું પ્રમાણ ઓછું હોય છે, એટલે શુગર લેવલમાં અસામાન્ય વધારો થતો નથી."

ડૉ. કુમાર કહે છે, "જેઓ નિયમિત દવા લેતા હોય અને જેમનું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં હોય, તેઓ ગંડેરીના અમુક ટુકડા ખાઈ શકે છે. તેઓ ક્યારેક અડધો ગ્લાસ શેરડીનો રસ પી શકે છે. પરંતુ જેમનું બ્લડ શુગર લેવલ અનિયંત્રિત હોય અથવા 400-500 ની આસપાસ રહેતું હોય, તેમણે શેરડી સંપૂર્ણપણે ટાળવી જોઈએ."

ડૉ. કુમારના મતે ડાયાબિટીસના દર્દીઓએ ફ્રૂટ જ્યૂસ પીવાને બદલે ફળો ખાવાં જોઈએ. તેવી જ રીતે શેરડીના રસને બદલે શેરડી ખાવાથી બ્લડ શુગરના સ્તરમાં અચાનક ઉછાળો નહીં આવે.

શેરડી ખાધા પછી જીભ કેમ સુન્ન થઈ જાય છે?

ENT નિષ્ણાત ડૉ. વાસુમતિ વિશ્વનાથન કહે છે, "શેરડી થોડી ઍસિડિક હોય છે, તેથી જ્યારે તમે શેરડી ખાઈને તરત પાણી પીવો ત્યારે જીભ ઉપર તેની અસર દેખાય છે. કેટલાક લોકોને ગળામાં દુખાવો કે ઠંડક અનુભવાય છે, પરંતુ તેનાથી કોઈ મોટું નુકસાન થતું નથી. 90 ટકા લોકોને થોડા કલાકોમાં સારું થઈ જાય છે."

જો શેરડી ખાધા પછી કશુંક ઠંડું પીવામાં આવે, તો ગળાનું ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. વળી, શેરડી ખાતી વખતે જો વધુ જોર કરવામાં આવે, તો ગળું બેસી જવાની શક્યતા રહે છે. આવા સમયે સતત ગરમ પાણી પીવાથી સુધારો થાય છે.

શેરડીને કારણે દાંત મજબૂત અને ચોખ્ખા થાય?

ડૉ. વીજી મોહન પ્રસાદ કહે છે કે શેરડીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, જે દાંતને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

જ્યારે ડેન્ટિસ્ટ બાલાચંદર કહે છે કે શેરડી ખાવાથી દાંત મજબૂત થાય તે એક ગેરમાન્યતા છે.

તેઓ જણાવે છે કે 16 થી 35 વર્ષની ઉંમરે દાંતની ક્ષમતા સૌથી વધુ હોય છે. દાંતની મજબૂતાઈ મુજબ જ શેરડી ખાવી જોઈએ. જો દાંત નબળા હોય, તો શેરડી ખાવાથી તે પડવાની શક્યતા રહે છે. શેરડીના ફાઈબર દાંતની સફાઈમાં આંશિક મદદ કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન