ગ્રીનલૅન્ડ અંગે ટ્રમ્પે કહ્યું: 'સમય આવી ગયો છે અને એમ જ કરવામાં આવશે'- ન્યૂઝ અપડેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલૅન્ડ મુદ્દે ફરી એક વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે 'ડેન્માર્ક જે નથી કરી શક્યું, એને પૂર્ણ કરવામાં આવશે.'

ટ્રમ્પે સોમવારે ટ્રૂથ સોશિયલ પ્લૅટફૉર્મ ઉપર લખ્યું, "નાટો છેલ્લાં 20 વર્ષથી ડેનમાર્કને કહી રહ્યું છે કે 'તમારે ગ્રીનલૅન્ડ ઉપરથી રશિયાના જોખમને દૂર કરવું જોઈએ.' કમનસીબે, ડેનમાર્ક આ દિશામાં કંઈપણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. હવે સમય આવી ગયો છે અને એ કરવામાં આવશે."

ઉલ્લેખનીય છે કે ડેનમાર્ક સિવાય યુરોપના સાત દેશોએ ગ્રીનલૅન્ડ સંબંધે અમેરિકાના વલણનો વિરોધ કર્યો છે અને ગ્રીનલૅન્ડમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો છે.

બીજી બાજુ, અમેરિકાએ ફ્રાન્સ, યુકે, જર્મની, ડેનમાર્ક, ફિનલૅન્ડ, નૅધરલૅન્ડ, નૉર્વે અને સ્વિડનના સામાન ઉપર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જેની સામે યુરોપિયન સંઘે અમેરિકા સાથેની વેપારસંધિની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે.

ડેન્માર્કનાં વડા પ્રધાન મેટે ફ્રેડરિક્સને અમેરિકાના ટ્રમ્પના નિવેદનો ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, "યુરોપને બ્લૅકમેલ કરી શકાય એમ નથી."

ટ્રમ્પ તાજેતરમાં ગ્રીનલૅન્ડને બળજબરીપૂર્વક અમેરિકામાં ભેળવવાની વાત કરી ચૂક્યા છે. જેનો ડેનમાર્ક સહિત યુરોપના અનેક દેશોએ વિરોધ કર્યો છે.

ટ્રમ્પનો તર્ક છે કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ જરૂરી છે.

ટ્રમ્પનું કહેવું છે કે જો અમેરિકા ગ્રીનલૅન્ડને પોતાનામાં સામેલ નહીં કરે તો ચીન અને રશિયા તેની ઉપર કબજો કરી લેશે.

ઉલ્લેખનીય છે કે ગ્રીનલૅન્ડએ ડેનમાર્કનો અર્ધ-સ્વાયત્ત દ્વીપ છે અને તેની પોતાની સરકાર છે.

ગ્રીનલૅન્ડના સમર્થનમાં યુરોપના આઠ દેશોએ સૈન્ય અભ્યાસ કર્યો, સંયુક્ત નિવેદનમાં શું કહ્યું?

ગ્રીનલૅન્ડનું સમર્થન કરનારા યુરોપના આઠ દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો છે. ડેનમાર્કના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ અભ્યાસમાં ડેનમાર્ક, ફિનલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, નૅધરલૅન્ડ, નૉર્વે સ્વીડન અને બ્રિટન સામેલ થયા હતા.

સંયુક્ત નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "નાટોના સભ્ય તરીકે અમે સંયુક્ત રીતે ટ્રાન્સ ઍટલાન્ટિક હિતને ધ્યાને રાખીને આર્કટિક ક્ષેત્રમાં સુરક્ષાને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ 'આર્કટિક ઍન્ડ્યુરન્સ' માટે અગાઉથી જ સમન્વય કરવામાં આવ્યું હતું. આ ડેનમાર્કનો અભ્યાસ છે, જેમાં સહયોગી દેશ સામેલ થયા હતા. આને કારણે કોઈની ઉપર જોખમ નથી."

નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "અમે સંપૂર્ણપણે ગ્રીનલૅન્ડ અને ડેનમાર્કના લોકોની પડખે છીએ. ગત અઠવાડિયે શરૂ થયેલી પ્રક્રિયાને આગળ વધારતા અમે સંપ્રભુતા તથા ક્ષેત્રિય અખંડિતતાના એ સિદ્ધાંતો ઉપર વાતચીત કરવા માટે તૈયારી છીએ, જેનું અમે દૃઢતાપૂર્વક સમર્થન કરીએ છીએ."

શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ દેશો ઉપર 10 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી હતી. જે પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવશે, અમેરિકાના આ પગલાં ઉપર પણ ટિપ્પણી કરવામાં આવી હતી.

નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "ટેરિફની ધમકીઓ ટ્રાન્સ-ઍટલાન્ટિક સંબંધોને નબળા પાડે છે અને તે ખતરનાક પતનના જોખમને વધારે છે. અમે અમારી પ્રતિક્રિયામાં એકજૂટ અને સંકલિત રહીશું. અમે અમારી સંપ્રભુતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ."

ડેન્માર્કના વડા પ્રધાન મેટે ફ્રેડરિક્સને અમેરિકાના ટ્રમ્પનાં નિવેદનો ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, "યુરોપને બ્લૅકમેલ કરી શકાય એમ નથી."

ટ્રમ્પ તાજેતરમાં ગ્રીનલૅન્ડને બળજબરીપૂર્વક અમેરિકામાં ભેળવવાની વાત કરી ચૂક્યા છે. જેનો ડેનમાર્ક સહિત યુરોપના અનેક દેશોએ વિરોધ કર્યો છે.

ટ્રમ્પનો તર્ક છે કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ જરૂરી છે.

ટ્રમ્પનું કહેવું છે કે જો અમેરિકા ગ્રીનલૅન્ડને પોતાનામાં સામેલ નહીં કરે તો ચીન અને રશિયા તેની ઉપર કબજો કરી લેશે.

ઉલ્લેખનીય છે કે ગ્રીનલૅન્ડએ ડેનમાર્કનો અર્ધ-સ્વાયત દ્વીપ છે અને તેની પોતાની સરકાર છે.

સ્પેનમાં હાઇસ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, ઓછામાં ઓછા 21 લોકોનાં મૃત્યુ

સ્પેનમાં રવિવારની સાંજે બે હાઇ-સ્પીડ ટ્રેનોની વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મૃત્યુ થયાં છે તથા અનેક ઘાયલ થયા છે.

રેલવે ઑપરેટર એડીઆઈએફે કહ્યું કે કૉર્ડોબા શહેરની પાસે આદામુજ વિસ્તારમાં આ દુર્ઘટના થઈ હતી.

લગભગ 300 મુસાફરો સાથેની હાઇસ્પીડ ટ્રેન મલાગાથી મૅડ્રિડ જઈ રહી હતી, ત્યારે પાટા ઉપરથી ઊતરી ગઈ હતી અને પાસેના અન્ય એક ટ્રૅક ઉપર ક્રૅશ થઈ હતી. વિપરીત દિશામાં મૅડ્રિડથી હુએલ્વા જઈ રહેલી અન્ય એક ટ્રેન પણ પાટા ઉપરથી ઊતરી ગઈ હતી.

આ ટ્રેન સ્થાનિક સમય મુજબ, સાંજ છ વાગ્યા અને 40 મિનિટે મલાગાથી ઉપડી હતી અને 10 મિનિટમાં અકસ્માત થયો હતો.

કંપનીના કહેવા પ્રમાણે, પીડિતોના પરિવારજનો માટે અલગ-અલગ સ્ટેશનો ઉપર વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઍન્ડલૂસિયાની ઇમર્જન્સી સર્વિસીઝના કહેવા પ્રમાણે, ઓછામાં ઓછા 73 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

બીજી બાજુ, રાહતકર્મીઓએ પાટા ઉપરથી ઊતરી ગયેલા ડબ્બામાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવાનું કામ હાથ ધર્યું છે.

દરમિયાન મૅડ્રિડથી ઍન્ડલૂસિયા વચ્ચેની તમામ પ્રકારની રેલવે સેવાઓ મોકૂફ કરી દેવામાં આવી છે.

ઉત્તરાખંડમાં 12 વર્ષે યોજાતી નંદા દેવી રાજજાત યાત્રા મોકૂફ

ઉત્તરાખંડમાં 'હિમાલયના કુંભ' તરીકે ઓળખાતી નંદા દેવી રાજજાત યાત્રા આ વર્ષે નહીં યોજાય. આ વાતની જાહેરાત શ્રી નંદા દેવી રાજજાત યાત્રા સમિતિએ રવિવારે કર્ણપ્રયાગ ખાતે કરી હતી.

ગઢવાલના રાજાના વંશજ તથા સમિતિના અધ્યક્ષ ડૉ. રાકેશ કુંવરે બીબીસી હિંદીના પ્રતિનિધિ આસિફ અલીને જણાવ્યું, "હિમાલય ક્ષેત્રમાં થઈ રહેલાં પરિવર્તન તથા વહીવટી તૈયારીઓ સંબંધિત અનેક કામ હજુ અધૂરાં છે, જેના કારણે આ યાત્રા યોજવી શક્ય નથી."

સમિતિએ સરકાર સમક્ષ માગ કરી છે કે નંદા દેવી રાજજાત યાત્રા માટે કુંભની જેમ સત્તામંડળનું ગઠન કરવામાં આવે, જે માત્ર રાજજાત યાત્રાનું આયોજન ન કરે, પરંતુ નંદા દેવી લોકજાત, વાર્ષિક જાત્રા તથા નંદા દેવી સંબંધિત તમામ મેળાઓની યોજના તૈયાર કરે અને વિકાસકાર્ય કરાવે.

સમિતિનું કહેવું છે કે સત્તામંડળ માત્ર વ્યવસ્થા સંબંધિત કામગીરી અને વિકાસકાર્યો કરે, પરંતુ ધાર્મિક બાબતોમાં કોઈ દખલ ન હોય.

ડૉ. રાકેશ કુંવરે જણાવ્યું, "યાત્રા વર્ષ 2026માં પ્રસ્તાવિત હતી, જેને હવે વર્ષ 2027માં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આને માટે આગામી વસંત પંચમીની યાત્રામાં વિનંતી કરવામાં આવશે અને તારીખ અંગે સ્પષ્ટતા થશે."

હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારમાં યોજાતી આ યાત્રાને એશિયાની સૌથી લાંબી ધાર્મિક પદયાત્રા (લગભગ 280 કિલોમીટર) માનવામાં આવે છે. જેમાં એક તબક્કે શ્રદ્ધાળુઓ 17 હજાર 500 ફૂટ ઉપર સુધી પહોંચે છે.

આ યાત્રા રૂપકૂંડ, જ્યૂરાગલી-પાસ અને શિલા સમુદ્ર ગ્લેશિયર પાસેથી થઈને હોમકૂંડ સુધી પહોંચે છે. તેને નંદાદેવીની પિયરથી લઈને કૈલાશ સુધી જવાની યાત્રાના પ્રતીકરૂપ માનવામાં આવે છે.

આ યાત્રા દર 12 વર્ષે યોજાય છે, છેલ્લે વર્ષ 2014માં તેનું આયોજન થયું હતું.

ચિલીનાં બે રાજ્યોમાં 'આપદાની પરિસ્થિતિ' જાહેર

ચિલીના રાષ્ટ્રપતિએ દાવાનળને કારણે બે રાજ્યોમાં (ન્યૂબલ અને બિયોબિયો) 'આપદાની પરિસ્થિતિ' જાહેર કરી છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, ચિલીનાં બે રાજ્યોમાં લગભગ 24 સ્થળોએ 50 હજાર એકર વિસ્તારમાં આગ લાગી છે.

જેમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મૃત્યુ થયાં છે. લગભગ અઢીસો ઘર નાશ પામ્યાં છે અને 20 હજાર લોકોને સલામતસ્થળે ખસેડવામાં આવ્યા છે.

ઊંચા તાપમાન અને ભારે પવનને કારણે આગ બુજાવવાની પ્રવૃત્તિઓમાં અવરોધ ઊભા થઈ રહ્યા છે.

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન વારંવાર દુષ્કાળ પડવાથી ચિલીમાં દાવાગ્નિની ઘટનાઓ વધી જવા પામી છે.

બે વર્ષ પહેલાં ચિલીના એક રાજ્યમાં જંગલોમાં આગ લાગવાને કારણે 160 લોકો મૃત્યુ પામ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન