કોહલીની સદી છતાં ભારત હારી ગયું, લોકો કેમ કહી રહ્યા છે 'કોહલી 2.0' અને 'કિંગ અભી ઝિંદા હૈ'?

    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી હિંદી માટે

કેટલાક ખેલાડી સમયની સાથે બદલાય જાય છે, જ્યારે કેટલાક સમયને પોતાના હિસાબે બદલી દે છે. વિરાટ કોહલીએ એક દાયકા પહેલાં જે કર્યું હતું, તે તાજેતરમાં વન-ડે ક્રિકેટમાં પણ એવું જ કરી રહ્યાં છે.

સમય ફરીથી વર્ષ 2016માં સરકી ગયો હોય, તેમ જણાય છે. જ્યારે કોહલી ન કેવળ રન બનાવતા, પરંતુ વિરોધી ટીમની યોજના, ધૈર્ય અને આત્મવિશ્વાસ ત્રણેય એકસાથે તોડી નાખતા.

કોહલીની તાજેતરની સાત વનડે ઇનિંગમાંથી છ વખત 50થી વધુનો સ્કોર ખડક્યો છે, જે દર્શાવે છે કે આ તેમનું ક્ષણિક પ્રદર્શન નથી, પરંતુ તેમનું સાતત્યપૂર્ણ પ્રદર્શન પરત ફર્યું છે.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 135 અને 102 રનની ઇનિંગ, વડોદરા ખાતે ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ 93 રન અને પછી ઇંદોરમાં 124 રનની સાથે સદી.

આ કોહલીના શાનદાર ફૉર્મની જ વાત નથી, પરંતુ એક બૅટ્સમૅનનો પોતાની સાથે ફેરપરિચયની દાસ્તાન છે.

રોહિત શર્મા સારું ઓપનિંગ નથી આપી શકતા, પરંતુ કોહલી મૅચમાં ઊંડાણ સુધી લઈ જાય છે.

ઇંદોરમાં ભારત મૅચ હારી ગયું અને સિરીઝ પણ હારી ગયું. ન્યૂઝીલૅન્ડે 37 વર્ષ બાદ પહેલી વખત ભારતમાં વનડે સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો છે.

છતાં રવિવાર સાંજની કહાણી હંમેશાંની જેમ, સ્કોરબોર્ડથી આગળ નીકળીને એક વ્યક્તિની આસપાસ કેન્દ્રિત રહી ગઈ.

કોહલી ક્રીઝ ઉપર હતા, ત્યાર સુધી મુકાબલો હતો, ટાર્ગેટ મોટો હતો, વિકેટો પડી રહી હતી, છતાં મૅચ રસ્સાકસી ભરેલો હતો.

કોહલી આઉટ થયા કે બે બૉલમાં જ મૅચ પૂરી થઈ ગઈ. આ સંયોગમાત્ર ન હતો, તે વિરાટ કોહલીનું ક્રિકેટ છે, તેમની હાજરી જ આશા જન્માવે તથા મજબૂત આધાર બની રહે છે.

કોહલીએ પોતાની સદી દ્વારા કરોડો લોકોનાં દિલ જીત્યાં, કારણ કે તે માત્ર રનોનો ઢગલો ન હતો,પરંતુ એકલા યૌદ્ધાના સંઘર્ષની વાત હતી.

રોહિત અને ગિલ સિવાય મિડલ ઑર્ડરના બૅટ્સમૅન ધરાશાયી થઈ ગયા, ત્યારે કોહલીએ એક છેડો પકડી રાખ્યો હતો. વિરાટ કોહલીની ઇનિંગમાં કોઈ ઉતાવળ ન હતી.

કોહલીની શરૂઆત આક્રમક હતી. તેમણે 52 બૉલમાં અડધી સદી ફટકારી. જોકે, એ પછી તેમની ઇનિંગમાં ધૈર્ય આવી ગયું.

ટી-20ના યુગમાં આ વાત અસામાન્ય લાગે, પરંતુ કોહલી જાણતા હતા કે એક છેડેથી વિકેટો પડી રહી છે, ત્યારે ટીમ તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે.

વિરાટે ગિયર બદલી : 'કિંગ'નો નવો અવતાર

40મી ઓવર આસપાસ વિરાટ કોહલીએ ગિયર બદલી. જાણકારોએ તેને 'વિરાટ 2.0' કહેવા માંડ્યા.

કોહલીએ 11 બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો મારીને ન્યૂઝીલૅન્ડના બૉલરોને દબાણ હેઠળ લાવી દીધા.

જેડેન લેનોક્સ જેવા સ્પીનર્સની સામે તેમણે ફૂટવર્ક અને કાંડાનો કમાલ દેખાડ્યો. જેણે દર્શકોને વર્ષ 2016ની યાદ અપાવી દીધી. જ્યારે કોહલી પ્રાઇમ ફૉર્મમાં હતા.

કોહલીએ પોતાની બૅટિંગની શૈલીને પૂર્ણપણે 'અપગ્રેડ' કરી છે. પહેલાં તેઓ ઇનિંગ 'ઘડતા' હતા, પરંતુ હવે તેઓ શરૂઆતના 20 બૉલમાં જ છગ્ગો ફટકારીને 'કાઉન્ટર-ઍટેક' કરે છે.

ઇંદોર ખાતે તેઓ ખૂબ જ આક્રમક જણાતા હતા અને તેઓ ફાસ્ટ બૉલરો ઉપર પ્રહાર કરવા માટે બેબાકળા જણાયા.

કોહલીએ જરૂર પડ્યે હવામાં પણ શૉટ રમ્યા. પોતાના શરૂઆતના 24 બૉલમાં કોહલીએ ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા.

જાણકારોના કહેવા પ્રમાણે, વિરાટ કોહલી હવે ગૅપ નથી શોધતા, પરંતુ બાઉન્ડ્રી ક્લિયર કરવા ઉપર ધ્યાન આપે છે, જેના કારણે તેમનો સ્ટ્રાઇક રેટ 115-120 આસપાસ પહોંચી ગયો છે.

કોહલીએ 91 બૉલમાં સદી ફટકારી. સોશિયલ મીડિયાથી લઈને કૉમેન્ટ્રી બૉક્સ સુધી, લોકો એક જ વાત કહી રહ્યા હતા કે 'કિંગ અભી જિંદા હૈ.'

ફેન્સનું કહેવું છે કે કોહલીની તકનીકમાં વર્ષ 2026ની આધુનિકતા તથા જૂના અનુભવનો અજોડ સમન્વય છે.

વિરાટ કોહલીની 54મી વનડે સદી

ન્યૂઝીલૅન્ડ સામે વિરાટ કોહલીએ કેરિયરની 54મની સદી ફટકારી. તેમાં ભારત ટાર્ગેટને ચેઝ કરી રહ્યું હોય, તેવા સંજોગમાં આ 29મી સદી હતી.

'ચેઝ માસ્ટર'ની શાખને એ વાત પરથી સમજી શકાય કે જ્યારે દબાણ ચરમ ઉપર હોય, ત્યારે વિરાટની એકાગ્રતા વધી જાય છે.

જોકે, રવિવારે તેમનો 124 રનનો (108 બૉલ) ફાળો વ્યર્થ ગયો હતો, પરંતુ તેઓ સચીન તેંડુલકરના 100 ઇન્ટરનૅશનલ સદીના રેકૉર્ડની નજીક પહોંચી ગયા.

કોહલીએ 85 ઇન્ટરનૅશનલ સેંચુરી મારી છે અને આ સિદ્ધિથી 15 સદી દૂર છે. 71 સદી સાથે રિકી પૉન્ટિંગ ત્રીજા ક્રમે છે.

હાલ વિરાટ કોહલી આઇસીસીના (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) વનડે રેન્કિંગમાં ટોચ (785 પૉઇન્ટ) ઉપર પહોંચી ગયા છે. ગત સાત મૅચમાં તેમણે 616 રન બનાવ્યા છે.

રોહિત શર્મા 775 પૉઇન્ટ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેઓ સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં સંઘર્ષ કરી રહ્યા છે.

સિરીઝ દરમિયાન શર્માએ ન્યૂઝીલૅન્ડ સામે (26,24,11) રન કર્યા. જ્યારે કોહલીએ (93,23 અને 124) રનની ઇનિગ્સ રમી.

વિરાટ કોહલીએ વધુ એક રેકૉર્ડ બનાવ્યો

રવિવારે કોહલી વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ રન ખડકનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા. તેઓ ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર વિરાટ કોહલીથી આગળ નીકળ્યા હતા.

પૉન્ટિંગે 330 ઇનિંગમાં 12 હજાર 662 રન બનાવ યા હતા. વિરાટ કોહલીએ 244 મૅચમાં 12 હજાર 676 રન બનાવ્યા.

મૅચ પછી ભારતીય ટીમના કૅપ્ટન શુભમન ગિલે કહ્યું, "જે રીતે વિરાટ બૅટિંગ કરે છે, તે હંમેશાં (ટીમ માટે) પ્લસ પૉઇન્ટ હોય છે."

કોહલીની ફિટનેસ અને ભૂખને જોતા વર્ષ 2027ના ક્રિકેટ વર્લ્ડકપમાં તેમને સ્થાન મળશે, એ વાતમાં કોઈ શંકા નથી જણાતી.

ઇન્ટરનૅશનલ ટી20માંથી સંન્યાસ લઈને કોહલીએ પોતાનો કાર્યભાર સારી રીતે સંભાળ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની ગેરહાજરી અને ફૉર્મનો અભાવ હજુ પણ પ્રશંસકોને ખટકે છે, પરંતુ વ્હાઇટ બૉલ ક્રિકેટમાં તેમના 'ફિયરલેસ ફૉર્મ'એ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી વર્લ્ડકપ કોહલીની ક્રિકેટ કૅરિયરનું શાનદાર વિદાય ગીત હોય શકે છે.

રવિવારની સાંજે ઇંદોરમાં ફરી એક વખત સ્પષ્ટ થઈ ગયું કે વિરાટ કોહલીનું ક્રિકેટ માત્ર આંકડાની દોટ નથી, પરંતુ તે માનસિકતા છે અને આશ્વાસન છે.

પરિણામ ગમે તે આવે, પરંતુ આ એવું નામ છે કે જે ટીમને કપરા સમયે યાદ આવે છે.

ટાર્ગેટ મોટું હોય અને રસ્તો કપરો હોય, તો ભારતનું ક્રિકેટ આજે પણ એ વિશ્વાસને શોધે છે. જે આજે પણ વિરાટ કોહલીના બૅટમાં વસે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન