વિરાટ કોહલીએ સચીન તેંડુલકર અને સંગકારાને પાછળ છોડી કયો વિશ્વવિક્રમ બનાવ્યો?

"વિરાટની બેટિંગ આ સમયે જોવી ઘણી આનંદદાયક છે. જે મુક્તપણે, સહજતા અને ખુશી સાથે તેઓ રમે છે તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે તેઓ ક્રિકેટને કેટલી માણે છે."

રવિવારે ન્યૂઝીલૅન્ડની સામે ત્રણ મૅચોની સિરીઝની પહેલી મૅચમાં વિરાટ કોહલી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બીજા સૌથી વધારે રન બનાવનારા બૅટ્સમૅન બની ગયા.

એ જ સમયે વિરાટ કોહલી માટે પૂર્વ ક્રિકેટર આર. અશ્વિને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ પોસ્ટ કરી હતી.

ગત વર્ષ ઑસ્ટ્રેલિયાની સિડની વન-ડે થી શરૂ થયેલ વિરાટ કોહલીની શાનદાર બેટિંગનો સિલસિલો વડોદરામાં પણ ચાલુ રહ્યો. સંગકારાને પછાડતા વિરાટ કોહલી હવે સચીન તેંડુલકર પછી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બીજા સૌથી વધારે રન બનાવનાર બૅટ્મૅન બની ગયા છે.

વિરાટ કોહલીની પારીની મદદથી ભારતે ન્યુઝીલૅન્ડને ત્રણ મૅચોની સિરીઝની પહેલી વન-ડેમાં ચાર વિકેટથી હરાવી દીધું અને સિરીઝ માં 1-0 થી લીડ બનાવી લીધી છે.

વડોદરા વન-ડે માં ન્યુઝીલૅન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા.

શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમે આ લક્ષ્યાંકને 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને જ હાંસલ કરી લીધું.

કોહલીના ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 28 હજાર રન

વડોદરા વન-ડે દરમિયાન વિરાટ કોહલીએ જેમ જ 25 રન ઉમેર્યા ત્યાં જ તેઓ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 28 હજાર રન બનાવનાર ત્રીજા ખેલાડી બની ગયા.

આ દરમિયાન વિરાટ કોહલીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી ઝડપથી 28 હજાર રન બનાવવાનો મુકામ પણ હાંસલ કર્યો.

સચીન તેંડુલકરે 644 ઇનિંગ્સ અને સંગકારાએ 666 ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યો હતો. પરંતુ વિરાટ કોહલીએ 624 ઇનિંગ્સમાં જ 28 હજાર રન પૂરા કરી લીધા.

જોકે, ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલે સચીન તેંડુલકર હજુ વિરાટ કોહલી થી ઘણાં આગળ છે.

સચિનના નામે ઇન્ટરનૅશનલ ક્રિકેટ માં 34,357 રન છે. પરંતુ હવે માત્ર વન-ડે ક્રિકેટ રમતા વિરાટ કોહલી આ દિવસોમાં શાનદાર ફૉર્મમાં છે. ગત વર્ષે ઑસ્ટ્રેલિયાની પહેલી બે વન-ડે મૅચમાં ખાતું ન ખોલી શક્યા પછી વિરાટ કોહલી એ જોરદાર વાપસી કરી.

સિડની વન-ડે માં વિરાટ કોહલીએ 74 રનની નૉટઆઉટ પારી રમી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ત્રણ મૅચોની સિરીઝની પહેલી બે મૅચોમાં વિરાટ કોહલી એ સદી જડી, જ્યારે ત્રીજી વન-ડેમાં તેઓ 65 રન બનાવીને નૉટઆઉટ રહ્યા. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે વિરાટ કોહલીને 'પ્લેયર ઑફ ધ સિરીઝ' પણ પસંદ કરવામાં આવ્યા.

જોકે, વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં 54મી સદી બનાવવાથી ચૂકી ગયા અને 91 બૉલમાં 93 રન બનાવીને પેવિલિયન પરત ફર્યા.

વિરાટ કોહલીએ તેમની ખાસ ઉપલબ્ધિ પર શું કહ્યું?

વિરાટ કોહલી એ કહ્યું, "જો હું મારી આખી સફર જોઉં તો આ મારા માટે કોઈ સપનાનું સાચા થવા જેવું જ છે. મને હંમેશાં મારી કાબેલિયત પર વિશ્વાસ હતો. જોકે, અહીં સુધી પહોંચવા માટે મને ઘણી મહેનત કરવી પડી."

તેમણે ઉમેર્યું, "સાચું કહું તો હું આ સમયે કોઈ રેકૉર્ડ વિશે નથી વિચારી રહ્યો. જો અમે પહેલાં બેટિંગ કરી હોત તો કદાચ હું વધુ આક્રમકતા સાથે રમ્યો હોત. અનુભવ તો કામ આવે જ છે, પરંતુ સૌથી વધુ જરૂરી ટીમ ને જીત અપાવવી છે."

ગિલ અને અય્યર ની વાપસી

આફ્રિકાની સામે સિરીઝ ગુમાવ્યા બાદ કૅપ્ટન શુભમન ગિલે પણ વન-ડે સિરીઝમાં સફળ વાપસી કરી.

301 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શુભમન ગિલે રોહિત શર્મા સાથે પહેલી વિકેટ માટે 39 રન ની ભાગીદારી કરી. ત્યારબાદ વિરાટ કોહલી સાથે તેમણે બીજી વિકેટ માટે 107 બૉલમાં 118 રન ઉમેર્યા.

રોહિત શર્મા આ મૅચમાં સારી શરૂઆતનો લાભ લેવામાં સફળ રહ્યા નહીં. તેમણે 29 બૉલમાં 26 રન જ બનાવ્યા, પરંતુ તેમની નાની પારીમાં બે છક્કા અને ત્રણ ચોગ્ગા સામેલ રહ્યા.

શુભમન ગિલ અર્ધસદી પૂરી કર્યા પછી પોતાની પારી ને વધુ આગળ લઈ જઈ શક્યા નહીં અને 56 રન બનાવીને પેવિલિયન પરત ફર્યા.

શુભમન ગિલ સિવાય શ્રેયસ અય્યરની પણ લગભગ ત્રણ મહિના પછી ક્રિકેટના મેદાન પર વાપસી સફળ રહી. ટીમના ઉપકપ્તાન અય્યરે 49 રન ની પારી રમી. તેઓ એક રન માટે અર્ધસદી ચૂકી ગયા.

વિરાટ કોહલીના આઉટ થયા પછી ભારતની પારી લડખડાઈ ગઈ હતી. વિરાટ કોહલીની વિકેટ જ્યારે પડી ત્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 234 રન હતો. ત્યારબાદ ભારતે માત્ર 8 રનના અંતરાલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. હર્ષિત રાણાએ 23 બૉલમાં 29 અને કેએલ રાહુલે 21 બૉલમાં 29 રનની નાબાદ પારી રમીને ભારત ને જીત અપાવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન