You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિત્ય પંડ્યા : ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી બરોડાની ટીમને જિતાડનાર આ ખેલાડી કોણ છે?
બુધવારે ભારતની લિસ્ટ એ ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ, વિજય હઝારે ટ્રૉફીમાં હૈદરાબાદની ટીમ સામે 122 રનની ઇનિંગ રમી વડોદરામાં રહેતા નિત્ય પંડ્યા છવાઈ ગયા છે.
બરોડાની ટીમ વતી રમતા તેમણે 110 બૉલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા.
કૃણાલ પંડ્યા પણ આ મૅચમાં ઝંઝાવાતી બેટિંગ કરીને માત્ર 63 બૉલમાં 109 રન બનાવી અણનમ રહ્યા હતા.
નિત્ય પંડ્યા, કૃણાલ પંડ્યા અને અમિત પસ્સીની સદીના બળે બરોડાની ટીમ 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને મસમોટો 418 રનનું લક્ષ્ય આપવામાં સફળ રહી હતી.
જે હાંસલ કરવામાં હૈદરાબાદની ટીમ ટૂંકી પડી અને અંતે બરોડાની ટીમનો વિજય થયો હતો.
આ જીત અને પોતાના પ્રદર્શનને કારણે ચર્ચામાં આવનાર 19 વર્ષના નિત્ય પંડ્યા અંગે એવું કહેવાય છે કે તેઓ વિરાટ કોહલીની માફક સ્લેજિંગ અને બેટિંગ બંને કરી જાણે છે.
બરોડા વિ. હૈદરાબાદની રોમાંચક મૅચ
રાજકોટસ્થિત સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ મૅચમાં હૈદરાબાદની ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી બરોડાની ટીમ વતી નિત્ય પંડ્યા અને અમિત પસ્સી એમ બંને ઓપનરોએ અનુક્રમે 122 અને 127 રનની શતકીય ઇનિંગ રમી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિત પસ્સીએ 12 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારીને 93 બૉલે 127 રન બનાવ્યા હતા.
તેમજ વનડાઉન આવેલા કૅપ્ટન કૃણાલ પંડ્યાએ પણ કપ્તાની ઇનિંગ રમીને નિત્ય અને અમિતે સેટ કરેલા મોમેન્ટમને જાળવી રાખી ટીમને એક મોટા સ્કોર સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો.
કૃણાલ પંડ્યાએ 18 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી માત્ર 63 બૉલ રમીને જ 109 રન બનાવી લીધા હતા.
આ ત્રણેય પ્લેયરોના ઝંઝાવાત સામે હૈદરાબાદના કોઈ બૉલર ઝાઝું કંઈ કરી શક્યા નહોતા. હૈદરાબાદના લગભગ તમામ બૉલરો આ બેટરોના ક્લાસ સામે વિવશ જણાયા હતા.
418 રનના મસમોટા લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી હૈદરાબાદની ટીમ 380 રને જ સમેટાઈ ગઈ હતી.
જોકે, હૈદરાબાદના અભિરથ રેડ્ડી અને પ્રગનય રેડ્ડીએ અનુક્રમે 130 અને 113 રનની ઇનિંગ રમીને જીતની થોડી આશા જરૂર જન્માવી હતી.
બરોડાના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો કરણ ઉમટ, અતિત શેઠ, મહેશ પીઠિયા અને રાજ લિંબાણીએ આ મૅચમાં અનુક્રમે બે, ત્રણ, ત્રણ અને બે વિકેટ મેળવીને હૈદરાબાદની ટીમને ઘૂંટણિયે લાવી દીધી હતી.
નિત્ય પંડ્યા : 'વિરાટ જેવી બેટિંગ અને સ્લેજિંગ'
ઇન્ડિયન એક્સપ્રેસના વર્ષ 2024 એક અહેવાલ પ્રમાણે, કદમાં નાના દેખાતા નિત્ય પંડ્યા મેદાન પર કોઈનાથી ગભરાતા હોય તેવું લાગતું નથી.
અંડર-19 ક્રિકેટ રમતી વખતે મૅચમાં અન્ય ઊંચા કદના ખેલાડીઓ વચ્ચે તેઓ જાણે ક્યાંક ખોવાઈ જતા, પરંતુ જ્યારે તેમના હાથમાં બૅટ આવે છે, ત્યારે મેદાન પર તેમની હાજરી આંખે ઊડીને વળગે છે.
ધુંઆધાર બેટિંગ કરતા આ નાના કદના ખેલાડીને સામા પક્ષના બૉલરો સામે પડતા જોઈ શકાય છે. તેઓ અવારનવાર બૉલર કે નિકટ ઊભેલા ફીલ્ડરો સાથે વાક્યુદ્ધ કરતા જોવા મળે છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ નિત્ય 13 વર્ષના હતા ત્યારથી દિગ્વિજય રાઠવા તેમના કોચ રહ્યા છે.
તેમણે અખબારને એક ઇન્ટરવ્યૂમાં નિત્યના આક્રમક અંદાજ અંગે કહ્યું હતું, "જ્યારે એ બોલી રહ્યો હોય છે, એનો અર્થ એ છે કે એ ગેઇમને કાબૂમાં લઈ લે છે. સામાન્ય રીતે એ દબાણમાં આવતો નથી."
રાઠવા જણાવે છે કે, "સારો બૅટ્સમૅન હોવાની ખાસિયત કરતાં એણે જે રીતે વિરાટ કોહલીને અનુસરવાનું શરૂ કર્યું એ વાત મને ખૂબ પ્રભાવિત કરી ગઈ હતી."
"મેદાન પર વાતો કરવી, સ્લેજિંગ કરવું, એ બધું એ વિરાટને જોઈને જ શીખ્યો છે. જ્યારે એ મેદાન પર હોય છે, ત્યારે એ વિરાટ કોહલી જેવો બનવા માગે છે...સનગ્લાસિસ, ઊંચા કૉલર, ફીલ્ડિંગ અને વિકેટ પડે ત્યારે પણ એવી જ રીતે ઉજવણી. જો કોહલી કંઈક કરે તો પંડ્યા બીજા દિવસે જ મેદાન પર એ કરશે. જો એ એવું ન કરે તો તેનો અર્થ એ છે કે તેનું ધ્યાન બીજે છે અથવા તો એ થોડો પ્રેશરમાં છે."
અહેવાલમાં નોંધાયું છે કે નિત્ય ભારતની યુથ ટેસ્ટ અને અંડર-19 ટીમનો ભાગ રહી ચૂક્યા છે.
નિત્ય આમ તો રાજસ્થાનના બાંસવાડામાં જન્મ્યા છે, પરંતુ ક્રિકેટ માટેના જુસ્સાને ખાતર તેઓ પોતાનાં માતા અને બહેન સાથે વડોદરા આવીને વસી ગયા છે.
પંડ્યાના પિતા જિતેન્દ્રે અખબારને જણાવ્યું હતું કે, "મારી પાસે નિત્યને વડોદરા મોકલવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો, હું એને અહીં અમારા આંજણા ગામ ખાતે મુશ્કેલી વેઠતો નહોતો જોઈ શકતો."
"એ સમયે એ સ્કૂલ પતાવ્યા બાદ આંજણા ગામથી 50 કિમી દૂર આવેલ બાંસવાડા ખાતે કોચિંગ માટે જતો. એ બે વાગ્યાની બસમાં બેસીને ત્યાં પહોંચતો અને રાત્રે દસ વાગ્યે ઘરે પહોંચતો. એ જ દરમિયાન હાર્દિક અને કૃણાલ આઇપીએલનો ભાગ બન્યા. તેથી અમે વિચાર્યું કે એને વડોદરા જ કેમ ન મોકલી દેવાય?"
વડોદરામાં પંડ્યાએ મોતીબાગ ક્રિકેટ ઍકેડેમીમાં જોડાયા જ્યાં તેમને કોચ રાઠવા મળ્યા.
નિત્ય પંડ્યાની ક્રિકેટ કારકિર્દી
તેઓ ડાબોડી બૅટ્સમૅન છે.
ઇએસપીએન ક્રિકઇન્ફોમાં આપેલી માહિતી મુજબ તેમણે હજુ સુધી એક ફર્સ્ટ ક્લાસ અને એક લિસ્ટ એ મૅચ રમી છે.
પોતાની એક ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેમણે 17ની સરેરાશ સાથે 34 રન નોંધાવ્યા છે.
જ્યારે એક લિસ્ટ એ મૅચમાં તેમણે 122 રન બનાવ્યા છે.
આ ઉપરાંત તેમણે રમેલી બે અંડર-19 મૅચોમાં અગાઉ ત્રણ ઇનિંગમાં અનુક્રમે 94, નવ અને 51 રન નોંધાવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન