You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશાલ જયસ્વાલ : વિરાટ કોહલીની વિકેટ લેનાર ગુજરાતી ક્રિકેટરને શું ભેટ મળી?
હાલમાં વિજય હજારે ટ્રૉફી ચાલી રહી છે અને દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીનું ફૉર્મ ફરી ચર્ચામાં આવી ગયું છે. દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ વન-ડે મૅચમાં ગુજરાત સામે 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
તેમજ આ મૅચમાં વિરાટ કોહલીએ બે કૅચ પણ લીધા હતા.
બૅંગ્લુરુમાં રમાયેલી દિલ્હી અને ગુજરાત વચ્ચે મૅચમાં દિલ્હીનો સાત રને વિજય થયો હતો.
જોકે આ મૅચમાં વિરાટ કોહલીની પર્ફૉર્મન્સની સાથે સાથે તેમને અન્ય ખેલાડીઓ પ્રત્યેનો વ્યવહાર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતી ક્રિકેટર વિશાલ જયસ્વાલે વિરાટ કોહલીની વિકેટ લીધી હતી.
વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ
વિજય હજારે ટ્રૉફીની મૅચમાં દિલ્હી તરફથી રમતા વિરાટ જ્યારે મેદાનમાં રમવા ઊતર્યા ત્યારે તેમના આગવા અંદાજમાં બેટિંગ કરતા હતા.
વિરાટ કોહલીએ ચારે તરફથી બૉલરો પર દબાણ વધાર્યું હતું અને તેઓ મેદાનમાં બધી બાજુ શાનદાર શૉ્ટસ મારતા હતા અને તેમના રન પણ વધી રહ્યા હતા.
વિરાટ કોહલીની બેટિંગ જોઈને લાગતું હતું કે તેઓ વધુ એક શાનદાર સદી તરફ આગળ વધી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તેમણે 77 રન કરીને વિકેટ ગુમાવી હતી અને આ વિકેટ લેનાર ગુજરાતના સ્પીન બૉલર વિશાલ જયસ્વાલ હતા.
વિરાટ કોહલીની વિકેટ લેનાર વિશાલ જયસ્વાલ
શાનદાર બેટિંગ કરનાર વિરાટ કોહલીને ગુજરાતના ડાબોડી સ્પીનર વિશાલ જયસ્વાલે ચાલાકીથી આઉટ કર્યા હતા. વિશાલે નાખેલો બૉલ સ્ટમ્પની બહાર ઘૂમ્યો અને વિરાટ કોહલી ક્રીઝમાંથી બહાર નીકળી ગયા. એટલામાં વિકેટકીપર યુએમ પટેલે ઝડપથી તેમને સ્ટમ્પઆઉટ કરી નાખ્યા હતા.
કોહલી 61 બૉલમાં 77 રન કરીને આઉટ થયા હતા. વિરાટ કોહલીએ આ મૅચમાં 13 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.
જોકે વિરાટ કોહલીના આઉટ થયા બાદ તેમનો વિશાલ જયસ્વાલ પ્રત્યેનો વ્યવહાર ચર્ચાનો વિષય બન્યું છે.
મૅચ બાદ વિરાટ કોહલી વિશાલ જયસ્વાલને મળ્યા હતા. એટલું જ નહીં મૅચ બૉલ પર સાઇન પણ કરી હતી. બંને ખેલાડીઓએ સાથે ફોટો પણ પડાવ્યો હતો.
ત્યાર બાદ વિશાલ જયસ્વાલે આ પળને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી અને લખ્યું કે તેમને (વિરાટ કોહલી) ટીવી પર જોવાથી માંડીને સાથે મૅચ રમવા સુધીની સફર બહુ ખાસ રહી છે.
તેમણે લખ્યું કે "વિરાટના વિશ્વ ક્રિકેટમાં પ્રભુત્વથી માંડીને એક મેદાનમાં રમવા સુધી અને તેમની વિકેટ લેવા સુધી. આ એક એવી ક્ષણ છે, જેની મેં કલ્પના નહોતી કરી કે તે વાસ્તવિકતામાં ફેરવાશે. વિરાટભાઈની વિકેટ લેવાની ક્ષણને હું હંમેશાં યાદ રાખીશ. આ તકે મને આ રમતે જે કંઈ પણ આપ્યું છે, તેના માટે બસ આભારી છું."
આ મૅચમાં વિશાલ જયસ્વાલે 10 ઓવરમાં 42 રન આપીને કુલ ચાર વિકેટ લીધી હતી.
દિલ્હીની ગુજરાત સામે જીત
દિલ્હી તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ (77) રન કર્યા હતા. તેમજ કૅપ્ટન ઋષભ પંતે 70 રન કર્યા હતા. દિલ્હીની ઓપનિંગ જોડી ખાસ રન કરી શકી નહોતી, પણ વનડાઉનમાં આવેલા વિરાટે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો.
દિલ્હીની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના અંતે 254 રન કર્યા હતા અને ગુજરાતની ટીમને જીત માટે 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ગુજરાત તરફથી બેટિંગ કરતા આર્ય દેસાઈએ સૌથી વધુ (57) રન કર્યા હતા. આ સિવાય સૌરવ ચૌહાણે (49), ઉર્વીલ પટેલે (31) અને અભિષેક દેસાઈ અને વિશાલ જયસ્વાલે (26) રન જોડ્યા હતા.
ગુજરાતની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી હતી. આ મૅચ 26 ડિસેમ્બર રમાઈ હતી. પ્લેયર ઑફ ધ મૅચ વિરાટ કોહલી બન્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન