You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મિર્ઝા ગાલિબ જ્યારે પાલખીમાં સવાર થઈને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે શું થયું હતું?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
"હૈ ઔર ભી દુનિયા મેં સુખનવર બહુત અચ્છે,
કહતે હૈં કિ ગાલિબ કા હૈ અંદાજ-એ-બયાં ઔર..."
જીવનના અલગ-અલગ રંગ- ખુશી, કરુણા, બેબસી, આગ્રહ, પૂર્વાગ્રહ, તકલીફ, મનની મસ્તી, શરાબ, નશો, દોસ્તી-યારી, દુશ્મની, તારીફ-આલોચના, ઇશ્ક-મુહબ્બત, રૂઆબ, ઘમંડ, ઠાઠ, દૌલત, અદબ, બેતાબી, બેરુખી, દિલ્લગી અને મૌસમ... મશ્કરા મનાતા ગાલિબનાં શેર-શાયરી-ગઝલમાં તમામ રંગો વિખેરાયેલા રહેતા.
તેઓ માત્ર શાયર જ નહોતા, ઉર્દૂ જબાનની જાન હતા એટલું જ નહીં ઇશ્કના અહેસાસના ધબકારા.
તેમની જિંદગી ખુદ એક શાયરી હતી. તેમની તમામ ઇચ્છાઓને બે પંક્તિમાં તેમણે બેખૂબી રીતે વર્ણવી છે.
"હજારો ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નિકલે,
બહુત નિકલે મેરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે..."
તેમનાં અનેક શેર-શાયરી અને ગઝલ આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાલિબ કોણ છે તે જાણવા માટે ખુદ ગાલિબની ભાષામાં કહીએ તો:
"પૂછતે હૈં વો કિ ગાલિબ કૌન હૈ, કોઈ બતલાઓ કિ હમ બતલાયેં ક્યા..."
ઇશ્કના મામલે તો તેઓ ગુલઝાર હતા. તેમણે કહ્યું:
"ઇશ્કને ગાલિબ નિકમ્મા કર દિયા, વર્ના હમ ભી આદમી થે કામ કે..."
ગાલિબ, ઝફર અને ચિંતા
વર્ષ 1856માં દિલ્હીમાં શિયાળાની ઋતુ આવતા જ ગજબની ચિંતાની લહેરકી ઊઠી ગઈ.
7મી ફેબ્રુઆરી, 1856ના રોજ અંગ્રેજોએ એક તરફી નિર્ણય લઈને અવધની હકૂમત પર કબજો જમાવી લીધો.
દિલ્હીમાં મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરને અવધના નવાબ તરફથી જે ગુજારા ભથ્થુ મળતું હતું તે પણ બંધ થઈ ગયું.
બાદશાહ બહાદુરશાહ ઝફરના બીજા નંબરના દીકરા મિર્ઝા ફખરુનું પણ અકાળે અવસાન થયું. ઝફરની ઉંમર હવે 81 વર્ષની હતી.
અવધના અંગ્રેજોના હાથમાં જવાને કારણે અને મિર્ઝા ફખરુના મોત બાદ જાણે કે મુઘલ વંશ પર કાળ મંડરાતો હતો. ઝફર ત્યારે 81 વર્ષની ઉંમરને પાર કરી ચૂક્યા હતા. અંગ્રેજોએ પહેલાં જ ઝફરના સામ્રાજ્યને માત્ર લાલ કિલ્લા પૂરતું સીમિત કરી નાખ્યું હતું.
માત્ર ઝફર જ નહીં પરંતુ તેના તમામ દરબારીઓ પણ પરેશાન હતા.
મુઘલ દરબારના ખતમ થવાના ખ્યાલ માત્રથી દિલ્હી પર જાણે કે ગમનાં વાદળો છવાઈ જતાં હતાં. કારણ કે, દિલ્હીમાં લગભગ મહદંશે લોકોની ખુશહાલી, સંરક્ષણ કે પછી રોજગારી દરબાર સાથે જોડાયેલી હતી.
તેમાં પણ દરબારી શાયરો માટે તો આ જાણે કે સૌથી મોટી આફતનો અંદેશો હતો. જેમાં મિર્ઝા ગાલિબનું નામ સૌથી ઉપર હતું. કારણ કે, મિર્ઝા ફખરુ (ઝફરના પુત્ર) તેમના શાગિર્દ હતા અને તેમના તરફથી તેમને થતી આવક બંધ થઈ ગઈ હતી.
'ધ ઑક્સફર્ડ ગાલિબ - લાઇફ, લેટર્સ ઍન્ડ ગઝલ્સ' નામના પુસ્તકનું સંપાદન કરનારા લેખક રાલ્ફ રસલે 27મી જુલાઈ, 1856ના રોજ ગાલિબે તેમના એક મિત્રને લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો છે.
ગાલિબ લખે છે, "તમને માલૂમ થાય કે વલીઅહદના મોત બાદ મારા પર મુસીબત આવી પડી છે. બસ, હવે મારો આ સલ્તનત સાથેનો સંપર્ક બાદશાહ સુધી જ છે. ખુદા જાણે, મારો બીજો શાગિર્દ કોણ બનશે? મારી કદર કરનારો ચાલ્યો ગયો, હવે મને કોણ ઓળખશે?"
ગાલિબ પાસે બીજી કોઈ આવકનો સ્રોત નહોતો. આમ તો ગાલિબને હંમેશાં પૈસાની તંગી નડતી હતી.
સ્કોટિશ લેખક વિલિયમ ડૅલરિમ્પલે તેમના પુસ્તક 'આખરી મુઘલ- એક સામ્રાજ્યનું પતન, 1857'માં દિલ્હીના આખરી બાદશાહના દરબારીઓની વ્યથિત મનોદશાનું વર્ણન કર્યું છે.
ડૅલરિમ્પલ લખે છે, "ગાલિબ અને તેમના જેવા શાયરો એશોઆરામ અને પોતાની શાનની અહેમિયતના શિકાર હતા. તેમની પાસે એવી કોઈ આવક નહોતી કે તેનાથી તેઓ તેને પૂરી કરી શકે."
"તેમણે (ગાલિબ) પોતાની ઇજ્જતના ઘમંડમાં દિલ્હી કૉલેજમાં ફારસીના પ્રોફેસર બનવાની તકને ઠોકર મારી દીધી હતી."
ગાલિબ દિલ્હી કૉલેજમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા
ગાલિબ કલમ સારી રીતે ચલાવી જાણતા હતા પરંતુ તેનાથી તેની કોઈ કમાણી નહોતી. તેઓ કરજમાં ડૂબેલા રહેતા.
ગાલિબ શરાબ પીવાના શોખીન હતા. તેઓ ઘણી વખત શરાબને કારણે કરજમાં ડૂબી ગયા હતા. તેમને અંગ્રેજી શરાબ પીવી બહુ ગમતી હતી તેથી તેઓ એક વાર ખાસ મેરઠથી બે ગધેડાં ભરીને શરાબ ઘરે લઈ આવ્યા હતા.
તેઓ નવાબી ઠાઠ સાથે જીવતા હતા. એક તબક્કે તેમની શાયરાના અંદાજની એક દરજ્જાની અમીરી પણ છલકતી હતી અને બીજી તરફ પૈસાની તંગીને કારણે ફકીરી પણ દેખાતી હતી. તેમની પાસે શોહરત પણ હતી અને સાથે બદનામી પણ. તેઓ જુગાર રમવા બદલ જેલ પણ ગયા હતા.
તેમનું જીવન મુશ્કેલીભર્યું રહ્યું. ભલે તેમના જીવનમાં તમામ ઉતાર-ચઢાવ, અમીરી-મુફલિસી આવ-જા કરતી રહી પરંતુ ગાલિબે તેના જીવન જીવવાનો અંદાજ ન બદલ્યો. આવક કરતાં ખર્ચ વધારે રહેતો. કરજ એટલું વધી ગયું કે ઘણા શાહૂકારોએ તેમની ફરિયાદ કરી. કરજ ન ચૂકવવા બદલ તેમને કોર્ટ-કચેરીમાં ઘસડાવું પડ્યું. તેમાં ખર્ચો પણ થયો અને બરબાદી પણ.
પરંતુ આમ છતાં તેમણે કરજ વિશે તેમના અનોખા અંદાજમાં લખ્યું:
"કર્જ કી પીતે થે લેકિન સમજતે થે કિ, હાં રંગ લાવેગી હમારી ફાકા-મસ્તી એક દિન."
આવામાં તેમણે જાન્યુઆરી 1842માં દિલ્હી કૉલેજમાં પ્રોફેસર બનવાની તક ગુમાવી.
'ગાલિબ: 1797-1869, વૉલ્યુમ 1, લાઇફ ઍન્ડ લેટર્સ' નામના પુસ્તકમાં લેખક રાલ્ફ રસલ લખે છે, "દિલ્હી કૉલેજમાં થૉમસન નામના નવા પ્રિન્સિપાલ આવ્યા હતા. તેઓ કંપની સરકારના સેક્રેટરી હતા અને તે બાદમાં લેફ્ટનન્ટ ગવર્નર ઑફ નૉર્થ-વેસ્ટર્ન પ્રોવિઝન્સ પણ બન્યા હતા. તેમણે 100 રૂપિયાના પગાર સાથે અરબીના પ્રોફેસરની નિયુક્તિ કરી હતી. તેઓ ઇચ્છતા હતા કે ફારસીમાં પણ કોઈ નિયુક્તિ થાય. જેમાં ગાલિબ, મોઇન ખાન અને મૌલવી ઇમામ બક્ષ (શાયર સહબાઈ)નાં નામો સુચવવામાં આવ્યાં. થૉમસને સૌથી પહેલાં ગાલિબને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા."
ગાબિલને સરકારી દરબારોમાં 'કુર્સીનશીન'નો હોદ્દો હતો અને તે અંતર્ગત તેઓ થૉમસનને મળી ચૂક્યા હતા. થૉમસનના અનુરોધ પર તેઓ ઇન્ટરવ્યૂ માટે તૈયાર થયા.
"તેઓ પાલખીમાં સવાર થઈને જ્યાં તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા તે દિલ્હી કૉલેજ સુધી આવ્યા."
જોકે, ત્યાં તેમણે દરવાજા સુધી પહોંચીને ઉતરવાનો ઇન્કાર કરી દીધો. (કેટલાંક પુસ્તકોમાં ઉલ્લેખ છે કે તેઓ પાલખીમાંથી ઊતરીને થૉમસનના આવવાની રાહ જોતા ઊભા રહ્યા હતા.)
તેમણે કહ્યું, "જ્યાં સુધી કૉલેજના પ્રિન્સિપાલ થૉમસન ખુદ પોતે આવીને તેમનું સ્વાગત નહીં કરે, તેઓ અંદર દાખલ નહીં થાય."
રાલ્ફ રસલ લખે છે, "જેવું કરવું તેમના રુઆબને અનુરૂપ હતું. ઘણા વાદવિવાદ બાદ થૉમસન બહાર આવ્યા. તેમને સમજાવ્યા કે એક દરબારી માટે સ્વાગત કરવું યોગ્ય છે પરંતુ જ્યારે એક નોકરીના ઇન્ટરવ્યૂ માટે કોઈ આવ્યું હોય, તેનું સ્વાગત નહીં થઈ શકે."
ગાલિબે જવાબ આપ્યો, "મેં સરકારી નોકરી એટલે કરવાનું પસંદ કર્યું હતું કે જેથી મારી ઇજ્જતમાં વધારો થાય. એટલે માટે નહીં કે ઘટી જાય."
થોમસને કહ્યું, "પરંતુ હું કાયદાથી બંધાયેલો છું."
"ત્યારે હું આશા રાખું છું કે તમે મને માફી ફરમાવશો," એમ કહીને ગાલિબે ત્યાંથી ચાલતી પકડી.
જે લોકોને ઝફરના દરબારમાં મહત્ત્વનો હોદ્દો હતો તેમના માટે માન-સન્માન એ ઠાઠનો અને રૂઆબનો જ નહીં પરંતુ ગર્વ અને ગૌરવ ઉપરાંત આત્મસન્માન અને અભિમાનનો પણ વિષય હતો.
ગાલિબ આ જ ખયાલમાં રાચેલા રહ્યા અને તેમણે નિયમિત આવક ધરાવતી પાકી મનાતી નોકરી ગુમાવી.
ઝફરના દરબારમાં ગાલિબનું સ્થાન
આવી તંગ સ્થિતિમાં પણ ગાલિબને સમસ્યા હતી કે ઝફર તેની કદર કરતા નથી. તેનાથી કમ હોંશિયાર જૌકને વધારે વળતર આપે છે.
મોહમ્મદ ઇબ્રાહિમ જૌક ઉર્દૂ અદબના મશહૂર શાયર હતા અને તેની સાથે ગાલિબને અણબનાવ જ નહોતો પરંતુ ઇર્ષ્યા પણ હતી. કારણકે જૌક બાદશાહ ઝફરના ઉસ્તાદ હતા.
જોકે, જૌકનું 1854માં મૃત્યુ થયું અને ઝફરે ગાલિબને પોતાના ઉસ્તાદ નિયુક્ત કર્યા. ગાલિબને તેમની નિયુક્તિની સાથે જે પગાર જૌકને મળતો હતો તે પણ મળવા લાગ્યો. ગાલિબ માટે થોડી રાહતનો શ્વાસ લેવાનો સમય હતો. પરંતુ તેમણે તેની મોટાભાગની દોલત શરાબમાં ખોઈ નાખી.
વિલિયમ ડૅલરિમ્પલ લખે છે, "ગાલિબની ગઝલોની ઝફરને કદર નહોતી. છતાં ગાલિબ માટે તેમના દરબારમાં સામેલ થવું ફાયદેમંદ હતું."
જ્યારે ઝફર બીમાર પડ્યા ત્યારે તેમણે પરેશાન થઈને લખ્યું, "હવે મારું શું થશે?"
થોડા દિવસો પછી તેમણે લખ્યું, "આ દરબાર કાયમ નહીં રહે. આ મહેફિલ ગમે ત્યારે ગાયબ થઈ શકે છે."
ગાલિબને અંગ્રેજોની દાનત જોતાં અંદેશો હતો અને તે સાચો પડ્યો.
મિર્ઝા ફખરુ અને અવધ પર અંગ્રેજોનો કબજો થયા પછી ગાલિબે વિચાર્યું હતું કે તેઓ આવકનો સ્રોત ઊભો કરે. તેમણે અંગ્રેજોને દરબારી રીત-રિવાજોને શીખવાડવાની વાત કહી.
આ માટે તેમણે મહારાણી વિક્ટોરિયાને પણ પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે તેમના ભરપૂર વખાણ કર્યા.
વિલિયમ ડૅલરિમ્પલ લખે છે, "તેની શરૂઆતમાં તેમણે મલ્લિકાના વખાણ 'સિતારોની માફક ચમકદાર' કહીને કરી હતી. તેમાં તેમણે 'સિકંદરની જેમ મહાન' અને 'ફરીદૂનની જેમ શાનદાર' કહ્યા. જોકે, પાછળથી મતલબની વાત યાદ અપાવતા કહ્યું કે મલ્લિકાને જૂનો રિવાજ યાદ રાખવો જોઈએ કે દરેક શાસકે પોતાના સમયના શાયરોનું સંરક્ષણ કરવું જોઈએ, જેથી તેઓ તેમની કવિતાના માધ્યમથી અમર બની શકે."
ગાલિબ લાંબા સમય સુધી મલ્લિકાના વળતા જવાબ અને પેન્શનની રાહ જોતા રહ્યા પરંતુ તેમની આશ ઠગારી નીવડી. ગાલિબ 1856-57માં માયૂસ બનીને રહી ગયા. પરંતુ આ માયૂસીમાં પણ તેમના તેજતર્રાર શેર તો ચાલુ જ હતા.
"કાસિદ કે આતે આતે ખત ઇક ઔર લિખ રખું, મૈં જાનતા હું જો વો લિખેંગે જવાબ મેં."
જ્યારે ગાલિબ પેન્શન મેળવવા માટે કલકત્તા ગયા
અઢારમી સદીની મધ્યમાં ગાલિબના વડવા કુકાનબેગ ખાન નામના તુર્ક સૈનિક સમરકંદથી ભારત આવ્યા હતા. તેઓ પહેલા પંજાબ ગયા અને બાદમાં દિલ્હી આવીને બાદશાહ શાહઆલમ દ્વિતીયને ત્યાં નોકરી કરવા લાગ્યા.
બાદશાહે તેને 50 ઘોડેસવારોના નાયક બનાવ્યા. તેને પિહાસૂ (બુલન્દશહર)ની ઉપજાઉ જાગીર પણ સોંપી જેથી તેઓ પોતાનો અને તેમના સૈનિકોનો ખર્ચો ચલાવી શકે.
તેમને આ નોકરી છોડીને જયપુરના મહારાજાની સેનામાં જોડાયા અને પછી આગ્રામાં વસી ગયા.
કુકાનબેગ ખાનનો પરિવાર મોટો હતો. તેમાં બે ભાઈઓનાં નામોનો ઉલ્લેખ મળે છે – અબ્દુલ્લાબેગ ખાન અને નસરુલ્લાબેગ ખાન.
બંનેએ સૈનિક તરીકે નોકરી કરી. નસરુલ્લાબેગ ખાને મરાઠાની સેનામાં નોકરી કરી અને બાદમાં તેઓ ગ્વાલિયરના મહારાજાના એક ફ્રાંસીસી જનરલ પેરોની નિગરાનીમાં આગ્રાના કિલ્લેદાર બની ગયા.
અબ્દુલ્લાબેગ ખાન પહેલા લખનૌ ગયા અને બાદમાં હૈદરાબાદ ગયા. તેમનું જીવન રઝળપાટ ધરાવતું હતું. તેમને ત્રણ સંતાનો હતાં. એક પુત્રી અને બે પુત્ર. તે પૈકીના મોટા પુત્ર હતા ગાલિબ.
ગાલિબનું મૂળ નામ અસદુલ્લાબેગ ખાન હતું. તેમનો જન્મ મોસાળ પક્ષમાં આગ્રામાં 27મી ડિસેમ્બર, 1797માં થયો હતો.
અબ્દુલ્લાબેગ ખાનનાં લગ્ન મુઘલ સેનાના એક નાયક હુસૈન ખાનના પરિવારમાં થયાં હતાં. ગાલિબના પિતાની રઝળપાટને કારણે અબ્દુલ્લાબેગ ખાનની પત્ની અને તેમનાં સંતાનો આગ્રા જ રહ્યાં.
અબ્દુલ્લાબેગ ખાનનાં મોત બાદ ગાલિબ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેઓ તેમના કાકા નસરુલ્લાબેગ ખાનના સંરક્ષણમાં આવી ગયા.
નસરુલ્લાબેગ ખાન આગ્રાના કિલ્લેદાર હતા. જ્યારે અંગ્રેજોએ આગ્રા પર અધિપત્ય જમાવ્યું ત્યારે તેમણે કોઈ વિરોધ ન કર્યો અને આગ્રા તેમને હવાલે કરી દીધું. તેથી અંગ્રેજોએ ખુશ થઈને તેમને 400 ઘોડેસ્વારોના સેનાનાયક નિયુક્ત કર્યા. તથા તેમને માસિક 1700 રૂપિયા પેન્શન બાંધી આપ્યું.
પરંતુ ગાલિબના જીવનમાં શાંતિ નહોતી. નસરુલ્લાબેગ ખાન 1806માં મૃત્યુ પામ્યા અને તેમનો પરિવાર ફરી બેસહારા બની ગયો.
નસરુલ્લાબેગના પરિવારને ભરણપોષણ માટે અંગ્રેજોએ 10 હજારનું વાર્ષિક પેન્શન બાંધી આપ્યું હતું. પરંતુ એક મહિના બાદ પેન્શનની રકમ ઘટી ગઈ. તેમાં પણ આ પેન્શનની વહેંચણી એ પ્રકારે કરવામાં આવી જેનાથી ગાબિલના ભાગે માત્ર 750 રૂપિયા વાર્ષિક પેન્શનની રકમ રહી ગઈ. જોકે, તે જમાનામાં એ રકમ ઘણી મોટી હતી. પરંતુ પરિસ્થિતિ બગડતા મોડું ન થયું.
પરિવારમાં પેન્શનની વહેંચણીને લઈને ઝઘડા શરૂ થઈ ગયા. ગાલિબને તેનો હિસ્સો મળવો બંધ થઈ ગયો. તેમણે પેન્શનનો મામલો અંગ્રેજોની કંપની સરકાર સમક્ષ ઉઠાવવાનું મન બનાવ્યું અને તેઓ તેને માટે છેક કલકત્તા પણ ગયા.
તેમણે ગવર્નર જનરલની કાઉન્સિલમાં તેમની દરખાસ્ત મૂકી હતી પરંતુ તેમની માંગ ફગાવી દેવામાં આવી.
'અડધો મુસલમાન...'
1857માં હિંદુસ્તાની સૈનિકોએ કરેલા બળવા બાદ અંગ્રેજોએ દિલ્હીમાં વ્યાપક પ્રમાણમાં નરસંહાર કર્યો.
ગાલિબ એ દિલ્હીના બહુ ઓછા મુસ્લિમો પૈકીના એક હતા કે તેઓ બચી જવા પામ્યા.
તેઓ બચી તો ગયા પરંતુ તેમની તકલીફો ઓછી થવાનું નામ નહોતી લેતી...
અંગ્રેજોએ ઝફરના દરબારીઓને વીણી-વીણીને મારી નાખ્યા હતા. અંગ્રેજ કર્નલ બર્ને ગાલિબને બોલાવ્યા.
ગાલિબે બર્ન સાથેની મુલાકાતમાં પોતાની બહેતરીન તુર્કી ટોપી પહેરી હતી.
વિલિયમ ડૅલરિમ્પલે 'આખરી મુઘલ' પુસ્તકમાં આ મુલાકાતનું વર્ણન કર્યું છે.
જ્યારે કર્નલ બર્ને ગાલિબને પૂછ્યું કે "મુસ્લિમ છો?"
જવાબમાં ગાલિબે કહ્યું, "અડધો."
કર્નલ બર્ને પૂછ્યું, "તેનો શો મતલબ?"
ગાલિબે બેફિકરાઈથી જવાબ આપ્યો, "શરાબ પીઉં છું, સૂવરનું માંસ નથી ખાતો."
ગાલિબની હાજરજવાબીને કારણે કર્નલ હસી પડ્યા. ગાલિબે મહારાણી વિક્ટોરિયાને લખેલા પત્રની પાવતી દેખાડી. આ પાવતી તેમને કંપની સરકારના મંત્રી તરફથી મળી હતી.
ગાલિબની હાજરજવાબી અને વિક્ટોરિયાને લખેલા પત્રએ તેમને બચાવી લીધા.
આ મુલાકાત વિશે ખુદ ગાલિબે પણ લખ્યું છે:
તેમણે લખ્યું, "હું વૃદ્ધ છું, અપંગ છું, બહેરો છું અને વાત કરી શકવાને અશક્તિમાન છું. ન લડવા માટે. બસ તમારી ફતેહની દુઆ કરી શકું છું. જે પહેલાં પણ કરતો હતો. અને હું તે અહીં પણ કરી શકું છું."
તેમના છેલ્લા દિવસો બહુ દુ:ખભર્યા વિત્યા હતા.
દિલ્હીના થઈ ગયેલા ખંડેરની હાલત જોઈને ગાલિબે તેમના મિત્રને લખ્યું હતું, "હિંદુસ્તાનનો ચિરાગ બુઝાઈ ગયો છે, મુલ્કમાં અંધારું છે. લોકો આ ગમમાં પોતાનું દિમાગી સંતુલન ખોઈ બેઠા છે. હું પણ આ ગમમાં પાગલ ન થઈ જાઉં?"
ગાલિબ ફરિયાદો કરતા હતા કે કિતાબપસંદ શહેર દિલ્હીમાં એક પણ પુસ્તકોની દુકાન નથી. પુસ્તકાલયો લૂંટાઈ ચૂક્યાં હતાં. મદરેસા બંધ થઈ ગઈ હતી. બેશકિંમતી પાંડુલિપિઓ ગુમ થઈ ગઈ હતી.
ગાલિબ લખે છે, "મનમૂન ક્યાં છે, જૌક ક્યાં છે અને મોમિન ક્યાં છે? માત્ર બે શાયર બચ્યા છે. એક આજુર્દા કે જેઓ ખામોશ છે. બીજા ગાલિબ કે જેઓ સન્ન છે. ન કોઈ શાયરી કહેનારું રહ્યું, ન કોઈ તેના કદરદાન."
ગાલિબની પણ ઘણી શાયરીઓ તેમની જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધી હતી તે ખોવાઈ ગઈ હતી. તેમણે આ શાયરીઓની પ્રત રાખી નહોતી. જે બે લાઇબ્રેરીઓમાં તેમની શાયરીઓ અને ગઝલોને તેમના મિત્રોએ રાખી હતી તેને અંગ્રેજોની સેનાએ લૂંટીને બરબાદ કરી નાખી હતી.
તેમણે તેમના પુસ્તક 'દસ્તંબૂ'માં લખ્યું, "ધીરે-ધીરે ભોજનની સામગ્રી ઓછી થતી હતી. પાણીની ભારે તકલીફ હતી. એક વાટકી પાણી પણ બચ્યું નહોતું. એક દિવસ વરસાદ પડ્યો ત્યારે ચાદર ફેલાવીને તેનું પાણી નીચે ભેગું કર્યું."
ગાલિબે તેમની આત્મકથા દંસ્તંબૂને આ નિરાશા સાથે સમાપ્ત કરી.
"મેરે ગમ લાઇલાજ હૈ, મેરે જખ્મ કભી નહીં ભર સકતે, લગતા હૈ મેં પહેલે હી મર ચૂકા હું."
7 નવેમ્બર, 1862માં બહાદુરશાહ ઝફરનું નિધન થઈ ગયું.
તેમની મોત અને ત્યાર પછીના સાત વર્ષ બાદ 1869માં ગાલિબનું પણ મોત થઈ ગયું.
ડેલરિમ્પલ લખે છે, "તેમની સાથે જ દિલ્હીની એક આખી સભ્યતાનું આત્મસન્માન અને આત્મવિશ્વાસ પણ સમાપ્ત થઈ ગયા. એ પણ એટલી ખરાબ હદે કે ક્યારેય પાછો જીવંત થવાની આશા ન રહે."
એક જમાનામાં તેમણે તેમની જ થઈ રહેલી તારિફની મજાક ઉડાવતા લખ્યું હતું:
"હોગા કોઈ એસા ભી જો ગાલિબ કો ન જાને, શાયર તો અચ્છા હૈ પે બદનામ બહુત હૈ."
ન મૈં આઝાદ હું...
પોતાના મોત પહેલાં તેમણે એક પત્ર લખ્યો હતો.
મુનશી હરગોપાલ તફ્તાને લખેલા આ પત્રમાં તેઓ લખે છે:
"ન તો હું આઝાદ છું, ન કેદ છું, ન બીમાર છું, ન સારો છું, ન ખુશ છું, ન તો નાખુશ, ન જીવું છું, ન મૃત છું. બસ જીવી રહ્યો છું."
આવી સ્થિતિમાં પણ તેમણે શરાબને છોડ્યો નહોતો.
"હજુ રોજ રોટી ખાઉં છું, જો શરાબ મળી જાય તો પી લઉં છું. જ્યારે મોત આવશે ત્યારે મરી જઈશ. ચાલ્યો જઈશ. ન હું ખુદાનો આભાર પ્રગટ કરું છું, ન તેને ફરિયાદ કરું છું."(ગાલિબના પત્રોમાંથી)
15મી ફેબ્રુઆરી, 1869ના રોજ ગાલિબે દેહ છોડ્યો. પણ આ પ્રસંગ માટે પણ તેઓ એક શેર છોડી ગયા હતા.
"હુઈ મુદત કે ગાલિબ મર ગયા પર યાદ આતા હૈ, વો હર ઇક બાત પે કહેના કિ યૂં હોતા તો ક્યા હોતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન