You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંગ્રેજોની ઊંઘ હરામ કરનારા ટીપુ સુલતાનના શૂરવીર પિતા હૈદરઅલીની દાસ્તાન
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
1757માં પ્લાસીનું યુદ્ધ જીત્યાના એક દાયકાની અંદર જ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્તાહર્તાઓને એ વાત સમજાઈ ગઈ હતી કે ભારતીય રાજાઓની સૈન્ય ક્ષમતા ઝડપથી વધી રહી હતી અને પ્લાસી જેવું યુદ્ધ ફરી વખત જીતવું તેમના માટે લોઢાના ચણા ચાવવા સમાન હતું.
માત્ર એક દાયકામાં જ ભારતનાં રજવાડાં યુરોપની લશ્કરી ક્ષમતાઓની હરોળમાં આવી ગયાં હતાં. 1760ના દાયકાના મધ્ય ભાગ સુધીમાં તો એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમની અને અંગ્રેજોની સૈન્ય ક્ષમતા વચ્ચેનું અંતર લગભગ ભૂંસાઈ ગયું હતું. અંગ્રેજોને દક્ષિણમાં પ્રથમ પડકાર ફેંકનાર હૈદરઅલી હતા.
લેવિન બી. બૉરિંગ તેમના પુસ્તક 'હૈદરઅલી ઍન્ડ ટીપુ સુલતાન'માં લખે છે, "18મી સદીમાં મૈસૂર બ્રિટિશરો સામેના સંઘર્ષનું કેન્દ્રસ્થાન હતું. મૈસૂરને વિશ્વના પૂર્વ ભાગોના ઇતિહાસની કેટલીક અત્યંત સાહસિક અને રોમાંચક પ્રવૃત્તિઓનું જન્મસ્થાન ગણવામાં આવે છે."
"આ એક એવો પ્રાંત હતો, જ્યાં બ્રિટિશરોએ તેમના સૌથી બાહોશ, નીડર અને દુશ્મનોના નાકે દમ કરી મૂકનારા હરીફનો સામનો કરવો પડ્યો હતો, જેનું નામ હૈદરઅલી હતું."
હૈદરઅલી અને તેમના પુત્ર ટીપુ સુલતાને માત્ર 38 વર્ષ સુધી જ શાસન કર્યું હોવા છતાં આટલા ઓછા સમયમાં કેટલીક એવી ઘટનાઓ બની, જેના કારણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા હતા.
જન્મજાત યોદ્ધા
હૈદર વિશે કહેવાય છે કે તેઓ પંજાબી મૂળના હતા અને મૈસૂરની સેનામાં ઊંચા હોદ્દા પર હતા. ઈ.સ. 1776માં તેમણે મૈસૂરના વાડિયાર રાજા પાસેથી સત્તા આંચકી લીધી અને મૈસૂરના સૈન્યનું કદ વધારીને નાનાં-નાનાં પાડોશી રાજ્યો જીતવા માંડ્યાં.
ઇરફાન હબીબ તેમના પુસ્તક 'રેઝિસ્ટન્સ ઍન્ડ મૉડર્નાઇઝેશન અન્ડર હૈદરઅલી ઍન્ડ ટીપુ સુલતાન'માં નોંધે છે, "હૈદરે તેના સૈનિકોને તાલીમ આપવા માટે ફ્રાન્સથી કમાન્ડર્સ તેડાવ્યા હતા. શ્રીરંગપટ્ટનમની સુરક્ષા જડબેસલાક કરવા માટે તેણે ફ્રેન્ચ ઇજનેરોની મદદ લીધી હતી. આ ઉપરાંત હૈદરે તેની પોતાની નૌસેના ઊભી કરવાની પણ કોશિશ કરી હતી. 1766માં તેની પાસે બે વિશાળ યુદ્ધજહાજો, સાત નાનાં યુદ્ધ જહાજ અને 40 નાની હોડીઓ હતી. આ તમામનું સંચાલન સ્ટેન્નેટ નામના યુરોપિયન દ્વારા કરવામાં આવતું હતું."
હૈદર જન્મજાત સૈનિક હોવાનું કહેવાય છે. ઘોડેસવારીની સાથે-સાથે તલવારબાજી અને બંદૂક ચલાવવામાં પણ તેઓ એટલા જ કાબેલ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લેવિન બૉરિંગ નોંધે છે, "હૈદરમાં થાક સહન કરવાની ગજબની ક્ષમતા હતી. સૈનિકોની આગેવાની કરતી વખતે તેઓ તેમના જીવની પણ પરવા નહોતા કરાતા, આથી જ તેમના સૈનિકો તેમના માટે ગમે તેટલું મોટું જોખમ ખેડવા માટે તૈયાર થઈ જતા હતા. હૈદરની ખાસિયત હતી કે તેઓ યુદ્ધ દરમિયાન પણ સ્વસ્થતા જાળવી શકતા હતા અને ચીલઝડપે અણધાર્યો હુમલો કરવામાં માહેર હતા, જેમાં તેમને મોટા ભાગે સફળતા મળતી હતી."
હૈદરનો નિત્યક્રમ
મેસ્થર લા ટુએ તેમના પુસ્તક "ધી હિસ્ટ્રી ઑફ હૈદર ઍન્ડ હિઝ સન ટીપુ સુલતાન"માં લખ્યું હતું કે, હૈદરઅલીની ઊંચાઈ આશરે પાંચ ફૂટ, છ ઇંચ જેટલી હતી. તેનો રંગ ઘઉંવર્ણો હતો અને ચહેરો ખરબચડો હતો. માઇલોનું લાંબું અંતર તે પગપાળા કે ઘોડા પર સવારી કરીને કાપવા માટે સક્ષમ હતા. તેઓ સફેદ મલમલનાં વસ્ત્રો અને પાઘડી પહેરતા હતા."
"તેમને આભૂષણોનો શોખ નહોતો. હૈદરનો દેખાવ એટલો આકર્ષક ન હોવા છતાં તેમની હાજરી આત્મવિશ્વાસ અને ઊર્જાનો પ્રભાવ પાડતી હતી. તેઓ રોજ મધરાતે સૂતા અને સવારે છ વાગ્યે સૂર્યોદય થવા સાથે ઊઠી જતા."
મેસ્થર આગળ લખે છે, "મૈસૂરના રાજા બન્યા પછી તેણે તેના ચહેરા પરના તમામ વાળ કઢાવી નાખ્યા હતા. દાઢી-મૂછ, આઇબ્રો, પાંપણ, તમામ વાળ હટાવી દીધા હતા. સવારે આઠથી નવ વાગ્યાની વચ્ચે તે મહેલમાંથી દરબારમાં આવતા હતા. એ પછી તેઓ ઝરૂખા પર ચઢીને હાથી-ઘોડાની સલામી લેતા હતા. હૈદર નિરક્ષર હતા. મહામુશ્કેલીએ તેઓ તેમના નામનો પ્રથમ અક્ષર - 'હૈ' લખતા શીખ્યા હતા."
હૈદરને કન્નડ, તેલુગુ, મરાઠી અને તમિળ ભાષાઓઓ જાણતા હતા પણ તેમને પર્શિયન કે અરબી ભાષા આવડતી ન હતી. નિરક્ષર હોવા છતાં તેની સ્મરણશક્તિ ઘણી સતેજ હતી. દાયકાઓ પૂર્વે મળેલા લોકોને પણ તેઓ ઓળખી કાઢતા.
હૈદરની સહિષ્ણુતા
હૈદરના શાસનકાળમાં ધાર્મિક બાબતોને ખાસ મહત્ત્વ અપાતું નહોતું. 1610થી મૈસૂરમાં ધામધૂમપૂર્વક ઊજવાતા દશેરાના પ્રસિદ્ધ તહેવારની ઉજવણી હૈદરના શાસનકાળમાં પણ ચાલુ રહી હતી. એટલું જ નહીં, દશેરાની ઉજવણીમાં તેઓ સ્વયં પણ સામેલ થતા હતા.
વિજયાદશમીના દસમા દિવસે નીકળતી યાત્રામાં તેઓ સૌથી આગળ રહીને હાથીની સવારી કરતા હતા.
માર્ક વિલ્ક્સે તેમના પુસ્તક 'હિસ્ટોરિકલ સ્કૅચીઝ ઑફ ધ સાઉથ ઑફ ઇન્ડિયા ઇન એન એટેમ્પ્ટ ટુ ટ્રેસ ધી હિસ્ટ્રી ઑફ મૈસૂર'માં કરેલી નોંધ અનુસાર, "તમામ મુસ્લિમ શાસકોમાંથી હૈદર સૌથી વધુ સહિષ્ણુ હતા. મુસ્લિમ હોવા છતાં તેમને નમાજ પઢતા કે રોજા રાખતા આવડતું ન હતું અને કોઈએ તેને શીખવ્યું પણ નહોતું. તેમણે એલાન કર્યું હતું કે, તમામ ધર્મો ઈશ્વરની ભેટ છે અને તમામ ધર્મો ઈશ્વરની નજરમાં સમાન છે."
હૈદરે 27મી એપ્રિલ, 1769ના રોજ શૃંગેરી મઠના જગદગુરુ શંકરાચાર્યને સંબોધીને એક પત્ર લખાવ્યો હતો. એકે શાસ્ત્રી તેમના પુસ્તક 'ધી રેકૉર્ડ્ઝ ઓફ ધી શ્રંગેરી ધર્મસ્થાન'માં લખે છે, "એક પત્રમાં નોંધ કરવામાં આવી છે કે, હૈદરે એક હાથી, પાંચ ઘોડા, એક પાલખી, પાંચ ઊંટ અને દેવી શારદાઅંબા માટે એક સાડી, બે શાલ અને દસ હજાર રૂપિયાની થેલી મોકલી હતી. તેમણે જગદ્ગુરુને મહાન તથા પવિત્ર આત્મા તરીકે સંબોધ્યા હતા."
રૉકેટનો સૌપ્રથમ ઉપયોગ
ઑગસ્ટ, 1767માં હૈદરે ઇસ્ટ ઈન્ડિયા કંપની સામે યુદ્ધ જાહેર કરી દીધું. તે સમયે હૈદરની સેનામાં 50 હજાર સૈનિકો હતા. તે સમયે કંપની જાણતી નહોતી કે હૈદર પાસે આ સ્તરની સુસજ્જ આધુનિક સેના છે.
હૈદરના સૈનિકોની રાઇફલ્સ અને તોપો અત્યાધુનિક ફ્રેન્ચ ટૅક્નૉલૉજી પર આધારિત હતી. તેની તોપોનાં બોર અને પહોંચ કંપનીની સેના કરતાં ક્યાંય વધારે હતી.
ફ્રેન્ચ ઇતિહાસવિદ જ્યાં-મેરી લેફોન તેમના પુસ્તક 'ઇન્ડિકાઃ એસ્સેઝ ઇન ઇન્ડો-ફ્રેન્ચ રિલેશન્સ 1630-1976'માં લખે છે, "હૈદરનું લશ્કર ઘણી બધી રીતે અંગ્રેજોના સૈનિકો કરતાં ઘણું વધારે સજ્જ અને બાહોશ હતું. હૈદરના સિપાઈઓ શત્રુની સેનાને વેરવિખેર કરવા માટે ઊંટો પરથી રૉકેટ છોડવામાં પાવરધા હતા. હૈદર તેના સૈન્યને લઈ જવા માટે અને સાધન-સરંજામના પરિવહન માટે બળદનો ઉપયોગ કરતા હતા, જે તે સમયે નવી બાબત હતી અને પછીથી બ્રિટિશરોએ પણ તે પદ્ધતિ અપનાવી હતી."
આખરે બ્રિટિશરોને હૈદર સાથે સંધિ કરવાની ફરજ પડી, જેને પગલે ઘણાં ભારતીય રજવાડાંને ખ્યાલ આવ્યો કે બ્રિટિશરોને યુદ્ધમાં હંફાવી શકાય છે અને પરાસ્ત પણ કરી શકાય છે.
અંગ્રેજો પર હુમલો
વડગાંવની સંધિ થયાના એક વર્ષ બાદ 7 ફેબ્રુઆરી, 1780ના રોજ મરાઠા નેતા નાના ફડનવીસે તેમના જૂના શત્રુ એવા હૈદરઅલીને પત્ર પાઠવ્યો અને સૂચવ્યું કે તેમણે તેમના મતભેદો ભૂલાવીને એક થઈને અંગ્રેજો પર હુમલો કરવો જોઈએ.
એક મહિનાની અંદર જ હૈદરાબાદના નિઝામે પણ હૈદર સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું. ઉનાળા સુધીમાં આ ત્રણ સત્તાઓએ ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું.
એક મહિના પછી મદ્રાસમાં આવેલી અંગ્રેજોની છાવણીને બાતમી મળી કે હૈદરે ફ્રાન્સથી શસ્ત્રોની મોટી ખેપ મેળવી હતી. આખરે 17મી જુલાઈ, 1780ના રોજ હૈદરઅલીએ ફરી અંગ્રેજો પર હુમલો કર્યો. આ વખતે તેમની પાસે બમણી સેના હતી.
હૈદરની સેનામાં 60,000 ઘોડેસવાર સિપાઈઓ, 35,000 પાયદળ અને 100 તોપો હતી. આ બાજુ કંપનીએ મદ્રાસની સુરક્ષા માટે કાગળ પર 30,000 સૈનિકો તહેનાત કર્યા હતા, પણ હકીકત એ હતી કે તે મહિને માત્ર 8,000 સૈનિકો જ એકઠા કરી શકાયા હતા.
માર્ક વિલ્ક્સ તેમના પુસ્તક 'હિસ્ટોરિકલ સ્કૅચીઝ ઑફ ધ સાઉથ ઑફ ઇન્ડિયા'માં વર્ણવે છે, "હૈદર જે ઝડપે આગળ વધી રહ્યો હતો, તેટલી જ ઝડપથી બ્રિટિશ સૈનિકોની સંખ્યા ઘટી રહી હતી. આ પૈકીના ઘણા સિપાઈઓના પરિવારો આરકોટમાં રહેતા હતા. તેમનાં પત્ની-બાળકોની સલામતીને ખાતર આ સૈનિકોએ બ્રિટિશરો સાથે છેડો ફાડી દીધો. તેમણે કાં તો હૈદરઅલી સમક્ષ આત્મસમર્પણ કર્યું કે પછી લાંચના બદલામાં તેમનાં ઘરોના દરવાજા ખોલી દીધા. હૈદરે મદ્રાસ, વેલ્લોર અને આરકોટની આસપાસ આગ લગાવીને કંપનીનાં સાધન-સરંજામના પુરવઠાનો નાશ કરી દીધો."
હૈદર અલીના લાખના સૈનિક સામે અંગ્રેજોનું સૈન્ય માત્ર પાંચ હજાર
25મી ઑગસ્ટ, 1780ના રોજ દક્ષિણ ભારતમાં અંગ્રેજોનું સૌથી મોટું સેન્ય દળ હૈદરના લશ્કરનો સામનો કરવા માટે મદ્રાસથી કાંચીપુરમ તરફ આગેકૂચ કરી રહ્યું હતું. આ લશ્કરની આગેવાની જનરલ હેક્ટર મનરોએ સંભાળી હતી. આ એ જ જનરલ હતા, જેમણે 15 વર્ષ પહેલાં લડાયેલા બક્સરના યુદ્ધમાં શુજાઉદ્દૌલાને હરાવ્યા હતા.
આ વખતે અંગ્રેજોની સેનામાં કેવળ પાંચ હજાર સૈનિકો હતા, જેમને મહિનાઓથી વેતન ચૂકવાયું ન હતું. વળી, તેમણે હૈદરના એક લાખ સૈનિકોના વિરાટ કાફલા સામે બાથ ભીડવાની હતી. ત્રીસ માઇલ ઉત્તરે કર્નલ વિલિયમ બેલીને તેમના સૈનિકોને મનરોના સૈન્ય સાથે ભેળવવાનો આદેશ મળ્યો.
ગુલામ હુસ્સૈન ખાને તેમના પુસ્તક 'સૈર મુતાખરીન'માં નોંધ્યું છે, "હૈદર પાસે એટલી વિશાળ સેના હતી કે તેમણે સમગ્ર ધરતીને મહાસાગરનાં ઉગ્ર, નારાજ મોજાંની માફક આવરી લીધી હતી. સેના પાછળ આવતા તોપખાનાનો ક્યાંય અંત દેખાતો નહોતો. આ દરમિયાન, ધોધમાર વરસાદ શરૂ થયો અને બેલીની સેનાને કોર્તાલૈર નદી પાર કરતાં 11 દિવસ લાગ્યા. મનરો અને બેલીની સેનાની વચ્ચે પોતાના 11,000 સૈનિકો પહોંચાડવા માટે હૈદરના પુત્ર ટીપુ માટે આટલો સમય પૂરતો હતો."
હૈદરની સેનાએ બેલીના સૈનિકોને ઘેરી લીધા
બંને સૈન્યો વચ્ચે પ્રથમ વખત છ સપ્ટેમ્બરે સામનો થયો. કૅપ્ટન મુઆતે તેમના પેપર 'એકાઉન્ટ ઑફ ધ ડિફીટ ઑફ પોલ્લિલુર'માં લખ્યું હતું, "અનરાધાર વરસાદમાં ડાંગરનાં ખેતરોમાં ઘૂંટણસમા પાણીમાં લડાઈ ચાલી રહી હતી. બેલીના સૈનિકોની કમજોરી ઊડીને આંખે વળગે એવી હતી અને બેલીને ભારે નુકસાન થયું હતું. બંને સૈન્યો આમને-સામને નહીં, બલકે દૂરથી લડી રહ્યાં હતાં."
"થોડી વાર પછી તેમને આગળ ઢોલ-નગારાના અવાજો સંભળાવા માંડ્યા. બેલીને લાગ્યું કે, મનરોના સૈનિકો તેમની વહારે આવ્યા છે. જ્યારે સૈનિકો નજીક આવ્યા, ત્યારે માલૂમ પડ્યું કે હૈદર તેના 25,000 માણસો સાથે આવી પહોંચ્યા હતા. બેલીના નાના ભાઈએ પછીથી 'એકાઉન્ટ ઑફ પોલ્લિલુર'માં કહ્યું હતું કે, "હૈદરના ઘોડેસવારો અમને ઘેરી વળ્યા હતા. તેમની પાછળ હૈદરની તોપો હતી. લગભગ 50 તોપોએ અમારી ફરતે અર્ધ ગોળાકાર વર્તુળ બનાવી દીધું હતું. હૈદરે લડાઈ થોડી વાર માટે અટકાવવાનો આદેશ કર્યો અને પાછળ રહેલી ભારેખમ તોપો આગળ ધરી દીધી. અમારી પાસે લાચાર બનીને ઊભા રહેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો."
બ્રિટિશરોનો કારમો પરાજય
દારૂગોળાનો જથ્થો પૂરો થઈ જતાં બેલીએ આત્મસમર્પણ કરવા તેમની તલવાર પર રૂમાલ બાંધીને તે ઊંચી કરી. બેલીએ તેમના સૈનિકોને હથિયાર હેઠાં મૂકી દેવાની આજ્ઞા કરી, પણ કેટલાક સૈનિકોને આદેશ ન સંભળાતાં તેમણે ફાયરિંગ ચાલુ રાખ્યું. પરિણામે, હૈદરે બેલીનું આત્મસમર્પણ સ્વીકાર્યું નહીં.
હૈદરના ઘોડેસવારોએ અંગ્રેજોની પરાસ્ત થયેલી સેનાની કત્લેઆમ શરૂ કરી. એલન ટ્રિટને તેમના પુસ્તક 'વ્હેન ધ ટાઇગર ફોટ ધ થિસેલ'માં 73મી હાઇલૅન્ડ રેજિમેન્ટના એક લેફ્ટનન્ટને એમ કહેતા ટાંક્યા છે કે, "મોતને હાથતાળી આપનારા સૈનિકો માંડ-માંડ ઊભા થઈ શકતા હતા. કેટલાકનો શ્વાસ રુંધાતો હતો. કેટલાક સિપાઈઓ તેમના ઉપર મૃત સિપાઈઓનાં શબ પડ્યાં હોવાથી ખસી શકવાની સ્થિતિમાં પણ નહોતા. કેટલાક સૈનિકો હાથીના પગ નીચે કચડાઈ ગયા હતા. કેટલાક ચીંથરેહાલ થઈને તરસ્યા પડી રહ્યા હતા અને જંગલી પશુઓ તેમને પોતાનો શિકાર બનાવી રહ્યાં હતાં. અંગ્રેજ સેનાના 86માંથી 36 અધિકારીઓ માર્યા ગયા હતા, 34 ઘાયલ થયા હતા અને 16 લોકોને પકડી લેવાયા હતા."
બેલીના માથા અને પીઠમાં ઈજા થઈ હતી. તેમણે તેમનો એક પગ પણ ગુમાવી દીધો હતો. આખરે, બેલીને એક તોપગાડી સાથે બાંધીને હૈદરની સામે લાવવામાં આવ્યા. તેમને અન્ય કેદીઓની સાથે જમીન પર બેસાડવામાં આવ્યા. પરાજય પામવો અને કેદ થવું એટલે શું, તેનો અનુભવ અંગ્રેજ સેનાને પ્રથમ વખત થયો હતો.
અંગ્રેજ કેદીઓ સાથે દુર્વ્યવહાર
લગભગ સાત હજાર બ્રિટિશ સૈનિકોને કેદી બનાવવામાં આવ્યા. જેમ્સ સ્કરી નામના એક કેદીએ તેમના પુસ્તક "ધ કેપ્ટિવિટી, સફરિંગ ઍન્ડ એસ્કેપ ઑફ જેમ્સ સ્કરી"માં લખ્યું હતું, "હૈદરની કેદમાં દસ વર્ષ પસાર કર્યાં પછી હું ખુરશીમાં કેવી રીતે બેસાય અને કાંટા-ચમચીથી કેવી રીતે ખવાય, તે સાવ ભૂલી ગયો હતો. હું અંગ્રેજી ભાષા સુધ્ધાં ભૂલી ગયો હતો. મારી ચામડી કાળી પડી ગઈ હતી અને મને યુરોપિયન વસ્ત્રો પહેરવાં પણ ગમતાં ન હતાં."
માયા જાસાનોફે તેમના પુસ્તક 'એજ ઑફ ધ એમ્પાયરઃ કોન્ક્વેસ્ટ ઍન્ડ કલેક્ટિંગ ઇન ધી ઇસ્ટ 1750-1850'માં કરેલી નોંધ પ્રમાણે, "જો હૈદરે બેલીને હરાવ્યા પછી યુદ્ધ ચાલુ રાખ્યું હોત, તો તે સમયે અંગ્રેજોના નબળા પડેલા મનોબળને જોતાં તે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કબજે કરી લે, તેવી પ્રબળ શક્યતા હતી. કંપનીના સદ્ભાગ્યે હૈદર પોતાના સૈનિકોને બચાવી રાખવા માગતા હતા. તેમણે કંપની સાથે સીધું યુદ્ધ કરવાની નીતિ પડતી મૂકીને નાના હુમલા કરીને નાસી છૂટવાની પદ્ધતિ અપનાવી."
તે પછી થોડા મહિનાઓમાં ગવર્નર જનરલ હેસ્ટિંગ્ઝને મરાઠાઓ સાથેના હૈદરના જોડાણને તોડવામાં સફળતા સાંપડી. હેસ્ટિંગ્ઝે મરાઠા કમાન્ડર મહાદજી સિંધિયા સાથે એક સંધિ કરી, જે હેઠળ મરાઠાઓએ અંગ્રેજો સાથે હાથ મિલાવી દીધા. પરિણામે, હૈદરને બ્રિટિશરો સાથેના પછી થયેલા યુદ્ધમાં અગાઉ જેવી સફળતા સાંપડી નહીં.
વિલિયમ ડેલરીમ્પલ તેમના પુસ્તક 'ધી એનાર્કી'માં લખે છે, "જો હૈદર અને તેના સાથીઓએ 1780માં કંપની પર કસેલી ભીંસ ઓછી ન કરી હોત, તો બ્રિટિશરો કાયમ માટે ભારતમાંથી ઉચાળા ભરી ગયા હોત. પછીથી પુણે અને મૈસૂરના દરબારોને આ તક ન ઝડપ્યાનો કાયમ રંજ રહ્યો."
પીઠના કૅન્સરથી મૃત્યુ
1782માં હૈદરની પીઠ પર એક ગૂમડું થયું હતું. ધીમે-ધીમે ગૂમડું મોટું થતું ગયું અને પછીથી માલૂમ પડ્યું કે, તેને પીઠનું કૅન્સર હતું. હૈદરની ગંભીર બીમારીને કારણે દ્વિતીય એંગ્લો-મૈસૂર યુદ્ધમાં તેમની તાકત નબળી પડી ગઈ હતી. 7 ડિસેમ્બર, 1782ના રોજ 60 વર્ષની વયે હૈદરઅલીએ અંતિમ શ્વાસ લીધા હતા.
શામા રાવે તેમના પુસ્તક 'મૉડર્ન મૈસૂર ફ્રોમ બિગિનિંગ ટુ 1868'માં નોંધ્યું હતું, "એમ કહેવું બિલકુલ અતિશયોક્તિ નહીં ગણાય કે હૈદરનું નિધન એ ભારતીય ઇતિહાસની કોઈ સામાન્ય ઘટના ન હતી. તેના મોત સાથે ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો, જે કદાચ હૈદરની હયાતીમાં શક્ય ન બન્યું હોત."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન