એ અંગ્રેજ જેણે ભારતમાં રેલવે નાખી, રસ્તાઓ બનાવ્યા અને લોકોને ભણતા કર્યા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

અંગ્રેજોની દૃષ્ટિએ જોવામાં આવે તો ઈ.સ. 1848માં ભારતના ગવર્નર જનરલ બનેલા લૉર્ડ ડેલહાઉસીએ ત્રણ મોટાં કામ કર્યાં હતાં. પહેલું, તેમણે બ્રિટિશ ઇન્ડિયાની સીમાઓને ખૂબ વિસ્તારી.

ડેલહાઉસીએ પોતાની 'ડૉક્ટ્રીન ઑફ લૅપ્સ' નીતિ હેઠળ છળ અને બળથી ઘણાં રજવાડાંને બ્રિટિશ રાજમાં ભેળવીને એક મોટા ઍમ્પારનો પાયો નાખ્યો, પરંતુ, કદાચ ડેલહાઉસીની સૌથી મોટી ઉપલબ્ધિ આખા ભારતમાં રેલવે, સડકો, સંચાર માધ્યમો અને નહેરોની જાળ પાથરવાની હતી.

ડેલહાઉસીના જીવચરિત્રકાર વિલિયમ વિલ્સન હંટરે લખ્યું છે, "ભારતના ગવર્નર જનરલ બન્યા પહેલાં ડેલહાઉસીને ત્રણ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી– સીમાનો વિસ્તાર, ભારતનું એકીકરણ અને ભારતનાં આર્થિક સંસાધનોનું શોષણ."

"ડેલહાઉસીએ આ જવાબદારીઓ સંપૂર્ણ નિભાવી; પરંતુ, ભારતીય લોકોની દૃષ્ટિએ જોઈએ તો ડેલહાઉસીની આ નીતિઓએ જ તેમને અહીંના લોકોથી અળગા કરી દીધા."

જાણીતા ઇતિહાસકાર અમર ફારૂકીએ પોતાના પુસ્તક 'ગવર્નર્સ ઑફ ઍમ્પાયર'માં લખ્યું છે, "ડેલહાઉસી એક વિવાદાસ્પદ ગવર્નર જનરલ સાબિત થયા. ઘણા લોકોનું માનવું છે કે ડેલહાઉસીનાં કાર્યોએ એવી સ્થિતિ ઊભી કરી દીધી, જેનું પરિણામ 1857માં આઝાદીની પહેલી લડાઈ હતું."

ભારતના સૌથી યુવાન ગવર્નર જનરલ

ડેલહાઉસીને જ્યારે ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 35 વર્ષ હતી. ડેલહાઉસીનો જન્મ 22 એપ્રિલ 1812એ થયો હતો. તેઓ ભારતની ભૂમિ પર પગ મૂકનાર સૌથી યુવાન ગવર્નર જનરલ હતા.

એલજે ટૉટરે પોતાના પુસ્તક 'લાઇફ ઑફ મારાક્વિસ ઑફ ડેલહાઉસી'માં લખ્યું છે, "જ્યારે ક્લાઇવ બંગાળના ગવર્નર જનરલ બન્યા, ત્યારે તેમની ઉંમર ફક્ત 32 વર્ષની હતી. ક્લાઇવ અને ડેલહાઉસી વચ્ચે એ તફાવત હતો કે ડેલહાઉસીને સીધા ભારતના સર્વોચ્ચ પદ પર બેસાડી દેવાયા હતા. જોકે, તેમને ભારત વિશે કોઈ જાણકારી કે અનુભવ નહોતો. તેમની એવા સમયે ભારતમાં નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે બ્રિટનમાં તેમની રાજકીય કારકિર્દી સફળતાના માર્ગે આગળ વધી રહી હતી.

આ નિમણૂક માટે ડેલહાઉસીએ કોઈ ભલામણ નહોતી કરી. હકીકતમાં, વડા પ્રધાન લૉર્ડ જૉન રસેલ બ્રિટનના ઝડપથી બદલાતા રાજકીય ચિત્રમાં નવું ગઠબંધન શોધી રહ્યા હતા. તેઓ ઇચ્છતા હતા કે ડેલહાઉસીના મિત્રો તેમના સમર્થનમાં આવી જાય, તેથી ડેલહાઉસીને તેમણે એ પદ આપી દીધું હતું. આની પહેલાં તેઓ ડેલહાઉસીને પોતાના મંત્રીમંડળમાં સામેલ થવાનું આમંત્રણ આપી ચૂક્યા હતા, જેને ડેલહાઉસીએ સ્વીકાર્યું નહોતું.

ડેલહાઉસી સ્કૉટલૅન્ડના એક અત્યંત પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતા હતા. તેમનું મહેલ જેવું ઘર ડેલહાઉસી કાસલ એડિનબરાથી થોડાક જ અંતરે હતું. તેને હવે શાનદાર હોટલમાં ફેરવી દેવાયું છે. તેમના પિતા ઈ.સ. 1808માં સેનામાં મેજર જનરલના પદ પર કામ કરતા હતા. ઈ.સ. 1828માં તેમને ભારતમાં બ્રિટિશ સેનાના કમાન્ડર-ઇન-ચીફ બનાવવામાં આવ્યા હતા. બે વર્ષ સુધી આ પદ પર કામ કર્યા પછી તેમણે આ પદ છોડી દીધું હતું.

પચીસ હજાર પાઉન્ડના વેતન સાથે નિમણૂક

ઈ.સ. 1847માં જ્યારે ગવર્નર જનરલ હાર્ડિંગનો કાર્યકાળ સમાપ્ત થયો ત્યારે બ્રિટિશ વડા પ્રધાન રસેલે આ પદ પર ડેલહાઉસીને મોકલવાની ઇચ્છા પ્રકટ કરી. એ સમયે એવું માનવામાં આવ્યું કે ડેલાહાઉસીને આ પદ આપીને રસેલ કદાચ આ પદનું મહત્ત્વ ઘટાડી રહ્યા છે, કેમ કે, ત્યાં સુધી ડેલહાઉસીને વહીવટનો ખાસ કશો અનુભવ નહોતો.

ડેલહાઉસીએ એ શરતે ભારતના ગવર્નર જનરલ બનવાનું સ્વીકાર્યું કે તેમને તેમની રાજકીય પ્રતિબદ્ધતાઓ બદલવાનું નહીં કહેવાય. ઑગસ્ટ 1847માં રાણી વિક્ટોરિયાએ તેમના નિમણૂકપત્ર પર હસ્તાક્ષર કર્યા.

અમર ફારૂકીએ લખ્યું છે, "ડેલહાઉસીને આભાસ હતો કે લાંબા સમય સુધી બ્રિટનમાંની ગેરહાજરી તેમની રાજકીય કારકિર્દી પર અસર કરી શકે છે. તેમણે ગવર્નર જનરલ પદ સ્વીકાર્યું તેની પાછળ તેમને મળનારું 25 હજાર પાઉન્ડનું વાર્ષિક વેતન પણ હતું. તેમને લાગતું હતું કે તેનાથી તેમના પરિવારની બધી નાણાકીય સમસ્યાઓ દૂર થઈ જશે."

12 જાન્યુઆરી 1848એ લૉર્ડ ડેલહાઉસી પત્ની અને અંગત સચિવ કોર્ટનીની સાથે કલકત્તા બંદરે ઊતર્યા. ઠીંગણું કદ અને તીવ્ર બુદ્ધિ ધરાવતા ડેલહાઉસીની નજર તીક્ષ્ણ હતી.

વિલિયમ વિલ્સન હંટરે લખ્યું છે, "ગવર્નમેન્ટ હાઉસમાં રહેતી એ ઠીંગણા કદની વ્યક્તિએ પહેલાં એ લોકોના મનમાં ભય જન્માવ્યો, પછી વિશ્વાસ અને અંતે અતિશય આદર. 35 વર્ષના ડેલહાઉસી નાની ઉંમરના દેખાતા હતા. તેમનું માથું પહોળું હતું અને તેમનો અવાજ સ્પષ્ટ અને સુરીલો હતો."

પગલાંનાં ભાવિ પરિણામો

ડેલહાઉસી સવારે છ વાગ્યે ઊઠતા હતા. છથી આઠ વાગ્યા સુધી તેઓ પથારી પર જ કચેરીનું કામ પતાવતા હતા. કૅપ્ટન ટૉટરે લખ્યું છે, "આઠ વાગ્યે તેઓ નાસ્તો કરતા હતા. તે દરમિયાન જ તેઓ ડાઇનિંગ ટેબલ પર મુકાયેલાં ભારતીય અખબારો પર પણ નજર નાખી લેતા હતા. સાડા નવ વાગ્યે તેઓ પોતાના ટેબલ પર જતા રહેતા હતા અને સાંજે પાંચ વાગ્યા સુધી ત્યાંથી ઊઠતા નહોતા. એટલે સુધી કે તેઓ પોતાનું બપોરનું ભોજન પણ ઑફિસના ટેબલ પર જ કરતા હતા. તેઓ આઠ કલાક સુધી સતત કામ કરતા હતા. તેઓ ઓછું જમતા હતા અને દારૂ પણ ઓછો જ પીતા હતા. તેમને મોટા ભોજનસમારંભોમાં જવાનું ગમતું નહોતું, પરંતુ તેમણે યોજેલા ભોજનસમારંભો ભવ્ય રહેતા હતા."

ડેલહાઉસીની અગાઉના શાસકોએ મિત્ર ભારતીય રાજાઓને વધુમાં વધુ જમીનો આપી રાખી હતી, જ્યારે ડેલહાઉસીએ આ નીતિમાં આમૂલ પરિવર્તન કરીને વધારેમાં વધારે જમીનો બ્રિટિશ રાજમાં સામેલ કરવાનું બીડું ઉઠાવ્યું.

માર્ક બેંસ-જોંસે પોતાના પુસ્તક 'ધ વાઇસરૉય્ઝ ઑફ ઇન્ડિયા'માં લખ્યું છે, "આ નીતિ હેઠળ જે રીતે મધ્ય ભારતનાં કેટલાંક રજવાડાં અને અવધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવાયાં, તેણે સમગ્ર ભારતના રાજકારણમાં ખળભળાટ કરી મૂક્યો, જેનાં પરિણામ ડેલહાઉસીના ઉત્તરાધિકારીઓએ સહન કરવા પડ્યાં. મધ્ય ભારતનાં રજવાડાં પાસેથી સત્તા પડાવી લેવાના કારણ તરીકે તેના ઉત્તરાધિકારીઓ ન હોવાનું જણાવાયું હતું, જ્યારે અવધના નવાબને કુશાસનના આધારે ગાદી પરથી હટાવી દેવાયા હતા. તેનાથી બીજા ભારતીય રાજાઓમાં એવો ડર પેસી ગયો કે હવે તેમનો વારો આવી શકે છે."

પંજાબનું સંપાદન

ભારતમાં પોતાનો કાર્યભાર સંભાળ્યાના એક જ વર્ષમાં ડેલહાઉસીએ પંજાબને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. 13 જાન્યુઆરી 1849એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ ચિલિયાંવાલાની લડાઈમાં શીખ સેનાને હરાવી દીધી. ત્યાર પછી 21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં થયેલી લડાઈમાં પણ તેની જીત થઈ.

જ્યારે ડેલહાઉસી પાસે સમાચાર પહોંચ્યા કે મહારાજા રણજિતસિંહના પુત્ર દલીપસિંહે અંગ્રેજો સાથે એક સંધિ પર હસ્તાક્ષર કરી દીધા છે, ત્યારે તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. ડેલહાઉસીએ પોતાના એક મિત્રને પત્રમાં લખ્યું, "મેં હવે સસલું પકડી લીધું છે. પાંચ વર્ષના મહારાજાએ અમારી સાથે જે સંધિ કરી છે, તેના અનુસાર કોહિનૂર હીરો ઇંગ્લૅન્ડનાં મહારાણીને મોકલવામાં આવશે. અમે લાહોરના કિલ્લા પર બ્રિટિશ ઝંડો ફરકાવી દીધો છે અને પંજાબની એકેએક ઇંચ હવે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બની ગઈ છે."

આ જ પત્રમાં તેમણે પોતાનાં વખાણ કરતાં લખ્યું, "એવું હંમેશાં નથી થતું કે બ્રિટિશ સરકારના એક અધિકારી 40 લાખ લોકોની પ્રજાને બ્રિટિશ સામ્રાજ્યમાં સામેલ કરી લે અને મુગલ સમ્રાટોના ઐતિહાસિક હીરાને પોતાનાં રાણી સમક્ષ મૂકી દે. મેં આ કરી બતાવ્યું. એવું ન સમજો કે હું વિના કારણ ખુશી મનાવી રહ્યો છું."

જ્યારે મહારાજા દલીપસિંહ સમજૂતી પર સહી કરી રહ્યા હતા ત્યારે ડેલહાઉસીએ તેમને પંજાબથી 650 માઈલ દૂર ફતેહગઢ કિલ્લામાં મોકલવાનો નિર્ણય કરી લીધો હતો. એટલું જ નહીં, તેમનાં માતા જિંદનકોરથી અલગ કરીને એક અંગ્રેજ દંપતીના સંરક્ષણમાં મોકલી દેવાયા હતા.

પછીથી દલીપસિંહે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો અને તેમને ઇંગ્લૅન્ડ મોકલી દેવાયા હતા.

બર્મા પર કબજો

ડેલહાઉસીએ પંજાબ પછીની સફળતા બર્મામાં મેળવી હતી. અંગ્રેજી સેનાએ એપ્રિલ 1852માં બર્મામાં રંગૂન પર હુમલો કરીને તેના પર કબજો કરી લીધો. બે મહિના પછી બીજા એક મહત્ત્વપૂર્ણ શહેર પેગૂ પર અંગ્રેજોનો કબજો થઈ ગયો. કૉંગબૉંગ સામ્રાજ્ય પાસેથી પડાવી લેવાયેલા બધી જમીનને બ્રિટિશ રાજ્ય બનાવી દેવાઈ અને તેને લોઅર બર્મા નામ અપાયું.

બર્માના યુદ્ધ દરમિયાન ડેલહાઉસીએ ચોમાસાના ભારે વરસાદનો સામનો કરીને પોતાની સેનાનું મનોબળ વધારવા માટે કલકત્તાથી બર્મા માટેની કૂચ આરંભી. 30 વર્ષ પછી 1885માં ઉત્તર બર્મા પર પણ અંગ્રેજોનો કબજો થઈ ગયો.

કૉંગબૉંગ રાજઘરાનાના અંતિમ શાસકની ધરપકડ કરીને ભારતમાં રત્નાગિરિ મોકલી દેવાયા, જ્યાં ઈ.સ. 1916માં તેમનું મૃત્યુ થયું. જ્યારે સતારાના અંતિમ રાજાનું મૃત્યુ થયું ત્યારે કંપનીએ ત્યાંનું શાસન પોતાના હાથમાં લઈ લીધું અને રાજપરિવારને નિર્વાસિત કરી દીધો.

પાંચ વર્ષ પછી ઝાંસીમાં પણ, જ્યારે રાજા ગંગાધરરાવનું મૃત્યુ થયું ત્યારે, આવી જ સ્થિતિ ઊભી થઈ. એ સમયે તેમને કોઈ સંતાન નહોતું.

જૉન વિલ્સને પોતાના પુસ્તક 'ઇન્ડિયા કૉનકર્ડ'માં લખ્યું છે, "ઝાંસીના રાજા ગંગાધરરાવનાં પત્ની રાણી લક્ષ્મીબાઈને કંપનીએ 60 હજાર રૂપિયાનું પેન્શન આપ્યું, પરંતુ તેમને પોતાના દત્તક પુત્રની સાથે પતિના કિલ્લામાંથી હટાવી દીધાં. પછીથી તેઓ ખૂબ મોટાં વિદ્રોહી નેતા બન્યાં. એ જ રીતે છેલ્લા પેશવાના દત્તક પુત્ર નાનાસાહેબને કંપનીએ પેન્શન આપવાનો ઇનકાર કરી દીધો. તેમણે ઈ.સ. 1857માં કાનપુરમાં અંગ્રેજો વિરુદ્ધના બળવાનું નેતૃત્વ કર્યું."

અવધ પણ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યું

ઈ.સ. 1856માં ડેલહાઉસીનો કાર્યકાળ સમાપ્ત થવાના થોડાક સમય પહેલાં તેમણે અવધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું કામ પણ પૂર્ણ કર્યું.

અમર ફારૂકીએ લખ્યું છે, ‌"શુજાઉદ્દૌલાના મૃત્યુ પછીનાં આઠ વર્ષ સુધી અવધ પર અંગ્રેજોનું પરોક્ષ નિયંત્રણ હતું. તેની સ્વાયત્તતા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. 18મી સદીના અંત સુધીમાં અવધમાં તહેનાત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રેસિડેન્ટ એક સમાંતર શક્તિકેન્દ્ર તરીકે ઊભરી ચૂક્યા હતા. જ્યારે 1770ના દાયકામાં અવધની રાજધાનીને ફૈઝાબાદ ખસેડવામાં આવી ત્યારે ત્યાં નવાબના દરબાર કરતાં બ્રિટિશ રેસિડેન્ટ શક્તિશાળી બની ગયા. ડેલહાઉસીએ નવાબની વધીઘટી શક્તિને પણ ખતમ કરવાનો નિર્ણય કર્યો."

જાન્યુઆરી 1849માં ત્યાં મોકલવામાં આવેલા બ્રિટિશ રેસિડેન્ટ સ્લીમેને અહેવાલ મોકલ્યો કે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ ઠપ થઈ ગયું છે. ઈ.સ. 1855માં બ્રિટિશ કૅબિનેટ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર્સે અવધને બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બનાવવાનો નિર્ણય કર્યો. ફેબ્રુઆરી 1856માં અવધ પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કબજો થઈ ગયો અને નવાબ વાજિદઅલીશાહને નિર્વાસિત કરીને કલકત્તા મોકલી દેવાયા. આ કામ પૂરું થતાં જ ડેલહાઉસીએ પોતાનો કાર્યભાર નવા નિમાયેલા ગવર્નર જનરલ લૉર્ડ કૅનિંગને સોંપી દીધો.

આક્રમક રણનીતિ

બધા ગવર્નર જનરલોમાંથી ડેલહાઉસીને સૌથી આક્રમક ગવર્નર જનરલ માનવામાં આવે છે. તેમણે પોતાના કાર્યકાળમાં લગભગ અઢી લાખ વર્ગમાઈલ વિસ્તારને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દીધો.

વિલિયમ વિલ્સન હંટરે લખ્યું છે, "ઈ.સ. 1847માં ભારત આવતા સમયે ડેલહાઉસીએ ભારતના જે નકશાનો અભ્યાસ કર્યો હતો, તેમાં અને એ નકશામાં ઘણો મોટો તફાવત થઈ ગયો હતો જે તેમણે પોતાના ઉત્તરાધિકારીને સોંપ્યો હતો. આ દરમિયાન પંજાબ, સિક્કિમ, કછાર અને બર્માનો એક ભાગ, સતારા અને સિંધના એક ભાગને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવાયા હતા. એ ઉપરાંત, અવધ, સંબલપુર, જૈતપુર, ઉદયપુર, ઝાંસી, બરાર અને ખાનદેશનો એક ભાગ પણ તેમની ઝોળીમાં આવી ગયો હતો."

વિસ્તારવાદી કહીને ડેલહાઉસીની ટીકા જરૂર કરી શકાય છે, પરંતુ તેમને ભારતમાં સડકો, રેલવે, નહેરો, જળમાર્ગો, ટેલિગ્રાફ, ટપાલવ્યવસ્થા, શિક્ષણ અને વાણિજ્યના વિસ્તરણનું શ્રેય પણ અપાય છે.

માર્ક બેંસ-જોંસે લખ્યું છે, "ડેલહાઉસીના સમયમાં જ ભારતમાં પહેલી રેલવે ચાલી. ડેલહાઉસીએ ભારતના લોકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવ્યું. સિંચાઈવ્યવસ્થાનો વિકાસ કર્યો. ભારતને ટપાલ અને ટેલિગ્રાફ સેવાઓ ઉપલબ્ધ કરાવી, પરંતુ, આ ઉપલબ્ધિઓ છતાં ત્યાંના લોકોમાં તેઓ અણગમતા હતા. તેમના વિશે કહેવાયું કે તેઓ હદથી વધારે નિરંકુશ અને અક્કડ હતા. પોતાના હાથ નીચેના અધિકારીઓ તરફનો તેમનો વ્યવહાર ખૂબ કઠોર હતો. તેમના ઉગ્ર સ્વભાવ અને ગુસ્સાએ તેમને તેમના સાથીઓમાં અપ્રિય બનાવી દીધા હતા. તેમના કમાન્ડર-ઇન-ચીફ જનરલ હ્યૂઝ ગૉફ અને રૉબર્ટ નેપિયર સાથે તેમનો ઝઘડો થયો હતો."

જીવનનાં અંતિમ ચાર વર્ષ અજ્ઞાતવાસમાં વીત્યાં

ભારતમાંથી જતાં પહેલાં ડેલહાઉસીના પગના હાડકામાં એક ગંભીર બીમારી થઈ ગઈ હતી. જ્યારે તેમના ઉત્તરાધિકારી લૉર્ડ કૅનિંગ કલકત્તા પહોંચ્યા ત્યારે ડેલહાઉસીએ ગવર્નર જનરલના નિવાસે કાખઘોડીના સહારે ઊભા રહીને તેમનું સ્વાગત કર્યું હતું. 6 માર્ચ 1856એ ડેલહાઉસી કલકત્તાથી પોતાના દેશ જવા રવાના થયા. તેઓ એ વાતથી ઘણા દુઃખી થયા કે પોતાના દેશમાં પાછા જવાની મુસાફરી માટે તેમને એક સુવિધા વગરના જહાજ 'કૅરાડૉક' પર ચડાવવામાં આવ્યા.

તેમણે કૅરોથી પોતાના મિત્ર જૉર્જ કૂપરને પત્ર લખીને સરકારની આ સંકુચિત માનસિકતા વિશેનો પોતાનો રોષ પ્રકટ કર્યો કે તેમને લેવા માટે 'કૅરાડૉક' જેવું જૂનુંપુરાણું જહાજ મોકલવામાં આવ્યું. તેમણે એવી ફરિયાદ પણ કરી કે 'ભારતમાંથી રવાના થતાં પહેલાં મને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલક મંડળ કે મહામહિમની સરકાર, બંનેમાંથી કોઈએ આભારનો એક શબ્દ પણ ન કહ્યો.'

કૂપર ડેલહાઉસીના પિતાના એડીસી હતા અને ઉંમરમાં તેમના કરતાં 26 વર્ષ મોટા હતા. લંડન પહોંચીને ડેલહાઉસીનો મૂડ ત્યારે થોડોક સારો થયો, જ્યારે તેમને એવા સમાચાર મળ્યા કે સરકારે તેમને પાંચ હજાર પાઉન્ડનું વાર્ષિક પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. ડેલહાઉસીએ પોતાના જીવનનાં અંતિમ ચાર વર્ષ રાજકીય અજ્ઞાતવાસમાં વિતાવ્યાં.

અમર ફારૂકીએ લખ્યું છે, "ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસીમાં ભારત પર વ્યવસ્થિત રીતે શાસન કરવાનું જનૂન હતું. આ જનૂને જ તેમને ખૂબ મોટા વિસ્તારવાદી અને દખલ કરનારા વ્યક્તિ બનાવી દીધા હતા. ડેલહાઉસીને પોતાના કામમાં ઓતપ્રોત રહેવાની આદત હતી. ભારતના સંચાલક તરીકે દિવસમાં કલાકોના કલાકો સુધી કામ કરવાના લીધે તેમનું શરીર થાકી ગયું હતું અને કદાચ આ જ તેમના અકાળ અવસાનનું કારણ બન્યું."

ડિસેમ્બર 1860માં માત્ર 48 વર્ષની ઉંમરે ડેલહાઉસીનું મૃત્યુ થઈ ગયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન