ભારતનાં એ ભવ્ય લગ્ન, જેમાં સોનાના સિક્કાનો વરસાદ થયો હતો

    • લેેખક, ગુરજોતસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

"શીશમહેલથી બંગિયા કિલ્લા સુધી ઘોડા પર સવારી કરીને આવેલા મહારાજાએ આખા રસ્તે સોનાના સિક્કાનો વરસાદ કર્યો હતો. તેઓ કંવર નૌનિહાલની લગ્નની વિધિ જોઈને બહુ ખુશ થયા હતા."

"કંવર નૌનિહાલનાં માતા પડદા પાછળથી બહાર આવ્યાં ત્યારે મહારાજા રણજિતસિંહે તેમને કહ્યું, આજનો દિવસ બહુ ખાસ છે. એ ઈશ્વરે મને આપ્યો છે. મારા પૂર્વજો આ દિવસ જોઈ શક્યા નથી. હું જોઈ રહ્યો છું અને એ માટે મારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ."

મહારાજા રણજિતસિંહ યુવાન હતા ત્યારે તેમના પિતા અને દાદા મૃત્યુ પામ્યા હતા.

આ ઉત્સવ અને મહારાજા રણજિતસિંહે કહેલા શબ્દો તેમના મહેલના એક વકીલ સોહનલાલ સુરીલિખિત પુસ્તક 'ઉમદત-ઉદ-તવારીખ'માં નોંધાયેલા છે.

મહારાજા રણજિતસિંહના પૌત્ર કંવર નૌનિહાલસિંહના માર્ચ 1937માં થયેલાં લગ્નને શીખ સામ્રાજ્યના સૌથી શાહી સમારંભો પૈકીનાં એક અને અંતિમ પણ માનવામાં આવે છે.

એ લગ્નના બે વર્ષ બાદ મહારાજા રણજિતસિંહ મૃત્યુ પામ્યા હતા.

એ પછી લાહોર રાજ્યનો કોઈ પણ ઉત્તરાધિકારી મહારાજા જેવી શક્તિ યથાવત્ રાખી શક્યો ન હતો. બાકીના બધા ધીમે ધીમે અંગ્રેજોના નિયંત્રણમાં આવી ગયા હતા.

ઑક્સફૉર્ડનાં પીએચ.ડી. વિદ્યાર્થિની પ્રિયા અટવાલના જણાવ્યા મુજબ, કંવર નૌનિહાલનાં લગ્ન એ સમય પંજાબનાં સૌથી ભવ્ય લગ્ન હતાં, પરંતુ એ લગ્ન બાબતે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અનેક કથાઓનો કોઈ નક્કર પુરાવો નથી.

'રૉયલ્સ ઍન્ડ રીબેલ્સ' પુસ્તકનાં લેખિકા પ્રિયા અટવાલનું કહેવું છે કે કંવર નૌનિહાલના શામસિંહ અટારીવાલાનાં દીકરી નાનકીકોર સાથેનાં લગ્ન એક ભવ્ય આયોજન હતું. એ લગ્નનો ઉપયોગ મહારાજા રણજિતસિંહના પરિવારની સમૃદ્ધિ અને રાજ્યના શક્તિના પ્રદર્શન માટે કરવામાં આવ્યો હતો.

શામસિંહ અટારીવાલા શીખ રાજ્યના મહત્ત્વપૂર્ણ કમાન્ડરો પૈકીના એક હતા.

પ્રિયા અટવાલે તેમના પુસ્તકમાં નોંધ્યું છે કે એ લગ્નનું રાજકીય અને ધાર્મિક મહત્ત્વ પણ હતું તેમજ એ રણજિતસિંહ પરિવારના ઉત્થાનનું પ્રતીક પણ હતું.

પ્રિયા અટવાલ કહે છે, "ખડકસિંહ મહારાજા રણજિતસિંહના સત્તાવાર ઉત્તરાધિકારી હતા, પરંતુ કંવર નૌનિહાલસિંહને તેમના યુદ્ધ કૌશલ્ય, ઘોડેસવારી અને ઝનૂન માટે મહારાજા રણજિતસિંહ જેટલો જ આદર આપવામાં આવતો હતો."

'એક મહિનાનો ઉત્સવ'

પ્રિયા અટવાલના જણાવ્યા મુજબ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કમાન્ડર ઇન ચીફ સર હેનરી ફેન તે લગ્નમાં અતિથિ વિશેષ તરીકે સામેલ થયા હતા અને સતલજ નદીની પારના રજવાડાના રાજા તથા નેતાઓ પણ એ લગ્નમાં સામેલ થવા આવ્યા હતા.

પ્રિયા અટવાલ કહે છે, "કંવર નૌનિહાલનાં લગ્નનો ઉત્સવ લગભગ એક મહિનો ચાલ્યો હતો અને એ માટે ચિક્કાર પૈસા ખર્ચવામાં આવ્યા હતા. કંવર નૌનિહાલ પહેલાં થયેલા ખડકસિંહનાં લગ્ન પણ ભવ્ય હતાં, પરંતુ તેમાં છેલ્લે પૈસા ખૂટી પડ્યા હતા."

મહારાજા રણજિતસિંહ અટારી પહોંચતા ત્યારે તેઓ સોનાના સિક્કા કે પૈસાનો વરસાદ કરતા હતા અથવા એમ કહો કે ટોલી દરમિયાન એવું થતું હતું. મહત્ત્વના પ્રસંગોએ આવું કરવું તે મહારાજાઓની પરંપરા હતી.

વિવાહ નિહાળવા આવેલા અંગ્રેજો સહિતના અનેક મહેમાનો માટે તે આશ્ચર્યની વાત હતી. વિવાહમાં સામેલ થયેલા ગ્રામજનો અને સૈનિકોને સારા એવા પૈસા આપવામાં આવ્યા હોવાના સંકેત પણ મળ્યા છે.

જોકે, પ્રિયા અટવાલના કહેવા મુજબ, લગ્નમાં કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા હતા તેનો કોઈ રેકૉર્ડ નથી.

સમકાલીન સૂત્રોના જણાવ્યા મુજબ, એ લગ્નમાં હજારો લોકો સામેલ થયા હતા. મીઠાઈઓ બનાવવા માટે હલવાઈ અને અન્ય કારીગરોને મહિનાઓ પહેલાં બોલાવી લેવામાં આવ્યા હતા. એ પછી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વકીલે વિવાહ વિશે શું લખ્યું છે?

કરકસિંહ અને નૌનિહાલસિંહ બન્નેને લગ્નની તૈયારી માટે 10 ફેબ્રુઆરીએ અમૃતસર મોકલવામાં આવ્યા હતા. રણજિતસિંહે તેમના પ્રધાન ભાઈ રામને પણ લગ્નમાં મનોરંજનની વ્યવસ્થા માટે અટારી મોકલ્યા હતા.

ભેટસોગાદો, ઘરેણાં વગેરે જેવી બાબતો પર મહારાજા રણજિતસિંહ જાતે ધ્યાન આપતા હતા. રણજિતસિંહ અને માઈ નગાઈ બન્નેએ લગ્ન સમારંભોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પ્રિયા અટવાલ લખે છે કે 'ઉમતાદ-ઉદ-તવારીખ' પુસ્તકમાં લગ્ન વિશે જે કંઈ લખવામાં આવ્યું હતું તે સૌથી પહેલાં મહારાજાને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. તેથી તેને સત્તાવાર રેકૉર્ડ માનવામાં આવે છે.

મહારાજા રણજિતસિંહ 10 માર્ચે અટારી ગામ આવ્યા હતા. ત્યાંથી તેમણે વરઘોડા સાથે ડોલીને અમૃતસર માટે રવાના કરી ત્યારે રસ્તામાં તેના પર ધનવર્ષા થઈ હોવાનું 'ઉમતાદ-ઉદ-તવારીખ' પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે.

એ પછી મહારાજા લાહોર પાછા ફર્યા હતા અને શાલાબાગ નામના સ્થળે સર હેનરી ફેનને મળ્યા હતા. 'રૉયલ્સ ઍન્ડ રીબેલ્સ' પુસ્તકમાં જણાવ્યા અનુસાર, શાલીમારબાગનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ કરાવ્યું હતું, પરંતુ મહારાજા રણજિતસિંહ તેને શાલાબાગ કહેતા હતા.

'ઉમતાદ-ઉદ-તવારીખ' પુસ્તકમાં જણાવ્યા અનુસાર, "વિજયી સૈનિકોનાં ઉપકરણો, આભૂષણો અને અન્ય શાનદાર વસ્તુઓને સુંદર રીતે સજાવીને તેમના સરઘસને બ્રિટિશ પ્રતિનિધિ લાડસાહેબ સમક્ષ પ્રસ્તુત કરવાનો આદેશ કંવર નૌનિહાલસિંહને આપવામાં આવ્યો હતો. તેને જોનારા અને તેના વિશે સાંભળનારા લોકો આશ્ચર્યચકિત થઈ જાય એવી રીતે તેને પ્રસ્તુત કરવાનો આદેશ પણ કંવર નૌનિહાલને આપવામાં આવ્યો હતો."

લગ્ન અને જમરૂદનું યુદ્ધ

વિવાહ સમારંભની પશ્ચાદભૂનો ઉલ્લેખ લેખક હરિ રામ ગુપ્તાએ તેમના પુસ્તક 'હિસ્ટ્રી ઑફ શીખ્સ'માં કર્યો છે. તેમણે લખ્યું છે કે મહારાજા રણજિતસિંહ બ્રિટિશ પ્રતિનિધિઓને પોતાની શક્તિ, ધન તથા સૈન્ય શક્તિ દેખાડવા ઇચ્છતા હતા. એ માટે પેશાવર સહિતનાં અનેક સ્થળોએથી સૈન્ય બોલાવવામાં આવ્યું હતું.

મહારાજા રણજિતસિંહે હરિસિંહ નલવાને ખૈબર પાસના પ્રવેશદ્વાર નજીકના જમરૂદ વિસ્તારમાં એક કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો હતો. અફઘાન શાસનક દોસ્ત મોહમ્મદ ખાન એ કિલ્લાને પોતાના શાસન માટે ખતરો માનતા હતા.

હરિસિંહે સહાયની વિનંતી કરતો એક પત્ર 10 માર્ચે મોકલ્યો હતો. તેના જવાબમાં જણાવવામાં આવ્યુ હતું કે બ્રિટિશ પ્રતિનિધિ પાછા ફરશે એ પછી સૈન્ય મોકલવામાં આવશે. એ પછી 21 એપ્રિલે પણ એક પત્ર મોકલવામાં આવ્યો હતો.

ત્યાર બાદ મહારાજા રણજિતસિંહે કંવર નૌનિહાલસિંહ અને અન્યોને તત્કાળ પેશાવર જવાનો આદેશ આપ્યો હતો. એ પછી 30 એપ્રિલથી પહેલી મે સુધી ચાલેલા યુદ્ધમાં હરિસિંહ નલવા શહીદ થઈ ગયા હતા.

'કંવર નૌનિહાલસિંહનું મૃત્યુ'

મહારાજા રણજિતસિંહના મૃત્યુ વખતે કંવર નૌનિહાલ પેશાવર કિલ્લાના રક્ષણના પ્રભારી હતા. તેથી 1840માં તેઓ લાહોર પાછા આવી ગયા હતા.

પ્રિયા અટવાલના જણાવ્યા અનુસાર, ખડકસિંહના રહસ્યમય મોત પછી કંવર નૌનિહાલસિંહનું મૃત્યુ એ જ દિવસે થયું હતું, જે દિવસે તેમના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

એક દરવાજો કંવર નૌનિહાલસિંહ પર પડ્યો હતો, એવું કહેવાય છે, પરંતુ તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી.

પ્રિયા અટવાલે નોંધ્યું છે કે બ્રિટિશ પેન્શન રેકૉર્ડ અનુસાર, કંવર નૌનિહાલસિંહે ચાર વખત લગ્ન કર્યાં હતાં. તેમની ચાર પત્નીમાં નાનકીકોર, સાહિબકોર, બહાદુરનકોર અને કટ્ટોચનકોરનો સમાવેશ થાય છે.

કંવર નૌનિહાલ નિઃસંતાન હતા. રણજિતસિંહના પુત્ર મહારાજા શેરસિંહના લાહોર દરબાર કબજે કર્યા બાદ કંવર નૌનિહાલસિંહનાં બાળકોની ગર્ભમાં જ હત્યા કરવામાં આવી હોવાનું પ્રિયા અટવાલ જણાવે છે.

એ ઘટનાના પાંચ વર્ષ પહેલાં કંવર નૌનિહાલસિંહના લગ્નપ્રસંગે, પરિવાર સત્તા પર આવવાની ઉજવણી માટે ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે, બે વર્ષ પછી મહારાજા રણજિતસિંહ મૃત્યુ પામ્યા હતા. એ પછીનાં થોડાં વર્ષોમાં લાહોર દરબારના અન્ય ઉત્તરાધિકારીઓ કરકસિંહ, શેરસિંહ અને કંવર નૌનિહાલસિંહ પણ મૃત્યુ પામ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન