અમૃતપાલ સિંહ જે ખાલિસ્તાનની માંગ કરે છે, તે ખાલસા રાજનું સામ્રાજ્ય ભારતની બહાર ક્યાં સુધી ફેલાયું હતું?

    • લેેખક, જયદિપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમૃતપાલ સિંહ. છેલ્લા કેટલાક સમયથી આ નામ માત્ર પંજાબ જ નહીં, રાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચામાં છે. દુબઈથી આવેલા આ શખ્સે ગાયક દીપ સિદ્ધુના સંગઠન 'વારિસ પંજાબ દે'ની (પંજાબના વારસદાર) કમાન સંભાળી છે.

અમૃતપાલ સિંહનો દેખાવ, વાત વર્તન અને કદ-કાઠીના 1970- '80 દાયકામાં અલગ ખાલિસ્તાનની માગ કરનારા ભિંડરાવાલે સાથે મળતી આવે છે. અમૃતપાલનું પૈત્તૃક ગામ તથા ઉગ્રવાદના રસ્તે અલગ ખાલિસ્તાનની માગ કરનારા જરનૈલસિંહ ભિંડરાવાલેનું ગામ પણ એક જ છે.

સ્થાનિક મીડિયામાં તેમને 'ભિંડરાવાલે 2.0' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ 18થી 25 વર્ષના યુવાનોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે.

પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનનું કહેવું છે કે, 'અમુક હજાર લોકો એ પંજાબ નથી. આ લોકોને પાકિસ્તાનથી ફંડિંગ મળી રહ્યું છે. તેમના આકા પંજાબમાં અશાંતિ ઊભી કરવા માગે છે.'

અમૃતપાલ સિંહ ખાલિસ્તાનની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતમાં શીખો સાથે અન્યાય થઈ રહ્યો છે, એટલે પહેલાં તેઓ ભારતના પંજાબમાં ખાલિસ્તાન સ્થાપિત કરવા માગે છે અને પછી તેઓ લાહોરમાં પણ ખાલસારાજ પ્રસ્થાપિત કરશે.

અમૃતપાલ સિંહની માગને કારણે ફરી એક વખત ખાલિસ્તાન, શીખ ધર્મ, તેના પ્રથમ શાસક રણજીતસિંહ અને સામ્રાજ્ય ચર્ચામાં છે, જેમનું શાસન કુલ મળીને માત્ર ત્રણ પેઢી સુધી જ ચાલ્યું હતું.

શીખ, ખાલસા અને ખયાલ

શીખ ધર્મનો ઉદય અને ઉદ્ભવ ઈ.સ. 1500 આસપાસ (વર્તમાન સમયના) ભારત-પાકિસ્તાનના પંજાબમાં થયો. એ સમયે ભારતમાં મુખ્યત્વે હિંદુ અને ઇસ્લામ ધર્મ પ્રવર્તમાન હતા, ત્યારે ગુરુ નાનકે તેમણે બંનેથી અલગ એવા શીખ ધર્મની સ્થાપના કરી.

પાંચમા ગુરૂ અરજણ સિંહના (Arjan) સમયમાં શીખધર્મના પાયા મજબૂત બન્યા. તેમણે અમૃતસરને શીખોના ધાર્મિક અને રાજકીય કેન્દ્ર તરીકે વિકસાવ્યું.

1606માં તત્કાલીન મુગલ શાસકો દ્વારા અરજણ સિંહને રાજની સામે જોખમ તરીકે જોવામાં આવ્યા અને તેમની ધાર્મિક માન્યતાને કારણે તેમની હત્યા કરી દેવામાં આવી એટલે છઠ્ઠા ગુરૂ હરગોબિંદ સિંહે શીખોને સૈન્ય દૃષ્ટિએ સશક્ત કરવાનું શરૂ કર્યુ, જેથી કરીને શીખો તેમની ઉપરના અત્યાચારનો સામનો કરી શકે.

જ્યારે ઔરંગઝેબે તેમના પિતા અને ભાઈઓને હઠાવીને સત્તાની ધૂરા સંભાળી, ત્યારે તેમણે હિંદુ અને શીખોની ઉપર ઇસ્લામનો અંગીકાર કરવા માટે બળપ્રયોગ કર્યો. ઔરંગઝેબે શીખોના નવમા ગુરૂ તેગબહાદુર સિંહની ધરપકડ કરાવી અને ઈસ 1675માં તેમની હત્યા કરાવી નાખી.

આથી, શીખોના 10મા ગુરૂ ગોબિંદસિંહે શીખોમાં ખાલસાપંથની સ્થાપના કરી, જેમાં શીખોના 'અમૃત સંસ્કાર' કરવામાં આવે છે, એ પછી તેઓ 'પાંચ કક્કાર'નું પાલન કરે છે.

ત્રણ વ્યક્તિ સાથે સત્તા સ્થાપના

બંદા સિંહ બહાદુરનો જન્મ ઈ.સ.1670માં હાલ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં થયો હતો. નાની ઉંમરમાં તેમણે ઘર છોડી દીધું હતું અને વૈરાગી બની ગયા હતા અને તેઓ માધવદાસ વૈરાગી તરીકે ઓળખાતા.

1708માં બંદા સિંહની મુલાકાત શીખોના દસમા ધર્મગુરૂ ગોવિંદ સિંહ સાથે (હાલ મહારાષ્ટ્રના) નાંદેડમાં થઈ. જ્યાં ગોવિંદ સિંહે તેમને તપસ્વી જીવન ત્યજીને મુગલો સામેની લડાઈ આરંભ કરવા માટે પ્રેરિત કર્યા.

ગોપાલ સિંહ તેમના પુસ્તક 'ગુરૂ ગોબિંદ સિંહ'માં એ ઘટનાનું વર્ણન કરતા લખે છે, "ગુરૂએ બંદા બહાદુરને ત્રણ સાથી આપ્યા અને પંજાબ કૂચ કરવાના આદેશ આપ્યા. તેમને સરહિંદ નગર ઉપર કબજો કરવાનું વજીર ખાનને પોતાના હાથે મૃત્યુદંડ આપવાનું ફરમાન કર્યું."

ગુરૂ ગોબિંદ સિંહે પંજાબની કૂચ વેળાએ બંદા બહાદુર સિંહને એક તલવાર અને પાંચ તીર પણ આપ્યા હોવાનો ઉલ્લેખ પણ અનેક લખાણોમાં મળે છે.

ઈસ. 1709માં છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર દક્ષિણની લડાઈઓમાં વ્યસ્ત હતા, ત્યારે બંદા સિંહ બહાદુરે સતલજ નદીના પૂર્વમાં વસતા શીખ ખેડૂતોને પોતાની તરફે કર્યા. આ સિવાય (હાલના) સોનીપત અને કૈથલમાં મુગલ ખજાના લૂંટ્યા.

જમીનદારોનો ત્રાસ સહન કરી રહેલા સરહિંદના ખેડૂતોને એક નીડર નેતાની જરૂર હતી. ગુરૂ ગોબિંદસિંહના દીકરાઓ સાથે શું થયું હતું, તે ભૂલ્યા ન હતા. તેમણે બંદા બહાદુર સિંહ તથા તેમના સાથીઓને ઘોડા અને સૈનિક આપ્યા.

કેટલાક મનસબદારોએ તેમના સૈનિકોને પગાર નહોતો આપ્યો, એટલે એ સૈનિકો પણ બંદા સિંહ બહાદુર સાથે જોડાયા અને જોત-જોતામાં તેમની ઘોડેસવાર અને પાયદળ સહિતની સેના 19 હજાર આસપાસ પહોંચી ગઈ. લાંબા સમય સુધી મુગલ શાસકો દખ્ખણમાં વ્યસ્ત હોવાને કારણે પંજાબ અને દિલ્હી ઉપર તેમની પકડ ઢીલી પડવા લાગી હતી.

તા. 22 મે 1710ના શીખોની આ સેના અને સરહિંદના વજીર ખાનની ટુકડી વચ્ચે લડાઈ થઈ. હરીશ ઢિલ્લોં તેમના પુસ્તક 'ફર્સ્ટ રાજ ઑફ ધ શીખ્સ'માં લખે છે કે "સામ-સામેની લડાઈમાં ભાઈ ફતહ સિંહે વજીર ખાનના માથા ઉપર વાર કર્યો. જ્યારે સરહિંદના સૈનિકોએ પોતાના સેનાપતિનું માથું જમીન ઉપર પડતું જોયું, એટલે તેમનું મનોબળ તૂટી ગયું અને તેઓ નાસી છૂટ્યા."

એકાદ વર્ષથી સરહિંદ ખાતે બંદા સિંહે બહાદુર સ્થાનિક સુબેદારની કનડગત શરૂ કરી હોવા છતાં દિલ્હીથી કોઈ મુગલ મદદ તેમને મળી ન હતી. એ પછી બંદા બહાદુરે યમુના પાર કરીને સરહાનપુરમાં હિંદુઓને મદદ કરી, જ્યાં તેમની કનડગત થઈ રહી હતી. સ્થાનિક શીખોએ રાહોન, બટાલા અને પઠાનકોટને પોતાના કબજામાં લીધા.

બંદા સિંહ બહાદુરે નવા કમાન કેન્દ્રને લોહગઢ નામ આપ્યું અને વિજયની યાદમાં સિક્કા બહાર પડાવ્યા અને મહોર પણ બનાવડાવી. આ જોવા માટે ગુરૂ ગોબિંદસિંહ હયાત ન હતા.

મુગલો દ્વારા મોકલવામાં આવેલા અફઘાન જમશીદ ખાને ગુરૂ ગોબિંદ સિંહ ઉપર ખૂખરીથી પ્રહાર કર્યો હતો. અનેક દિવસ સુધી ઘાયલ અવસ્થામાં રહેવા છતાં તેમણે દેહધારી કોઈ નવા ગુરૂની જાહેરાત ન કરી અને 'ગુરૂ ગ્રંથ સાહેબ'ને જ શીખ ધર્મના ગુરુપદે સ્થાપ્યા. ત્યારથી ગુરુ ગ્રંથ સાહેબને જીવિત ગુરૂ જેવું સ્થાન અને સન્માન આપવામાં આવે છે.

બહાદુર 'બંદા'ને ભૂલાવી દેવાયા

બંદા સિંહ બહાદુરને ધ્યાનમાં રાખીને દક્ષિણના અભિયાનોમાંથી પરત ફરેલા બહાદુર શાહ પોતાની રાજધાનીને દિલ્હીથી ખસેડીને લાહોર લઈ ગયા. ઇ.સ. 1712માં બહાદુર શાહના અવસાન પછી જહંદર અને તે પછી તેમના ભત્રીજા ફર્રુખસિયરને મુગલ તાજ મળ્યો.

વર્ષ 1713માં તેઓ સરહિંદ છોડવા માટે મજબૂર બન્યા. ઇ.સ. 1715માં ગુરૂદાસપુર ખાતેના એક ગઢમાં તેઓ પોતાના સાથીઓ સાથે હતા ત્યારે મુગલોએ તેનો ઘેરો ઘાલ્યો. બંદા સિંહ બહાદુર અને તેમના સાથીઓએ અનાજ અને પાણી વગર જેમ-તેમ કરીને આઠ મહિના કિલ્લામાં કાઢ્યા.

ડિસેમ્બર-1715માં તેમણે અને સાથીઓએ આત્મસમર્પણ કર્યું. બંદા સિંહ બહાદુરના અનેક સાથીઓને મારી નાખવામાં આવ્યા. જ્યારે 700 જેટલા સાથીઓને પકડીને દિલ્હી લાવવામાં આવ્યા. જેમને ઇસ્લામનો અંગીકાર કરી લેવા અથવા મૃત્યુને ભેંટવા માટે કહેવામાં આવ્યું. તેઓ મૃત્યુને ભેંટ્યા.

તા. નવમી જૂન 1716ના બંદા સિંહ બહાદુર તથા તેમના કેટલાક સાથીઓને કુતુબ મિનાર પાસે બહાદુર શાહની કબર ખાતે લઈ જવામાં આવ્યા અને તેમને શીશ નમાવવા માટે કહેવામાં આવ્યું.

ઢિલ્લો તેમના પુસ્તકમાં લખે છે કે 'કોટવાળ સરબરાહ ખાનના ઈશારે બંદા સિંહ બહાદુરના ચાર વર્ષના દીકરા અજયસિંહના ટુકડા કરી નાખવામાં આવ્યા. તેમનું હૃદય કાઢીને બંદા સિંહના મોંમાં ઠૂંસવામાં આવ્યું. જીવતે જીવ તેમના શરીરના ટુકડા કરવામાં આવ્યા અને પછી તલવારના એક જ ઝાટકે તેમના માથાને ધડથી અલગ કરી દેવામાં આવ્યું."

શીખોના એક વર્ગને લાગતું હતું કે ગુરૂ ગોબિંદ સિંહના અવસાન પછી બંદા સિંહ બહાદુર ખુદને ગુરૂ સ્થાપિત કરવા માગે છે. તેઓ મનસ્વી બની રહ્યા છે. આથી, તેમની વિરૂદ્ધ થઈ ગયા હતા.

વૈરાગી હોવા છતાં બંદા સિંહે પાછળથી તેમણે એક કરતાં વધુ લગ્ન કર્યાં હતા, એટલે આવી અટકળોને વેગ મળ્યો. એટલે જ મુગલો સામે વીરતા દાખવવા છતાં અને તેમની ઉપર આટલા અત્યાચાર થયા હોવા છતાં હમણાં સુધી તેમની જયંતી ઉજવવામાં આવતી ન હતી.

અરાજકતા અને અંધાધૂંધીનો આલમ

વરિષ્ઠ લેખક અને પત્રકાર ખુશવંત સિંહે 'ધ શીખ્સ' શિર્ષકથી પુસ્તક લખ્યું હતું, જેના ત્રીજા પ્રકરણ 'શીખ સંઘ'માં તેઓ લખે છે કે, 'બંદાના મૃત્યુ પછી રાજકીય પરિદૃશ્ય પરથી શીખ અદૃશ્ય થઈ ગયા. તેમણે શીખોમાં જે સુધાર લાવ્યા, તેને અનુસરનારા બંદેઈ ખાલસા તરીકે ઓળખાતા. માતા સુંદરીએ બંદેઈ વિરૂદ્ધનું વલણ લીધું હતું. આ અરસામાં ગુરૂના સમકાલીન મણિ સિંહને અમૃતસરના મંદિરના મુખ્ય ગ્રંથિ નિમવામાં આવ્યા અને તેમણે શીખોની ધાર્મિક બાબતોને સંભાળી.'

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જાટોએ મુગલ સલ્તનત સામે માથું ઊંચક્યું હતું તો મરાઠાઓએ પણ પડકાર ઊભો કર્યો હતો, જોકે અબ્દુસ સમદ ખાન જેવા કાબેલ સુબેદારોને કારણે મહદંશે પંજાબનો પ્રાંત મુગલો પાસે જળવાયો હતો, જોકે, તેમની નિષ્ઠા સંદિગ્ધ હોવાનું ખુશવંત સિંહ નોંધે છે.

એક તરફ મુગલ તથા બીજી તરફ પૂર્વમાંથી પહેલાં નાદિર શાહ અને પછી અહમદ શાહ અબ્દાલીના હુમલાઓને કારણે શીખોની સ્થિતિ કફોડી થઈ રહી હતી. શીખોનાં માથાં વાઢી લાવવા પર ઈનામ જાહેર કરવામાં આવ્યાં હતાં, જેના કારણે ભયના માર્યા અનેક શીખોએ તેમના ધર્મનો ત્યાગ કર્યો તો અનેક શીખ ઉત્તરના પહાડી વિસ્તારોમાં નાસી છૂટ્યા.

આમ છતાં તેઓ વર્ષમાં એક વખત મુગલ સેનાને થાપ આપીને અમૃતસરમાં પવિત્ર તીર્થધામની આસપાસના તીર્થજળમાં સ્નાન કરવાનો પ્રયાસ કરતા.

ઈસ 1737માં અબ્દુસ સમદ ખાનનું મૃત્યુ થયું તે પછી કપૂર સિંહના નેતૃત્વમાં શીખ એક થયા, જેમને આગળ જતાં નવાબની પદવી પણ મળી. તેમણે શીખોને 'બુઢ્ઢા દલ' (વરિષ્ઠ) અને 'તરૂણ દલ' (યુવાનો) એમ બે ભાગમાં વિભાજિત કર્યા. આગળ જતાં તેમાં વધુ વિભાજન થયાં અને અલગ-અલગ ભાગો ઉપર નિયંત્રણના આધારે 12 નોંધપાત્ર મિસલ (સમૂહ) અસ્તિત્વમાં આવ્યા.

ભંગી, અહલૂવાલિયા, રામગઢિયા, ફૂલકિયા, નક્કઈ, કન્હૈયા, નિશાનિયા, સકરચકયા વગેરેનો સમાવેશ થતો હતો. આ સમૂહોનાં નામ તેમની આદત, તેમના મુખિયા કે તેમના વ્યવસાયના આધારે પડ્યાં હતાં.

જેમ કે, સૌથી મોટા જૂથ ભંગીના સ્થાપકને ભાંગની (પંજાબીમાં ભંગની) આદત હતી. તો અહલૂવાલિયાના વડા જસ્સાસિંહ હતા (કપૂરથલા સ્ટેટના સ્થાપક), ફૂલકિયાના અલા સિંહ (પટિયાલા સ્ટેટના સ્થાપક), જ્યારે નિશાનિયા ચિહ્નધારકો હતા, તો નક્કઈઓનો વ્યવસાય નક્કાશીકામનો હતો.

ખુશવંત સિંહ તેમના પુસ્તક 'ધ શીખ્સ'ના ત્રીજા પ્રકરણમાં લખે છે કે, માત્ર કાબેલિયતના જોરે નેતા બની શકાતું હતું. આ મિસલો વૈશાખી અને દિવાળીના દિવસે એમ વર્ષમાં બે વખત અમૃતસરમાં ભેગી થતી. દરેક પ્રવૃત્તિ અને ચર્ચામાં સંખ્યાબળની દૃષ્ટિએ ગમે તેટલી મોટી કે નાની મિસલ કેમ નહોય, તમામનો સમાન અધિકાર રહેતો.

આ બેઠકોમાં સફળતા-નિષ્ફળતાની ચર્ચા થતી. ભવિષ્યનાં આયોજનો થતાં અને જવાબદારીઓની ફાળવણી થતી. ખતા કરનારોને સજા થતી.

જ્યારે તેઓ સ્થિર થવા લાગ્યા અને તેમને જમીનના અધિકાર વંશાધિકારથી મળવા લાગ્યા એ પછી મિસલોમાં લોકશાહી ન રહી. એ સમયે ભંગી, કન્હૈયા અને સકરચકયા એમ ત્રણ મિસલ સૌથી વધુ શક્તિશાળી હતી.

આ ત્રણેય સતલજ નદીના પૂર્વમાં મુસ્લિમ બાહુલ્ય વિસ્તારોની ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. ઉત્તરમાં કાશ્મીરથી માંડીને દક્ષિણમાં મુલતાન સુધી તો પૂર્વમાં લાહોર અને પશ્ચિમમાં અટોક સુધી હોવાનું ખુશવંત સિંહ નોંધે છે.

આ મિસલોના વડાઓ વચ્ચે પરસ્પર વર્ચસ્વની લડાઈઓ થતી હતી, આ અરસામાં અંગ્રેજો, ફ્રૅન્ચ, ડચ અને પૉર્ટુગિઝ જેવા વેપારી ઓઠા હેઠળ આવેલા યુરોપિયનોને ભારતમાં રાજકીય ભાવિ દેખાવા લાગ્યું હતું. જેમાં વૈશ્વિક પરિબળોએ મુગલકાળના અંતભાગમાં અંગ્રેજોને અનુકૂળતા કરી આપી હતી.

આ સંજોગોમાં સકરચકયા મિસલમાંથી એક ચહેરો ઊભર્યો, જેણે આ મિસલોને ન કેવળ એક કરી, પરંતુ પ્રથમ ખાલસા સામ્રાજ્યની સ્થાપના પણ કરી.

શીખ સિંહ રણજીત

1780માં સકરચકયા મિસલના વડા મહા સિંહ તથા રાજ કૌરને ત્યાં બાળકનો જન્મ થયો, જેને બુધ સિંહ નામ આપવામાં આવ્યું. શીતળાને કારણે નાનપણમાં તેની ડાબી આંખની રોશની જતી રહી હતી અને તેમના ચહેરા ઉપર ડાઘ થઈ ગયા હતા.

10 વર્ષની ઉંમરે તેમણે પોતાના પિતા સાથે મળીને પ્રથમ લડાઈ લડી. આ વિજયને કારણે પિતાએ તેમને 'રણજિત' નામ આપ્યું. સકરચકયા અને કન્હૈયા મિસલના મહા સિંહની વચ્ચે સારા સંબંધ હતા, પરંતુ જમ્મુની જીતના માલના મુદ્દે તેમની વચ્ચે મતભેદ થયા.

ઈસ 1785માં આ મિસલો વચ્ચે બટાલા ખાતે લડાઈ થઈ, જેમાં કન્હૈયા મિસલના ભાવિ વડા ગુરબખ્શ સિંહનું મૃત્યુ થયું. બંને મિસલ વચ્ચે હિંસા વકરે તેમ હતી. એવામાં ઈ.સ. 1786માં સકરચકયા મિસલનાં રાજ કૌર અને કન્હૈયા મિસલનાં સદા કૌરની મુલાકાત થઈ.

રાજ કૌરના દીકરા રણજિત તથા સદા કૌરનાં દીકરી મહેતાબ કૌરનું લગ્ન નિર્ધારવામાં આવ્યું. તેમને 'મહારાણી'ની ઉપાધિ મળી. એ સમયે રણજિત સિંહની ઉંમર 15-16 વર્ષ આસપાસ હતી.

મેહતાબ એ વાત ક્યારેય ભૂલી શક્યાં ન હતાં કે તેમના પિતાનું મૃત્યુ રણજિત સિંહના પિતાને કારણે થયું હતું, આથી, ક્યારેય તેમના સંબંધ સાધારણ થઈ શક્યા ન હતા અને તેઓ મોટાભાગે પિયરમાં જ રહ્યાં.

18 વર્ષની ઉંમરે રણજિત સિંહનાં માતાનું અવસાન થયું અને દિવાન લખપત રાયની હત્યા કરી દેવામાં આવી. આવા સમયે રણજિત સિંહનાં સાસુ સદા કૌરે કમાન સંભાળી. 1789માં સસરાનાં મૃત્યુ બાદ તેમને કન્હૈયા મિસલની કમાન મળી હતી. સદા કૌરે જ શીખ મિસલદારોને અફઘાનો સામે લડવા માટે પ્રેરિત કર્યા હતા.

19 વર્ષની ઉંમરે રણજિત સિંહને સેનાની કમાન સંભાળવા માટે ચૂંટવામાં આવ્યા. 1797-98માં ઈરાનના શાહથી અલગ થઈને શાસક બની ગયેલા અબ્દાલીઓના શાહ જમાનને હરાવ્યા. કન્હૈયાઓ સાથે મળીને ભંગી શાસકોને લાહોરમાંથી હાંકી કાઢ્યા. શીખ સામ્રાજ્યનો પાયો નાખવામાં સદા કૌરે તેમના જમાઈ રણજિત સિંહને ખૂબ મદદ કરી.

શીખ-અફઘાન યુદ્ધો

1738-39 દરમિયાન ભારતમાં અંધાધૂંધી પ્રવર્તમાન હતી, ત્યારે ઈરાનના શાસક નાદિર શાહે પંજાબના રસ્તે મુઘલ સેના ઉપર હુમલા કર્યા હતા. એ પછી એનાથી અલગ થઈને અફઘાનિસ્તાનમાં અલગ રાજ ઊભું કરનારા અહમદ શાહ અબ્દાલીએ 1748- '67 દરમિયાન નવ વખત મુગલ સીમાઓ ઉપર હુમલા કર્યા.

અફઘાનો દરેક વખત તેઓ લૂંટનો માલ અને હિંદુસ્તાની બંધકોને લઈને પરત જતા હોય, ત્યારે પહાડી પ્રદેશોમાંથી ઊતરી આવીને શીખો ભારતીય બંધકોને છોડાવતા અને તેમના માલ ઉપર તરાપ મારતા.

મુગલો પાસેથી તેમણે કાશ્મીર, નૉર્થ-વેસ્ટ ફ્રન્ટિયર અને મુલતાન વગેરે વિસ્તાર પડાવી લીધા હતા. અહમદ શાહ પોતે ત્યાં શાસન કરી શકે તેમ ન હતા, એટલે તેણે ત્યાં સુબેદારોની નિમણૂકો કરી હતી.

સિંધના આમીરો સાથે અંગ્રેજોની સંધિને કારણે રણજિત સિંહ એ તરફ આગળ વધી શકે તેમ ન હતા, એટલે તેમણે ઉત્તર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અહીં તેમના જનરલ હરિ સિંહ નલવાએ ભારે બહાદુરી દાખવી.

હરિ સિંહ નલવાનો અફઘાનોમાં એવો તે ભય પેસી ગયો હતો કે અફઘાન માતાઓ તેમનાં રોતાં સંતાનોને છાનાં રાખવાં માટે કહેતી કે, 'ચૂપ કર નહીંતર હરી સિંહ નલવા આવી જશે.'

રણજિત સિંહે અફઘાનો પાસેથી પેશાવર અને કાશ્મીર છીનવી લીધા અને શાહ સુઝાને આશરો આપ્યો. જોકે, શાહ સુઝાએ પાછળથી અંગ્રેજો પાસે આશરો લીધો. તેની પાસેથી જ રણજિત સિંહ સુધી કોહિનૂર હીરો પહોંચ્યો હતો. જેને તેઓ દિવાળી, દશેરા અને વૈશાખીના દિવસે બાજુ પર પહેરતા.

સર લેપલ ગ્રિફિને 'રૂલર્સ ઑફ ઇંડિયા' શ્રેણી હેઠળ રણજિત સિંહનું જીવનચરિત્ર લખ્યું છે. જેમાં 'લેટર કૉન્ક્વેસ્ટ' નામના પ્રકરણમાં તેમણે મહારાજા રણજિત સિંહે જીવનના ઉત્તરાર્ધમાં લડેલી લડાઈઓનું વિવરણ કર્યું છે. જે અનુસાર :

કાશ્મીરના શાસક અઝીમ ખાને પોતાનો પરાજયનું વેર વાળવા અફઘાનીઓને સાથે લીધા, પરંતુ શીખોનો વિજય થયો. તેમનો પેશાવર. નૉર્થ-વેસ્ટ ફ્રન્ટિયર અને ખૈબર ઘાટ ઉપર કબજો થયો. એ પછી સિંધુ નદીના દક્ષિણ ભાગના પ્રદેશો ઉપર સ્થાનિક મુસ્લિમ કબીલાઓને હરાવીને રણજિત સિંહે શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.

સૈયદ અહમદે ફ્રન્ટિયર વિસ્તારના કબીલાઈઓને સાથે લઈને હાઝરા અને પેશાવર ઉપર કબજો કરી લીધો હતો, જોકે હરિ સિંહ નલવાએ તેમને મહાત આપી હતી. દોસ્ત મોહમદ ખાને પણ ઉઝબેક, તૂર્ક, અફ્રિદી અને યૂસુફજઈ કબીલાઓને સાથે લઈને શીખોને પડકાર્યા. લગભગ સાત દિવસની લડાઈ પછી તે પાછા ફરી ગયા.

ખુશવંત સિંહ પોતાના પુસ્તકમાં અઝીમ ખાન, સૈયદ અહમદ તથા દોસ્ત ખાનના હુમલાઓને ધર્મ સાથે જોડે છે અને હુમલાખોરો માટે તે 'જેહાદ' હોવાનું નોંધે છે.

ખાલસા સામ્રાજ્યની હદો

હાલમાં ખાલિસ્તાનને ભારતના પંજાબની સાથે જોડીને જોવામાં આવે છે. તેની ભૌગોલિક સીમાઓ હાલના પાકિસ્તાનના પંજાબ અને તેથી પણ આગળ વિસ્તરે છે. તેની સાથે ભાષા, ભૌગોલિક, ઐતિહાસિક અને ધાર્મિક આયામો પણ જોડાયેલા છે. શીખોના મોટાભાગના ધર્મગુરૂઓ, ધાર્મિકસ્થળો, ઐતિહાસિક સંદર્ભો પંજાબ સાથે જોડાયેલા છે.

પંજાબ શબ્દ મતલબ પંજ (પાંચ) અને આબ (પાણી) સાથે મળીને બન્યો છે. સતલજ, બિયાસ, ચિનાબ, રાવી અને જેલમ નદીઓનો પ્રાંત એટલે પંજાબ. પરંતુ હાલમાં માત્ર સતલજ, રાવી અને બિયાસ નદીઓ ભારતના પંજાબમાં છે, બાકીની બે નદીઓ પાકિસ્તાનના પંજાબમાં વહે છે.

ઐતિહાસિક રીતે 'પંજાબ' નામથી કોઈ પ્રાંત અસ્તિત્વ ધરાવતો ન હતો, પરંંતુ ફારસી ઇતિહાસકારો તેને પંજાબ તરીકે ઓળખતા. મુગલકાળમાં તે 'સુબા-એ-પંજાબ' તરીકે ઓળખાતો અને પછી એ જ નામ પ્રચલિત રહ્યું.

ખાલિસ્તાનનો મતલબ 'ખાલસાઓની ભૂમિ' એટલે કે પવિત્ર લોકોની ભૂમિ એવો થાય છે. બંદા સિંહ બહાદુરે જ્યારે પ્રથમ વખત શીખ શાસનની સ્થાપના કરી ત્યારે 'રાજ કરેગા ખાલસા'ની (હવે ખાલસાઓનું રાજ હશે) વિભાવના જન્મી હતી.

ખુશવંત સિંહે તેમના પુસ્તક 'ધ શીખ્સ'નું ચોથું પ્રકરણ 'શીખ સામ્રાજ્ય અને તેની હદો' વિશે લખ્યું છે. 1802માં રણજિત સિંહે સકરચકિયાઓના શાસનના કેન્દ્રને ગુજરાનવાલાથી ખસેડીને લાહોરમાં પ્રસ્થાપિત કર્યું અને ખડક સિંહના જન્મ પછી 'મહારાજા'ની પદવી ધારણ કરી.

રણજિત સિંહના શાસન ઉપર પહેલું જોખમ પૂર્વમાં કટોચના સંસાર ચંદ નામના ડોગરા શાસકે હોશિયારપુર તથા તેની આસપાસના વિસ્તાર ઉપર કબજો કરી લીધો હતો.

પૂર્વોત્તરમાં ગોરખા શાસક અમર સિંહ થાપાએ જોખમ ઊભું કર્યું હતું. જેઓ ગઢવાલથી ઊતરી આવ્યા હતા. ડોગરા અને ગોરખાની લડાઈ થઈ. બંનેએ રણજિત સિંહની મદદ માગી. 'શેર-એ-પંજાબ' રણજિત સિંહે ડોગરાઓને મદદ કરી અને તેમને ખંડિયા બનાવ્યા. તેમણે સંસાર ચંદનાં બે દીકરીઓ સાથે લગ્ન કર્યાં.

ગોરખાઓને રણજિત સિંહથી જોખમ ઊભું થતું લાગ્યું એટલે તેમણે અંગ્રેજોની મદદ માગી, પરંતુ અંગ્રેજોએ રણજિત સિંહની જમીનનો ઉપયોગ કરીને ગોરખાઓને હઠાવી દીધા. હવે, શીખ-અંગ્રેજ સીમાઓ રાજપૂત વિસ્તારોથી માંડીને ઉત્તરમાં હિમાલય સુધી વિસ્તરેલી હતી.

ખુદ રણજિત સિંહના સામ્રાજ્યની હદો ખૈબર ઘાટથી, કાશ્મીરથી લદ્દાખ, બાલ્ટિસ્તાન અને તિબેટ અને દક્ષિણમાં સિંધ સુધી વિસ્તરેલી હતી.

બીબીસી પંજાબી સેવાના સંવાદદાતા ખુશાલ સિંહ લાલીના કહેવા પ્રમાણે, "મહારાજા રણજિત સિંહે તેમની સીમાઓને ખૈબર ઘાટ સુધી વિસ્તારી હતી અને તેમણે (હાલના) ભારતની ઉપર તુર્ક, અફઘાન અને ઉઝબેક સહિત અન્યોના હુમલાઓને અટકાવ્યા હતા. આ માટે તેમણે સૈનિકોને તહેનાત કર્યા હતા અને કિલ્લાઓનું નિર્માણ પણ કરાવ્યું હતું."

અંગ્રેજો સામે મોટું જોખમ મરાઠાઓનું હતું. ખુશવંત સિંહ લખે છે કે મરાઠાઓએ અંગ્રેજો સામે મદદ કરવા માટે રણજિત સિંહ સામે ટહેલ નાખી, પરંતુ તેમણે માત્ર પંજાબના હિત પૂરતું ધ્યાન આપ્યું હતું. તેમના અંગ્રજો સાથેના મિત્રતાના કરાર પણ હતા.

રણજિત સિંહની સેનામાં રશિયન, ફ્રેન્ચ, અંગ્રેજ, ઇટાલિયન, જર્મન, ગ્રીક, ઑસ્ટ્રિયન એમ અલગ-અલગ યુરોપિયન સૈન્ય અધિકારીઓ હતા અને તેમને તોપ તથા અલગ-અલગ પ્રકારનાં હથિયારો બનાવવાના કામે રાખ્યા હતા. જોકે, મૂળ લડાયક શીખ નિહંગો પ્રત્યે તેમને અણગમો રહ્યો હતો.

ખુશવંત સિંહ તેમના પુસ્તકમાં અંગ્રેજો સાથેના સંબંધને મહારાજા રણજિત સિંહનો 'કૂટનીતિક પરાજય' ગણાવે છે અને તેમણે આવું કેમ કર્યું હશે તેના વિશે અવઢવ રજૂ કરે છે.

પોતાના કાર્યકાળ દરમિયાન રણજિત સિંહે એક તબક્કે કાબુલ ઉપર હુમલો કરવાનું વિચાર્યું હતું, પરંતુ પછી તે વિચાર માંડી વાળ્યો હતો.

શીખ સામ્રાજ્યનું પતન

રણજિત સિંહનું એક લગ્ન નક્કઈ મિસલના વડાનાં બહેન દતાર કૌર સાથે કરવામાં આવ્યું. આમ તો તેમનું સાચું નામ રાજ કૌર હતું, પરંતુ રણજિત સિંહનાં માતાનું નામ પણ રાજ કૌર હોવાને કારણે શીખ પરંપરાનું પાલન કરતા તેમણે પોતાનું નામ બદલી નાખ્યું. દતાર કૌરે ખડક સિંહને જન્મ આપ્યો, જેઓ રણજિત સિંહના ઉત્તરાધિકારી બન્યા.

શીખોમાં સત્તાની સાઠમારી અને કાવાદાવા ચાલતા રહ્યા. રણજિત સિંહના પુત્ર ખડકસિંહને બંધક બનાવીને તેમના પૌત્ર નૌનિહાલ સિંહે પદભાર સંભાળ્યો. ખડક સિંહના મૃત્યુ પછી અંતિમક્રિયામાંથી પરત ફરતી વેળાએ નૌનિહાલ સિંહનું પણ મૃત્યુ થયું.

રણજિત સિંહના પૌત્ર નૌનિહાલ સિંહના મૃત્યુ પછી શેર સિંહે (મેહતાબ કૌરનાં પુત્ર) ગાદી સંભાળી, પરંતુ દગાથી તેમનું પણ મૃત્યુ થયું. અંતે તાજ રણજિત સિંહ અને જિંદ કૌર થકી જન્મેલા દલિપ સિંહને મળ્યો હતો. પાંચ વર્ષની ઉંમરે તેમને તાજ મળ્યો. વહીવટ તેમના કાકા અને માતા કરતા હતા.

આ પછી શીખો અને અંગ્રેજો વચ્ચે બે યુદ્ધ થયાં, જેમાં શીખોનો પરાજય થયો. અંતે 1849માં શીખોનો પરાજય થયો. શીખોએ અંગ્રેજોને લાહોર અને કોહિનૂર હીરો સોંપી દેવા પડ્યા અને શીખ શાસનનું પતન થયું.

દલિપ સિંહને માતાથી અલગ કરીને ફત્તેહગઢમાં ખ્રિસ્તી દંપતીને ત્યાં મોકલી દેવાયા હતા. જીવનના આગળના ભાગમાં તેમણે શીખ ધર્મનો ત્યાગ કરીને ઈસાઈ ધર્મનો અંગીકાર કરી લીધો હતો. શરૂઆતમાં અંગ્રેજો તરફનું વલણ ધરાવતા દલિપસિંહે પાછળથી તેમની વિરૂદ્ધ અભિયાન હાથ ધરવાનું વિચાર્યું હતું, પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને તેમનું મૃત્યુ થયું.

અંગ્રેજ શાસનમાં શીખોનો ઉપયોગ ચીન સામેનાં અફીણ યુદ્ધોમાં, પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો. જોકે, જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી પંજાબમાં અંગ્રેજ શાસન વિરૂદ્ધ ભારે આક્રોશ ઊભો કર્યો હતો, જેણે અનેક ઉગ્રવાદી શીખ સ્વાતંત્ર્ય ચળવળકારોને પ્રેરણા આપી.

બ્રિટીશરોએ કાશ્મીરનું શાસન ડોગરા શાસકને સોંપ્યું હતું, જ્યારે પહાડી વિસ્તારોનું સંચાલન તેમની પાસે રાખ્યું હતું. પંજાબમાંથી જ નવી રાજધાની નવી દિલ્હીની રચના કરી અને તેને કોલકત્તાથી અહીં ખસેડી.

1947માં ભારત અને પાકિસ્તાન એમ બે દેશ વિશ્વના નક્શા ઉપર અસ્તિત્વમાં આવ્યા. પંજાબની છાતી ઉપર લોહિયાળ વિભાજનની રેખાઓ ખેંચાઈ. 1966માં ભાષાના આધારે પંજાબ અને હરિયાણા એમ અલગ-અલગ પ્રાંત અસ્તિત્વમાં આવ્યા. અગાઉથી જ હિમાચલ પ્રદેશનું કેન્દ્રીય સંઘ પ્રદેશ તરીકે અસ્તિત્વ હતું અને આગળ જતાં તેને રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવ્યો.

જરનૈલ સિંહ ભિંડરાવાલેએ પંજાબ સાથે અન્યાય થયો હોવાનો મુદ્દો ઉઠાવીને અલગ ખાલિસ્તાનની માગ વહેતી મૂકી. લગભગ બે દાયકાની હિંસા બાદ પંજાબમાં ફરી શાંતિ સ્થપાઈ.

ફરી એક વખત ખાલિસ્તાનની માગ પંજાબમાં હિંસાનું વાતાવરણ ઊભું કરશે? શું 'ભિંડરાવાલે 2.0' એ હદ સુધી જશે? આ સવાલનો જવાબ હાલમાં કોઈ રાજકીય વિશ્લેષક કે રાજનેતા આપી શકે તેમ નથી.