પંજાબના અજનાલામાં પોલીસ સ્ટેશનને ઘેરી લેનારા અમૃતપાલ સિંહે કેમ કહ્યું કે "'ખાલિસ્તાન ઝિંદાબાદ' કહેવું પણ કાયદેસર છે."

    • લેેખક, અરવિંદ છાબડા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહે પંજાબના અજનાલામાં પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું, તે દરમિયાન ભારે હોબાળો થયો હતો
  • અમૃતપાલ સિંહ તેમના સેંકડો સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, તેમાંથી કેટલાક પાસે બંદૂકો અને તલવારો પણ હતી અને લાઠીઓ ચાલી હતી
  • અમૃતપાલની તુલના ઘણીવાર 1984માં ઓપરેશન બ્લૂસ્ટારમાં માર્યા ગયેલા જરનૈલસિંહ ભિંડરાનવાલે સાથે કરવામાં આવે છે
  • કેટલાક તેને ભિંડરાવાલે 2.0નું નામ પણ આપે છે
  • બીબીસીએ અમૃતપાલ સિંહ સાથે ખાલિસ્તાન અને અજનાલા હિંસા સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી

શું તમને ભારતના બંધારણ પર વિશ્વાસ છે?

એવી વાત નથી, જ્યારે અહીં અંગ્રેજો હતા ત્યારે તેમણે બંધારણ બનાવ્યું હતું. 1947 બાદ તેમાં બહુ ઓછા ફેરફારો થયા છે. આજે પણ ભારતના બંધારણમાં રાજદ્રોહ જેવા કાયદા છે.

મારી વાત એ નથી કે હું તેમાં માનું છું. ભારતનું બંધારણ એવું પણ નથી કહેતું કે શીખ ધર્મ એક અલગ ધર્મ છે. જોકે ગુરુવાણી કહે છે કે અમે ન તો હિંદુ છીએ કે ન તો મુસલમાન છીએ.

અમારો ધર્મ સંપૂર્ણ સ્વતંત્ર છે. તેને કોઈની સાથે લેવાદેવા નથી. તોપણ કલમ 125 (B) માં તેઓ લખે છે કે શીખો હિન્દુ અથવા સનાતન નામના મોટા વૃક્ષની શાખા છે. અમને આની સામે પણ વાંધો છે.

મેં તમારું નિવેદન ક્યાંક વાંચ્યું છે કે તમે તમારી જાતને ભારતીય નથી માનતા?

ભારતીય ઓળખ એ બ્રિટિશ લોકો દ્વારા આપવામાં આવેલી 'અંબ્રેલા ટર્મ' છે, તેઓ તેમને 'રેડ ઈન્ડિયન' પણ કહ્યાં હતાં, તો તેઓ તેને ભેદભાવપૂર્ણ માને છે.

ભારતીય હોવું એ ઓળખ નથી, ભારતીય કોઈ ભાષા નથી, ભારતની કોઈ ભાષા નથી, કોઈ સંસ્કૃતિ નથી.

જો તમે કહો કે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની સંસ્કૃતિ સમાન છે તો તે ખોટું ગણાશે. અહીં ખાનપાન અને ભાષામાં કોઈ સમાનતા નથી.

હું કહું છું કે ભારતીય એ 'અમ્બ્રેલા ટર્મ' છે, તેની નીચે જો મારી ઓળખ સુરક્ષિત હોય તો હું મારી જાતને ભારતીય કહીશ, મારે મારી ઓળખ તો પંજાબી તરીકે જ પ્રમોટ કરવી પડશે.

તમે 'સ્વતંત્ર ખાલિસ્તાન'ની માંગ કરો છો, તમારી સામે રાજદ્રોહનો કેસ કેમ ન થવો જોઈએ?

જુઓ, સુપ્રીમ કોર્ટનો આ આદેશ છે કે તમે ખાલિસ્તાન વિશે શાંતિપૂર્ણ રીતે વાત કરી શકો છો.

લોકશાહીમાં આત્મનિર્ણય એ બહુ આદરણીય બાબત છે. કેનેડા અને અન્ય સ્થળોએ લોકોને સ્વ-નિર્ણયનો અધિકાર મળ્યો છે, ઘણી જગ્યાએ જનમત સંગ્રહ થયો છે. લોકશાહીમાં તેની ઉજવણી થાય છે.

મને લાગે છે કે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે યુગમાં અલગ થવાની વાત કરવી કંઈ ખરાબ વાત નથી. રાજદ્રોહ જેવા કાયદા કોલોનિયલ (વસાહતી) કાયદા છે, તેનો આજે અમલ કરવો યોગ્ય નથી.

મને લાગે છે કે સુપ્રીમ કોર્ટનો 2006નો આદેશ છે જેમાં તેઓ કહે છે કે ખાલિસ્તાન વિશે શાંતિપૂર્ણ રીતે વાત કરવી, ખાલિસ્તાનની હિમાયત કરવી, તેના વિશે લખવું અને તેનું વિતરણ કરવું અથવા કૉન્ફરન્સ કરવી એ એકદમ કાયદેસર છે.

'ખાલિસ્તાન ઝિંદાબાદ' કહેવું પણ કાયદેસર છે. જો તમે આમ કરશો તો સુપ્રીમના આદેશને પડકારીને, કાયદા દ્વારા જ કાયદાને જ પડકારશે.

અર્થાત કે તમે શાંતિમાં માનો છો?

અલબત્ત, દરેક વ્યક્તિને શાંતિ ગમે છે. હિંસા અમારા માટે ક્યારેય વિકલ્પ રહી નથી.

પણ તમે જે રીતે અજનાલામાં કર્યું. તમે ત્યાં ગયા. તમારી સાથે હજારો સમર્થકો હતા. તલવારો હતી, બંદૂકો હતી. તમે જે રીતે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા તેને તો શાંતિપૂર્ણ ન ગણી શકાય?

તેને સ્ટૉર્મિંગ (ઘુસી જવું) ન ગણી શકાય. મુદ્દો શું છે તે હું તમને કહું. અમે અહીંથી કહ્યું હતું કે તમે અમને જ્યાં રોકશો ત્યાં અમે અમૃતનો સંચાર કરીશું, ગુરુ ગ્રંથ સાહિબ વિના અમૃતનો સંચાર ન થાય.

એ તો માત્ર પ્રોપેગૅંડા ચલાવવામાં આવે છે કે ધાર્મિક મુદ્દો છે. તેનો તો મુદ્દો નથી.

અમે ત્યાં ગયા ત્યારે લોકોએ અગાઉ ત્રણ સ્તરની બૅરિકેડિંગ હટાવી દીધી હતી. છેલ્લી બૅરિકેડીંગ પોલીસ સ્ટેશનની એકદમ સામે જ હતી.

અમે કહ્યું હતું કે અમે પોલીસ સાથે શાંતિથી વાતચીત કરવા માંગીએ છીએ, તો પોલીસે પ્રથમ લાઠીચાર્જ શરૂ કરી દીધો. તેઓએ તે ન કરવું જોઈએ. તેના જવાબમાં લાઠીઓ ચાલી છે, બંદૂકનો કોઈ ઉપયોગ થયો નથી. આ લોકો જે કહી રહ્યા છે, બંદૂકો તો અમારી સાથે હંમેશાં રહે છે.

લાઇસન્સવાળાં હથિયાર છે. તે અમારી સુરક્ષા માટે છે. અમે ડ્રગ્સ સામે લડી રહ્યા છીએ.

તમે જાણો છો કે તેમાં શું થાય છે, તેમાં અમે સરકાર પાસેથી રક્ષણ તો લઈશું નહીં, તો અમારે ખુદને અમારી સુરક્ષા કરવાની છે. બંદૂકોનો કોઈ ઉપયોગ થયો નહોતો. લાઠીનો ચોક્કસપણે ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ પહેલા પોલીસ તરફથી લાઠીઓ ચલાવવામાં આવી છે.

તો તમે કોર્ટમાં પણ જઈ શકતા હતા?

અમે ઘણા દિવસોથી વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાદમાં કોર્ટ પ્રક્રિયા અપનાવવામાં આવી. પણ તમે જાણો છો કે અહીંની વ્યવસ્થા એવી છે કે તમે બેસી રહો અને કંઈ ન કરો તો પ્રોટેસ્ટ પણ નથી કરતા.

એમ તો કૃષિ કાયદાને પાછા ખેંચવા માટે કોર્ટની પ્રક્રિયા પણ થાત. કોઈને કોઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શક્યું હોત.

વિરોધ પ્રદર્શનો કેમ થાય છે? કોર્ટ તો છે જ. લોકશાહીમાં વિરોધ પ્રદર્શનનો અર્થ શું છે? અર્થ એ છે કે તમને વિરોધ કરવાનો અધિકાર છે.

તમે લોકશાહી પર સવાલ ઉઠાવો છો. તમે શીખોની ગુલામીની વાત કરો છો. તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શું તમારી પાછળ રાજકીય સમર્થન છે?

ના. એવું નથી. તેમણે કહ્યું કે તે વીડિયોના પુરાવા લેશે અને મને લાગે છે કે તેઓ કરશે. તેનું શું કરવું એ અમે જોઈશું. આ કોઈ રાજકીય પીઠબળની વાત નથી, મને જે સમર્થન મળી રહ્યું છે તે મેં ખરીદેલું નથી.

હું મારી જાતે ત્યાં ગયો. મેં લોકોને અપીલ કરી હતી અને તે એક દિવસનો કૉલ હતો અને હજારોની સંગત આવી, તેમ છતાં તેઓએ બધાને રોકી દીધા, તો જેટલી સંગત આવી તે 10-20 ટકા હતી. બાકીનાને રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા.

તમે જ કહો કે જનતાની લાગણી એક પ્રકારનું રાજકીય પીઠબળ જ હોય છે.

શું એવું ન થઈ શકે કે તમે રાજકીય પ્રક્રિયાને અનુસરીને ચૂંટણી લડો, શું તમને ભારત સરકાર અને પંજાબ સરકારમાં વિશ્વાસ નથી?

અમને ભરોસો નથી. ભારતની ચૂંટણી પ્રક્રિયા એવી સ્થિતિમાં ગઈ છે જ્યાં તેનું એક નિશ્ચિત માળખું છે.

જો તમારે તેમાં પ્રવેશ કરવો હોય અથવા સફળતા મેળવવી હોય તો તમારે સમાધાન કરવું પડે. પંજાબમાં મુખ્યમંત્રી પાસે કોઈ સત્તા નથી. કેન્દ્ર સરકારની પંજાબમાં એટલી દખલગીરી છે કે તેઓ કંઈ કરી શકતા નથી.

પંજાબના પાણી પર કોઈ નિર્ણય નથી લઈ શકતા. પંજાબના અધિકારો અંગે કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં નથી.

જો તેઓ કરે તો તેમને પડકારવામાં આવે છે. ત્યારે એમ કહેવું કે મારે ચૂંટણી લડવી અને આમ કરવું, એ મોટી નિષ્ફળતા છે.

પંજાબમાં નવી સરકાર છે. આમ આદમી પાર્ટીની સરકાર પહેલીવાર ચૂંટાઈ છે, સરકાર કેમ કંઈ કરી રહી નથી?

તમને જણાવી દઉં કે સરકાર ચૂંટાઈને આવી. ભગવંત માને ખાલી કરેલી સીટ પર તેઓ ચૂંટણી હારી ગયા. ખાલિસ્તાની સાંસદે તેમને હરાવ્યા.

તમે જુઓ કે પંજાબમાં રાજકીય સ્થિતિ શું છે. જે પાર્ટી આટલી બહુમતી લઈને આવે છે, તેનો અર્થ એ નથી કે લોકોએ તેને સમર્થન આપ્યું.

એનો અર્થ એ થયો કે તમામ રાજકીય પક્ષોને નકારી કાઢવામાં આવ્યા હતા.

તેમની અપ્રસ્તુતતાને કારણે તેમને જગ્યા મળી. પરંતુ તેનો અર્થ એ નથી કે તેમનામાં ક્ષમતા છે.

બે-ત્રણ મહિનામાં તેમની હાલત એવી થઈ ગઈ કે તેઓ પોતાની સીટ બચાવી શક્યા નહીં.

આવું કેમ થયું?

કારણ કે પંજાબમાં અનરેસ્ટ (અશાંતિ) છે. રાજકીય અસ્થિરતા છે. અગાઉ તમે યુવાનોને પાંચ વર્ષ સુધી રોકી શકતા હતા. નવી પાર્ટી આવતી હતી. બે ત્રણ વર્ષ તો તેનો હનીમૂન પિરિયડ ચાલતો હતો.

આખરમાં તેઓ વાયદા કરતા હતા, હવે સ્થિતિ એવી છે કે જો તમે એક-બે મહિનામાં પરિણામ નહીં આપો તો તમને નકારી દેવામાં આવશે.

આજે લોકોના મનમાં સરકાર સામે એટલો ગુસ્સો છે, હજુ તો આ સરકારને એક વર્ષ પણ પૂરું નથી થયું.

એક વર્ષમાં જે કંઈ પણ બન્યું, પછી તે સિદ્ધુ મુસેવાલાની હત્યા હોય કે બીજું કંઈ. આપણે એ વિચારવાનું છે કે પંજાબમાં લોકોના જે અનરેસ્ટ છે તેનો ઉકેલ કેવી રીતે શોધવો.

આજના વાતાવરણને લઈને લોકોમાં એક ડર છે, તમારા માટે એ ચિંતાનો વિષય નથી?

હું તો એનું સમાધાન શોધવામાં જ લાગ્યો છું. સમાજમાં ડરનું વાતાવરણ કેમ સર્જાયું? તે હિંસા દ્વારા બનાવવામાં આવ્યુંને? સરકારની હિંસાએ ડરની સ્થિતિ ઊભી કરી દીધી. નહીં તો આઝાદીની વાત કરવી, સાર્વભૌમત્વની વાત કરવી, સ્વરાજ્યની વાત કરવી કેવી રીતે ડરનું કારણ હોઈ શકે.

સરકારે એવું વાતાવરણ ઊભું કર્યું. લોકો પોલીસથી ડરવા લાગ્યા. આપણે આનો ઉકેલ લાવવો જોઈએ.

સામાન્ય લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસને માનવાધિકારની પરવા નથી. સજા પૂરી કરી ચૂકેલા અમારા શીખ બહાર નથી આવી રહ્યા. નવા શીખોને જેલમાં પુરવામાં આવી રહ્યા છે.

લોકોમાં ડર છે કે પંજાબ 1980ના જમાનામાં પાછું તો નથી જઈ રહ્યુંને?

તે કોણ લઈ જશે? જો અજનાલાની જ વાત કરીએ તો પહેલા ખોટી ઍફઆઈઆર થઈ, પહેલા દિવસે પણ હું ત્યાં જઈ શક્યો હોત.

અમે સાત દિવસ રાહ જોઈ. ત્યાં જે થયું તે પહેલા પણ થઈ શકતું હતું, તેનો અર્થ શું હતો, તેનો અર્થ એ છે કે તેઓ બિલકુલ ગંભીર નથી.

કેન્દ્ર સરકાર પણ કહે છે કે તેઓ શીખોના ભારે શુભચિંતક છે.

પંજાબમાં અનેક મોરચા કાર્યરત છે. હું તો નથી લગાવતો. તેનો મૂળમાંથી ઉકેલ લાવવો જોઈએ.

મૂળ કારણો શું છે? તે છે - શીખોને લઈને સરકારની નીતિઓ.

જો તેને નહીં બદલે તો તે ક્યાં જશે, તે કહેવું કોઈના હાથમાં નથી.