RAWના કમાન્ડોએ ભિંડરાવાલેનું જ્યારે હેલિકૉપ્ટરથી અપહરણ કરવાની યોજના ઘડી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

1982નો અંત આવતાં સુધીમાં પંજાબમાં સ્થિતિ જ્યારે ઘણી બેકાબૂ બની ગઈ ત્યારે રૉ (રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ)ના ભૂતપૂર્વ પ્રમુખ રામનાથ કાવે હેલિકૉપ્ટરથી ઑપરેશન કરીને ભિંડરાવાલેનું પહેલાં ચોક મહેતા ગુરુદ્વારામાંથી અને પછી સુવર્ણમંદિરમાંથી અપહરણ કરવાની યોજના પર વિચારવાનું શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન કાવે બ્રિટિશ ઉચ્ચાયુક્તમાં કામ કરતી બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI6ના બે જાસૂસો સાથે ખાનગીમાં મુલાકાત કરી હતી.

રૉના ભૂતપૂર્વ અધિક સચિવ વી. રમણ 'કાવબોય્ઝ ઑફ રૉ'માં લખે છે કે, ડિસેમ્બર 1983માં MI6ના બે જાસૂસોએ સુવર્ણમંદિરનું નિરીક્ષણ કર્યું હતું. તેમાં ઓછામાં ઓછો એક માણસ એ જ હતો જેમને કાવ મળ્યા હતા.

આ નિરીક્ષણનું અસલી કારણ ત્યારે સ્પષ્ટ થયું જ્યારે બ્રિટિશ સંશોધનકર્તા અને પત્રકાર ફિલ મિલરે ક્યૂમાં બ્રિટિશ આર્કાઇવ્ઝમાંથી બ્રિટિશ કમાન્ડો ફોર્સ એસએએસની શ્રીલંકામાં ભૂમિકા વિશે માહિતી લેવાનો પ્રયાસ કર્યો હતો.

તેમને કેટલાક પત્રો મળ્યા જેના પરથી ખબર પડી કે ભારતના કમાન્ડો ઑપરેશનની યોજનામાં બ્રિટનની મદદ લેવામાં આવી હતી.

30 વર્ષ પછી આ પત્રો ડિક્લાસિફાઈ થયા ત્યારે જાણવા મળ્યું કે વડા પ્રધાન માર્ગારેટ થેચર MI6ના પ્રમુખ મારફત કાવે મોકલેલી વિનંતી સ્વીકારી લીધી હતી. જેના હેઠળ બ્રિટનની એલિટ કમાન્ડો ફોર્સના એક ઑફિસરને દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

બ્રિટિશ સરકારની તપાસમાં હકીકત બહાર આવી

ભારતે તે બ્રિટિશ ઑફિસર પાસેથી સલાહ મેળવી કે સુવર્ણમંદિરમાં છુપાયેલા શીખ ઉગ્રવાદીઓને બહાર કેવી રીતે કાઢવા.

ફિલ મિલરે 13 જાન્યુઆરી, 2014ના રોજ પ્રકાશિત બ્લૉગ 'રિવિલ્ડ એસએએસ ઍડવાઇઝ્ડ અમૃતસર રેડ'માં આની જાણકારી આપીને ઇંદિરા ગાંધીની ટીકા કરી હતી.

કારણ કે એક તરફ ઇંદિરા ગાંધી શ્રીલંકામાં બ્રિટિશ જાસૂસી એજન્સીની દખલગીરીના વિરોધી હતાં, જ્યારે બીજી તરફ સુવર્ણમંદિરના ઑપરેશનમાં તેમને બ્રિટિશ એજન્સીની મદદ લેવામાં કોઈ વાંધો ન હતો.

બ્રિટિશ સંસદમાં વિવાદ થયો ત્યારે જાન્યુઆરી 2014માં વડા પ્રધાન કેમરુને તેની તપાસના આદેશ આપ્યા હતા.

તપાસના પગલે બ્રિટનના વિદેશમંત્રી વિલિયમ હેગે સ્વીકાર્યું કે એસએએસના એક અધિકારીએ 8 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી, 1984 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી અને ભારતની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના કેટલાક અધિકારીઓની સાથે સુવર્ણમંદિરમાં ગયા હતા.

તે સમયે બીબીસીએ જ અહેવાલ આપ્યો હતો કે 'બ્રિટિશ ગુપ્તચર અધિકારીની સલાહ હતી કે સૈનિક ઑપરેશનને અંતિમ વિકલ્પ તરીકે જ અજમાવવામાં આવે. તેમણે એમ પણ સલાહ આપી કે ઉગ્રવાદીઓને બહાર કાઢવા માટે હેલિકૉપ્ટર દ્વારા દળોને મંદિર પરિસરમાં ઉતારવામાં આવે જેથી ઓછામાં ઓછી જાનહાનિ થાય.'

અપહરણ માટે હેલિકૉપ્ટરનો ઉપયોગ થવાનો હતો

બ્રિટિશ સંસદમાં આ વિષે થયેલી ચર્ચાની નોંધ કરતા ઇન્ડિયા ટુડેના વરિષ્ઠ પત્રકાર સંદીપ ઉન્નિથને આ મૅગેઝિનના 31 જાન્યુઆરી, 2014ના અંકમાં 'સ્નેચ ઍન્ડ ગ્રેબ' શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું કે આ ગુપ્ત ઑપરેશનને 'ઑપરેશન સનડાઉન' નામ આપવામાં આવ્યું હતું.

આ લેખમાં જણાવાયું છે કે, "યોજના એવી હતી કે ભિંડરાવાલેને ગુરુ નાનક નિવાસથી પકડીને હેલિકૉપ્ટર દ્વારા બહાર લઈ જવા. આ યોજનાને ઇંદિરા ગાંધીના વરિષ્ઠ સલાહકાર રામનાથ કાવની હાજરીમાં તેમના 1 અકબર રોડ ખાતેના નિવાસસ્થાને તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પરંતુ ઇંદિરા ગાંધીએ એમ કહીને આ યોજના ફગાવી દીધી કે તેમાં ઘણા લોકો માર્યા જવાની શક્યતા છે."

ભારતીય સુરક્ષા એજન્સીઓએ ભિંડરાવાલેને તેમની છુપાવાની જગ્યાએથી પકડવાની યોજના ઘડી હોય તેવો આ પ્રથમ પ્રસંગ ન હતો.

કાવ તે સમયે પણ ભિંડરાવાલેને પકડવાની યોજના બનાવતા હતા જ્યારે તેઓ ચોક મહેતામાં રહેતા હતા ત્યારપછી 19 જુલાઈ, 1982ના દિવસે ગુરુ નાનક નિવાસમાં શિફ્ટ થઈ ગયા હતા.

કાવે નાગરાનીને ભિંડરાવાલેને પકડવાની જવાબદારી સોંપી

રૉમાં વિશેષ સચિવ તરીકે પદ પર કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદેશમંત્રી સ્વર્ણ સિંહના જમાઈ જીબીએસ સિદ્ધુનું એક પુસ્તક "ધ ખાલિસ્તાન કૉન્સ્પિરસી" પ્રકાશિત થયું છે, જેમાં તેમણે ભિંડારાવાલેને પકડવાની આ યોજના પર પ્રકાશ ફેંક્યો છે.

તે જમાનામાં 1951ની બેચના આંધ્રપ્રદેશ કેડરના રામ ટેકચંદ નાગરાની ડીજીએસ એટલે કે ડાયરેક્ટર જનરલ સિક્યૉરિટી હતા. રૉનું એક કમાન્ડો યુનિટ હતું એસએફએફ. તેમાં સેના, બીએસએફ, અને સીઆરપીએફમાંથી પસંદ કરવામાં આવેલા 150 ચુનંદા જવાન સામેલ હતા.

આ યુનિટ પાસે પોતાના બે એમઆઈ હેલિકૉપ્ટર હતા. આ ઉપરાંત જરૂર પડે ત્યારે એવિયેશન રિસર્ચ સેન્ટરનાં વિમાનોનો પણ ઉપયોગ કરી શકતા હતા.

1928માં જન્મેલા નાગરાની હજુ પણ દિલ્હીમાં રહે છે. નાદુરસ્ત તબિયતના કારણે હવે તેઓ વાત કરી શકવાની સ્થિતિમાં નથી. સિદ્ધુએ બે વર્ષ અગાઉ પોતાના પુસ્તકના અનુસંધાને તેમની સાથે ઘણી વખત વાત કરી હતી.

જીબીએસ સિદ્ધુ જણાવે છે, "નાગરાનીએ મને જણાવ્યું કે ડિસેમ્બર 1983ના અંતમાં કાવે મને પોતાની ઑફિસે બોલાવીને ભિંડરાવાલેનું અપહરણ કરવા માટે એસએફએફ હેલિકૉપ્ટર ઑપરેશનની જવાબદારી સોંપી હતી.""ભિંડરાવાલેનું અપહરણ સુવર્ણમંદિરના લંગરની છત પરથી કરવાનું હતું જ્યાં તેઓ દરરોજ સાંજે પોતાનો સંદેશ આપતા હતા.""આ માટે બે એમઆઈ હેલિકૉપ્ટરો અને કેટલાંક બુલેટપ્રૂફ વાહનોની વ્યવસ્થા કરવાની હતી, જેથી ભિંડરાવાલેને ત્યાંથી કાઢીને નજીકના રસ્તા પર પહોંચાડી શકાય. તેના માટે નાગરાનીએ સીઆરપીએફના જવાનો દ્વારા આ ક્ષેત્રમાં ત્રણ સ્તરની ઘેરાબંધી કરવાની યોજના ઘડી હતી."

સુવર્ણમંદિરમાં જાસૂસી

સિદ્ધુ આગળ જણાવે છે, "ઑપરેશનની યોજના ઘડતા પહેલાં નાગરાનીએ એસએફએફના એક કર્મચારીને સુવર્ણમંદિરની અંદર મોકલ્યો હતો, જેણે થોડા દિવસો સુધી ત્યાં રહીને આ જગ્યાનો એક વિસ્તૃત નકશો બનાવ્યો હતો."

"આ નકશામાં મંદિરના પરિસરમાં ઘૂસવાની અને ત્યાથી બહાર નીકળવાની સૌથી સારી જગ્યા દર્શાવવામાં આવી હતી. તેમને ભિંડરાવાલે અને તેમના સાથીદારોની અકાલ તખ્ત પર તેમના નિવાસથી લઈને લંગરની છત સુધીની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે પણ જણાવાયું હતું."

"આ વ્યક્તિને એમ પણ જણાવાયું હતું કે તે હેલિકૉપ્ટર કમાન્ડો દ્વારા ભિંડરાવાલેનું અપહરણ કરવાના યોગ્ય સમય વિશે પણ સલાહ આપે."

"ત્રણ કે ચાર દિવસમાં તમામ માહિતી એકઠી કરી લેવાઈ હતી. ત્યાર પછી સુવર્ણમંદિર પરિસરના લંગરના વિસ્તારમાંથી નીકળવાના રસ્તાનું એક મોડલ સહારનપુર નજીક સરસવામાં તૈયાર કરવામાં આવ્યું હતું."

દોરડાની મદદથી કમાન્ડોને ઉતારવાના હતા

નાગરાનીએ સિદ્ધુને જણાવ્યું કે હેલિકૉપ્ટર ઑપરેશનથી પહેલાં સીઆરપીએફના સશસ્ત્ર જવાનો દ્વારા મંદિર પરિસરની બહાર એક ઘેરો બનાવવાનો હતો, જેથી ઑપરેશન પૂરું થાય ત્યાં સુધી સામાન્ય લોકો પરિસરની અંદર કે બહાર જઈ ન શકે.

એસએફએફ કમાન્ડોની બે ટુકડીઓને બહુ નીચી ઉડાન ભરતાં હેલિકૉપ્ટરો દ્વારા દોરડા મારફત તે જગ્યાએ ઉતારવાના હતા, જ્યાં ભિંડરાવાલે પોતાનું પ્રવચન આપતા હતા.

આ માટે ભિંડરાવાલે તેમનું વક્તવ્ય પૂરું કરવાની તૈયારીમાં હોય તેવો સમય પસંદ કરવામાં આવ્યો, કારણ કે તે સમયે તેમની આસપાસ સુરક્ષા બંદોબસ્ત થોડો નબળો પડી જતો હતો.

યોજના એવી હતી કે કેટલાક કમાન્ડો ભિંડરાવાલેને પકડવા માટે દોડશે અને કેટલાક તેમના સુરક્ષા ગાર્ડને કાબૂમાં લેશે.

એવો અંદાજ હતો કે કમાન્ડોને જોતા જ ભિંડરાવાલેના ગાર્ડઝ ગોળી વરસાવવાની શરૂઆત કરી દેશે.

એવું પણ અનુમાન હતું કે કમાન્ડો નીચે ઊતરે તે પહેલાં જ કદાચ તેમના પર ગોળીબાર શરૂ થઈ જશે.

આ જોખમ ટાળવા માટે એસએફએફ કમાન્ડોને બે ટુકડીમાં વહેંચવાના હતા.

એક ટુકડી સુવર્ણમંદિર પરિસરમાં એવી જગ્યાએ રહેવાની હતી જ્યાંથી તેઓ ભિંડરાવાલેના ગર્ભગૃહમાં ભાગી જવાના રસ્તાને બંધ કરી દે.

બીજી ટુકડી લંગર પરિસર અને ગુરુ નાનક નિવાસ વચ્ચેના રસ્તા પર પોતાનાં બુલેટપ્રૂફ વાહનો સાથે તૈયાર રહેવાની હતી જેથી કમાન્ડો દ્વારા પકડવામાં આવેલા ભિંડરાવાલેને પોતાના કબજામાં લઈને અગાઉથી નિર્ધારિત સ્થળે પહોંચાડી શકાય.

હેલિકૉપ્ટરની અંદર અને જમીન પર હાજર તમામ કમાન્ડોને ખાસ આદેશ હતા કે ભિંડરાવાલેને કોઈ પણ સંજોગોમાં હરમંદિર સાહેબના ગર્ભગૃહમાં શરણ લેવા દેવામાં ન આવે, કારણ કે તેઓ ત્યાં પહોંચી જાય તો ભવનને ભારે નુકસાન પહોંચાડ્યા વગર ભિંડરાવાલેને કબજામાં લેવાનું અશક્ય હતું.

નાગરાનીએ જણાવ્યા પ્રમાણે સુવર્ણમંદિરના મૉડલને માર્ચ 1984માં એસએફએફ કમાન્ડોઝની સાથે દિલ્હી શિફ્ટ કરી દેવાયું હતું, જેથી સીઆરપીએફ સાથે તેમનું વધુ સારી રીતે સંકલન થઈ શકે. ત્યાં સુધી એ નક્કી હતું કે આ ઑપરેશનમાં માત્ર એસએફએફના જવાનો જ ભાગ લેશે. સેના દ્વારા બાદમાં કરવામાં આવેલા ઑપરેશન બ્લૂસ્ટારની તો યોજના પણ બની ન હતી.

કાવ અને નાગરાનીએ ઇંદિરા ગાંધીને યોજના સમજાવી

એપ્રિલ 1984માં કાવે નાગરાનીને જણાવ્યું કે ઇંદિરા ગાંધી આ હેલિકૉપ્ટર ઑપરેશન વિશે સંપૂર્ણ બ્રિફિંગ ઇચ્છે છે. નાગરાની શરૂઆતમાં ઇંદિરા ગાંધીને બ્રિફિંગ કરતા ખચકાતા હતા.

તેમણે કાવને જ આ કામ કરવા માટે જણાવ્યું, કારણ કે કાવને આ યોજનાનાં દરેક પાસાંની જાણકારી હતી. ત્યારપછી કાવના આગ્રહને કારણે નાગરાની કાવની હાજરીમાં ઇંદિરા ગાંધીને બ્રિફ કરવા માટે તૈયાર થઈ ગયા.

તે બ્રિફિંગની માહિતી આપતા નાગરાનીએ જીબીએસ સિદ્ધુને જણાવ્યું કે બધું સાંભળી લીધા પછી ઇંદિરા ગાંધીએ પહેલો સવાલ એ કર્યો કે આ ઑપરેશનમાં કેટલા લોકો માર્યા જવાની શક્યતા છે? મારો જવાબ હતો કે, "શક્ય છે કે આપણે બંને હેલિકૉપ્ટર ગુમાવી દઈએ. મોકલવામાં આવેલા કુલ કમાન્ડોમાંથી કદાચ 20 ટકા માર્યા જવાની શક્યતા છે."

ઇંદિરા ગાંધીએ ઑપરેશનને મંજૂરી ન આપી

નાગરાનીએ સિદ્ધુને જણાવ્યું કે ઇંદિરા ગાંધીનો બીજો સવાલ એ હતો કે આ અભિયાનમાં કેટલા સામાન્ય લોકોના જીવ જઈ શકે છે?

મારી પાસે આ સવાલનો કોઈ જવાબ ન હતો. આ ઑપરેશન વૈશાખીની આસપાસ 13 એપ્રિલે કરવાનું હતું. તે દિવસે સુવર્ણમંદિરમાં કેટલા લોકો હાજર હશે તેનો અંદાજ બાંધવો મારા માટે મુશ્કેલ હતો.

આખરે મારે કહેવું પડ્યું કે આ ઑપરેશન દરમિયાન અમારી સામે આવનારા 20 ટકા લોકો માર્યા જાય તેવી શક્યતા છે.

ઇંદિરા ગાંધીએ થોડી સેકન્ડ સુધી વિચાર કરીને કહ્યું કે તેઓ આટલી મોટી સંખ્યામાં સામાન્ય લોકો માર્યા જાય તેનું જોખમ ઉઠાવી ન શકે. ઑપરેશન સનડાઉનને તે સમયે જ નામંજૂર કરવામાં આવ્યું.

આ કાર્યવાહીમાં ઘણી મોટી સંખ્યામાં લોકો માર્યા જશે એમ કહીને ઑપરેશન સનડાઉનને અસ્વીકાર કર્યાના ત્રણ મહિનામાં જ સરકારે 'ઑપરેશન બ્લૂસ્ટાર' પાર પાડ્યું.

તેમાં ઘણી મોટી સંખ્યામાં સૈનિકો અને સામાન્ય લોકોના જીવ ગયા અને ઇંદિરા ગાંધીએ તેની બહુ મોટી રાજનૈતિક કિંમત ચૂકવવી પડી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો