અંગ્રેજોના નાક નીચે સિક્રેટ રેડિયોસ્ટેશન ચલાવનારાં ગુજરાતી મહિલાની કહાણી

    • લેેખક, રવિ પરમાર અને પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

"હું તમને આજે એક મંત્ર આપવા માગું છું, જે તમે તમારા દિલમાં બેસાડી દો. તમારા શ્વાસેશ્વાસમાં આ મંત્રને ભરી દો. આ મંત્ર છે - કરો યા મરો."

તારીખ હતી 8 ઑગસ્ટ 1942 અને સ્થળ હતું ગોવાલિયા ટૅન્ક મેદાન, બૉમ્બે (હાલનું મુંબઈ).

વિશાળ જનમેદની હતી અને અંગ્રેજ હકૂમત વિરુદ્ધનાં સૂત્રોચ્ચારથી વાતાવરણ ગૂંજી રહ્યું હતું. આ સમયે મોહનદાસ કરમચંદ ગાંધી ઊભા થાય છે અને આ ઐતિહાસિક ભાષણ આપે છે.

આ વખતે જ મુંબઈમાં કૉલેજમાં અભ્યાસ કરતાં એક યુવતી અને તેમના સાથીઓનાં મનમાં એક વિચાર આકાર લઈ રહ્યો હતો. એ યુવતી એટલે ઉષા મહેતા અને વિચાર એટલે કૉંગ્રેસનું 'સિક્રેટ રેડિયોસ્ટેશન'.

ઉષા મહેતાને ભારતની સ્વતંત્રતા બાદ વર્ષ 1998માં પદ્મવિભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં.

ઉષા મહેતાના જીવનની કહાણી હવે ફિલ્મ તરીકે લોકો સામે આવી રહી છે. ઍમેઝોન પ્રાઇમ વીડિયો પર આવનારી ફિલ્મ 'એ વતન મેરે વતન' રિલીઝ થઈ રહી છે. જે ઉષા મહેતાના જીવન પર આધારિત છે.

ગુજરાતી યુવતીનો 'સિક્રેટ રેડિયો'

ગાંધીજીએ આપેલો 'કરો યા મરો'નો નારો ઉષા મહેતાએ જાણે ઝીલી લીધો. હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો હતો, 'અંગ્રેજો ભારત છોડો.'

'ભારત છોડો' આંદોલનની હાકલ સાથે જ ગિન્નાયેલી અંગ્રેજી હકૂમતે ગાંધીજી અને અન્ય કૉંગ્રેસી નેતાઓને પકડીને જેલમાં ધકેલી દીધા હતા.

નેતાઓને જેલમાં કેદ કરી આંદોલનની કમર તોડી દેવાની યોજના હતી પણ બીજી તરફ લડવૈયાઓ છૂપી રીતે ચળવળ આદરી રહ્યા હતા.

ગાંધીજીએ જગાવેલી 'હિંદ છોડો ચળવળ'ને વધુ બળવત્તર બનાવવા 'ગુપ્ત રેડિયોસ્ટેશન' આકાર લઈ રહ્યું હતું, જેનું નામ 'કૉંગ્રેસ રેડિયો' તરીકે ઇતિહાસમાં નોંધાયેલું છે.

"જ્યારે પ્રેસનું મોઢું પરાણે બંધ કરાવી દેવાશે અને તમામ સમાચારો પર પ્રતિબંધ હશે એવા વખતમાં દેશના છેવટના ખૂણા સુધી વિદ્રોહના સંદેશા પહોંચાડવામાં રેડિયો ટ્રાન્સમિટર ખપ લાગશે, એવો વિચાર અમારાં મનમાં હતો." આ શબ્દો ડૉ. ઉષા મહેતાના છે.

વર્ષ 1969માં 30મી ઑક્ટોબરે ઉષા મહેતાનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જે યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજના સેન્ટર ઑફ સાઉથ ઍશિયન સ્ટડીઝના આર્કાઇવમાં સચવાયેલો છે.

ઑગસ્ટમાં બૉમ્બે ખાતે યોજાયેલા ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સત્રમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મોલાના આઝાદ અને અન્ય નેતાઓનાં ભાષણો સાંભળ્યાં બાદ ઉષા મહેતા અને તેમના સાથીઓ 'સિક્રેટ રેડિયોસ્ટેશન'ની તેમની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવા મક્કમ થઈ ગયાં હતાં અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

અંગ્રેજી હકૂમતમાંથી મુક્ત થવા માટે ચાલી રહેલી ચળવળમાં આ રેડિયો 'સ્વતંત્રતાનો અવાજ' બનીને આવ્યો.

દેશભરમાં ચાલી રહેલી આઝાદીની લડતના સમાચાર પ્રસારિત કરવા અને ભારતીયોને અંગ્રેજ સરકાર સામે એકઠા કરવાના હેતુ સાથે આ 'ગુપ્ત રેડિયો' શરૂ કરવાનો વિચાર હતો.

આઝાદીની ચળવળ દરમિયાન મોટા ભાગનાં અભિયાનોમાં સામે આવતો પ્રશ્ન ઉષાબહેન અને તેમના સાથીઓને પણ નડતો હતો અને એ પ્રશ્ન એટલે પૈસા ક્યાંથી એકઠા કરવા?

ડૉ. મહેતા ઇન્ટરવ્યૂમાં કહે છે, "અમારાંમાંથી કેટલાંકના પરિવારજનો તેમનાં ઘરેણાં આપવા તૈયાર હતા પણ અમે એવું ઇચ્છતાં નહોતાં."

ઉષા મહેતા અને તેમના સાથીઓએ તેમના ટેકનિકલ બાબતોના નિષ્ણાત મિત્રનો સંપર્ક સાધ્યો અને તેમણે 13મી ઑગસ્ટે ટ્રાન્મિટર તૈયાર કરી આપ્યું.

આ દરમિયાન ઉષા મહેતાને જાણ થાઈ કે અન્ય કેટલાક સમૂહો અને લડવૈયાઓ પણ આવું જ કોઈ કામ કરવાની તૈયારીમાં છે, તેમણે તેમનો સંપર્ક કર્યો.

જેના પરિણામાં સ્વરૂપે ડૉ. રામમનોહર લોહિયાનો પત્ર આવ્યો હતો.

તેઓ ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ કરે છે એ પ્રમાણે રામમનોહર લોહિયાનો પત્ર મળ્યા બાદ તેઓ તેમના સાથી બાબુભાઈ વિઠ્ઠલભાઈ સાથે રેડિયોની શરૂઆત કરતાં પહેલાં તેમને મળવા માટે ગયાં હતાં.

'પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો' સાથેની વાતચીતમાં ઉષા મહેતા કહે છે, "14 ઑગસ્ટના રોજ અમે પહેલું પ્રસારણ કર્યું હતું."

એ પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો હતો.

આ રેડિયો કાર્યક્રમનું પ્રસારણ બૉમ્બેથી છૂપી રીતે કરવામાં આવતું હતું, જેથી પોલીસ ભાંડાફોડ ન કરી શકે.

'અનટોલ્ડ સ્ટોરી ઑફ બ્રૉડકાસ્ટિંગ ડ્યુરિંગ ક્વિટ ઇન્ડિયા મુવમૅન્ટ' પુસ્તક પ્રમાણે આ 'ગુપ્ત રેડિયોસ્ટેશન' સાથે બૉમ્બેના 20 વર્ષના ગુજરાતી સ્વાતંત્ર્યસેનાની વિઠ્ઠલદાસ ખખ્ખર, 23 વર્ષના ચંદ્રકાંત ઝવેરી, 28 વર્ષના વિઠ્ઠલદાસ ઝવેરી, મુંબઈના જગનાથ ઠાકુર, 40 વર્ષના પારસી ઇજનેર નરીમન પ્રિન્ટર અને તેમના આસિસ્ટન્ટ મિર્ઝા પણ જોડાયેલા હતા.

22 વર્ષનાં યુવાન અને નીડર યુવતી ઉષાબહેન મહેતાનું આમાં સૌથી મહત્ત્વનું યોગદાન હતું.

કોણ હતાં ઉષા મહેતા?

સીતા ઓઝાના પુસ્તક 'હોમેજ ટુ ઉષા મહેતા' પ્રમાણે તેમનો જન્મ વર્ષ 1920માં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં 25મી માર્ચે થયો હતો.

તેમના પિતાજી જજ હતા અને પિતા નિવૃત્ત થતાં તેમની સાથે 1933 ઉષાબહેન મુંબઈ જઈને વસ્યાં હતાં.

નવીન જોષી દ્વારા સંપાદિત 'ફ્રીડમ ફાઇટર રિમેમ્બર' પુસ્તક પ્રમાણે ઉષા મહેતા નાની વયથી જ પિકેટિંગ, સરઘસ અને ખાદીસેવક તરીકે રેંટિયો કાંતવા જેવાં કાર્યક્રમોમાં ભાગ લેતાં હતાં.

બ્રિટિશ શાસનવિરોધી પત્રિકાઓનું વિતરણ કરવું અને પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું એવી કામગીરીઓ તેમને સોંપવામાં આવતી હતી.

આ જ પુસ્તકમાં ચંદ્રિકા વ્યાસે લીધેલો તેમનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત કરાયો છે.

આ ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "મેં બ્રિટિશ હકૂમત સામે સૌથી પહેલો નારો 'સાયમન ગો બૅક'નો પોકાર્યો હતો અને એ 1928ની વાત છે, ત્યારે હું માત્ર આઠ વર્ષની હતી."

એ વખતે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને 'મંજારસેના' બનાવી હતી. એનું કારણ આપતાં તેઓ કહે છે, "છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે અમે છોકરીઓએ મંજારસેના બનાવી હતી."

ઉષાબહેન આઝાદી આંદોલનમાં ઝંપલાવનારાં પરિવારનાં પ્રથમ સભ્ય નહોતાં, તેમનાં કાકા-કાકી અને અન્ય પરિવારજનો આઝાદીની લડાઈમાં સક્રિય હતાં અને એ માહોલ આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાવવા માટે પૂરતો હતો.

તેઓ આ મુલાકાતમાં કહે છે કે તેમને કોઈ પ્રેરણાની જરૂર જ નહોતી પડી, માહોલ જે એવો હતો કે તમે પ્રેરાઈ જાઓ.

જોકે તેમના પિતા તેમના ચળવળમાં જોડાવવાથી નારાજ હતા, કેમકે તેઓ 'બ્રિટિશ રાજ'માં જજ તરીકે ફરજ બજાવતા હતા.

'હિંદ છોડો' ચળવળ વખતે તેઓ સક્રિય રીતે જોડાયાં અને ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ કરી, જેમાં 'સિક્રેટ રેડિયોસ્ટેશન' પણ સામેલ છે.

'હિંદ છોડો' ચળવળ વખતે તેમની ધરપકડ કરાઈ અને જેલમાં કેદ કરાયાં હતાં. તેમના કહેવા પ્રમાણે તેમને આઇસોલેશન સેલમાં રાખવામાં આવ્યાં હતાં અને સીઆઈડી દ્વારા તેમની પૂછપરછ કરાતી હતી.

તેઓ કહે છે, "માનસિક ત્રાસ આપવાનો ક્રમ છ મહિના સુધી ચાલ્યો હતો. મને લાલચ પણ આપવામાં આવતી હતી પણ ભગવાનનો આભાર કે હું ન ડગી."

તેઓ 1942થી 1946, એમ ચાર વર્ષ સુધી જેલમાં રહ્યાં હતાં.

કેદમાંથી બહાર આવ્યાં બાદ તેમણે 'મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર' વિષય પર શોધનિંબધ રજૂ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી.

તેમણે 30 વર્ષ માટે એટલે કે 1980 સુધી યુનિવર્સિટી ઑફ બૉમ્બેની વિલ્સન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું હતું અને તેઓ યુનિવર્સિટી ઑફ બૉમ્બેના પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ પણ રહ્યાં હતાં.

તેમણે ગાંધી પીસ ફાઉન્ડેશનના પ્રમુખની પણ જવાબદારી સ્વીકારી હતી.

જીવનના ઉત્તરાર્ધમાં તેઓ મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન તરીકે પણ ફરજ બજાવતાં હતાં.

કેવી રીતે કામ કરતું 'સિક્રેટ રેડિયોસ્ટેશન'?

'This Is the congress Radio calling on (wavelength of) 42.34 m from somewhere in India.' (આ કૉંગ્રેસ રેડિયો છે, વેવલૅન્થ 42.34, ભારતની કોઈ એક જગ્યાએથી.)

આ અવાજ સાથે ગુપ્ત રીતે ચાલતા રેડિયોસ્ટેશનેથી પ્રસારણ શરૂ થતું હતું.

અરુણચંદ્ર ભુયાનના પુસ્તક 'ધ ક્વિટ ઇન્ડિયા મુવમૅન્ટ' પ્રમાણે આ રેડિયોસ્ટેશન સૌપ્રથમ મુંબઈમાં ચોપાટી પાસે (સી વ્યૂ) ઇમારતના સૌથી ઉપરના માળેથી શરૂ કરાયું હતું.

આ રેડિયોસ્ટેશનને ટેકનિકલ મદદ અને માર્ગદર્શન 'શિકાગો રેડિયો ઍન્ડ ટેલિફોન કંપની' દ્વારા પૂરાં પાડવામાં આવતાં હતાં.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો સાથેની વાતચીતમાં મહેતા કહે છે, "અમે રેડિયોનું પ્રસારણ ગુપ્ત રીતે અને અલગ-અલગ સ્થળોએથી કરતાં હતાં, જેથી કરીને અંગ્રેજ સરકારને તેની ભાળ ન મળે."

"અમે ત્રણ મહિના સુધી આ રેડિયોનું પ્રસારણ કરતાં રહ્યાં. આ ત્રણ મહિનામાં અમે સાતથી આઠ વખત સ્ટેશનો બદલ્યાં હતાં."

તેઓ કહે છે, "શરૂઆતમાં અમે અંગ્રેજી અને હિંદીમાં સવારે અને સાંજે દેશમાં બની રહેલી ઘટનાઓનું પ્રસારણ કરતાં હતાં."

એ પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો હતો.

ભારતની આઝાદીની લડતના જાણ્યા-અજાણ્યા ક્રાંતિકારીઓ અને ગુપ્ત રેડિયોની કામગીરી પર ઇતિહાસકાર ગૌતમ ચેટરજીએ 'અનટૉલ્ડ સ્ટોરી ઑફ બ્રૉડકાસ્ટિંગ ડ્યુરિંગ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ' પુસ્તક લખ્યું છે.

આ પુસ્તક પ્રમાણે 'કૉંગ્રેસ રેડિયો' પરથી કંઈક આવા સમાચાર પ્રસારિત થતા હતા.

'બંગાળમાં વેપારીઓ અને સરકારી ઍજન્ટોએ સાથે મળીને ચોખાની નિકાસ અટકાવવાનો નિર્ણય કર્યો છે. ગામવાસીઓનો કાગળના પૈસા પરથી ભરોસો ઊઠી ગયો છે.'

'કર્ણાટકમાં ધરપકડનો આંકડો 1600એ પહોંચી ગયો છે. અમુક ગામડાંમાં અનેક વ્યક્તિઓએ આત્મસમર્પણ સ્વીકારી લીધું છે. સેંકડો લોકોને ચાબુક મારવાની સજા ફટકારાઈ છે.'

'અમુક ગામડાંમાં ગાંધીજીને તેમના નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ પ્રભાતફેરી અને સરઘસનું આયોજન કરાયું. આ સમયે પોલીસ ફાયરિંગમાં સેંકડો ઘાયલ થયા છે.'

'બિજાપુર, કર્ણાટક, હુબલી, ઉત્તર કનારા, દક્ષિણ કનારામાં સરકારી મિલકતને નુકસાન કરવામાં આવી રહ્યું છે.'

'સંદેશાવાહકો સમાચાર આપતા હતા'

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના આર્કાઇવમાં સચવાયેલા ઇન્ટરવ્યૂમાં ડૉ. મહેતા કહે છે, "દેશભરમાંથી સંદેશાવાહકો મારફતે અમે સમાચાર મેળવતાં હતાં. આ ઉપરાંત મુંબઈ ખાતે આવેલી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી પણ અમારા સમાચારનું એક સ્રોત હતું."

તેઓ કહે છે, "ચિત્તાગોંગ બૉમ્બકાંડ, જમશેદપુરની હડતાળ અને બલિયાની ઘટના સૌથી પહેલાં અમે બ્રૉડકાસ્ટ કરી હતી."

તેઓ કહે છે, "જે વિષયોને અખબારો અડવાની પણ કોશિશ નહોતાં કરતાં, સરકારના આદેશોની અવગણના કરીને કૉંગ્રેસ રેડિયો એ સમાચાર લોકો સુધી પહોંચાડતો હતો."

આ રેડિયોસ્ટેશનેથી અનેક દિગ્ગજ નેતાઓએ પણ તેમનાં ભાષણો આપ્યાં હતાં.

ડૉ. રામમનોહર લોહિયાએ એક ભાષણમાં કહ્યું હતું, "આપણે ચળવળ ચલાવતા હતા પણ હવે ક્રાંતિ ચલાવી રહ્યા છીએ. ક્રાંતિમાં જીત થાય કે પછી હાર પણ આ જીત કોઈ એક પક્ષ, સમુદાયની નહીં હોય. તે આખા દેશની જીત હશે."

'અનટૉલ્ડ સ્ટોરી ઑફ બ્રૉડકાસ્ટિંગ ડ્યુરિંગ ક્વિટ ઇન્ડિયા મુવમૅન્ટ' પુસ્તકમાં બ્રિટિશ બૉમ્બે સરકારના એડિશનલ સેક્રેટરી એચ.વી.આર. આયંગરનો એક પ્રસંગ ટાંકવામાં આવ્યો છે.

આયંગર કહે છે, "હું આ રેડિયોનાં પ્રસારણ સાંભળતો અને તેનાં પ્રસારણોમાં કૉંગ્રેસી ફિલસૂફી છલકાતી હતી."

તેઓ તેમની સ્મૃતિમાંથી 1942ની ચળવળ વખતનાં પ્રસારણો વિશે કહે છે: "23 ઑગસ્ટના રોજ રેડિયો કહે છે કે આઝાદ ભારત ખેડૂતો, મજૂરો અને કામદારોનું હશે."

"27 ઑગસ્ટના રોજ થયેલા રેડિયો પ્રસારણમાં કહ્યું કે આઝાદી માટેની ક્રાંતિ એ ગરીબો માટેની ક્રાંતિ છે, આઝાદ ભારત ખેડૂતો અને મજૂરોનું હશે."

અંગ્રેજ સરકાર આ રેડિયો પ્રસારણને સમાજવાદીઓનું ક્રાંતિકારી આંદોલન ગણતી હતી.

સમાચારો પર કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા અને પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવતા હતા, જેથી કરીને ભારતમાં બની રહેલી ઘટનાઓથી સામાન્ય જનતા વંચિત બની રહે.

'ગુપ્ત રેડિયો'નો ભાંડાફોડ

જે ખબરો ક્યાંય નહોતી મળતી તે 'કૉંગ્રેસ રેડિયો'થી લોકો સુધી પહોંચતી હતી એટલે તેમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો હતો.

આમ છતાં તેમની સામે પડકારો હતા. એક હતો આર્થિક પડકાર અને બીજો પોલીસ અને ગુપ્તચરોથી બચી રહેવાનો પડકાર હતો.

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના આર્કાઇવમાં સચવાયેલા ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "નાણાંની સમસ્યાને તો અમે કોઈને કોઈ રીતે પહોંચી વળ્યાં પણ પોલીસથી સતત બચતાં રહેવાનું હતું."

"પોલીસ અને ડિટેક્ટિવની ગાડીઓ અમારો પીછો કરતી જ રહેતી હતી. મોટાભાગે અમે હાથમાં આવતાં-આવતાં રહી જતાં હતાં."

'ધ ક્વિટ ઇન્ડિયા મુવમૅન્ટ' પુસ્તક પ્રમાણે 12 નવેમ્બર 1942ની રાત્રે નવા વાગીને પાંચ મિનિટે પોલીસે છાપો માર્યો અને એમાં ઉષા મહેતા અને તેમના સાથીઓની ધરપકડ થઈ ગઈ.

પોલીસે છાપા દરમિયાન ટ્રાન્સમિશન સેટની સાથે સાતથી દસ હજારની કિંમતના 120 ગ્રામોફોન રેકર્ડ્સ અને 22 ધાતુની પેટીઓમાં રખાયેલી એઆઈસીસીની બેઠકની તસવીરો અને સાઉન્ડ ફિલ્મ જપ્ત કરી હતી.

ઉષા મહેતા આ પહેલાંની દિલધડક કહાણી વર્ણવતાં ઇન્ટરવ્યૂમાં કહે છે, " પોલીસે એક અઠવાડિયા પહેલાં મહત્ત્વની ગણાતી રેડિયોની દુકાનો પર છાપા માર્યા હતા. જ્યાં તેમણે ટેકનિશિયન્સની પણ ધરપકડ કરી હતી. જેમાંથી એકે અમારાં નામ આપી દીધાં હતાં."

એ પછી પોલીસે બાબુભાઈ ખખ્ખરની ઑફિસ પર છાપો માર્યો ત્યારે ઉષા મહેતા તેમના સાથીઓ સાથે ત્યાં જ હાજર હતાં.

તેઓ કહે છે, "પોલીસે છાપો માર્યો એની જાણ થઈ અને કૉગ્રેસ રેડિયોનું અગત્યનું સાહિત્ય અને ફાઇલોને બચાવીને ભાગી નીકળવામાં હું સફળ થઈ હતી."

ઉષા મહેતા ત્યાંથી રેકર્ડિંગ સ્ટેશન ગયાં, જ્યાં ડૉ. લોહિયા અને અન્ય સાથી હતા, તેમને સમગ્ર ઘટનાક્રમની જાણ કરવામાં આવી.

ઉષા મહેતાએ ભાંડાફોડ કરનાર ટેકનિશિયનના આસિસ્ટન્ટ મદદ લીધી અને નવું ટ્રાન્સમિશન તૈયાર કરાવ્યું અને એ દિવસે રાબેતા મુજબ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું.

મહેતા કહે છે, "હિંદુસ્તાન હમારા વગાડ્યું અને એ પછી કેટલાક સમાચારો અને એક ચર્ચા પ્રસારિત કરી અને એ પછી અંતે વંદે માતરમ્ ગીત વાગતું હતું. એ જ વખતે અમને બારણે ટકોરા સંભળાયા, પોલીસ ત્રણ દરવાજા તોડીને અંદર આવી પહોંચી હતી."

"પોલીસે અમને વંદે માતરમ્ અટકાવવા કહ્યું અમે એવું ન કર્યું, ગીત પૂર્ણ થયું."

તેઓ કહે છે, "કદાચ રેડિયો પર પ્રસારણ સાંભળી રહેલા અમારા સાથીઓને દરવાજા પરના ટકોરા અને ત્રણ દરવાજા તોડવાના અવાજ પરથી અમારી ધરપકડનો અંદાજ આવી ગયો હશે."

એ દિવસે ઉષા મહેતા અને સાથીઓને લૉકઅપમાં લઈ જવામાં આવ્યા અને બીજા દિવસથી તપાસ શરૂ થઈ ગઈ.

બે મહિના સુધી ચાલેલી તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી, જેમાં ઉષા મહેતા સહિત પાંચ લોકોનાં નામ હતાં.

તેમની પર મુકદ્દમો ચાલ્યો અને જ્યારે તેમને વિશેષ અદાલતમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડિફેન્સના વકિલોમાંથી એક ગુજરાતી ભાષાના જાણીતા લેખક કનૈયાલાલ મુનશી હતા.

પાંચ અઠવાડિયાં સુધી ચાલેલી અદાલતી કાર્યવાહી બાદ ઉષા મહેતાને ચાર વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી. સાથે-સાથે બાબુભાઈને પાંચ વર્ષ અને ચંદ્રકાંત ઝવેરીને એક વર્ષની કેદની સજા સંભળાવાઈ હતી.

એપ્રિલ 1946માં ઉષા મહેતા યરવડા જેલની કેદમાંથી બહાર આવ્યાં હતાં.

તેઓ કહે છે, "હું કેદમાંથી બહાર આવી ત્યારે હું ખુશ હતી કેમકે બાપુની 'કરો યા મરો'ની હાકલ ઝીલવાનો મનમાં સંતોષ હતો."

11મી ઑગસ્ટ, 2000ના દિવસે તેમનું 80 વર્ષની વયે અવસાન થયું હતું.

મૃત્યુના ત્રણ દિવસ પહેલાં આઠમી ઑગસ્ટે એટલે કે ઑગસ્ટ ક્રાંતિ દિને તેઓ મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે 'હિંદ છોડો ચળવળ'ની યાદમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો