આ છે દુનિયાની પાંચ ખતરનાક મહિલા જાસૂસ

    • લેેખક, હેલેન વિટાકર
    • પદ, બીબીસી થ્રી

જાસૂસી ડ્રામા સામાન્ય રીતે એવા હોય છે, જેને જોઈને માણસ અંદર સુધી ખળભળી જતો હોય છે અને જો તેનાં લેખિકા ફૉબે વૉલર-બ્રિજ હોય તો તેમાં ડાર્ક કોમેડીનો વઘાર પણ થતો હોય છે.

એ જ કારણે ફૉબેના નવા ડ્રામા 'કિલિંગ ઈવ'માં એક જાસૂસ કથા અને સિચ્યુએશનલ કોમેડી(સિટકોમ)નું મિશ્રણ જોવા મળે છે.

જાસૂસી કથામાં કોઈ મહિલાનું ખૂની હોવું લોકોને હંમેશા આકર્ષતું હોય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે મહિલા આ પ્રકારના પાત્રમાં ઓછી જોવા મળતી હોય છે અને જે સામાન્ય ન હોય તે હંમેશા લોકોને આકર્ષિત કરતું હોય છે.

આ તો થઈ કાલ્પનિક વાર્તાઓની વાત, પણ કેટલીક મહિલાઓ તેમના વાસ્તવિક જીવનમાં ખતરનાક જાસૂસ હતી અને તેમનું જીવન આશ્ચર્યજનક કથાઓથી ભર્યુંભર્યું હતું.

ડબલ એજન્ટ 'માતા હારી'

માર્ગેથા ગીરત્રુઈદા મૅકલિયોડને 'માતા હારી'ના નામે ઓળખવામાં આવે છે.

માતા હારી એક કામુક નૃત્યાંગના હતી, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં જાસૂસીના આરોપસર ગોળી મારી દેવામાં આવી હતી.

માતા હારીના જીવન વિશે 1931માં હોલીવુડમાં એક ફિલ્મ બની હતી. તેમાં ગ્રૅટા ગાર્બો મુખ્ય ભૂમિકામાં હતાં.

માર્ગેથાનો જન્મ હોલેન્ડમાં થયો હતો અને તેમનાં લગ્ન એક લશ્કરી કેપ્ટન સાથે થયાં હતાં. એક ખોટા સંબંધમાં ફસાયેલી માર્ગેથાએ તેનું નવજાત બાળક પણ ગૂમાવ્યું હતું.

માર્ગેથાએ 1905માં ખુદને 'માતા હારી'ની ઓળખ આપી હતી અને ઇટાલીના મિલાનસ્થિત લા સ્કાલા તથા પેરિસના ઑપેરામાં એક કામુક નૃત્યાંગના બનીને ઊભરી હતી.

એ પછી માર્ગેથા 'ખોવાઈ' ગઈ હતી અને દુનિયામાં જે સ્ત્રી હતી તેને લોકો માતા હારીના નામે જાણતા હતા. તેણે જે વ્યવસાય અપનાવ્યો હતો એ કારણે તેના માટે પ્રવાસ કરવાનું આસાન હતું.

તેથી જર્મનીએ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન માતા હારી સમક્ષ પૈસાના બદલામાં ગુપ્ત માહિતી મેળવી આપવાની દરખાસ્ત મૂકી હતી અને એ રીતે માતા હારી જર્મનીની જાસૂસ બની હતી.

માતા હારીએ પોતે તો કોઈની હત્યા કરી ન હતી, પણ તેણે કરેલી જાસૂસીને કારણે ફ્રાન્સના લગભગ 50,000 સૈનિકોનાં મોત થયાં હતાં.

એ પછી ફ્રાન્સને માતા હારી પર શંકા થવા લાગી હતી. 1917ના ફેબ્રુઆરીમાં પેરિસમાં માતા હારીની ધરપકડ કરવામાં આવી હતી અને એ જ વર્ષે ઑક્ટોબરમાં તેને ગોળી મારી દેવામાં આવી હતી.

માતા હારીના મોતનાં 100 વર્ષ બાદ તેના અપરાધો વિશે ફરી ચર્ચા શરૂ થઈ. માતા હારીને આજે પણ 'ફૅમિનિન સિડક્શન' અને દેશ સાથે દગાનું પ્રતિક ગણવામાં આવે છે.

શોર્લટ કોર્ડી

શોર્લેડ કોર્ડીનું આખું નામ મૅરી એન શોર્લેચ કોર્ડી હતું અને એ ફ્રાન્સની ક્રાંતિનો હિસ્સો હતી. શોર્લેટ એક ગિરોડિન હતી.

ગિરોડિન ફ્રાન્સની ક્રાંતિમાં રાજાશાહીને ખતમ કરવા ઈચ્છતા હતા, પણ હિંસાની વિરુદ્ધ હતા.

જોકે, ક્રાંતિ માટે હિંસાનો વિકલ્પ ન અપનાવનારી શોર્લેટે તેના વિપક્ષી જૅકોબિન સમૂહના નેતા જીન પોલ મૅરાટની હત્યા કરી હતી.

મૅરાટ 1793માં તેમના બાથટબમાં સ્નાન કરતા હતા ત્યારે શોર્લેટે તેમને ચપ્પુ માર્યું હતું. આ હત્યા માટે ધરપકડ કરવામાં આવી ત્યારે શોર્લેટે પોતાના કૃત્યને દેશહિતમાં કરેલી હત્યા ગણાવ્યું હતું.

શોર્લેટે દાવો કર્યો હતો કે આ એક હત્યા કરીને તેમણે સેંકડો-હજારોના જીવ બચાવ્યા છે. જોકે, તેના ચાર દિવસ બાદ જ શોર્લેટને સજા કરવામાં આવી હતી.

શી જિઆનકિઆઓ

જાસૂસોને પોતાનું ઉપનામ રાખવાનું પસંદ હોય છે અને એ તથ્યને વાસ્તવમાં બદલતાં શી ગુલાને જાસૂસીની દુનિયામાં પોતાનું નામ શી જિઆનકિઆઓ રાખ્યું હતું.

જિઆનકિઆઓ તેના પિતાના મોતનો બદલો લેવા માટે જાસૂસ બની હતી. શીના પિતાની હત્યા ચીનના નેતા સુન ચુઆંગફાંગે 1925માં કરી હતી.

હત્યાના દસ વર્ષ બાદ ચુઆંગફાંગ એક બૌદ્ધ મંદિરમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે જિઆનકિઆઓએ તેમના મસ્તકમાં ગોળી મારી હતી.

ચુઆંગફાંગની હત્યા કર્યા પછી ભાગવાને બદલે જિઆનકિઆઓ ઘટનાસ્થળે જ રહી હતી અને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

આ હાઈ પ્રોફાઈલ કેસનો ચુકાદો 1936માં આવ્યો હતો અને તેમાં જિઆનકિઆઓને છોડી મૂકવામાં આવી હતી.

અદાલતે જણાવ્યું હતું કે જિઆનકિઆઓએ તેના પિતાની હત્યાથી દુખી થઈને આ હત્યા કરી હતી. 1979માં જિઆનકિઆઓનું મૃત્યુ થયું હતું.

બ્રિગિત મૉઅનહૉપ્ટ

એક સમયે જર્મનીની સૌથી ખૂનખાર મહિલા ગણાતી બ્રિગિત મૉઅનહપ્ટ રૅડ આર્મી ફૅક્શનની સભ્ય હતી. બ્રિગિત 1977માં જર્મનીમાં એક આતંકવાદી ગતિવિધિમાં પણ સામેલ હતી.

પશ્ચિમ જર્મનીમાં એક ડાબેરી ચરમપંથી સમૂહે 70ના દાયકામાં એક પછી એક અનેક પ્લેન હાઈજેક, હત્યાઓ અને બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.

પ્લેનને હાઈજેક કરવાની સાથે લગભગ 30 લોકોની હત્યા આ જૂથે કરી હતી. જર્મનીમાંથી મૂડીવાદ ખતમ કરવાના નામે આ ગુના આચરવામાં આવ્યા હતા.

એ ગુનાઓમાં સામેલ હોવાને કારણે 1982માં મૉઅનહૉપ્ટની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી. એ ઉપરાંત અન્ય નવ હત્યાના કેસમાં તેને 15 વર્ષની સજા કરવામાં આવી હતી.

મૉઅનહૉપ્ટે તેના ગુનાની કબૂલાત ક્યારેય કરી ના કરી અને 2007માં તેને પેરોલ પર જેલમાંથી બહાર આવવાની તક મળી હતી. તે આજે પણ જીવંત છે.

એજન્ટ પેનલોપે

ઇઝરાયલી ગુપ્તચર એજન્સી 'મોસાદ' માટે કામ કરતી એજન્ટ પેનેલોપે પેલેસ્ટાઈન જૂથ બ્લૅક સપ્ટેમ્બરના નેતા અલી હુસૈનની હત્યામાં સામેલ હતી.

અલી હુસૈને 1972માં મ્યુનિક ઑલિમ્પિક્સ વખતે ઈઝરાયલના 11 ખેલાડીઓને બંધક બનાવ્યા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી.

એ હત્યાના જવાબમાં ઇઝરાયલના તત્કાલીન વડાપ્રધાન ગૉલ્ડા મૅયરના આદેશ અનુસાર 'ઑપરેશન રૉથ ઑફ ગૉડ' શરૂ કરવામાં આવ્યું હતું. એ ઑપરેશનના ભાગરૂપે અલી હુસૈન સલામેની હત્યા કરવામાં આવી હતી.

અલી હુસૈનની હત્યા માટે તેઓ જ્યાં રહેતા હતા એ ઍપાર્ટમૅન્ટની બાજુમાં પેનલોપે લગભગ છ સપ્તાહ સુધી રહી હતી.

એ પછી જે બૉમ્બ વિસ્ફોટમાં અલી હુસૈનની હત્યા થઈ હતી તેમાં પેનલોપેનું પણ મોત થયું હતું.

મોત પછી પેનલોપેના સામાનમાંથી બ્રિટનનો એક પાસપોર્ટ મળ્યો હતો, જેમાં ઍરિકા ચૅમ્બર નામ લખેલું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો