ઍલી કોહેનઃ એ ઇઝરાયલી જાસૂસ જેમણે સીરિયાના નાકમાં દમ લાવી દીધો

    • લેેખક, ભરત શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

'તું કોને ચિઠ્ઠી લખી રહ્યો છે? આ N કોણ છે?'

'કંઈ નહીં. બસ એમ જ... N એટલે નાદિયા. હું ક્યારેક-ક્યારેક સમય પસાર કરવા માટે આવું બધું લખતો રહું છું.'

'નાદિયા કોણ છે?'

'નાદીયા મારી પત્નીનું નામ છે.'

'પરંતુ મને લાગ્યું હતું કે તારાં લગ્ન નથી થયાં.'

'કામિલનાં લગ્ન નથી થયાં, પણ ઍલીનાં થયાં છે...'

'ઍલી કોઈ નથી.'

'મને ક્યારેક-ક્યારેક એકલું લાગે છે, જેના કારણે હું લખું છું.'

'કામિલને ક્યારેય એકલતા અનુભવાતી નથી.'

'સારું હવેથી ચિઠ્ઠીઓ નહીં લખું.'

'ચિઠ્ઠીઓ, હજુ બીજી પણ છે? ક્યાં છે?'

'જુલિયા પ્લીઝ, હું તેને પોસ્ટ કરવાનો નથી. બસ વિચાર્યું કે જ્યારે આ બધું ખતમ થઈ જશે ત્યારે આ બધું હું

એને(નાદિયા) બતાવી શકું...નહીં નહીં નહીં, પ્લીઝ તેને સળગાવીશ નહીં...'

'આ કોઈ રમત નથી કામિલ. આ કોઈ રોલ નથી, જે તું ભજવી રહ્યો હોય. કાં તો તું કામિલ છે અથવા મરવા માટે તૈયાર થઈ જા.'

જુલિયા ગુસ્સામાં એ વ્યક્તિનું ગળું દબાવીને ઊભાં થઈ જાય છે. સાથે જ ધમકી પણ આપે છે તેમણે દરેક હલચલ અંગે ઉપરી અધિકારીઓને જાણ કરવી પડશે.

કામિલ સમજી જાય છે કે તેમનાથી ભૂલ થઈ છે અને તેઓ ફરી આવી ભૂલ કરવાનું જોખમ લઈ શકે નહીં.

પાછળ રહેલા ફાયરપ્લેસમાં ચિઠ્ઠીઓ બળીને રાખ થઈ ગઈ અને સાથે જ નાદિયા સાથે જોડાયેલ અરમાન પણ. ઍલીએ ફરી એક વખત કામિલનો વેશ ધારણ કરી લીધો.

નેટફ્લિક્સ પર થોડા સમય પહેલાં આવેલી થયેલી છ ઍપિસોડ્ઝની સિરીઝ 'ધ સ્પાય'નું આ દૃશ્ય એક સામાન્ય વ્યક્તિના જાસૂસ બન્યા બાદ, ફરી સામાન્ય વ્યક્તિ બનવાની ઇચ્છા અને જરૂરિયાત દર્શાવે છે.

ઍલી કે કામિલ. કામિલ કે ઍલી. ઇઝરાયલી કે સીરિયન. જાસૂસ કે વેપારી.

કહાણી ભલે ફિલ્મી લાગે. પણ ઍલી કોહેનનું જીવન આવા જ થ્રિલથી ભરેલું હતું. આખું નામ ઍલીશાહુ બેન શૉલ કોહેન.

તેમને ઇઝરાયલના સૌથી બહાદુર અને સાહસિક જાસૂસ કહેવામાં આવે છે.

એવા જાસૂસ જેમણે દુશ્મનો સાથે ચાર વર્ષ સીરિયામાં વિતાવ્યાં. એટલું જ નહીં, પણ સત્તાની સાઠગાંઠમાં પોતાની પહોંચ એટલી વધારી કે છેક ટોચ સુધી પહોંચી ગયા.

'ધ સ્પાઇ' સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે કોહેન કામિલ બનીને સીરિયાના રાષ્ટ્રપતિના એટલા નજીક પહોંચી ગયા હતા કે તેઓ સીરિયાના ઉપસુરક્ષા મંત્રી બનવાથી જરાક જ દૂર હતા.

એવું કહેવાય છે કોહેને મેળવેલી ગુપ્ત જાણકારીએ વર્ષ 1967ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં ઇઝરાયલની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

ઇજિપ્તમાં જન્મેલા લી ઇઝરાયલ કેવી રીતે પહોંચ્યા?

આ વ્યક્તિ ન ઇઝરાયલમાં જન્મી હતી, ન સીરિયા કે આર્જેન્ટિનામાં. ઍલીનો જન્મ વર્ષ 1924માં ઇજિપ્તના ઍલેક્ઝાન્ડ્રિયામાં એક સીરિયન યહૂદી પરિવારમાં થયો હતો.

તેમના પિતા વર્ષ 1914માં સીરિયાના ઍલેપ્પોમાં આવીને વસ્યા હતા. જ્યારે ઇઝરાયલ બન્યું તો ઇજિપ્તના ઘણા યહુદી પરિવાર ત્યાંથી નીકળવા લાગ્યા.

વર્ષ 1949માં કોહેનનાં માતાપિતા અને ત્રણ ભાઈઓએ પણ આ નિર્ણય લીધો અને ઇઝરાયલ આવીને વસી ગયાં. પરંતુ ઇલેક્ટ્રૉનિક્સનો અભ્યાસ કરી રહેલા કોહેને ઇજિપ્તમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરવાનો નિર્ણય લીધો.

એનસાઇક્લોપેડિયા બ્રિટાનિકાના મતે અરબી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પર ગજબની પકડ ધરાવતા હોવાથી ઇઝરાયના ગુપ્તવિભાગને તેમનામાં રસ પડ્યો.

વર્ષ 1955માં તેઓ જાસૂસીનો એક નાનો કોર્ષ કરવા માટે ઇઝરાયલ પણ ગયા અને પછીના વર્ષે ઇજિપ્ત પરત આવી ગયા.

જોકે, સુએઝ વિવાદ બાદ બીજા લોકો સાથે કોહેનને પણ ઇજિપ્તમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને વર્ષ 1957માં તેઓ ઇઝરાયલ આવી ગયા.

અહીં આવ્યા બાદ તેમનાં લગ્ન નાદિયા મજાલ્દ સાથે થયાં, જેઓ એક ઇરાકી-યહુદી હતાં અને લેખિકા સેમી માઇકલનાં બહેન પણ.

વર્ષ 1960માં ઇઝરાયલના ગુપ્તવિભાગમાં ભરતી થતાં પહેલાં તેમણે ટ્રાન્સલેટર અને એકાઉન્ટન્ટ તરીકે પણ કામ કર્યું.

પહેલાં આર્જેન્ટિના, પછી સ્વિટ્ઝર્લૅન્ડ થઈને સીરિયા

આગળની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ કોહેન 1961માં આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સ પહોંચ્યા, જ્યાં તેમણે સીરિયાના વેપારી તરીકે પોતાનું કામ શરૂ કર્યું.

કામિલ અમીન થાબેત બનીને કોહેને આર્જેન્ટિનામાં વસતા સીરિયન સમુદાયના લોકો વચ્ચે સંપર્કો ઊભા કર્યા અને જલદી સીરિયન દૂતાવાસમાં કામ કરતા અધિકારીઓ સાથે મિત્રતા કરીને તેમનો વિશ્વાસ જીતી લીધો.

તેમાં સીરિયન મિલિટરી એટૅચે અમીન અલ-હફીઝ પણ હતા, જે આગળ જઈને સીરિયાના રાષ્ટ્રપતિ બન્યા.

કોહેને પોતાના 'નવા મિત્રો' વચ્ચે એવો સંદેશ ફેલાવ્યો હતો કે તેઓ સીરિયા પાછા જવા માગે છે.

વર્ષ 1962માં જ્યારે તેમને રાજધાની દમાસ્કસ જવા અને વસવાની તક મળી તો આર્જેન્ટિનામાં તેમણે બનાવેલા સંપર્કોએ સીરિયામાં સત્તાની નજીક પહોંચવામાં તેમને ખૂબ મદદ કરી.

પોતાના પગ જમાવીને તરત જ કોહેને સીરિયાની સેના સાથે જોડાયેલી ગુપ્ત માહિતી અને યોજનાઓ ઇઝરાયલ સુધી પહોંચાડવાનું શરૂ કર્યુ.

વર્ષ 1963માં જ્યારે સીરિયામાં સત્તાપરિવર્તન થયું ત્યારે જાસૂસી ક્ષેત્રે કોહેનના પ્રયત્નોનું મહત્ત્વ વધી ગયું.

બાથ પાર્ટીને સત્તા મળી અને તેમાં એવા ઘણા લોકો હતા જે આર્જેન્ટિનાના સમયથી કોહેનના મિત્રો હતા.

સીરિયન રાષ્ટ્રપતિની ખૂબ નજીક પહોંચી ગયા

અમીન અલ હફીઝે સત્તાપરિવર્તનની આગેવાની લીધી, જેઓ રાષ્ટ્રપતિ બન્યા. હફીઝે કોહેન પર સંપૂર્ણ વિશ્વાસ મુક્યો અને કહેવાય છે કે એક વખત તો તેમને ઉપ સુરક્ષામંત્રી બનાવવા સુધીનો નિર્ણય લઈ ચૂક્યા હતા.

કોહેનને સૈન્યની ગુપ્ત બ્રિફીંગમાં હાજર રહેવાની તક મળી એટલું જ નહીં, તેમને ગોલાન હાઇટ્સમાં સીરિયાની સેનાની છાવણીઓની મુલાકાત લેવાની પણ તક મળી.

તે વખતે ગોલાન હાઇટ્સ વિસ્તારને લઈને સીરિયા અને ઇઝરાયલ વચ્ચે ઘણો તણાવ હતો.

'ધ સ્પાય' સિરીઝમાં એક ઘટના દર્શવાઈ છે કે કઈ રીતે કોહેન, અહીં સૈનિકોને ગરમી ના લાગે તે માટે યૂકેલિપ્ટસનાં વૃક્ષો વાવવાની સલાહ આપે છે અને એ વૃક્ષો વાવવામાં પણ આવે છે.

કહેવાય છે કે વર્ષ 1967ના મધ્ય-પૂર્વના યુદ્ધમાં આ વૃક્ષો અને ગોલાન હાઇટ્સથી મોકલેલી અન્ય માહિતીએ ઇઝરાયલ સામે સીરિયાની હારનો પાયો નાંખ્યો હતો.

આ જ વૃક્ષોના કારણે ઇઝરાયલને સીરિયાના સૈનિકોનું લોકેશન શોધવામાં મદદ મળી.

લી કેવી રીતે પકડાયા?

જાસૂસી પર કોહેનની મજબૂત પકડ છતાં તેમનામાં લાપરવાહીની એક ઝલક પણ જોવા મળતી હતી.

ઇઝરાયલમાં તેમના હૅંડલર વારંવાર તેમને રેડિયો ટ્રાન્સમિશન વખતે સાવધ રહેવાની સલાહ આપ્યા કરતા હતા.

સાથે જ એમને એવા સંકેત પણ મળતા કે એક દિવસમાં બે વખત રેડિયો ટ્રાન્સમિશન ન કરે.

જોકે, કોહેન વારંવાર આ ચેતવણીઓને અવગણતા હતા અને તેમની આ લાપરવાહી જ તેમના અંતનું કારણ બની.

જાન્યુઆરી 1965માં સીરિયાના કાઉન્ટર-ઇન્ટેલિજન્સના અધિકારીઓને તેમનાં રેડિયો સિગ્નલનો અંદાજ આવી ગયો હતો અને તેમને ટ્રાન્સમિશન મોકલતી વખતે રંગે હાથ પકડી લીધા. કોહેનની પૂછપરછ થઈ, સૈન્યકોર્ટમાં કાર્યવાહી થઈ અંતે તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો.

કેહોનને વર્ષ 1966માં દમાસ્કસના જાહેર ચોકમાં ફાંસી આપવામાં આવી હતી.

તેમના ગળામાં એક પાટિયું લટકાવી દેવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું 'સીરિયામાં રહેતા આરબ લોકો તરફથી'.

ઇઝરાયલે તેમની ફાંસીની સજા માફ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અભિયાન ચલાવ્યું પરંતુ સીરિયા માન્યું નહીં.

કોહેનના મૃત્યુ બાદ ઇઝરાયલે તેમનો મૃતદેહ અને અવશેષ પરત કરવાની ઘણી વાર માગ કરી પણ સીરિયાએ દરેક વખતે ઇનકાર કર્યો.

53 વર્ષ પછી મળી લીની ઘડિયાળ

મૃત્યુનાં 53 વર્ષ બાદ 2018માં કોહેનની એક ઘડિયાળ ઇઝરાયલને મળી. ઇઝરાયલના વડા પ્રધાનકાર્યાલય દ્વારા આ વાતની જાહેરાત કરવામાં આવી હતી.

ઇઝરાયલના કબજામાં આ ઘડિયાળ ક્યારે અને કેવી રીતે આવી તેની કોઈ જાણકારી આપવામાં આવી નહોતી.

માત્ર એટલું જ જણાવવામાં આવ્યું કે 'મોસાદના ખાસ ઑપરેશન' દ્વારા આ ઘડિયાળ જપ્ત કરીને ઇઝરાયલ પરત લાવવામાં આવી છે.

મોસાદના ડિરેક્ટર યોસી કોહેને ત્યારે કહ્યું હતું કે ઍલી કોહેન પકડાયા તે દિવસ સુધી તેમણે આ ઘડિયાળ પહેરી હતી. તેમજ તે 'કોહેનની ઑપરેશનલ ઇમેજ અને નકલી આરબ ઓળખનો મહત્ત્વનો ભાગ હતી.'

આ ઘડિયાળ મળી ત્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નિવેદન આપ્યું હતું, "હું આ સાહસિક અને પ્રતિબદ્ધતાપૂર્ણ અભિયાન માટે મોસાદના લડાકુઓને લઈને ગર્વ અનુભવું છું."

"આ ઑપરેશનનો એક માત્ર હેતુ એ મહાન યોદ્ધાનું કોઈ પણ પ્રતીક ઇઝરાયલ લાવવાનો હતો, જેમણે પોતાના દેશની સુરક્ષા માટે આટલી મહત્ત્વની ભૂમિકા નિભાવી."

મે, 2018માં એક સમારોહમાં આ ઘડિયાળ કોહેનનાં પત્ની નાદિયાને સોંપવામાં આવી હતી. તેમણે ટીવી પર ત્યારે કહ્યું હતું, "જે સમયે મને ખબર પડી કે આ ઘડિયાળ મળી ગઈ છે, મારું ગળું સુકાઈ ગયું અને મારું શરીરમાં ધ્રુજવા લાગ્યું હતું."

નાદિયાએ કહ્યું, "એ વખતે મને લાગ્યું કે જાણે હું મારા હાથમાં એમનો હાથ હોવાની અનુભૂતિ કરી રહી છું. મને જાણે એમનો એક ભાગ મારી પાસે હોય એવો અહેસાસ થયો."

(મૂળ લેખ 12 સપ્ટેમ્બર, 2019એ છપાયો હતો જેને અપડેટ કરવામાં આવ્યો છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો