પાકિસ્તાનના નાકે દમ લાવી દેનાર બલૂચિસ્તાનની કહાણી શું છે?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાનના એક ક્રાંતિકારી અને સ્થાપિત હિતવિરોધી કવિ હબીબ જાલિબે લખ્યું હતું...

મને જંગે આઝાદીની મજા ખબર છે,

બલૂચીઓ પરના જુલ્મની કસોટી ખબર છે,

મને જિંદગીભર પાકિસ્તાનમાં જીવવાની દુવા ના દો,

મને પાકિસ્તાનમાં સાંઠ વર્ષ જીવ્યાની સજા ખબર છે.

પાકિસ્તાનની રચનાનાં 75 વર્ષ પછી આજેય તેના સૌથી મોટા પ્રાંત બલૂચિસ્તાનને સૌથી વધુ તંગદિલીગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે.

બલૂચિસ્તાનની કથા બળવાખોરી, હિંસા અને માનવાધિકારના ભંગની કથા છે.

જાણીતા પત્રકાર નવીદ હુસૈન કહે છે, "બલૂચિસ્તાન કોમી અને વિભાજનવાદી હિંસાની એવી કડાઈ છે, જે ગમે ત્યારે ઊકળી ઊઠશે."

આખરે બલૂચિસ્તાનમાં અલગતાવાદનું કારણ શું છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ હતી?

'ધ બલૂચિસ્તાન કોનનડ્રમ'ના લેખક અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સમિતિના સભ્ય તથા કૅબિનેટ સચિવાલયમાં કામ કરી ચૂકેલા તિલક દેવેશર કહે છે, "તેની શરૂઆત 1948માં થઈ હતી. મોટા ભાગની બલૂચી પ્રજા માને છે કે તેમને પરાણે પાકિસ્તાનમાં ભેળવી દેવાયા તે ગેરકાનૂની હતું."

"બ્રિટિશ જતા રહ્યા તે પછી બલૂચીઓએ સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી હતી. પાકિસ્તાને તે વાત સ્વીકારી પણ લીધી હતી. પણ પછી ફરી ગયું.

બલૂચિસ્તાનના બંધારણમાં સંસદનાં બે ગૃહોની દરખાસ્ત હતી. કલાત (બલૂચિસ્તાન)ના ખાને તે બંને ગૃહો પર શું કરવું તેનો નિર્ણય છોડી દીધો હતો."

"બંને ગૃહોએ પોતાના દેશનો પાકિસ્તાનમાં વિલય કરવાની વાતને નકારી કાઢી. માર્ચ 1948માં પાકિસ્તાની સેના આવી અને ખાનનું અપહરણ કરીને કરાચી લઈ ગઈ. કરાચીમાં તેમના પર દબાણ કરીને પાકિસ્તાન સાથે વિલયના દસ્તાવેજ પર સહી કરાવી લેવામાં આવી."

નેપાલની જે કલાત પણ સ્વતંત્ર હતું

બલૂચિસ્તાન પહેલાં કલાતના નામે જાણીતું હતું. ઐતિહાસિક રીતે કલાતનો કાયદેસર દરજ્જો ભારતનાં બીજા રજવાડાંથી અલગ હતો.

ભારત સરકાર અને બલૂચિસ્તાન વચ્ચે 1876માં સંધિ થઈ હતી તેના આધારે બ્રિટિશરોએ બલૂચિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપ્યો હતો.

1877માં બલૂચિસ્તાનના શાસક ખુદાદાદ ખાન સ્વાયત્ત રાજકુમાર હતા, જેના પર બ્રિટનનો કોઈ અધિકાર નહોતો.

560 રજવાડાંને 'એ' વર્ગની યાદીમાં રાખવામાં આવ્યાં હતાં, જ્યારે નેપાળ, ભૂટાન અને સિક્કિમની સાથે બલૂચિસ્તાનને પણ 'બી' વર્ગની યાદીમાં રાખવામાં આવ્યું હતું.

મજાની વાત એ છે કે 1946માં બલૂચિસ્તાનના ખાંએ સમદ ખાંને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે દિલ્હી મોકલ્યા હતા, પરંતુ જવાહરલાલ નહેરુએ બલૂચિસ્તાન સ્વતંત્ર રાષ્ટ્ર હોવાની વાતને નકારી દીધી હતી.

ત્યારબાદ કલાત સ્ટેટ નેશનલ પાર્ટીના પ્રમુખ ગૌસ બક્ષ બિજેનજો દિલ્હી મૌલાના આઝાદને મળવા આવ્યા હતા.

બલૂચિસ્તાન ક્યારેય ભારતનો હિસ્સો નથી તેવી બિજેનજોની વાત સાથે આઝાદ સહમત થયા હતા.

જોકે તેમણે એમ પણ કહ્યું કે 1947માં સ્વતંત્ર અને સ્વાયત્ત થયા પછી તે ટકી શકશે નહીં અને બ્રિટનના સંરક્ષણની જરૂર પડશે. અંગ્રેજો બલૂચિસ્તાનમાં રહી જવાના હોય તો ભારતીય ઉપખંડમાં આઝાદીનો કોઈ અર્થ નહીં સરે.

આકાશવાણીની ભૂલ

તિલક દેવેશર કહે છે, "27 માર્ચ, 1948ના રોજ ઑલ ઇન્ડિયા રેડિયોએ પોતાના પ્રસારણમાં વી. પી. મેનનની પ્રેસ કૉન્ફરન્સ વિશેનો અહેવાલ આપ્યો હતો. તેમાં એવું જણાવાયું કે બલૂચિસ્તાનના ખાન પાકિસ્તાનના બદલે ભારતમાં જોડાઈ જવાનો આગ્રહ રાખી રહ્યા છે."

"મેનને કહ્યું કે ભારતે આ દરખાસ્ત પર કોઈ ધ્યાન આપ્યું નથી અને તેની સામે અમારે કોઈ લેવાદેવા નથી. ખાને ઑલ ઇન્ડિયા રેડિયોનું 9 વાગ્યાનું બુલેટિન સાંભળ્યું અને તેમને ભારતના આ વલણથી બહુ મોટો આંચકો લાગ્યો. એવું કહેવાય છે કે તેમણે ઝીણાનો સંપર્ક કર્યો અને પાકિસ્તાન સાથે સંધિ કરવા માટે વાતચીત કરવાની દરખાસ્ત મૂકી."

"બાદમાં નહેરુએ બંધારણ સભામાં એક સવાલના જવાબમાં સ્પષ્ટતા કરી કે મેનને આવી કોઈ વાત કરી નહોતી. ઑલ ઇન્ડિયા રેડિયોએ ખોટા સમાચાર પ્રસારિત કર્યા હતા. નહેરુએ ડૅમેજ કંટ્રોલ માટે પ્રયાસો કર્યા હતા, પણ ત્યાં જે સુધીમાં નુકસાન થવાનું હતું તે થઈ ગયું હતું."

બલૂચિસ્તાનનું આર્થિક અને સામાજિક પછાતપણું

આર્થિક અને સામાજિક રીતે બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી પછાત પ્રાંત છે.

70ના દાયકામાં પાકિસ્તાનના જીડીપીમાં બલૂચિસ્તાનનો હિસ્સો 4.9 ટકા હતો, તે 2000 સુધીમાં ઘટીને માત્ર 3 ટકા રહી ગયો હતો.

અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત અને વિદેશ મંત્રાલયમાં સચિવ રહી ચૂકેલા વિવેક કાટ્જૂ કહે છે, "તમે સામાજિક અને આર્થિક ધોરણોની વાત કરો તો બલૂચ બહુ પછાત રહી ગયા છે. તેનો વિસ્તાર પાકિસ્તાનનો સૌથી મોટો વિસ્તાર છે, પણ ત્યાં વસતિ બહુ ઓછી છે. બલૂચિસ્તાનની અસલી ઓળખનો સવાલ ઊભો થયો છે."

"હવે ત્યાં મોટા પ્રમાણમાં પશ્તૂન રહેવા આવી ગયા છે. બલૂચ કોમ શિક્ષણની રીતે પાછળ છે. પાકિસ્તાનના જાહેરજીવનમાં તેમની નગણ્ય ભાગીદારી છે."

"ત્યાં ભૌતિક સંપત્તિ બહુ છે, પણ દુકાળની સમસ્યા સૌથી વિકરાળ છે. તેમને સૌથી વધુ એ વાત અકળાવે છે ત્યાં ગેસ નીકળે છે તેનાથી પાકિસ્તાનના ઘરોના ચૂલા સળગે છે, પણ તેમને પોતાને ગેસ મળતો નથી."

પાકિસ્તાનના સિનિયર પત્રકારોમાંના એક રહીમઉલ્લા યૂસુફઝઈ માને છે કે પાકિસ્તાન સરકારે કંઈ ઇરાદાપૂર્વક બલૂચિસ્તાનને પછાત રાખ્યું નથી.

યૂસુફઝઈ કહે છે, "બલૂચિસ્તાન પહેલેથી જ પછાત રહ્યું છે. અહીંનો મૂળભૂત ઢાંચો જ નબળો છે. એ વાત પણ સાચી કે શાસકોએ તેના તરફ વિશેષ ધ્યાન પણ આપ્યું નથી. પણ મને લાગે છે કે તેમને જાણીજોઈને પાછળ રાખવામાં નથી આવ્યા. એવું કહી શકાય કે શાસક અને સંસ્થાઓની એક પ્રકારની નિષ્ફળતા છે."

"આવી જ સ્થિતિ કબાયલી વિસ્તાર ફાટામાં પણ છે. દક્ષિણ પંજાબમાં પણ આવી જ સમસ્યા છે. પાકિસ્તાનની પ્રગતિ એકસમાન રીતે નથી થઈ. કેટલાક વિસ્તારો પર વધારે, કેટલાક પર બહુ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે."

બલૂચિસ્તાનનું વ્યૂહાત્મક મહત્ત્વ

પાકિસ્તાનના કુલ દરિયા કિનારામાંથી બે તૃતિયાંશ, 760 કિલોમિટર લાંબો સમુદ્ર કિનારો બલૂચિસ્તાનમાં આવેલો છે.

તેનો 1 લાખ 80 હજાર ચોરસ કિલોમિટરનો વિશાળ પ્રદેશ છે, જેનો આર્થિક વિકાસ માટે ખાસ ઉપયોગ કરાયો નથી.

તિલક દેવેશર કહે છે, "મને લાગે છે કે પાકિસ્તાનના બધા પ્રાંતમાં આ પ્રાંત વ્યૂહાત્મક રીતે સૌથી વધારે મહત્ત્વનો છે.

બલૂચિસ્તાનના દરિયા કિનારે જ પાકિસ્તાની નૌકા દળના ત્રણ મથકો ઓરમારા, પસની અને ગ્વાદર આવેલા છે. ગ્વાદરનું મહત્ત્વ કરાચી કરતાય વધારે છે."

"ત્યાંની જમીનમાંથી તાંબુ, સોનું અને યુરેનિયમ પણ બહુ મળે છે. ત્યાંના ચગાઈમાં જ પાકિસ્તાનનું અણુ પરિક્ષણ મથક આવેલું છે. અમેરિકાએ અફઘાનિસ્તાન સામે 'વૉર ઓન ટેરર' શરૂ કર્યું ત્યારે સૌથી વધુ મથક આ વિસ્તારમાં જ નાખવામાં આવ્યા હતા."

પાકિસ્તાની સેનાએ હંમેશા બળથી કામ લીધું

પાકિસ્તાની સેનાએ હંમેશા બલૂચ આંદોલનને તાકાતથી કચડી નાખવાની કોશિશ કરી છે.

1959માં વન યુનિટ યોજના પાછી ખેંચવાની ખાતરી પાકિસ્તાન સરકારે આપી તે પછી બલૂચ નેતા નવરોઝ ખાને શસ્ત્રો છોડયા હતા.

પરંતુ પાકિસ્તાન સરકારે તેમણે હથિયાર સોંપ્યા તે પછી તેમના પુત્રો સહિત તેમના કેટલાય સમર્થકોને ફાંસીએ ચડાવી દીધા.

શરબાજ ખાન મઝારીએ પોતાના પુસ્તક 'અ જર્ની ટૂ ડિસ્ઇલ્યૂઝનમેન્ટ'માં લખ્યું છે, "તેમના બધા સમર્થકોને ફાંસીએ ચડાવ્યા પછી સરકારી તંત્રે 80 વર્ષના નવરોઝ ખાનને મૃતદેહની ઓળખ કરવાનું કહ્યું હતું. સેનાના એક અધિકારીએ તે વૃદ્ધ માણસને પૂછ્યું, શું આ તમારો પુત્રે છે?"

"થોડી વાર અધિકારી સામે ઘૂરક્યા પછી નવરોઝ ખાને કહ્યું આ બધા બહાદુર જવાનો મારા પુત્રો છે.

નવરોઝ ખાને જોયું કે તેમના એક પુત્રની મૂછ નીચી નમી ગયેલી હતી. પોતાના પુત્રના શબ પાસે જઈને તેની મૂછોને વળ ચડાવીને તાવ આપ્યો. તેમણે કહ્યું કે દુશ્મનને એવું વિચારવાની પણ તક ના મળવી જોઈએ કે મોતના કારણે તમે અંદરથી ઉદાસ છો."

પોતાના જ લોકો પર બૉમ્બમારો

1974માં જનરલ ટિક્કા ખાનના નેતૃત્ત્વમાં પાકિસ્તાની સેનાએ મિરાજ અને એફ-86 લડાયક વિમાનોથી બલૂચિસ્તાન પર બૉમ્બમારો કર્યો હતો.

એટલું જ નહિ, ઇરાનના શાહે પણ પોતાના કોબરા હેલિકૉપ્ટર મોકલીને બલૂચ વિદ્રોહીઓના વિસ્તારમાં બૉમ્બમારો કરાવ્યો હતો.

તિલક દેશેવર કહે છે, "શાહે માત્ર કોબરા હૅલિકૉપ્ટર મોકલ્યા હતા એવું નહોતું. તેમણે પાઇલોટો પણ આપ્યા હતા. વિદ્રોહને કચડી નાખવા માટે તેમણે ભુટ્ટોને આર્થિક મદદ પણ કરી હતી. ભુટ્ટોએ બેફામ બૉમ્બમારો કરીને બલૂચિસ્તાનના બાળકો, વૃદ્ધો અને લડાયકોનો ખાતમો બોલાવી દીધો હતો."

"આજે પણ ત્યાં કોઈ ગરબડ થાય ત્યારે પાકિસ્તાન હવાઈ તાકાતનો ઉપયોગ કરે છે. ભારતમાં પણ ઘણીવાર બળવાખોરી થઈ છે, પણ આપણે ક્યારેય નાગરિકો કે ઉગ્રવાદીઓ પર હવાઈ તાકાતનો ઉપયોગ નથી કર્યો."

અકબર બુગ્તીની હત્યા

જનરલ પરવેઝ મુશર્રફના શાસનકાળમાં તેમની સેનાએ 26 ઑગસ્ટ 2006ના રોજ બલૂચ આંદોલનના નેતા નવાબ અકબર બુગ્તીને તેમની ગુફામાં ઘેરીને તેમની હત્યા કરી દીધી હતી.

બલૂચ આંદોલનમાં બુગ્તીનું નામ મોટું હતું. તેઓ ગર્વનર અને કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા.

તેમની હત્યાને કારણે આંદોલન નબળું પડવાને બદલે તેઓ હીરો બની ગયા હતા.

પાકિસ્તાનનાં જાણીતાં રાજકીય નેતાં અને પ્રધાન રહી ચૂકેલાં સૈયદા આબિદા હુસૈને તેમના પુસ્તક 'પાવર ફેલ્યોર'માં લખ્યું છે કે બુગ્તીની હત્યા થઈ તેના થોડા વખત પહેલાં જ તેમની સાથે વાતચીત થઈ હતી.

સેટેલાઇટ ફોનથી તેમની સાથે વાત થઈ તેમાં તેમણે કહ્યું હતું કે, "મારી જિંદગીએ 80 વસંત જોઈ લીધી છે, હવે મારો જવાનો સમય આવી ગયો છે."

"તમારી પંજાબી ફોજ મને મારવા માટે તત્પર છે, પણ તેના કારણે આઝાદ બલૂચિસ્તાનના આંદોલનને જ મદદ મળશે.

મારા માટે આનાથી વધારે સારો અંત બીજો કોઈ ના હોય. આવું થશે તો મને જરાય દુ:ખ નહીં થાય."

લોકોને ગુમ કરીને હત્યા કરવાનો પાકિસ્તાન પર આરોપ

ત્યારથી લઈને અત્યાર સુધી પાકિસ્તાની સેના પર બલૂચ આંદોલનના લોકોને પકડીને ગૂમ કરી દેવાનો અને તેમની ચૂપચાપ હત્યા કરી દેવાના આરોપો લાગતા રહ્યા છે.

માર્ચ 2007માં પાકિસ્તાનના માનવાધિકાર પંચે ત્યાંની સુપ્રીમ કોર્ટમાં 148 લોકોની યાદી સોંપી હતી, જે અચાનક ગાયબ થઈ ગયા હતા. તેના વિશે તેમના સગાઓને પણ કશી ભાળ મળી નહોતી.

સિનિયર પત્રકાર રહીમુલ્લા યુસુફઝઈ કહે છે, "બલૂચિસ્તાનમાં ગૂમ થયેલા અને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગનો મુદ્દો બહુ મોટો બની ગયો છે. લોકોને ઉઠાવીને લઈ જવાના અને પછી તેમની લાશ જ મળે તે અહીં મોટી સમસ્યા બની ગઈ છે. જોકે કોઈ એક પક્ષના લોકો જ આવું કરે છે તેવું પણ નથી."

"અહીં સેના પર પણ હુમલા થાય છે અને ઉગ્રવાદીઓ પર પણ, પણ તેમાં બદલો લેવા કાર્યવાહી થાય છે. અહીં યુદ્ધ જેવી સ્થિતિ છે એટલે જેમની પર શંકા જાય તેને ઉપાડી લેવામાં આવે છે. આ યોગ્ય માર્ગ નથી, પણ યુદ્ધમાં તો આવું જ થવાનું."

"સરકારની તરફેણ કરનારા પણ કેટલાક જૂથો ઊભા થયા છે. તેમના પર આરોપ છે કે તેઓ અલગતાવાદીઓ કે તેમના સમર્થકોને ઉઠાવી લે છે. નવાબ અકબર બુગ્તીની હત્યા પછી, 2006ની સાલથી આવી ઘટનાઓ વધી પડી છે. બુગ્તીની હત્યાથી બહુ આક્રોશ જાગ્યો હતો."

ચીન પાકિસ્તાન આર્થિક કૉરિડોર

થોડા વર્ષો પહેલાં ચીને આ વિસ્તારમાં ચીન પાકિસ્તાન આર્થિક કૉરિડોર બનાવવા માટે લગભગ 60 અબજ ડૉલરનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો.

પાકિસ્તાનના લોકો તેને ગેઇમ ચૅન્જર માને છે, પણ બલોચ લોકોને આ બાબત પસંદ પડી નથી.

તિલક દેવેશર કહે છે, "ચીન માટે ગ્વાદર બંદર અરબ સમુદ્ર સુધી પહોંચવાનો માર્ગ છે. દક્ષિણી ચીન સમુદ્ર ચીન માટે ક્યારેય મુશ્કેલીગ્રસ્ત બને ત્યારે ગ્વાદર બંદરેથી ઓઈલ અને બીજા માલસામાનની હેરફેરનો વિકલ્પ રહે છે."

"એક બીજો રસ્તો બર્મામાં થઈને પણ જાય છે. ચીનની યોજના છે કે અહીં એક કૉરિડોર બનાવવો, જેથી પોતાનો માલસામાન કારાકોરમ હાઇવેથી ગિલગિટ બાલ્ટિસ્તાન થઈને ગ્વાદર બંદર સુધી પહોંચે. અહીં મોટા પાયે રોકાણનું વચન અપાયું હતું, પણ વાસ્તવમાં હજી બહુ મોટું રોકાણ થયું નથી."

દેવેશર આગળ કહે છે, "મુશ્કેલી એ થઈ છે કે તેમણે ગ્વાદરમાં રહેતા માછીમારોને પકડીને હાંકી કાઢ્યા છે. તેનો ભારે વિરોધ થયો છે. અહીં સૌથી મોટી સમસ્યા પાણીની છે. પીવાનું પાણી પણ અહીં મળતું નથી. ત્યાંના લોકો કહે છે કે ચોરી થાય ત્યારે સૌ પ્રથમ પીવાનું પાણી ભરેલા વાસણની ચોરી થાય છે."

"આ સમસ્યાનો ઉકેલ લાવવાની કોઈ કોશિશ થઈ નથી અને બલૂચિસ્તાનને વિશ્વાસમાં લેવાયું નથી. બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાનનું કહેવું છે કે આ તેમનો વિસ્તાર ખરો, પણ અહીં શું થાય છે તેની અમને જ ખબર પડતી નથી."

"બલૂચીઓને ચિંતા છે કે અહીં 50 લાખ ચીની આવીને વસી જશે તો તેમની બહુમતી થઈ જશે. તે પછી બલૂચીઓ ક્યાં જશે? તેઓ પોતાના જ વિસ્તારમાં લઘુમતી બનીને રહી જશે."

નરેન્દ્ર મોદીના ભાષણમાં બલૂચિસ્તાનનો ઉલ્લેખ

થોડા વખત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણમાં બલૂચિસ્તાનનો ઉલ્લેખ કર્યો ત્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચાયું હતું.

પ્રથમવાર એવું બન્યું હતું કે ભારતના વડા પ્રધાને બલૂચિસ્તાનનો જાહેરમાં ઉલ્લેખ કર્યો હોય.

આ અંગે પ્રતિક્રિયા આપતા સ્વિટ્ઝર્લેન્ડમાં રહેતા વિદ્રોહી નેતા બ્રાહુમદગ બુગ્તીએ કહ્યું હતું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા વિશે વાત કરીને અમારા આંદોલનને મદદ કરી છે. બલૂચિસ્તાનમાં યુદ્ધ જેવી જ સ્થિતિ છે."

"ક્વેટા જેવા શહેરમાં મોટી સંખ્યામાં સેના હાજર છે. અમે ત્યાં કોઈ નાની મોટી રાજકીય ગતિવિધિ કરીએ કે તરત સેનાના લોકો ઉઠાવીને લઈ જાય છે. અમારે ત્યાં જાહેરાત કરીને કશું જ કરી શકાય તેમ નથી. ત્યાંના અમારા લોકો પાકિસ્તાન સાથે રહેવા નથી માગતા."

ભારત પર આંતરિક મામલામાં દખલનો આરોપ

જોકે પાકિસ્તાને મોદીના નિવેદનને પોતાના આંતરિક મામલામાં દખલ તરીકે ગણાવ્યું હતું. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે બલૂચ આંદોલનને ભારતનું સમર્થન મળી રહ્યું છે.

રહીમઉલ્લા યૂસુફઝઈ કહે છે, "પાકિસ્તાની સરકારનો એ આક્ષેપ છે કે તેમને બહારથી સમર્થન મળી રહ્યું છે. સીઆઈએનું નામ તેઓ જાહેરમાં બોલતા નથી, પણ ભારત અને તેની જાસૂસી સંસ્થા રૉનું નામ તેઓ ચોક્કસ લે છે."

"આ નામો આજકાલ એટલા માટે પણ લેવામાં આવે છે કે કુલભૂષણ જાધવને કથિત ભારતીય નૌકાદળના અફસર ગણાવીને પાકિસ્તાને તેમની બલૂચિસ્તાનથી ધરપકડ કરી હતી. વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે પણ લાલ કિલ્લા પરના ભાષણમાં બલૂચિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો."

"અમે જોઈએ છીએ કે બલૂચિસ્તાનમાં ભારતને પહેલાં કરતાં વધારે રસ પડી રહ્યો છે. જોકે વડા પ્રધાન મનમોહન સિંહ વખતે પાકિસ્તાનના વડા પ્રધાન ગિલાનીની વાતચીત થઈ ત્યારે પાકિસ્તાને દરખાસ્ત કરેલી કે બલૂચિસ્તાન વિશે પણ વાતચીત થવી જોઈએ અને ભારતે તે સ્વીકારી લીધું હતું."

"અમે તો એવું વિચારતા હતા કે ભારતને તક મળી જાય તો શા માટે તેનો ફાયદો ના ઉઠાવે. અમેરિકાની વાત કરીએ તો તેનો દાવો એવો રહ્યો છે કે તે પાકિસ્તાનને એક રાખવા માગે છે. પરંતુ અમેરિકાની સંસદના કેટલાક સભ્યો બલૂચ વિભાજનવાદીઓને મળતા રહે છે."

બલૂચ આંદોલનનું નબળું પાસું

સવાલ એ છે કે શું આ આંદોલનમાં આઝાદ બલૂચિસ્તાન મેળવવાની તાકાત છે ખરી?

સ્ટિવન કોહેને તેમના પુસ્તક 'ધ આઇડિયા ઑફ પાકિસ્તાન'માં લખ્યું છે, "બલૂચ આંદોલનનું સૌથી નબળું પાસું છે મજબૂત મધ્યમ વર્ગનો અને આધુનિક નેતૃત્ત્વનો અભાવ."

"પાકિસ્તાનની વસતિમાં બલૂચ લોકોની સંખ્યા બહુ થોડી છે. તેમના વિસ્તારોમાં પશ્તૂનોની વધતી વસતિનો સામનો પણ તેમણે કરવાનો છે."

"બીજું તેમને ઇરાન કે અફઘાનિસ્તાનમાંથી મદદ મળતી નથી. કેમ કે તેના કારણે તે દેશોના બલૂચીઓમાં પણ અસંતોષ ઊભો થઈ શકે છે."

વૈકલ્પિક શાસન માટેની યોજના નથી

બલૂચ આંદોલનની બીજી એક ખામી એ છે કે તેમાં હજી સુધી વૈકિલ્પક શાસન કેવું હશે તેની કોઈ રૂપરેખા સામે આવી નથી.

જોકે ભારતના ભૂતપૂર્વ રાજદ્વારી વિવેક કાટજૂ આ વાત સાથે સહમત નથી.

કાટજૂ કહે છે, "મને લાગે છે કે જ્યારે પણ કોઈ આંદોલન, દુનિયાના કોઈ પણ ખૂણામાં સફળ થાય ત્યારે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા તરત શરૂ થઈ જતી હોય છે અને સફળ પણ થતી હોય છે. તેમાં મુશ્કેલીઓ આવે, પણ તેના કારણે એમ વિચારવું કે કોઈ વૈકલ્પિક રૂપરેખા નથી તે વાત ખોટી છે."

નેતૃત્ત્વમાં વિભાજન

બીજું બલૂચ આંદોલનની બીજી એક નબળાઈ છે તેનું વિભાજિત નેતૃત્વ.

રહીમઉલ્લા યૂસુફઝઈ કહે છે, "એ કંઈ નવાઈની વાત નથી. તેના કેટલાક કબીલાને આધારે જૂથો તૈયાર થયા છે. તેમના ઘણા આગેવાનો ત્યાં પણ નથી રહેતા કે પાકિસ્તાનમાં પણ નથી રહેતા."

"આગેવાનોને બીજા દેશોમાં રાજકીય આશ્રય મળેલો છે. કેટલાક સ્વિટ્ઝર્લેન્ડમાં છે, કેટલાક સંયુક્ત આરબ અમિરાતમાં છે, કેટલાક અમેરિકામાં છે. કેટલાક ભારતમાં છે એવું પણ અમુક લોકો કહે છે. આ લોકો કોઈ એક મુદ્દા પર એકમત પણ ધરાવતા નથી. તેમની પાસે કોઈ રાજકીય કે આર્થિક કાર્યક્રમ હોય તેવું પણ દેખાતું નથી."

પાકિસ્તાનની નબળાઈથી જ બલૂચીઓનું આંદોલન મજબૂત થશે

પાકિસ્તાનના જાણકાર લોકો હજી પણ બલૂચ આંદોલનને 'લૉ લેવલ ઇન્સર્જન્સી' જ કહે છે.

મેં તિલક દેવેશરને પૂછ્યું હતું કે આ આંદોલન સફળ થવાની શક્યતા તમને કેટલી લાગે છે.

દેવેશરનો જવાબ હતો, "આ આંદોલન સફળ થવાના બીજ નંખાયા છે, પણ તેનો આધાર બે કે ત્રણ બાબતો પર છે. પાકિસ્તાન જે માર્ગે આગળ વધી રહ્યું છે તેમાં કોઈ આંતરિક ઉથલથાપલ થાય તો તેની અસર બલૂચ આંદોલન પર થશે. ત્યાંનું અર્થતંત્ર ખરાબે ચડ્યું છે અને કોઈ પણ સમયે પડી ભાંગે તેમ છે."

"ત્યાં પાણીની પણ બહુ અછત છે. પાકિસ્તાન અંદરથી નબળું પડે તો બલૂચોની તાકાત વધશે. અથવા તો પછી ત્યાં કંઈક અણધાર્યું બને કે જેના દૂરગામી પરિણામો આવવાના હોય તો આ આંદોલનને આગળ લાવવામાં મદદ મળી શકે."

"બલૂચી અલગતાવાદ એટલી હદે ફેલાઈ ગયો છે કે પાકિસ્તાને તેને કાબૂમાં લેવા માટે પોતાની નીતિઓમાં ઘરમૂળથી ફેરફાર કરવો પડશે. પણ મને નથી લાગતું કે પાકિસ્તાનની સેના અત્યારે આવા ફેરફારો માટે તૈયાર હોય."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો