ગુજરાતનો કુખ્યાત ભૂપત બહારવટિયો પાકિસ્તાન કેમ ભાગી ગયો હતો?

    • લેેખક, રેહાન ફઝલ,
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના કોઈ અપરાધીને પાકિસ્તાનમાં આશરો મળે ત્યારે તે મોટા વિવાદનું કારણ બને છે.

1993માં મુંબઈ બૉમ્બધડાકાના આરોપ સાથે દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં આશરો મેળવ્યો એ મુદ્દો ભારતમાં બહુ ચગ્યો હતો.

જોકે પાકિસ્તાન હંમેશાં એવું કહેતું રહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ તેની ધરતી પર નથી.

દાઉદ પાકિસ્તાનમાં ભરાઈને બેઠો તેનાં 40 વર્ષ પહેલાં પણ આવો એક બનાવ બન્યો હતો. તે વખતે ભારતથી ભાગીને ગયેલા ભૂપત બહારવટિયાને પાકિસ્તાને આશરો આપ્યો હતો.

1950ના દાયકામાં ભૂપત બહારવટિયો ગુજરાત અને રાજસ્થાનમાં કુખ્યાત થયો હતો. જુલાઈ 1949થી ફેબ્રુઆરી 1952 સુધીમાં ભૂપતની ટોળીએ 82 લોકોની હત્યા કરી હોવાનું કહેવાય છે.

છેલ્લે ફેબ્રુઆરી 1952માં બેની હત્યા કર્યા બાદ ભૂપત પાકિસ્તાન ભાગી ગયો હતો.

પોલીસની ભીંસ વધવા લાગી હતી અને હવે પકડાઈ જશું તો ફાંસી થશે એમ માનીને ભૂપત અને તેના બે સાથીઓ પાકિસ્તાન જતા રહ્યા હતા.

પાકિસ્તાનમાં તેમની ધરપકડ થઈ હતી. પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશ અને હથિયાર રાખવાનો કેસ તેમની સામે થયો અને તેમને એક વર્ષની મામૂલી કેદની સજા કરવામાં આવી.

ક્લાસિફાઇડ ફાઇલમાં ભૂપતનો ઉલ્લેખ

પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર તરીકે કામ કરી ચૂકેલા ડૉક્ટર ટી. સી. એ. રાઘવને 'ધ પીપલ નૅક્સ્ટ ડૉર - ધ ક્યુરિયસ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયાઝ રિલેશન વિધ પાકિસ્તાન' નામે પુસ્તક લખ્યું છે.

ભૂપત વિશેની ફાઇલ તેમની પાસે આવી હતી તેની વાત કરતાં રાઘવન કહે છે, "ફાઇલ ડિક્લાસિફાઇ કરવાની હતી તેથી મારી પાસે આવી હતી. તેમાં ભૂપતનો ઉલ્લેખ હતો. આ બાબત બહુ અગત્યની બની ગઈ હતી અને બંને દેશની ટોચની નેતાગીરી વચ્ચે આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી. જોકે ચર્ચા પ્રમાણે અમલ કરવો મુશ્કેલ હતો, કેમ કે બંને દેશો વચ્ચે પ્રત્યર્પણ માટેનો કરાર થયો નહોતો."

તેઓ કહે છે, "ભારતના તે વખતના હાઈ કમિશનરે ભૂપતને સોંપી દેવા માટે ભરપુર પ્રયાસો કર્યા હતા. તે પ્રયાસો સફળ ના રહ્યા ત્યારે તેમણે પાકિસ્તાન સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તે રાજકીય રીતે બહુ નબળી છે."

"જનમતને એક બાજુએ રાખીને તે ભૂપતને ભારતને સોંપવાની હિંમત કરી શકતી નથી એવી ટીકા તેમણે કરી હતી."

ભારત-પાકિસ્તાનના વડા પ્રધાનો વચ્ચે ભૂપતની ચર્ચા

સૌરાષ્ટ્રના નેતાઓ તરફથી કેન્દ્ર સરકારને સતત દબાણ થઈ રહ્યું હતું અને ભારતીય અખબારી જગતમાં પણ ભૂપતના મુદ્દે સતત ચર્ચાઓ થતી હતી.

તેના કારણે જુલાઈ 1956માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના વડા પ્રધાન મહમદ અલી બોગરા વચ્ચે આ મુદ્દે વાતચીત થઈ હતી.

વાતચીત બાદ નહેરુએ વિદેશ મંત્રાલયની ફાઇલ પર નોંધ કરી હતી કે "પાકિસ્તાનના વડા પ્રધાને ભૂપતનો મુદ્દો મારી સામે ઉપસ્થિત કર્યો હતો. મારા ખ્યાલ પ્રમાણે તેમના તરફથી પહેલ થઈ હતી."

"શ્રી બોગરાએ કહ્યું કે તેઓ એ વાતે સહમત છે કે ભૂપતને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. તેને ભારત મોકલવાની વાત પર તેમણે એમ કહીને હાથ ખંખેરી નાખ્યા કે બંને દેશો વચ્ચે પ્રત્યર્પણ સંધિ નથી."

"તેમણે એવું કહ્યું કે ભારતીય વહીવટી તંત્રને જાણ કર્યા બાદ ભૂપતને ભારતીય સરહદ પર છોડી દેવા વિશે વિચાર થઈ શકે છે."

બ્લિટ્ઝના કવર પર ભૂપતના સમાચાર

જોકે કોઈક રીતે આવી દરખાસ્તની વાત ભારતનાં અખબારોમાં લીક થઈ ગઈ. તે પછી પાકિસ્તાને આખી વાતને પડતી મૂકી.

તે વખતે ભારતીય અખબારોમાં ભૂપતના સમાચાર ભારે સનસનાટી સાથે પ્રગટ થતા હતા.

બ્લિટ્ઝના એપ્રિલ 1953ના અંકમાં એવા મથાળા સાથે અહેવાલ છપાયો હતો કે 'શું ભૂપત પાકિસ્તાની સેના માટે ભારતીય ડાકુઓની ભરતી કરી રહ્યો છે?'

આ અહેવાલમાં જણાવાયું હતું કે ભૂપત પાકિસ્તાની સેનાની જાસૂસી પાંખ માટે ભારતના ડાકુઓની ભરતી કરી રહ્યો છે.

આ ટૉપ સિક્રેટ મિશન માટે ભૂપત બંને દેશો વચ્ચેની સરહદ પર ફરી રહ્યો છે એવું લખાયું હતું.

ભૂપતને ભારત જતો રોકવા કોશિશ

રાઘવન કહે છે, "અખબારોમાં આવી વાતો ચગી તે પછી ભૂપતની કોશિશ હતી કે પોતાને ભારત મોકલી દેવામાં ના આવે. તેને ખ્યાલ હતો કે ભારતમાં તેને ફાંસી જ થવાની હતી."

"એક સમયે તેમના કેટલાક ટેકેદારો રસ્તા પર પણ ઊતરી આવ્યા હતા અને ભૂપત માટે ફાળો એકઠો કરવા લાગ્યા હતા."

"તે લોકોએ 1500 રૂપિયાનો ફાળો કરી લીધો હતો, જે તે જમાનામાં કંઈ નાની રકમ નહોતી. લોકોનો ટેકો જોઈને ભૂપતનો ઉત્સાહ વધ્યો હતો."

"તેણે એક ફિલ્મ બનાવવાનું પણ નક્કી કર્યું હતું, જેથી તેમાં એવું દેખાડી શકાય કે ભારતની સેનાએ જૂનાગઢ પર હુમલો કર્યો હતો. આવી ફિલ્મથી પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધમાં પ્રચાર કરી શકાશે એમ તેને લાગ્યું હતું."

પોતાને સ્વાતંત્ર્યસેનાની ગણાવ્યો

ભૂપતને લાગ્યું કે પોતાને સ્વાતંત્ર્યસેનાની બનાવી દેવામાં આવે તો ભારત મોકલવાની વાતનો અંત આવી જાય. આવી ચાલ સાથે જ તેણે સિંધની અદાલતમાં પોતાને કેદમાંથી મુક્ત કરવા માટેની અરજી કરી હતી.

બ્લિટ્ઝ અખબારે ભૂપતની અરજીની ખબર પણ છાપી હતી.

તેણે દલીલોમાં જણાવ્યું હતું, "મારા રાજ્યનો વિલય પાકિસ્તાનમાં કરી દેવામાં આવ્યો ત્યારે ભારતની સેનાએ તેના પર હુમલો કર્યો હતો. અમે તાકાત સામે તાકાત બતાવવાનું નક્કી કર્યું હતું."

"અમે સાડા ત્રણ વર્ષ સુધી ભારતીય સેનાનો સામનો કર્યો હતો. પણ આખરે તેની જીત થઈ અને મારે ભારતથી ભાગીને પાકિસ્તાનમાં આશરો લેવા મજબૂર થવું પડ્યું."

"હું પાકિસ્તાન તરફ વફાદારી રાખું છું, કેમ કે તેણે મને શરણ આપીને મારી જિંદગી બચાવી છે. પાકિસ્તાનની રક્ષા માટે હું મારા લોહીના છેલ્લા ટીપા સુધી લડી લેવા માટે તૈયાર છું."

પાકિસ્તાનમાં જ મોત

રાઘવન કહે છે, "જૂનાગઢના સ્વાતંત્ર્યસેનાની હોવાની દલીલ ભૂપતને ફળી અને તેને પાકિસ્તાનમાં જ રહેવાની મંજૂરી મળી. 2006માં તેનું મૃત્યુ થયું ત્યાં સુધી તે પાકિસ્તાનમાં જ હતો."

"તેણે ધર્મપરિવર્તન કરીને ઇસ્લામ અંગિકાર કરી લીધો હતો. પોતાનું નામ અમીન યુસૂફ રાખ્યું હતું અને બીજી શાદી કરી હતી અને તેને સંતાનો પણ હતાં."

તેઓ વધુમાં કહે છે, "હું સૌરાષ્ટ્ર ગયો ત્યારે લોકોએ મને જણાવ્યું હતું કે તેમને ભૂપતના મોતના ખબર ત્યારે જ મળ્યા હતા, જ્યારે તેની ભૂપતના જૂના ઘરે રહેતી તેની પ્રથમ પત્નીએ માથે સિંદૂર લગાવવાનું બંધ કર્યું."

"1960માં ભૂપત પરથી એક ફિલ્મ પણ બની હતી, જેમાં તેલુગુ દેસમ પાર્ટીના નેતા એન. ટી. રામરાવે કામ કર્યું હતું."

ભૂપત વિશે પુસ્તક

ભૂપત પર ભીંસ વધારનારા પોલીસ અધિકારી વી. જી. કાનિટકરે બાદમાં તેમના વિશે એક પુસ્તક મરાઠીમાં લખ્યું હતું.

1933ની બેચના આઈપીએસ ઑફિસર કાનિટકરના જણાવ્યા અનુસાર ભૂપત દરેક ધાડ બાદ પોલીસને પડકારતો જાસો મોકલતો હતો.

ભૂપત તેમની કરતાં ઉંમરમાં 10 વર્ષ નાનો હતો, તો પણ ભૂપત તેમને કાયમ દીકરા કહીને બોલાવતો હતો, એમ કાનિટકરે લખ્યું છે.

બે પગીઓની મદદથી ભૂપતની ટોળીનું પગેરું દબાવીને કાનિટકરે ભૂપતને પકડવા માટે કોશિશ કરી હતી.

પોલીસ સાથેની એક અથડામણમાં ભૂપતના નીકટના સાથી દેવાયતના મોત બાદ પોતાના ત્રણ સાથીઓને લઈને ભૂપત પાકિસ્તાન જતો રહ્યો હતો. તેમાંનો એક સાથી અમરસિંહ પણ હતો, જે થોડા દિવસ બાદ ભારત પાછો આવી ગયો હતો.

બાદમાં સમાચાર આવ્યા હતા કે ભૂપતે જેલમાંથી છૂટીને દૂધનો ધંધો શરૂ કર્યો છે. કાનિટકર 1969માં સીઆરપીએફના ડિરેક્ટર જનરલ બન્યા બાદ નિવૃત્ત થયા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો