ગધેડાઓએ માનવ ઇતિહાસનો માર્ગ કેવી રીતે બદલી નાખ્યો?

    • લેેખક, ધનંજય ખાડિલકર
    • પદ, બીબીસી ફ્યૂચર
  • ફ્રાન્સના બોઈનવિલે-એન-વોવરે ગામમાં એક રોમન વિલાની સાઇટ પરથી પુરાતત્ત્વવિદોની એક ટીમને મળેલા ગધેડાના અવશેષોમાં કેટલાક અશ્વો કરતાં પણ મોટા હતા
  • આજે ગધેડાની સરેરાશ ઊંચાઈ 130 સેન્ટિમિટર હોય છે
  • રોમન સામ્રાજ્યનું પતન ગધેડાના નામશેષ થઈ જવાનું નિમિત્ત બન્યું હતું
  • 37 લૅબોરેટરીના 49 વિજ્ઞાનીઓએ સમગ્ર વિશ્વમાંથી ગધેડાની 31 પ્રાચીન તથા 207 અર્વાચીન પ્રજાતિઓનું જિનોમ સિક્વન્સિંગ કર્યું હતું
  • પૂર્વ આફ્રિકામાં આશરે 7,000 વર્ષ પહેલાં જંગલી ગધેડાઓને પહેલીવાર પાળવામાં આવ્યા હતા
  • પૂર્વ આફ્રિકાના ગર્દભનો વેપાર સુદાનની ઉત્તર-પશ્ચિમે અને તેનાથી આગળ ઇજિપ્ત સુધી થતો હશે એવું લાગે છે
  • 2,500 વર્ષમાં ગર્દભની નવી પાળેલી પ્રજાતિ સમગ્ર યુરોપ તથા એશિયામાં ફેલાઈ ગઈ હતી, જે આજના ગધેડાના પૂર્વજો છે
  • કેટલાક કિસ્સાઓમાં તેમને રાજાઓ અથવા શાસકો સાથે દફનાવવામાં આવ્યા હતા
  • ઘોડાઓને પાળવાનું આશરે 4.200 વર્ષ પહેલાં શરૂ થયું હતું

રોમન સામ્રાજ્યમાં બોજો ઉઠાવવાથી માંડીને લાંબા અંતર સુધી વેપાર કરવાનું શક્ય બનાવવા સુધીની બાબતમાં ગધેડાઓ આશ્ચર્યજનક રીતે પ્રભાવશાળી બની રહ્યા હતા.

ગધેડાઓ ભાર વહન કરવાની અદ્ભુત ક્ષમતા અને સખત મહેનતુ અભિગમ માટે જાણીતા છે. વિશ્વના કેટલાક ભાગોમાં ગધેડાને, કમનસીબે, અપમાન અથવા ઉપહાસ સાથે સાંકળવામાં આવે છે, પરંતુ પેરિસથી પૂર્વ દિશામાં લગભગ 280 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં પુરાતત્ત્વવિદોએ એવી શોધ કરી છે, જે આ ઓછા વખણાતા આ જાનવર વિશે આપણે જાણીએ છીએ તે ફરી લખવાનું નિમિત્ત બની છે.

બોઈનવિલે-એન-વોવરે ગામમાં એક રોમન વિલાની સાઇટ પરથી પુરાતત્વવિદોની એક ટીમે ગધેડાના અવશેષો શોધી કાઢ્યા છે, જે આજે આપણે જે પ્રજાતિઓને જાણીએ છીએ તેને વામણી પુરવાર કરી શકે તેમ છે.

ફ્રાન્સના તુલોઝ ખાતેની પર્પન મેડિકલ સ્કૂલના સેન્ટર ફૉર ઍન્થ્રૉપૉબાયૉલૉજી ઍન્ડ જિનોમિક્સના ડિરેક્ટર લુડોવિક ઑર્લાન્ડોએ કહ્યું હતું કે, “એ ગધેડા કદાવર હતા. આ પ્રજાતિને આફ્રિકાના ગધેડા સાથે સંબંધ હતો અને તે કેટલાક અશ્વો કરતાં પણ મોટા હતા.”

લુડોવિક ઑર્લાન્ડો ગધેડાના હાડપિંજરમાંથી ડીએનએ સિક્વન્સિંગના એક પ્રોજેક્ટનું વડપણ સંભાળે છે. તે પ્રોજેક્ટ ગધેડાના પાલનના મૂળ તથા તેના પછી સમગ્ર વિશ્વમાં તેના પ્રસાર વિશેના મોટા અભ્યાસનો એક હિસ્સો છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ પ્રાણી સાથેના માનવજાતના સંબંધ વિશે આ સંશોધનમાં આશ્ચર્યજનક માહિતી જાણવા મળી છે.

રોમન સામ્રાજ્યના પતન સાથે ગધેડા...

લુડોવિક ઑર્લાન્ડોના જણાવ્યા મુજબ, બોઈનવિલે-એન-વોવરેની રોમન વિલામાં ઉછેરવામાં આવેલા ગધેડાઓની ઊંચાઈ 155 સેન્ટિમિટર હતી. આજે ગધેડાની સરેરાશ ઊંચાઈ 130 સેન્ટિમિટર હોય છે. એ સમયના ગધેડાની મહદ્અંશે સમોવડી ગણી શકાય તેવી આજની પ્રજાતિ અમેરિકન મેમથ જેક્સ છે. આ નર ગધેડાઓનું કદ અસાધારણ રીતે મોટું હોય છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે સંવર્ધન માટે કરવામાં આવે છે.

લુડોવિક ઑર્લાન્ડોએ જણાવ્યું હતું કે બોઈનવિલે-એન-વોવેરમાં જોવા મળેલા ગધેડાઓએ રોમન સામ્રાજ્યના વિસ્તારમાં અને બાદમાં પોતાના જ પ્રદેશ પૂરતું મર્યાદિત રહેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હશે, પરંતુ તેની યોગ્ય નોંધ લેવામાં આવી નથી.

તેમણે કહ્યું હતું કે, “રોમનોએ આ પ્રજાતિના ગધેડાનું સંવર્ધન ખચ્ચરો પેદા કરવા માટે કર્યું હતું. આ ખચ્ચરોએ લશ્કરી સાધનો તથા માલસામાનના પરિવહનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. યુરોપમાં હોવા છતાં આ ગધેડાઓનું સંવર્ધન અને સંવનન પશ્ચિમ આફ્રિકાના ગધેડાઓ સાથે કરાવવામાં આવ્યું હતું.”

જોકે, રોમન સામ્રાજ્યનું પતન આ વિશાળકાય ગધેડાના નામશેષ થઈ જવાનું નિમિત્ત બન્યું હતું.

લુડોવિક ઑર્લાન્ડોએ ઉમેર્યું હતું કે, “તમારી પાસે હજારો કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું સામ્રાજ્ય ન હોય તો લાંબા અંતર સુધી માલસામાન લઈ જાય તેવા પ્રાણીની જરૂર નથી હોતી. ખચ્ચરો પેદા કરવાનો કોઈ આર્થિક લાભ પણ ન હતો.”

ગધેડાની 238 પ્રજાતિઓનું જિનોમ સિક્વન્સિંગ

માનવ ઇતિહાસમાં ગધેડાઓએ કેવી ભૂમિકા ભજવી હતી એ શોધવા માટે 37 લૅબોરેટરીના 49 વિજ્ઞાનીઓએ સમગ્ર વિશ્વમાંથી ગધેડાની 31 પ્રાચીન તથા 207 અર્વાચીન પ્રજાતિઓનું જિનોમ સિક્વન્સિંગ કર્યું હતું. સમય જતાં ગધેડાની વસ્તીમાં કેવા ફેરફાર થયા હતા એ તેમણે જિનોમિક મૉડેલિંગ ટેકનિકના ઉપયોગ વડે શોધી કાઢ્યું હતું.

તેમને જાણવા મળ્યું હતું કે કેન્યા અને હોર્ન ઑફ આફ્રિકા, પૂર્વ આફ્રિકાના પશુપાલકોએ જંગલી ગધેડાને પાળવાનું લગભગ 7,000 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. સંશોધકોના તારણ મુજબ, આજના તમામ આધુનિક ગધેડાઓ સદીઓ અગાઉ પાળવામાં આવેલા તેમના એકલ પૂર્વજમાંથી ઊતરી આવ્યા હોય એવું લાગે છે.

જોકે, અગાઉના અભ્યાસોનું તારણ સૂચવે છે કે યમનમાં પણ ગર્દભપાલનના પ્રયાસ થયા હશે, પરંતુ રસપ્રદ વાત એ છે કે પૂર્વ આફ્રિકામાં ગર્દભપાલનની આ સૌપ્રથમ ઘટનાને એક સમયના લીલાછમ સહારાના સુકાઈ જવા સાથે સંબંધ છે. લગભગ 8,200 વર્ષ પહેલાં ચોમાસું એકદમ નબળું પડવા લાગ્યું હતું. પશુઓને ચરાવવા તથા લાકડાં બાળવા જેવી માનવીય પ્રવૃત્તિમાં વધારો થવાને લીધે વરસાદના પ્રમાણમાં ઘટાડો થયો હતો અને રણ પ્રદેશ વિસ્તર્યા હતા. વાતાવરણમાં આવેલા આ કઠોર પરિવર્તન અપનાવવામાં પાળેલા ગધેડા જ મહત્ત્વના બન્યા હશે.

લુડોવિક ઑર્લાન્ડોએ કહ્યું હતું કે, “સ્થાનિક લોકોએ આબોહવામાં થયેલા પરિવર્તન સાથે અનુકૂલન સાધવું પડ્યું હતું, એવું અમે માનીએ છીએ. તેમના માટે ગધેડાઓની મુશ્કેલ પ્રદેશમાંથી પણ લાંબા અંતર સુધી માલસામાનના વહનની ક્ષમતાનો લાભ લેવાનું શક્ય હતું.”

લુડોવિક ઑર્લાન્ડોએ નોંધ્યું હતું કે ગર્દભપાલનની શરૂઆત થઈ ત્યારે તેમની વસ્તીમાં નાટ્યાત્મક ઘટાડો થયો હોય અને પછી મોટો વધારો થયો હોય તેવું લાગે છે. આ અભ્યાસ સાથે સંકળાયેલા તુલોઝના સેન્ટર ફૉર ઍન્થ્રૉપૉબાયૉલૉજી ઍન્ડ જિનોમિક્સ ખાતેના પૉપ્યુલેશન જીનેટિસ્ટ એવલિન ટોડે કહ્યું હતું કે, “મોટાભાગના પાલતુ પ્રાણીઓની બાબતમાં કોઈક તબક્કે આવું થતું જ હોય છે.”

ચોક્કસ પ્રકારના ગધેડાની પાલન માટે પસંદગી અને એ પછી તેનું હેતુપૂર્વકનું સંવર્ધન પ્રારંભે આ ઘટાડાનું કારણ હતા. બાદમાં સંવર્ધનને કારણે તેમની સંખ્યામાં મોટો વધારો થયો હતો.

સુદાનથી ઈજિપ્ત સુધી ગર્દભોનો વેપાર

તેમનું પૃથ્થકરણ સૂચવે છે કે એ સમયે પૂર્વ આફ્રિકાના ગર્દભોનો વેપાર સુદાનની ઉત્તર-પશ્ચિમે અને તેનાથી આગળ ઇજિપ્ત સુધી થતો હશે. એ પ્રદેશમાંના 6,500 વર્ષ પહેલાંનાં પુરાતત્ત્વીય સ્થળો પરથી ગધેડાના અવશેષ મળી આવ્યા હતા. એ પછીનાં 2,500 વર્ષમાં ગર્દભની નવી પાળેલી પ્રજાતિ સમગ્ર યુરોપ તથા એશિયામાં ફેલાઈ ગઈ હતી, જે આજના ગધેડાના પૂર્વજો છે.

ઑસ્ટ્રિયાના ગ્રેઝ યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ લાર્ક રેચના જણાવ્યા મુજબ, ગર્દભ ગજબની સહનશક્તિ અને ભારે બોજના વહનની ક્ષમતા ધરાવતા હોય છે. તેમની આ લાક્ષણિકતા, જમીન માર્ગે લાંબા અંતરે માલસામાનના વહનમાં માનવજાતને બહુ મદદરૂપ થઈ છે.

લાર્કે રેચે કહ્યું હતું કે, “મેસોપોટેમિયામાં યુફ્રેટીસ અને ટિગ્રીસ તેમજ ઇજિપ્તમાં નાઇલ જેવી નદીઓનો ઉપયોગ જથ્થાબંધ માલસામાનના પરિવહન માટે થતો હતો ત્યારે ગધેડા જમીન પરના પરિવહનમાં મોટા પ્રમાણમાં ઉપયોગી હતા.”

લાર્ક રેચે એમ પણ કહ્યું હતું કે, “ઈસવી પૂર્વેની ત્રીજી સહસ્રાબ્દી દરમિયાન વધેલા કાંસાના ઉપયોગ સાથે તેનો મેળ ખાય છે. ગધેડા ભારે તાંબું લાંબા અંતર સુધી અને મેસોપોટેમિયા સહિતના જે વિસ્તારોમાં તાંબુ કુદરતી રીતે મળતું ન હતું ત્યાં સુધી પણ લઈ જઈ શકતા હતા.”

અલબત્ત, એ જ સમયમાં ગધેડા તથા તેના જેવાં બીજાં પ્રાણીઓએ યુદ્ધની રીત પણ બદલી હતી. લાર્ક રેચે કહ્યુ હતું કે, “ગધેડાને યુદ્ધમાં પૈડાંવાળાં વાહનોમાં જોડવાનું તેમજ આક્રમણકારી સૈન્ય માટે જરૂરી માલસામાન પરિવહન માટે ઉપયોગમાં લેવાનું શરૂ થયું હતું.”

શાસકો સાથે ગધેડાને દફનનું બહુમાન

એ સમયે ગધેડા એટલા મૂલ્યવાન હતા કે મહત્ત્વની ધાર્મિક વિધિઓમાં પણ તેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. લાર્ક રેચે કહ્યું હતું કે, “ઇજિપ્ત અને મેસોપોટેમિયા બન્નેમાં ગધેડાઓને એટલા મહત્ત્વના ગણવામાં આવતા હતા કે મૃત ગર્દભોને માણસોની સાથે જ દફનાવવામાં આવતા હતા. કેટલાક કિસ્સાઓમાં તેમને રાજાઓ અથવા શાસકો સાથે દફનાવવામાં આવ્યા હતા.”

લાર્ક રેચે ઉમેર્યું હતું કે ઈસવી પૂર્વેની બીજી સહસ્રાબ્દીમાં મકાનના મજબૂત પાયાના નિર્માણ માટે અને સંધિઓ પરનાં સહીસિક્કા સાથે સંકળાયેલી ધાર્મિક વિધિના ભાગરૂપે ગધેડાઓનું બલિદાન પણ આપવામાં આવ્યું હતું.

લુડોવિક ઑર્લાન્ડો અને તેમના સાથીઓએ જે સૌથી જૂના સૅમ્પલનો અભ્યાસ કર્યો હતો તે તુર્કીના કાંસ્ય યુગના ત્રણ ગધેડાનું હતું. એવલિન ટોડે કહ્યું હતું કે, “તેઓ 4,500 વર્ષ જૂના રેડિયોકાર્બન છે અને તેમની આનુવાંશિક રચના આધુનિક એશિયન ગર્દભો જેવી છે. તે સૂચવે છે કે પાળેલા એશિયન ગધેડાનો વિસ્તાર અન્ય વંશમાં થયો હતો.”

ગધેડાઓની અવગણના ક્યારથી?

અશ્વો નહીં, પણ ગધેડાઓ માનવજાતના સતત સાથી બની રહ્યા હોવાની વાતની પણ આ સંશોધન પુષ્ટિ કરે છે. લુડોવિક ઑર્લાન્ડોએ કહ્યું હતું કે, “ઘોડાઓને પાળવાનું આશરે 4,200 વર્ષ પહેલાં શરૂ થયું હતું અને પાળેલા આધુનિક અશ્વોનો માનવ ઇતિહાસ પર બહુ મોટો પ્રભાવ રહ્યો છે. જોકે, ગધેડાઓનો પ્રભાવ તેમના કરતાં પણ વધારે છે, એવું અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે.”

પ્રાણીની સ્થાયી ઉપયોગિતાના સંદર્ભમાં ઘોડા તથા કૂતરાની તુલનામાં ગધેડાઓને નિમ્ન ગણવામાં આવતા રહ્યા છે. આજે પણ વિશ્વના ઘણા પ્રદેશોમાં ગધેડાઓની સદંતર અવગણના કરવામાં આવે છે, પણ કેટલાક વિસ્તારોમાં તેમને અગાઉ જેટલા જ મહત્ત્વના ગણવામાં આવે છે.

એવલિન ટોડે કહ્યું હતું કે, “સમગ્ર વિશ્વના લાખો લોકોના રોજિંદા જીવનમાં ગધેડો એક મહત્ત્વનું પ્રાણી છે. તેની વસ્તીમાં દર વર્ષે એક ટકા વધારો થઈ રહ્યો છે. વિકસિત દેશોમાં ગધેડાનો ઉપયોગ રોજિંદા જીવનમાં થતો નથી, પરંતુ આફ્રિકા અને અરેબિયન દ્વીપકલ્પ સહિતના પ્રદેશોના ઘણાં વિકાસશીલ સમુદાયોમાં લોકોની તથા માલસામાનની હેરફેર માટે આજે પણ ગધેડા પર આધાર રાખવામાં આવે છે.”

તેમણે ઉમેર્યું હતું કે ગધેડાના જીનેટિક મૅક-અપને સમજવાથી ભવિષ્યમાં તેમના સંવર્ધન તથા વ્યવસ્થાપનમાં મદદ મળી શકે.

સંશોધકો ભવિષ્યમાં પાળેલા જંગલી ગધેડાઓના નજીકના સંબંધી પ્રાણીને શોધવાનો અભ્યાસ કરવા ઇચ્છે છે. ઑર્લાન્ડો, ટોડ અને તેમના સાથીઓ આવી ત્રણ પ્રજાતિની ઓળખ કરી શક્યાં છે. એવલિન ટોડે કહ્યું હતું કે, “હાલનો ગધેડો આફ્રિકન જંગલી ગર્દભનો વંશજ છે તે અમે જાણીએ છીએ. તેની ત્રણ પેટાજાતિ હતી. એ પૈકીની એક રોમન કાળમાં ઇસવી 200માં લુપ્ત થઈ ગઈ હતી, જ્યારે બીજી કદાચ જંગલમાં જ લુપ્ત થઈ ગઈ હતી અને ત્રીજી પેટાજાતિ પર લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.”

આફ્રિકન જંગલી ગધેડાની અત્યાર સુધી નહીં ઓળખાયેલી કોઈ પેટાજાતિ હતી કે કેમ તે જાણવા માટે વધુ કામ કરવાની જરૂર છે. તેનાથી ગધેડાના આનુવાંશિક ઇતિહાસ વિશેની આપણી સમજ બહેતર બની શકશે અને તેમણે માનવજાતના ઇતિહાસમાં ભજવેલી મહત્ત્વની ભૂમિકા વિશે આપણને વધુ માહિતી મળશે.