અમેરિકામાં 75 દેશના નાગરિકોના ઇમિગ્રન્ટ વિઝા મોકૂફ, ઇમિગ્રન્ટ અને નૉન-ઇમિગ્રન્ટ વિઝામાં આટલો ફેર

અમેરિકા 21 જાન્યુઆરીથી વિશ્વના 75 દેશોના નાગરિકોને 'ઇમિગ્રન્ટ વિઝા' આપવાનું બંધ કરી દેશે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે આ વાતની જાહેરાત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર કરી હતી. સાથે જ તેમણે લખ્યું કે જે દેશના લોકો અમેરિકન નાગરિકોના હક્ક ખૂંચવી રહ્યા છે, તેમને ઇમિગ્રન્ટ વિઝા આપવા ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે સરકાર આ વ્યવસ્થાના "દુરુપયોગને ખતમ કરવા" માંગે છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવકતા ટૉમી પિગૉટે કહ્યું, "વિદેશ મંત્રાલય પોતાના અધિકારોનો ઉપયોગ કરશે, જેથી કરીને અમેરિકાની ઉપર ભારણ બની શકે અને અમેરિકાની જનતાની ઉદારતાનું દોહન કરનારા સંભવિત પ્રવાસીઓને અયોગ્ય જાહેર કરી શકાશે."

આ સિવાય 19 દેશના ઇમિગ્રન્ટ્સની આશ્રયની અરજીઓ, નાગરિકતાની અરજીઓ તથા ગ્રીનકાર્ડની અરજીઓ પણ અટકાવી દેવામાં આવી છે.

અમેરિકાએ તાજેતરના સમયમાં ઇમિગ્રેશન ઉપર નિયંત્રણની દિશામાં ભરેલું મોટું પગલું છે.

ઉલ્લેખનીય છે કે આ નિયંત્રણ ઇમિગ્રન્ટ વિઝા ઉપર લાદવામાં આવ્યા છે. આ સિવાય નૉન-ઇમિગ્રન્ટ વિઝા માટે અત્યારે પણ અરજી કરી શકાય છે.

અમેરિકા દ્વારા મુખ્યત્વે બે પ્રકારના વિઝા આપવામાં આવે છે, જેમાં ઇમિગ્રન્ટ વિઝા તથા નૉન-ઇમિગ્રન્ટ વિઝાનો સમાવેશ થાય છે.

જે વિદેશી અરજદારે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી નિવાસ કરવો હોય, તેણે ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરવી પડે.

જે લોકો અમેરિકામાં કોઈ ચોક્કસ કામસર મર્યાદિત સમય માટે જવા માંગતા હોય, તેમણે નૉન-ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરવાની હોય છે.

આના માટેની વિસ્તૃત માહિતી યુએસ કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શન વેબસાઇટ પર આપવામાં આવી છે.

જે વિદેશી નાગરિક અમેરિકામાં કાયમી ધોરણે રહીને કામ કરવા માંગતો હોય તેમને ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે.

આના માટે યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ) સમક્ષ અરજી કરવાની હોય છે, જેને સંબંધી કે નોકરીદાતા સ્પૉન્સર કરે છે.

આ સિવાય વિશેષ લાયકાત ધરાવનારા, રોકાણકારો તથા અમુક કૅટેગરીના ઇમિગ્રન્ટ ખુદને માટે અરજી કરી શકે છે.

જો અરજદાર તમામ લાયકાત ધરાવતો હોય, તો આ અરજીને અમેરિકાની સંબંધિત કૉન્સ્યુલેટ કે ઍમ્બેસી ખાતે મોકલવામાં આવે છે, જ્યાં વિઝા અરજીને પ્રોસેસ કરવામાં આવે છે.

એક વખત ઇમિગ્રન્ટ વિઝા ઇસ્યુ કરવામાં આવે, એટલે જે-તે વ્યક્તિએ વિઝા ઍક્સ્પાયર થાય, તે પહેલાં અમેરિકામાં પૉર્ટ ઑફ ઍન્ટ્રી ખાતે રૂબરૂમાં હાજર રહેવાનું હોય છે.

સીબીપી અધિકારી ઇમિગ્રન્ટના દસ્તાવેજો ચકાસીને ઇમિગ્રન્ટ વિઝા મંજૂર કરે એટલે જે-તે વ્યક્તિ અમેરિકામાં કાયદેસર રીતે નિવાસ કરી શકે છે.

યુએસસીઆઈએસ અથવા યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટની વેબસાઇટ ઉપર અલગ-અલગ ઇમિગ્રન્ટ વિઝા કૅટેગરી તથા તેની પાત્રતા વિશે જરૂરી માહિતી આપવામાં આવી છે.

જ્યારે કોઈ વિદેશી નાગરિક કોઈ કામસર થોડા દિવસ માટે અમેરિકાની મુલાકાત લેવા માંગતો હોય, ત્યારે તે નૉન-ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરે છે. આના માટે મેડિકલ ટ્રીટમેન્ટ, ભણવા, પ્રવાસ-પર્યટન, ધંધારોજગાર કે હંગામી કામ સહિત કોઈપણ કારણ હોય શકે છે.

વ્યક્તિ કયા હેતુસર અમેરિકાનો પ્રવાસ ખેડવા માંગે છે, તેને ધ્યાને લઈને ઇમિગ્રેશનના કાયદા હેઠળ સંબંધિત વિઝા આપવામાં આવે છે.

સામાન્યતઃ પર્યટન માટે (B-2) અને વેપાર-ધંધા માટે અરજદાર (B-1) શ્રેણી હેઠળ વિદેશમાં આવેલી કૉન્સ્યુલેટ કે ઍમ્બેસી ખાતે અરજી કરે છે.

જે વિદેશી નાગરિક નૉન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર ભણવા કે કામ કરવા માટે અમેરિકા જવા માંગતા હોય, તેમણે કેટલીક મંજૂરીઓ લેવી પડે છે અને દસ્તાવેજો રજૂ કરવા પડે છે.

યુએસસીઆઈએસ અથવા યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટની વેબસાઇટ ઉપર અલગ-અલગ નૉન-ઇમિગ્રન્ટ વિઝા કૅટેગરી તથા તેની પાત્રતા વિશે જરૂરી માહિતી આપવામાં આવી છે.

જોકે, માત્ર વિઝા મળી જવાથી અમેરિકામાં પ્રવેશ નિશ્ચિત નથી થઈ જતો. તેનો અર્થ એટલો જ છે કે યુએસ ઍમ્બેસી કે કૉન્સ્યુલેટના અધિકારીએ અરજીની સમીક્ષા કરી છે અને જે-તે શખ્સ, જે કોઈ કારણસર અમેરિકામાં પ્રવેશવા માંગે છે, તે ખરું છે.

યુએસમાં પૉર્ટ ઑફ ઍન્ટ્રી ખાતે સીબીપી ઓફિસર નક્કી કરે છે કે અમેરિકાના ઇમિગ્રેશન કાયદા પ્રમાણે, સંબંધિત વ્યક્તિ અમેરિકામાં પ્રવેશપાત્ર છે કે નહીં.

75 દેશોની યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, બ્રાઝિલ, મ્યાનમાર, નાઇજીરિયા, અઝરબાઇજાન, ઉઝબેકિસ્તાન અને યમન જેવા દેશોનાં નામ છે.

આને કારણે દક્ષિણ એશિયાના હજારો લોકોના અમેરિકામાં અભ્યાસ, પ્રવાસ અને કામ કરવાના ઇરાદા ઉપર પાણી ફરી વળશે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાનની સેનાના વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનિરે અમેરિકાની મુલાકાત લીધી હતી. તેમણે વ્હાઇટહાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે અમેરિકામાં રોકાણ કરવાની વાત પણ કહી હતી.

વરિષ્ઠ પત્રકાર સદાનંદ ધુમેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર અવલોક્યું ,"આ યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળનું નામ આશ્ચર્યજનક નથી."

ઇસ્લામાબાદ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કાર્યકારી નિર્દેશ હુસૈન નદીમનું માનવું છે કે પાકિસ્તાન લાંબો સમય સુધી પ્રતિબંધિતની યાદીમાં નહીં રહે.

નદીમે ઍક્સ ઉપર લખ્યું, "પાકિસ્તાન આ યાદીમાં લાંબો સમય નહીં રહે. સમીક્ષા દરમિયાન આ નિર્ણયને બદલવામાં આવે તેવી શક્યતા છે. ટ્રમ્પ સરકારે શરૂઆતમાં પાકિસ્તાનને વિઝા ફ્રી યાદીમાં મૂક્યું હતું, એ તથ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ."

દક્ષિણ એશિયાના ભૂરાજકારણ ઉપર ઊંડી નજર રાખનારા વિશેષજ્ઞ માઇકલ કુગલમૅને લખ્યું, "ટ્રમ્પ સરકારે જે 75 દેશોની વિઝા પ્રક્રિયા અનિશ્ચિતકાળ માટે અટકાવી દીધી છે, તેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોમાં તાજેતરમાં જે ગરમાવો આવ્યો છે, તે પણ તેને બચાવી શક્યો નથી. આ યાદીમાં બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળ પણ સામેલ છે."

આ પહેલાં કુગલમૅને ઍક્સ ઉપર લખ્યું હતું કે ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત બંને દેશો વચ્ચેના સંબંધને ફરી પાટે ચઢાવવા માટે ભારે મહેનત કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન