રવિશંકર મહારાજ : ભરી બંદૂકે 15 ખુંખાર બહારવટિયા વચ્ચે બેખોફ ઊભેલો એ ગુજરાતી કોણ હતો?

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

વાત્રક નદીના કાંઠાનો એ રસ્તો દિવસે ભયંકર બિહામણો લાગતો હતો. ત્રણ લૂંટારુ ટોળકીઓનો અહીં ખોફ હતો.

એક અંધારી રાત્રે ચાળીસેક વર્ષનો માણસ કપડવંજના ભરકડા ગામથી સરસવણી ગામે જવા માટે આ જ રસ્તે નીકળ્યો, આ રસ્તો એના માટે નવો નહોતો પણ આજે કંઈક જુદો જ નજારો હતો, સામે આવતા લોકો ઉતાવળે ચાલ્યે જતા હતા.

એમાંથી કોઈએ ધીમા સ્વરે કહ્યું, 'પાછા વળો ને!'

પોતાનો હાથ પણ ન દેખાય એવા અંધારામાં આ માણસ ચાલ્યે જતો હતો, એકાએક તેમની છાતી પર હાથ મૂકી કોઈએ પાછળ ધકેલ્યા.

'મહાત્મા ગાંધીનો બહારવટિયો'

પાછળ ધકેલનાર માણસ બોલ્યો, 'પાછા વળો. આગળ નકામા લોકો છે.'

માણસ પારખી ગયો કે આ પૂંજો છે, તેમણે પૂંજાને પૂછ્યું, 'કોણ બહારવટિયા?' 'હા'નો જવાબ સાંભળીને પૂંજાને કહ્યું, 'ફિકર નહીં હું એમની જ શોધમાં છું.'

પૂંજાએ ચેતવ્યા કે એ લોકો બાન પકડે છે અને બાનને છોડાવવા મોટી રકમ માગે છે અને જોઈતી રકમ ન મળે તો ઠાર મારે છે.

તેમના મનમાં થોડા વિચારો ભમ્યા અને પૂંજાને પાછળ છોડી ફરી એ માણસે અંધારા રસ્તે પગ માંડ્યા.

એ આગળ વધ્યા અને એક ખેતરમાંથી પડછંદ માણસ ઊભો થયો, એ બંદૂકધારીને જોઈ આ માણસ ખડખડાટ હસ્યો અને પૂછ્યું, 'કેમ? તમે એકલા છો? બીજા બધા ક્યાં?'

આ કહેતા-કહેતા જ અંદર પ્રવેશ્યા, બંદૂકધારી એની પાછળ ચાલ્યો, થોડા અંદર ગયા તો બીજા બે બંદૂકધારી દેખાયા.

'ગાંધી મહાત્માનો બહારવટિયો'

ત્રણેય બંદૂકધારી સાથે ચાલવા લાગ્યા, એવામાં જ સામેથી અવાજ છૂટ્યો, 'ખબરદાર! ત્યાં જ ઊભો રે નહીં તો ઠાર.. કોણ છે તું?' આ શબ્દો ઘોડેસવાર બંદૂકધારી ડાકુના હતા.

સફેદ કપડાં અને ટોપીમાં આવેલા આ માણસે જવાબ આપ્યો, 'બહારવટિયો છું. થોડી વાત કરવા અને તમને બધાને મળી લેવા આવ્યો છું.'

આઠ-દસ બીજા બંદૂકધારી પણ આવીને ઊભા થઈ ગયા.

ઘોડેસવારે પૂછ્યું, 'કોની ટોળીનો બહારવટિયો?'

આ માણસે જવાબ આપ્યો, 'ગાંધી મહાત્માની ટોળીનો'

આ સાંભળી બધા બંદૂકધારીઓ મૂંગા થયા, પેલો માણસ બોલ્યો, 'તમને હું સાચા બહારવટાની રીત શીખવવા આવ્યો છું. ગાંધીજીએ અંગ્રેજ સરકારની સામે બહારવટું માંડ્યું છે.'

બંદૂકધારીઓ બેસીને સાંભળતા રહ્યા અને આ માણસ બોલ્યો, 'આપણાં દુઃખોનું મૂળ પરદેશી સરકાર છે, બહારવટું એમની સામે કરવાનું છે.'

'આજથી બે મહિને બારડોલીમાં સરકાર ગોળીઓ ચલાવશે. સાચું બહાવટું કરવું હોય તો ચાલો મહાત્મા ગાંધી પાસે.'

પછી ચર્ચા આગળ ચાલી.

ગાંધીનો 'બહારવટિયો' રવિશંકર મહારાજ

બહારવટિયાઓને 'સાચું બહારવટું' શીખવવા નીકળેલો આ માણસ એટલે રવિશંકર મહારાજ, તેમનું મૂળ નામ રવિશંકર વ્યાસ અને તેમનો જન્મ ખેડા જિલ્લામાં જ થયો હતો.

બહારવટિયાઓ સાથેની મુલાકાતનો ઉપરનો પ્રસંગ ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ પરના પુસ્તક 'માણસાઈના દીવા'માં મહી કાંઠાનાં ગામોની બોલીમાં લખ્યો છે.

સમાજસેવા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં રવિશંકર મહારાજે જીવન વિતાવ્યું, વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞમાં અને સર્વોદય યોજનાઓના પાયામાં પણ તેમનું કામ હતું.

100 વર્ષની વય સુધી જીવનારા રવિશંકર મહારાજ નાની વયથી જ ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા.

માણસાઈના દીવાના દરેક પ્રસંગમાં સતતા ચાલતા રહેતા આ માણસને લોકો 'સતત ચાલતો સંત' કહેતા હતા અને હકીકતમાં પણ ખેડા, વડોદરા અને આસપાસના ગામોના રસ્તાઓ પર રવિશંકર માણસ સતત ચાલતા જોવા મળતા હતા.

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રો. ભરત મહેતા કહે છે કે રવિશંકર મહારાજમાં એ યુગની તાલીમ દેખાય છે.

"રવિશંકર મહારાજ ગાંધી વિચારધારાના એક સેનાની હતા અને એમને બહારવટિયાઓને આઝાદી આંદોલનના માર્ગે વાળવાનો પ્રયાસ કર્યો હતો."

તેઓ કહે છે, "ગાંધીજીએ તેમના અનેક અનુયાયીઓને સમાજમાં સુધારણા કરવાનાં કામોમાં મોકલ્યા હતા. જેમાંથી એક રવિશંકર મહારાજ હતા."

"લોકો વગ સંગ્રામ કેવી રીતે થાય? એટલે લોકોને સ્વાતંત્ર્ય સંગ્રામમાં લાવવાની આ તાલીમ હતી."

રવિશંકર મહારાજે બહારવટિયાઓને સુધારવાનું જે કામ હાથે લીધું હતું તેના પર ઝવેરચંદ મેઘાણીએ 'માણસાઈના દીવા' લખ્યું અને પન્નાલાલ પટેલે તેમના જીવન પર 'જેણે જીવી જાણ્યું' નામે પુસ્તક લખ્યું. બબલભાઈ મહેતાએ પણ તેમના સાથેના અનુભવો પુસ્તક સ્વરૂપે લખ્યા છે.

તેમણે એ સમયે બહારવટિયાઓમાં 'માથાભારે' ગણાતી પાટણવાડિયા અને બારૈયા કોમોને પણ સુધારવાનું કામ જીવના જોખમે કર્યું.

આ ગામો, પરિવેશ અને પાત્રો સાથે ઝવેરચંદ મેઘાણીની મુલાકાત રવિશંકર મહારાજે જાતે કરાવી હતી.

રવિશંકર મહારાજનું જીવન સાવ સાદું હતું અને કદાચ એટલે જ લોકો તેમને 'કરોડપતિ ભિખારી' કહેતા હતા.

સમાજ સુધારણા ક્ષેત્રે તેમનું યોગદાન એટલું વિપુલ છે કે તેમના નામે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક કાર્યો માટે 'રવિશંકર મહારાજ પુરસ્કાર' આપવામાં આવે છે.

સાબરમતી જેલની કેદ

1942ના બળવા વખતે રવિશંકર મહારાજને સાબરમતી જેલમાં કેદ થઈ હતી. એ વખતનો એક પ્રસંગ પણ 'માણસાઈના દીવા'માં ટાંક્યો છે.

જેલમાં એક કેદી-મુકાદમે મહારાજને પૂછ્યું, 'ઓળખો છો?'

રવિશંકર મહારાજ ઓળખી ન શક્યા, મુકાદમે કહ્યું, 'તે દિવસે રાત્રે, વાત્રકકાંઠાના ખેતરોમાં કોઈ બંદૂકધારી ઊઠેલો. એ બહારવટિયો હું પોતે, મોતી.'

આ એ જ બહારવટિયો હતો જે રવિશંકર મહારાજને મળ્યો હતો, પણ તેનું નામ રવિશંકર મહારાજને પહેલી વખત જાણ્યું હતું. તે બહારવટિયો કેમ બન્યો એની પણ કથા અહીં નોંધી છે.

મોતી ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના દેવકી-વણસોલ ગામનો બારૈયો હતો. ખેત-મજૂરી કરીને ખાતો હતો.

પત્ની અને એક દીકરા સાથે નાના ઘરમાં રહેતો હતો, એ ઘર ગામના મુખીના દીકરના લગ્નમાં ફોડેલી હવાઈથી સળગી ગયું.

મુખીએ દિવાળીમાં ઘર બનાવી આપવાનો વાયદો કર્યો અને ગામનો શેઠ જામીન બન્યો.

દિવાળી ગઈ અને બીજી દીવાળી આવી ગઈ, અઢાર મહિના સુધી શરણ વગર પત્ની અને નાના બાળક સાથે ચોમાસું, શિયાળો અને ઉનાળો કાઢ્યો.

મુખીના ઘરના કેટલાય ચક્કર કાપ્યાં પણ એનું ઘર ફરી ન ચણાયું.

એક દિવસે સવારે મોતીએ જામીન બનેલા શેઠ પાસે સવારે ભાગોળ પર ઉઘરાણી કરી, વાણિયા શેઠે મોતીને કહ્યું, 'જા તારાથી થાય તે કરજે.'

મોતી બારૈયાના ખભે ધારિયું હતું , એક જ ઘામાં વાણિયાનું માથું ધડથી અલગ કરીને નાસી ગયો અને અઢી વર્ષ પછી ડાકુ નામદારિયાની ટોળીમાં સાગરીત બન્યો.

મહારાજ બહારવટિયાઓને કઈ રીતે સુધારતા?

બહારવટિયા એટલે કોણ? આ પ્રશ્નનો જવાબ ઝવેરચંદ મેઘાણીએ 'સોરઠી બહારવટિયા' પુસ્તકના પ્રારંભે 'બહારવટીઆની મીમાંસા' નામે આપ્યો છે.

મેઘાણી પ્રમાણે, 'પોતાને અને રાજસત્તાને વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજસત્તાની અવગણના કરી રાજ્ય બહારની વાટ પકડે એનું નામ બહારવટીઓ.'

ગુજરાતમાં બહારવટિયાઓનું પ્રભુત્વ એટલું હતું કે કિનકેઇડ નામના અધિકારીએ 'આઉટલૉઝ ઑફ કાઠિયાવાર' નામનું પુસ્તક લખ્યું હતું. બહારવટિયાઓને અંગ્રેજીમાં 'આઉટલૉઝ' કહેવામાં આવે છે.

આ પુસ્તકના જવાબમાં મેઘાણીએ બહારવટિયાઓનો ઇતિહાસ લખ્યો છે એવો મત ઘણા વિવેચકોએ પ્રગટ કર્યો છે.

ભરત મહેતા કહે છે, "બહારવટિયાઓ ગુનાખોરી કરતા હતા, પણ એની સાથે-સાથે એમની અંદર એક વૅલ્યૂ સિસ્ટમ કામ કરતી હતી."

"રવિશંકર મહારાજ આંકલાવના ગામોમાં આ બહાવટિયાઓને સમજાવવા જતા ત્યારે બહારવટિયા કહેતા કે શેઠોએ કેદ કરેલી લક્ષ્મીને અમે છોડાવીએ છીએ, લક્ષ્મી ચંચળ હોય છે અને અમે એને મુક્ત કરાવીએ છીએ."

"એટલે જ તો રવિશંકર મહારાજ આ કોમના લોકોને સુધારવા માટે ઊતર્યા હતા."

રવિશંકર મહારાજ બહારવટિયાઓને સુધારવા માટે જતા એ ઘટનાક્રમ રસપ્રદ છે, તેઓ સામેથી નહોતા પૂછતા કે તમે બહારવટું શું કામ કરો છો કે તેઓ બહારવટું છોડવા પણ ક્યારેય ન કહેતા.

બબલભાઈ મહેતાના પુસ્તક 'મહારાજના મુખેથી અને બીજી વાતો' પર હરીશ વટાવવાળાએ લેખ લખ્યો છે.

તેમાં તેમણે રવિશંકર મહારાજના 'માનસપુત્ર' બબલભાઈ મહેતા અને રવિશંકર મહારાજ વચ્ચેનો એક સંવાદ પુસ્તકમાંથી ટાંક્યો છે.

બબલભાઈએ એક વખત મહારાજને પૂછ્યું હતું, 'તમે પાટણવાડિયા કોમને શી રીતે વશ કરી?'

એના જવાબમાં મહારાજે કહ્યું, 'હું એમને મોઢે કહીને જે કરાવી શકતો એના કરતાં મારો પ્રેમ એમની પાસે વધારે કામ કરાવી શકતો.'

રવિશંકર મહારાજ જ્યારે આવતા તો લૂંટેલો બધો માલ કાઢીને મહારાજને આપી દેતા હતા.

'માણસાઈના દીવા'માં એક પ્રસંગ છે. કણભા નામના ગામમાં ચોરી થયાની જાણ મહારાજને થઈ.

અહીંના ઘણાં ગામોમાં તેઓ સતત અવરજવર કરતા હતા અને આ ગામમાં પણ રવિશંકર મહારાજ નિયમિત આવતા હતા.

મહારાજની હાજરી હોય એ ગામોમાં ચોરી ન થાય એવું ન હતું, પણ એની તપાસ અને શિક્ષા અનોખી રીતે થતી હતી.

મહારાજ ગામમાં પહોંચ્યા અને અન્ન નહીં ખાવાની જીદ પકડી.

એ દિવસે અડધી રાત્રે ચોરી કરનાર શખ્સ આવ્યો અને પોતાની ઓળખ છતી ન થાય એ રીતે મહારાજને ચોરી થયેલા ડબ્બા સુધી લઈ ગયો.

બાબર દેવો

વાત્રક અને મહી નદીના કાંઠાનાં ગામો ડાયાભાઈ ફોજદાર, નામદારિયા અને બાબર દેવાની ત્રણ લૂંટારું ટોળીઓ ખૂંદતી હતી અને તેમનો ખોફ પણ હતો.

પહેલાં બાબર દેવો ભજનો થતાં ત્યાં અચૂકપણે પહોંચી જતો એટલે ભગત કહેવાતો હતો.

ચોરીના ગુનામાં જેલમાં ગયેલા બાબર દેવા જેલ તોડીને નાસી છૂટ્યા અને એ જ દિવસે જ મુખીને જાનથી માર્યો.

થોડા મહિના પછી બાબર દેવાએ ગોરેલ ગામમાં એક માણસને તલવાર ઘોંચી દીધી, સગા કાકાએ ભત્રીજાને ઠાર માર્યો.

એક ચોરી, જેલ તોડવી અને બે ખૂનના ગુનાથી બાબર દેવો આખા ચરોતરમાં ચર્ચાવા લાગ્યો, જિલ્લાની અને વડોદરાની એમ બંને પોલીસ તેમને શોધવા લાગી.

થોડા મહિના પછી જોગણ ગામમાં એક પાટણવાડિયાના ઘરમાં બાબર દેવો આવ્યો અને ખોળામાં બાળક રમાડતા પાટણવાડિયાને ગોડીએ ઠાર કર્યો, એ બાબર દેવાના ફુઆ હતા.

પોલીસને બાતમી આપી દેશે એ શંકાએ કાકા અને ફુવાને ઠાર કર્યા હતા. ત્રણ ખૂન બાદ બાબર દેવાને બહારવટિયો જાહેર કરાયો, પાછળથી બહેનની પણ હત્યા કરી દીધી.

એક દિવસ બાબર દેવાના માણસની બાતમીથી જ તેની ધરપકડ થઈ અને પછી ફાંસી થઈ.

'બાબરને મહારાજ કેમ મળી ન શક્યા' એવું મેઘાણીએ એક વખત રવિશંકર મહારાજને પૂછ્યું હતું.

જવાબમાં મહારાજે કહ્યું હતું કે બાબર દેવાએ મહારાજને સૂદરણા ગામમાં મળવા બોલાવ્યા હતા, પોતે મળવા જતા હતા ત્યારે ખબર પડી કે બાબરના માણસે મહારાજને મળવાની વાત ગામના બીજા લોકોને કરી હતી.

આ વાત પોલીસ સુધી પહોંચી ગઈ હોવાની શક્યતા હતી.

એટલે મહારાજે કહ્યું, "જો હું જાઉં અને પોલીસ મારી પાછળ આવે તો બાબરનો વિશ્વાસઘાત કર્યો કહેવાય."

બાબર દેવા વિશે મેઘાણી પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે:

"જેને જેને મહારાજનો ભેટો થયો તે પાત્રોને કેવા પ્રકારનો રંગ લાગ્યો અને જેઓ એથી વંચિત રહી ગયા, તેમનાં પગલાં જુદે પંથે ઊતરી ગયાં. બાબર દેવા એનું દૃષ્ટાંત પૂરું પાડે છે."

'માણસાઈના દીવા' ઝળહળતા રહે એ માટે રવિશંકર મહારાજે કેટકેટલા બહારવટિયાઓને સુધારવાના પ્રયાસો કર્યા.

વર્ષો પછી જ્યારે એ બહારવટિયા ક્યાંક જેલમાં કેદી-મુકાદમ બની જતા અને મહારાજની બળવા દરમિયાન ધરપકડ કરાતી ત્યારે તેઓ મહારાજનું ધ્યાન રાખતા હતા.

મહી અને વાત્રકના કાંઠાના ગામો રવિશંકર મહારાજે જીવના જોખમે કરેલા આ પ્રયાસના જાણે કે સાક્ષી છે.

કંગાળિયતની કહાણી

લોકોની કંગાળિયત પણ કેવી હોઈ શકે એનો ચિતાર આપતી એક કહાણી 'માણસાઈના દીવા'માં જ નોંધાઈ છે.

આર્થિક રીતે કંગાળ પરિવારોની મુશ્કેલીમાં રવિશંકર મહારાજ સતત સહભાગી બન્યા એનું આ ઉદાહરણ છે.

રાસ નામના ગામમાં મજૂરી કરી પરિવારનું માંડ ગુજરાન ચલાવતા શનિયાના દીકરાનો પગ કૂતરું કરડવાથી સડી ગયો હતો અને તેનાં પત્નીને સુવાવડ આવી હતી.

છોકરાને દવાખાને લઈ જવાના પૈસા પણ નહીં અને જો દવાખાને લઈ જાય તો મજૂરી કરવા કોણ જાય?

મહારાજને આ વિશે જાણ થઈ અને તેઓ શનિયાના ગામે પહોંચ્યા.

શનિયાના ઘરે થોડા દિવસ ખાવાનું થઈ રહે એટલી ગોઠવણ કરીને શનિયાની મદદથી દીકરાને ઊંચકીને ટ્રેન મારફતે આણંદ લઈ ગયા, પણ આણંદમાં રોજનો એક રૂપિયા આપવો પડતો હોવાથી તેને વડોદરા લઈ ગયા.

શનિયો જ્યારે તેના છોકરાને રવિશંકર મહારાજ પાસે દવાખાનાની ઓરડીમાં છોડીને જતો હતો, ત્યારે ઓરડી બહાર જઈને ઊભો રહ્યો અને પાછો આવીને છોકરાના ખાટલામાં જોઈ રહ્યો.

મહારાજે પૂછ્યો, "કેમ ઊભો?"

શનિયાએ જવાબ આપ્યો, "મારો આ દીકરો બધા છોકરાથી ડાહ્યો છે...ઘરમાં દાણા (અનાજ) બાકી બધા રડારોળ કરી મૂકે, પણ આ ભૂખ્યો પડ્યો રહે, એટલે એ મને વધુ ડાહ્યો લાગે છે. એથી એને મૂકી જવાનો જીવ ચાલતો નથી."

આવી કંગાળિયતની અનેક કહાણી રવિશંકર મહારાજના જીવન સાથે જોડાયેલી છે. રવિશંકર મહારાજે કેટલાય કંગાળોને બહારવટિયા બનતા અટકાવ્યા અને કેટલાય બહાવટિયાઓ પાસે તેમણે બહારવટું છોડાવી દીધું.

સત્યાગ્રહ અને જેલવાસ સિવાયનો સમય શનિયા જેવા લોકોની મદદમાં અને સમાજસેવામાં 'ગાંધીજીના બહારવટિયા'એ વિતાવી દીધો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો