You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મૉડર્ના કોરોના વૅક્સિન : ભારતમાં મંજૂરી મળી એ 95 ટકા અસરકારક રસી કેવી છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતમાં હાલના સમયમાં કોરોનાના કેસની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે અને કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ પણ ચાલુ છે.
ભારતમાં હાલ કોવિશિલ્ડ, કોવૅક્સિન રસી લોકોને અપાઈ રહી છે, તો રશિયાની સ્પુતનિક-વી રસીને ભારતમાં મંજૂરી મળી છે, જેની ટ્રાયલ ચાલુ છે.
કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બન્યો છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, જોકે તેને ગાઇડલાઇનનું પાલન કરીને થોડી હળવી કરી શકાય કે રોકી પણ શકાય તેમ છે.
જોકે ત્રીજી લહેર ક્યારે આવશે તેના અંગે કોઈ ચોક્કસ તારીખ કે સમય હજુ સુધી નિષ્ણાતો કહી શક્યા નથી, માત્ર અનુમાન કરી રહ્યા છે.
એવામાં ભારતમાં મૉડર્ના વૅક્સિનને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
સીમિત ઉપયોગ માટે મંજૂરી
કેન્દ્ર સરકારે મૉડર્ના રસીને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વીકે પૉલે તેની જાણકારી આપી છે.
તેમણે કહ્યું કે "આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત કરાયેલી પહેલી રસી મૉડર્નાને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે. આ મંજૂરી સીમિત ઉપયોગ માટે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હવે ભારતમાં ચાર રસી થઈ ગઈ છે. કોવૅક્સિન, કોવિશિલ્ડ, સ્પુતનિક વી અને મૉડર્ના. ફાઇઝરની સાથે પણ જલદી અમારી વાતચીત પૂરી થઈ જશે."
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મૉડર્નાએ જણાવ્યું કે અમેરિકન સરકાર ભારતને આ રસીનો એક ચોક્કસ જથ્થો કોવૅક્સ પ્રોગ્રામ હેઠળ આપશે.
દવા કંપની સિપ્લાએ મૉડર્નાની સાથે કરાર કર્યો છે અને રસીની આયાત માટે સોમવારે જ સરકાર પાસેથી મંજૂરી માગી હતી.
સિપ્લાએ ડીસીજીઆઈની 15 એપ્રિલ અને 1 જૂને જાહેર કરેલા એ સર્ક્યુલરનો હવાલો આપ્યો હતો, જેમાં કહેવાયું હતું કે જો અમેરિકા અને યુરોપમાં કોઈ રસીને મંજૂરી મળી હોય તો એ રસીને ભારતમાં કોઈ પણ પરીક્ષણ વિના મંજૂરી અપાઈ શકે છે.
મૉડર્ના રસી કેટલી અલગ પડે છે?
મૉડર્ના રસીનો એક જગ્યાએ સંગ્રહ કરવો સહેલો છે અને તે માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં છ મહિના સુધી સ્થિર રહી શકે છે. તેને એક મહિના સુધી સામાન્ય ફ્રિજના તાપમાનમાં પણ રાખી શકાય છે.
જોકે ફાઇઝર-બાયોએનટેકની રસીને ખૂબ ઠંડું તાપમાન જોઈતું હોય છે, આ રસીને લગભગ માઇનસ 75 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવે છે. તેના કારણે પરિવહનમાં મુશ્કેલી થતી હોય છે. જોકે પાંચ દિવસ સુધી આ રસીને પણ ફ્રિજમાં રાખી શકાય છે.
ફાઇઝર, કોવિશિલ્ડ અને કોવૅક્સિનની જેમ જ મૉડર્નાના પણ બે ડોઝ આપવા પડે છે. મૉડર્નાનો બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવે છે.
મૉડર્નાનું મોટા ભાગનું ઉત્પાદન કૅમ્બ્રિજ અને મૅસાચુસેટ્સમાં થઈ રહ્યું છે.
મૉડર્ના રસી કેવી રીતે કામ કરે છે?
અમેરિકન કંપની મૉડર્નાની રસીના ટ્રાયલના ડેટા અનુસાર, આ રસી કોવિડ મહામારી સામે સુરક્ષા આપવામાં 95 ટકા સફળ માનવામાં આવે છે.
મોડર્નાએ RNA વૅક્સિન બનાવી છે. તેનો અર્થ એ થયો કે કોરોના વાઇરસના જેનેટિક કોડનો એક ભાગ શરીરમાં ઇંજેક્ટ કરાશે.
તે શરીરમાં વૉયરલ પ્રોટિન બનાવે છે ન કે સંપૂર્ણ વાઇરસ. આમ કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિને વાઇરસ પર હુમલો કરવાનું શીખવવામાં આવે છે.
આ રસી કોરોના વાઇરસ સામે લડવા માટે શરીરને એન્ટિબૉડી અને રોગપ્રતિકારક શક્તિનાં તત્ત્વ ટી-સેલનું નિર્માણ કરતા શીખવશે.
રસીની આડઅસર પણ હશે?
વૈજ્ઞાનિકો કહેતા આવ્યા છે કે સામાન્ય રસીની જેમ આ રસીની કેટલીક સામાન્ય આડઅસરો માનવામાં આવે છે.
અત્યાર સુધી આ રસીની સુરક્ષા મામલે કોઈ ચિંતા વ્યક્ત કરાઈ નથી. જોકે કોઈ પણ દવા 100 ટકા સુરક્ષિત નથી હોતી. પૅરાસિટામોલ પણ 100 ટકા સુરક્ષિત નથી એવું નિષ્ણાતો કહે છે.
કેટલાક દર્દીઓમાં ઇન્જેક્શન બાદ થાક, માથામાં દુખાવો અને શરીરમાં દુખાવાની ફરિયાદ મળી હતી.
ભારતમાં હાલ કઈ-કઈ રસી અપાઈ રહી છે?
ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ કોવિડ-19ના ઇલાજ માટે બે રસીઓના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ બે રસીઓ છેઃ કોવિશિલ્ડ અને કૉવેક્સિન. તેમજ રશિયાની સ્પુતનિક-વી રસીને ભારતમાં મંજૂરી અપાઈ છે.
સ્પુતનિક-વી રસીનું નિર્માણ રશિયાની ગેમાલાયા નેશનલ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે, જે હ્યુમન એડેનોવાયરસ પ્લૅટફોર્મ પર બની રહી છે.
કોવિશિલ્ડ એ અસલમાં ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકાની જ આવૃત્તિ છે, જ્યારે કૉવેક્સિન એ સંપૂર્ણપણે ભારતની પોતાની રસી છે અને તેને 'સ્વદેશી રસી' પણ કહેવામાં આવે છે.
કોવિશિલ્ડનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે.
બીજી તરફ કૉવેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેક કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (ICMR)ની સાથે મળીને કરી રહી છે.
તો હવે મૉડર્નાને પણ ભારતમાં ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો