કોરોનાની ત્રીજી લહેર ભારતમાં ક્યારે આવશે? અને કેટલી ખતરનાક હશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેર બાદ નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો, હવે ફરી કેસ વધી રહ્યા છે. આ વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે લોકોને ચિંતા છે.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં આવી શકે છે અને ઑક્ટોબર મહિનામાં કેસોની સંખ્યામાં ઉછાળો નોંધાઈ શકે છે, એવો તજજ્ઞોનો મત છે.

બ્લૂમબર્ગે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (IIT)ના સંશોધકોને ટાંકીને અહેવાલમાં લખ્યું છે કે ભારતમાં વધી રહેલા કોરોનાના કેસ ત્રીજી લહેરમાં પરિણમી શકે છે.

આ સંશોધકોના રિપોર્ટ પ્રમાણે વધારે કેસો ધરાવતા કેરળ અને મહારાષ્ટ્રમાં સ્થિતિ વણસી શકે છે.

થોડા દિવસો પહેલાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલે કહ્યું હતું કે "દુનિયા કોરોનાની ત્રીજી લહેર વેઠી રહી છે, ત્યારે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે એ માટે આપણે હાથ મિલાવવા જોઈએ."

આ સંશોધકોએ ગાણિતિક મૉડલના આધારે આ આગાહી કરી છે.

કોરોનાની ત્રીજી લહેર કેટલી ખતરનાક હશે?

કેટલાક ડૉક્ટર્સનો મત એવો છે કે કોરોનાની ત્રીજી લહેરની આગાહી શક્ય નથી. અમદાવાદમાં પ્રૅક્ટિસ કરતાં બાળરોગના નિષ્ણાત નિશ્ચલ ભટ્ટ બીબીસી ગુજરાતીના ઋષિ બેનરજી સાથે વાત કરતાં કહે છે કે "પહેલી અને બીજી લહેરની જેમ ત્રીજી લહેરની આગાહી શક્ય નથી."

"ભારતમાં પ્રથમ અને બીજી વિશે કોઈ પણ આગાહી કરવામાં આવી નહોતી."

સંશોધકોનો અંદાજ છે કે ત્રીજી લહેર બીજી લહેરની તુલનામાં ઘણી નાની હશે, જોકે તેઓ આ માટે રસીકરણની ઝડપ વધારવા પર પણ ભાર મૂકે છે.

આ સાથે જ સંશોધકો વાઇરસના જિનોમ સિકવન્સિંગ પર પણ ભાર મૂકે છે.

પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા એ બાદ લોકો જે રીતે બહાર નીકળી રહ્યા છે, એ અંગે પણ તજજ્ઞો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરાયેલા સર્વે પ્રમાણે ભારતના લગભગ 67 ટકા લોકો કોવિડ-19 વાઇરસના સંસર્ગમાં આવી ચૂક્યા છે.

એમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયાએ આ અંગે મે મહિનામાં કહ્યું હતું કે, "કોરોના વાઇરસની વધુ એક લહેર આવી શકે છે પણ મને આશા છે કે એ આવે ત્યાં સુધીમાં દેશની મોટી વસતીનું રસીકરણ થઈ ગયું હશે."

"રસીકરણ થઈ ગયું હોવાથી ત્રીજી લહેરની એટલી અસર નહીં હોય જેટલી બીજી લહેરમાં થઈ હતી."

શું ચોથી લહેર પણ આવશે?

ગાંધીનગરમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. અનીશ સિન્હા કહે છે, "જો લોકો કોવિડ પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન કરે તો લહેર ન પણ આવે. પણ જો પ્રોટોકોલનું પાલન ન થાય તો ત્રીજી શું ચોથી લહેર પણ આવી શકે છે."

"જો ભારતમાં ત્રીજી લહેરને અટકાવવી હશે તો વધુને વધુ લોકોનું રસીકરણ કરવું એ સૌથી સારો ઉપાય છે. સરકાર આ માટે પ્રયાસ પણ કરતી હોવાનું દેખાઈ આવે છે."

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધારે જોખમ છે?

કોરોના વાઇરસની ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમ હોવાની ચર્ચા થતી રહી છે, તેનું સૌથી મોટું કારણ એ છે કે હજુ સુધી બાળકો માટે કોઈ વૅક્સિન આવી નથી. જ્યારે પુખ્ત વયની વ્યક્તિઓ માટે સરકાર રસીરકણ અભિયાન ચલાવી રહી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન અને AIIMS દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ઝાઝી અસર નહીં થાય.

વડા પ્રધાનની કોવિડ મૅનેજમૅન્ટ ટીમના સભ્ય ડૉ. વી. કે .પૉલ કહે છે કે એવું ચોક્કસ ન કહી શકાય કે કોઈ લહેર આવે તો તેમાં બાળકોને સૌથી વધુ અસર થશે.

તેમણે કહ્યું હતું કે, "કોરોના વાઇરસની પ્રથમ અને બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થયાં હતાં. જો માતાપિતાનું રસીકરણ થઈ જાય તો બાળકોને ચેપ લાગશે જ નહીં અને એટલા માટે જરૂરી છે કે સરકાર રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવે."

ગુજરાત સરકારની શું તૈયારી છે?

કોરોના વાઇરસની ત્રીજી લહેર માટે ગુજરાત સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારની સત્તાવાર યાદી મુજબ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી.

આ બેઠક દરમિયાન રાજ્યની હૉસ્પિટલોમાં બેડની સંખ્યા, ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની ઉપલબ્ધિ, ઓક્સિજનની વ્યવસ્થા, દવાઓ અને ઇન્જેક્ષનની આવશ્યકતા અને ઉપલબ્ધિ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી.

બેઠકમાં વિજય રૂપાણીએ ક્હ્યું હતું કે "કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે સહેજ પણ નિશ્ચિંત રહેવાનું નથી અને સંક્રમણને અટકાવવા માટે આવશ્યક તમામ પગલાં લેવાનાં છે. રાજ્ય સરકાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે."

બેઠક દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરના મ્યુનિસિપલ કમિશનર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બીબીસીને જણાવ્યું કે "જો કોરોના વાઇરસની ત્રીજી લહેર આવે તો રાજ્યના લોકોને સારી રીતે સારવાર મળી રહી તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે."

તેમણે કહ્યું, "કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાઇમરી હેલ્થ સેન્ટરોમાં બેડ, ઓક્સિજન અને દવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે."

"ઓક્સિજનના સપ્લાયમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો