પાટીદારોએ ગુજરાતના રાજકારણમાં સિક્કો કઈ રીતે જમાવ્યો?

    • લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આખરે ગુજરાતના રાજકારણમાં પટેલોએ સિક્કો કઈ રીતે જમાવ્યો?

આમ તો આ જુગ જૂનો સવાલ છે પણ ગુજરાતના રાજકારણમાં આ સવાલ ફરી પુછાઈ રહ્યો છે.

'મહાજાતિ ગુજરાતી'મા ચંદ્રકાંત બક્ષી પાટીદારો માટે પ્રોફેસર વિલિયમ મોનીયરને ટાંકીને લખે છે, "કુર્મી એટલે વીર્યવાન અને શક્તિશાળી માણસ. શિવાજી પણ કુર્મી વંશમાંથી જ આવ્યા હતા. આ કુર્મીનો અપભ્રંશ એટલે કણબી." આવાં કણબી માતાઓના પેટે જન્મેલા પટેલો સ્વાભાવિકપણે જ મહેનતકશ, લડાયક અને જિદ્દી હોય.

ગુજરાતમાં પોતાનો જ મુખ્ય મંત્રી હોવો જોઈએ એવો તાલ ઠોકનારા પટેલો મૂળે ગુજરાતના નથી. રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના મતે "પટેલો મૂળે તો પંજાબના ક્ષત્રિયો હતા, તેઓ બાદમાં પંજાબથી ગુજરાત આવ્યાનું મનાય છે. સલ્તનત કાળમાં તેઓને અહીં ખેતી કરવા મોટે પાયે લવાયા."

દિલ્હી સરહદે લાંબા સમયથી અડિંગો જમાવીને બેઠેલા પંજાબના ખેડૂતોનો આક્રમક મિજાજ પાટીદારો સાથે મળતો આવે છે.

પટેલોના 'પાટીદાર બનવા'ની કહાણી

ગુજરાતના અભ્યાસી અચ્યુત યાજ્ઞિકના મતે "સુલતાનોએ એમને આખેઆખા ગામના પટ્ટા આપ્યા એના પરથી એ પાટીદાર કહેવાયા. પટેલ એનું જ અપભ્રંશ છે."

"અમીનની પદવી પણ સલ્તનત યુગમાં જ મળી, જે આજે પણ ઘણા પટેલોની અટક છે. મરાઠા કાળમાં પટેલો પોતાના ગામની મહેસૂલનો દસ ટકા ભાગ પોતે રાખીને બાકીનો સરકારમાં જમા કરાવે એવો કાયદો હતો. એ દસ પરથી દેસાઈ અટક આવી હતી."

અચ્યુત યાજ્ઞિક ઉમેરે છે, કે "1899ના દુકાળે ગુજરાતમાં ગામોના ગામ ઉજ્જડ કરી નાખ્યાં. જોકે આ દુકાળે પટેલોના ઉત્થાનમાં અગત્યનો ભાગ ભજવ્યો. ખેતી વરસો સુધી બરબાદ થતાં પટેલોએ વેપાર અને પોતાનાં બાળકોના શિક્ષણ તરફ પહેલી વાર ધ્યાન આપ્યું."

જેનાં પરિણામો પણ મળવા શરૂ થયાં. પટેલોએ ગુજરાત છોડીને દરિયો ખેડી આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને અમેરિકા સુધી જવાનું સાહસ કર્યું.

આ મહેનતુ કોમે દૂર દેશના વેપાર-ઉદ્યોગ અને રાજકારણમાં ટૂંક સમયમાં જ એટલો દબદબો બનાવ્યો, કે પૂર્વ આફ્રિકાની ચલણી નોટો પર ગુજરાતી ભાષાને સ્થાન મળ્યું. અંગ્રેજી, પર્શિયન ઉપરાંત ગુજરાતીમાં એ નોટો પર લખાતું - 'સો રૂપિયા'.

જ્યારે રાતોરાત ભાગીયા મજૂરો જમીનમાલિક બન્યા

અચ્યુત યાજ્ઞિક જણાવે છે કે "દેશમાં બધા પટેલો સધ્ધર નહોતા. સ્વાભાવિકપણે જ ગામના મુખી પટેલ તો એક જ હોય, અને બાકીના પટેલો ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કરતા હતા અને સાવ સામાન્ય સ્થિતિમાં હતા."

"આઝાદી બાદ ઉછંગરાય ઢેબરના 'ખેડે તેની જમીન'ના કાયદાએ આ બધા ભાગિયા પટેલોને જે ખેતરોમાં મજૂરી કરતા હતા, એના રાતોરાત માલિક બનાવી દીધા."

એનાથી છેલ્લી અડધી સદીમાં પટેલોની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે.

વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પટેલ : બે રાજકારણી ભાઈ

પટેલો માટે રાજકારણ નવું નથી. ગુજરાત અને દેશના રાજકારણમાં સૌપ્રથમ અને અવ્વલ ખેડાણ કરનાર બે પટેલ ભાઈઓ હતા, વિઠ્ઠલભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલ.

એક જમાનામાં વિઠ્ઠલભાઈ મુંબઈ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા તો વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. વિઠ્ઠલભાઈ તો લેજિસ્લેટીવ ઍસેમ્બલીના પ્રથમ સ્પીકર પણ બનેલા.

બંને ભાઈઓએ પછી અંગ્રેજો સામેના સ્વાતંત્ર્યજંગમાં ઝુકાવ્યું, બારડોલીના સત્યાગ્રહે વલ્લભભાઈને સરદાર બનાવ્યા.

દેશની આઝાદીની ક્રૅડિટ ગાંધી સહિત અનેક નેતાઓ અને દેશના લોકોને જાય છે, પણ 562 રજવાડાંના વિલીનીકરણથી એક ભારત બનાવવાનો શ્રેય તો માત્ર દેશના નાયબ વડા પ્રધાન સરદાર પટેલને નામે જ છે.

દિલ્હીમાં રહ્યા રહ્યા સરદાર પટેલ ગુજરાત કૉંગ્રેસ પર પણ એકચક્રી શાસન કરતા, આજે નવાઈ લાગે પણ એ વખતે મુખ્ય નેતૃત્વ માટે સરમુખત્યાર શબ્દ આદરથી વપરાતો હતો.

સરદારના ગયા બાદ એ 'સરમુખત્યારશાહી' મોરારજી દેસાઈને મળી. તેઓ દેસાઈ ખરા પણ પટેલ નહીં, એ દક્ષિણ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ હતા. મોરારજી દેસાઈ પહેલા ગુજરાતી વડા પ્રધાન બન્યા, આ બાબતમાં એમણે નરેન્દ્ર મોદીને પહેલા ના બનવા દીધા.

ચીમનભાઈ પટેલ : ઇંદિરા ગાંધી સામે શિંગડાં ભરાવનાર મુખ્ય મંત્રી

સરદારના ગયા પછી ગુજરાતના રાજકારણમાં બે દાયકા સુધી પટેલ નેતૃત્વનો શૂન્યાવકાશ રહ્યો, 70ના દસકામાં પ્રગટ્યા ચીમનભાઈ પટેલ.

એમનો પ્રવેશ 'અ બુલ ઇન ધ ચાઇના શૉપ' જેવો હતો. એમણે ઇંદિરા ગાંધી જેવાં નેતા સામે શિંગડાં ભરાવેલાં. એમણે તોડફોડના રાજકારણનું જે પંચવટીકરણ કર્યું, એ આજ સુધી ચાલે છે.

ખરેખર તો દેશમાં ધારાસભ્યોનાં ખરીદ-વેચાણ, પક્ષાંતર અને રિસોર્ટ પૉલિટિક્સના જનક ચીમનભાઈ પટેલ છે.

ગુજરાતી પ્રજાના માનસ અને રાજકારણને સમજવા ચીમનભાઈ પટેલ એક કેસ-સ્ટડી છે. 1974ના નવનિર્માણ આંદોલનમાં ગુજરાતીઓએ એમને પાદપ્રહારથી પદભ્રષ્ટ કર્યા હતા.

તેઓ એટલા ધિક્કારને પાત્ર બન્યા કે વર્ષો સુધી ગુજરાતીઓએ એમનાં બાળકોનાં નામ ચીમન નહોતાં રાખ્યાં.

આ જ પ્રજાએ 1990માં આ જ ચીમનભાઈ પટેલને ફરી ગુજરાતના મુખ્ય મંત્રી બનાવ્યા, એનું નામ પટેલ. ચીમનભાઈ અકાળે ગુજરી ગયા, જો થોડું લાંબુ જીવ્યા હોત તો જનતા દળમાંથી દેવગૌડાની જગ્યાએ ચીમનભાઈ દેશના વડા પ્રધાન બન્યા હોત.

કેશુભાઈ પટેલ : કૉંગ્રેસને ખૂણામાં હડસેલનાર મુખ્ય મંત્રી

આવા બીજા પટેલ વર્ષ 1995માં આવ્યા - કેશુભાઈ પટેલ. એમણે ગુજરાતમાં 35 વર્ષથી એકચક્રી શાસન કરતી કૉંગ્રેસને એવી ખૂણામાં હડસેલી દીધી કે એ હજી 25 વર્ષે પણ ઊભી નથી થઈ શકી.

કેશુભાઈ પણ બે વખત મુખ્ય મંત્રી બનેલા, એમ તો બાબુભાઈ જશભાઈ પટેલ જેવા સજ્જન પટેલ પણ બે વખત મુખ્ય મંત્રી બનેલા. આનંદીબહેન પટેલ એક જ વખત મુખ્ય મંત્રી બની શક્યાં અને હવે અંતે ભૂપેન્દ્રભાઈ પટેલના નામની મુખ્ય મંત્રી તરીકે જાહેરાત થઈ છે. આમ, ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ ગુજરાતના પટેલ મુખ્ય મંત્રીઓની યાદીમાં પાંચમું નામ બનવા જઈ રહ્યું છે.

અગાઉના ચાર પટેલ મુખ્ય મંત્રી અને હાલ આગામી મુખ્ય મંત્રી તરીકે જેમનું નામ જાહેર કરાયું છે તે ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસિયત એ કે એમાંનાં એકે પણ એમ નહોતું કીધું કે અમે પટેલ છીએ, એટલે અમને મુખ્ય મંત્રી બનાવો.

એક બીજા મજબૂત પૉલિટિકલ પટેલના ઉલ્લેખ વગર આ યાદી અધૂરી છે. વિદ્યાનગરી વલ્લભવિદ્યાનગરના જનક ભાઈલાલભાઈ પટેલ. ભાઈકાકા ગુજરાતના કમનસીબે સ્વતંત્ર પક્ષમાંથી વિપક્ષમાં જ રહ્યા અને મુખ્ય મંત્રી ના બની શક્યા. એ જો મુખ્ય મંત્રી બન્યા હોત તો ગુજરાત આજે છે, એના કરતાં વધુ શિક્ષિત, સંસ્કારી અને ઉદ્યમી હોત.

પટેલ અને અનામતવિરોધી આંદોલન

પટેલો ઉદ્યમી ખરા પણ એટલા જ ઊડઝૂડિયા, ગુજરાતમાં એમણે 1981 અને 85માં બબ્બે અનામતવિરોધી આંદોલનો કર્યાં અને 149 બેઠકોની ઐતિહાસિક બહુમતીવાળી માધવસિંહ સોલંકી સરકારને ઘર ભેગી કરી.

આ જ પટેલોએ 30 વર્ષ પછી 2015માં અનામત મેળવવા આંદોલન કર્યું અને આનંદીબહેન 'પટેલ'ની જ સરકાર ઉથલાવી દીધી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો