હાર્દિક પટેલ : પાટીદાર અનામત આંદોલનમાં ભાજપ સામે મોરચો ખોલવાથી ભાજપમાં સામેલ થવા સુધી

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ભાજપ સરકારને હચમચાવી નાખનાર પાટીદાર અનામત આંદોનને આજે સાત વર્ષ પૂરા થઈ રહ્યાં છે.

ગુજરાતના રાજકારણમાં દબદબો રાખનારા પાટીદારોને અનામત માટે આંદોલન કરીને ધાર્યું મળ્યું કે ન મળ્યું તે વિશે ચર્ચા થઈ શકે પરંતુ એ વાત કોઈ ન નકારી શકે કે પાટીદાર આંદોલને ગુજરાતના રાજકારણને નવા પાટીદાર નેતા આપ્યા.

તેમાંથી એક હતા હાર્દિક પટેલ. ભલે એક પ્રભાવશાળી આંદોલનમાંથી તેમનો ઉદય થયો હોય પરંતુ તેમણે રાજકારણમાં પોતાનો પ્રભાવ હજુ સાબિત કરવાનો બાકી છે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજકારણથી અલગ રહેવાની વાત કરનાર હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કૉંગ્રેસમાં જોડાયા હતા અને ખૂબ ઝડપથી કાર્યકારી અધ્યક્ષપદ સુધી પહોંચી ગયા હતા. હવે ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આખું ચક્ર 360 ડિગ્રી બદલાઈ રહ્યું છે અને હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાઈ ગયા.

18 મે 2022ના રોજ હાર્દિક પટેલે કૉંગ્રેસમાં રાજીનામું આપતાં કહ્યું હતું કે, "જ્યારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઈને દરરોજ 500-600 કિલોમિટરનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે, લોકોની વચ્ચે જાય છે અને ગુજરાત (કૉંગ્રેસના) નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સૅન્ડવિચ સમયસર મળી કે નહીં."

એ દિવસ જ્યારે હાર્દિક પટેલનો ઉદય થયો

25 ઑગસ્ટ 2015. પાંચ વર્ષ પહેલાંના એ દિવસને જો હાર્દિક પટેલના જીવનમાંથી બાકાત કરી દેવામાં આવે, તો તેઓ આજે જ્યાં સુધી પહોંચ્યા છે, ત્યાં સુધી પહોંચ્યા હોત કે કેમ, તે એક અટકળનો મુદ્દો છે.

અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે પાટીદારો દ્વારા 'મહાક્રાંતિ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ પાટીદાર સમાજને ઓ.બી.સી.ના લાભ અપાવવાનો હતો. રેલીનું નેતૃત્વ ત્યારે 22 વર્ષીય હાર્દિક પટેલે લીધું હતું.

થોડા સમય પહેલાં સુધી સામાન્ય જનતા તો શું પાટીદારોમાં પણ હાર્દિક પટેલનું નામ એટલું જાણીતું ન હતું, પરંતુ એ રેલી પછી તેમનું નામ રાજ્ય સહિત દેશના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું.

પાટીદારોને OBC (અધર બૅકવર્ડ ક્લાસ)માં સમાવવાની માગણી સાથે અમદાવાદના જી.એમ.ડી.સી. (ગુજરાત મીનરલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ 'મહાક્રાંતિ રેલી'નું આયોજન કર્યું.

જુલાઈ-ઑગસ્ટ 2015 દરમિયાન ઉત્તર ગુજરાતમાં અનામત સંદર્ભે અનેક રેલીઓએ પાટીદારોમાં આ મુદ્દે જાગૃતિ ઊભી કરી હતી, એટલે રાજ્યભરમાંથી પાટીદારો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈના કહેવા પ્રમાણે, "એ રેલીમાં આવનારા યુવાનોને લાગતું હતું કે હાર્દિક પટેલ તેમની જ વાત કરી રહ્યા છે. પાટીદારો મુખ્યત્વે કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એ ક્ષેત્ર આકર્ષક નથી રહ્યું. તેઓ શહેરમાં આવવા માગે છે."

"હાર્દિક પટેલ એવા યુવાવર્ગના મનોદ્વંદ્વનું પ્રતિનિધિત્વ કરે છે. જે મોંઘાં શિક્ષણ અને તેના ખાનગીકરણને કારણે અપેક્ષિત શિક્ષણથી વંચિત છે."

દર્શન દેસાઈ પાસના તત્કાલીન સંયોજક હાર્દિક પટેલની અનામતની માગ અને જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં ઊભી થયેલી દલિત જાગૃતિ અને અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ચર્ચામાં આવેલા ઓ.બી.સી. એકતા મંચ વિશે છણાવટ કરતું પુસ્તક લખી રહ્યા છે.

રેલીને સંબોધતાં પટેલે 'અમને અમારો હક નહીં મળે તો છીનવીને લઈશું' અને 'પાટીદાર હિતની વાત કરનાર જ ગુજરાત પર શાસન કરી શકશે' જેવી વાત કહી.

ઉપસ્થિત જનમેદનીનો પ્રતિસાદ જોઈને હાર્દિક પટેલે જાહેરાત કરી કે 'ફોઈબા' (તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ) આવીને આવેદનપત્ર સ્વીકારે. આ માગણીએ તંત્રને દોડતું કરી દીધું.

વાહનોનાં પાર્કિંગ, ભોજન તથા મંજૂરીની વ્યવસ્થાને જોઈને તંત્ર સહિત રાજકીય નિષ્ણાતો મોઢામાં આંગળા નાખી ગયા.

કોઈ પીઠબળ વગર માત્ર 22 વર્ષના યુવાનના નેતૃત્વમાં કોઈ સંગઠન આટલું મોટું આયોજન કરી શકે કે કેમ તે એક કોયડો બની રહ્યો.

અમદાવાદ જિલ્લાના વીરમગામમાં સબમર્શિબલનો વેપાર કરતા હાર્દિક પટેલના પિતા ભરતભાઈ એકસમયે ભાજપ સાથે જોડાયેલા હતા. તેઓ તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેનની નજીક હોવાનું પણ કહેવાતું, જેના કારણે પણ અનેક પ્રકારની 'થિયરી' વહેતી થઈ હતી.

એક સમયે મોદીની વિરુદ્ધ મનાતા પાટીદાર નેતા ગોરધન ઝડફિયા તથા પ્રવીણ તોગડિયા સાથેની નિકટતા તથા તસવીરોએ પણ થોડો સમય સુધી સોશિયલ મીડિયાને મસાલો પૂરો પાડ્યો, પરંતુ થોડો સમયમાં એ ચર્ચા પણ શમી ગઈ.

રેલીથી રમખાણો સુધી

25મી ઑગસ્ટનાં નિર્ધારિત સમયે કાર્યક્રમ ન સમેટાતા અને અનિશ્ચિતકાલીન અનશનની જાહેરાત થતાં પોલીસે બળપૂર્વક આંદોલનકારીઓને ગ્રાઉન્ડ પરથી ખસેડ્યા.

પહેલાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી અને બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા. એ પહેલાં બધી માહિતી મીડિયા, વૉટ્સઍપ અને સોશિયલ મીડિયા મારફત અન્ય શહેરોના પાટીદારો સુધી પહોંચી ગઈ.

ધરપકડને કારણે અમદાવાદમાં આનંદીબહેન પટેલનાં મતવિસ્તાર ઘાટલોડિયા, ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહના મતવિસ્તાર નારાણપુરા, સુરત, રાજકોટ, જામનગર, મોરબી, મહેસાણા સહિત અનેક શહેરોમાં પાટીદારો આક્રોશમાં આવી ગયા અને સરકારી તથા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચ્યું. તેમને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો, આંસુગૅસ છોડ્યો અને બળપ્રયોગ કર્યો.

આંદોલનકારીઓ દ્વારા પોલીસ કાર્યવાહીની સામે 26મી ઑગસ્ટે એક દિવસના રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું. જેના કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું. વધુ એક વખત રાજ્યમાં હિંસાચક્ર ફરી વળ્યું.

પોલીસે હિંસાને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો, જેમાં 14 પાટીદાર યુવાનનાં મૃત્યુ થયા.

માહિતી અને દુષ્પ્રચારને ફેલાતો અટકાવવા માટે રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો તથા અનેક શહેરોમાં કર્ફ્યુ લાદવાની જરૂર ઊભી થઈ. એ ઘટના બાદ છાશવારે ગુજરાતમાં મોબાઇલ ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ એ જાણે 'નવસામાન્ય બાબત' બની રહી.

ગુજરાત પોલીસ ઉપર દમન આચરવાના આરોપ લાગ્યા, જેના કારણે સ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક અર્ધલશ્કરી દળો અને સેનાને ગુજરાતમાં ઉતારવામાં આવ્યા.

હાર્દિક પટેલે આરોપ મૂક્યો કે રાજ્ય સરકારના કહેવાથી નહીં, પરંતુ ગુજરાતના રાજ્યકક્ષાના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાર્દિક પટેલે તેમને 'જનરલ ડાયર' કહીને સંબોધિત કર્યા.

'જો 25મી ઑગસ્ટને બાદ કરીએ તો...'

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, "જો 25મી ઑગસ્ટે હાર્દિક પટેલના અનશન સમાપ્ત થઈ ગયા હોત, તો તેઓ આજે જે મુકામે પહોંચ્યા છે અથવા જે કદ છે તે કદાચ ન હોત. એ અને પછીના દિવસોમાં પોલીસની કાર્યવાહીએ તેમનું કદ વધારી દીધું."

"પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવકનું મૃત્યુ, ઉગ્ર દેખાવકારો પર ગોળીબાર, પાટીદારોના ઘરમાં પ્રવેશીને પોલીસે કરેલી કાર્યવાહી, એ બધાને લીધે તેમનું મહત્ત્વ વધી ગયું. પાટીદાર સમાજનો એક વર્ગ મજબૂત રીતે પટેલ તરફ ઢળી ગયો અને તત્કાલીન ભાજપ સરકાર સામેનો આક્રોશ વકર્યો."

આચાર્ય ઉમેરે છે, "સપ્ટેમ્બર-2018માં હાર્દિક પટેલ અમદાવાદમાં આમરણાંત અનશન ઉપર ઊતર્યા હતા. આ ગાળા દરમિયાન પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. એ દિવસોમાં સમર્થકોની બહુ પાંખી હાજરી જોવા મળી હતી."

"અનશન દરમિયાન પટેલે પોતાનું વસિયતનામું લખી નાખ્યું હતું અને તબિયત કથળતા તેમને હૉસ્પિટલમાં પણ દાખલ કરવા પડ્યા હતા. છતાં આજે પણ તેમની કારકિર્દીની વાત આવે ત્યારે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડની રેલીને યાદ કરાય છે."

પાટીદાર આંદોલન બાદ તરત જ યોજાયેલી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપવિરોધી અસર જોવા મળી અને ભાજપનો રકાસ થયો.

રાજ્ય સરકારે હાર્દિક પટેલ તથા તેમના સાથીઓ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો છે, આ કેસ અદાલતમાં પડતર છે.

પટેલ, પોલિટિક્સ અને પાવર

પાટીદાર અનામત આંદોલન બાદ 'સરદાર પટેલ ગ્રૂપ'ના લાલજી પટેલ, હાર્દિક પટેલ તથા અન્ય સવર્ણ સમાજની રજૂઆતો રાજ્ય સરકારે સાંભળી.

આ ઘટનાક્રમ બાદ ગરીબ પણ તેજસ્વી સવર્ણ વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપ તથા આર્થિક રીતે પછાત સવર્ણ માટે 10 ટકા અનામત, તેમના રોજગાર માટે અનેક જાહેરાતો કરવામાં આવી.

આ સિવાય પાટીદારો સામે નોંધાયેલા અનેક કેસને પડતા મૂકવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો.

આંદોલનના એક વર્ષની અંદર જ તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે ઉંમરનું કારણ આગળ કરીને પદ પરથી રાજીનામું આપી દીધું.

સક્રિય રાજકારણમાંથી તેમની નિવૃત્તિને પાટીદાર આંદોલન સાથે જોડીને જોવામાં આવે છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ છે.

આંદોલન દરમિયાન હાર્દિક પટેલે પાસને રાજકારણથી દૂર રાખવાની વાત કરી હતી, પરંતુ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતાં-આવતાં સ્થિતિ બદલાઈ ગઈ.

વરુણ પટેલ તથા રેશમા પટેલ જેવાં નેતા ભાજપમાં જોડાયાં. રેશમાએ બાદમાં ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો અને તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, એન.સી.પી.)માં સામેલ થયાં.

અમદાવાદની હોટલમાં કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલની કથિત ગુપ્ત મુલાકાત ચર્ચાના ચકડોળે ચડી.

પાસના અનેક નેતા કૉંગ્રેસમાં જોડાયા, તેમને કૉંગ્રેસની ટિકિટ મળી તથા અમુક વિધાનસભા સુધી પણ પહોંચ્યા.

ઓ.બી.સી. આંદોલન દ્વારા ચર્ચામાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ કૉંગ્રેસની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા. બાદમાં ઠાકોર તથા ઝાલા ભાજપમાં જોડાઈ ગયા.

જિજ્ઞેશ મેવાણી વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય બન્યા, કૉંગ્રેસે તેમની સામે કોઈ ઉમેદવાર ઉતાર્યા ન હતા.

વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનું તાજેતરના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું અને પાર્ટી ત્રણ આંકડા પર પણ ન પહોંચી શકી અને 99 પર અટકી ગઈ, જોકે સરકાર બનાવવામાં તેને કોઈ વિઘ્ન ન નડ્યું.

આ ચૂંટણીથી ગુજરાત જ નહીં અને રાષ્ટ્રીયસ્તરે કૉંગ્રેસમાં ઉત્સાહનો સંચાર થયો અને મોદીને તેમના ગઢમાં પડકારી શકાય છે, તેવો આત્મવિશ્વાસ પેદા થયો.

માર્ચ-2019માં હાર્દિક પટેલ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાઈ ગયા.

તેમને જૂનાગઢ, મહેસાણા કે (મહદંશે) જામનગરની બેઠક ઉપરથી લોકસભાની ટિકિટ મળશે, એવું મનાતું હતું ; જોકે તેમાં કાયદાકીય પેચ નડી ગયો.

ઉદયમાં જ ગ્રહણ?

જુલાઈ-2020માં હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

પટેલ કૉંગ્રેસમાં જોડાયા તેના લગભગ દોઢેક વર્ષના ગાળામાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષપદ સુધી પહોંચી ગયા, એ બાબત કૉંગ્રેસના નેતાઓ ઉપરાંત રાજકીય નિરીક્ષકો માટે પણ આશ્ચર્યજનક હતી.

જુલાઈ-2015માં પાટીદાર અનામત આંદોલનની માગ સમયના કાર્યક્રમો દરમિયાન મહેસાણા જિલ્લાના વીસનગર ખાતે હિંસા ફાટી નીકળી હતી, જેમાં હાર્દિક પટેલ તથા લાલજી પટેલ ઉપરાંત અન્યોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

જુલાઈ-2018માં મહેસાણાની સ્થાનિક કોર્ટે હાર્દિક પટેલ તથા અન્યોને બે વર્ષની સજા ફટકારી. સજામોકૂફી માટે તેમણે ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, પરંતુ અપેક્ષિત સફળતા ન મળી.

લોકપ્રતિનિધિ ધારાની જોગવાઈ અનુસાર, બે વર્ષ કે તેથી વધુ સમયની સજા માટે દોષિત ઠરેલ વ્યક્તિ સજાના ગાળા દરમિયાન તથા છૂટ્યાનાં છ વર્ષ સુધી ચૂંટણી લડી ન શકે.

જામીન ઉપર બહાર હાર્દિક પટેલ ઉપરોક્ત કાયદાકીય જોગવાઈને કારણે 2019ની લોકસભાની ચૂંટણી ન લડી શક્યા.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલે અજ્ઞાતવાસ, જેલવાસ, તડીપારી તથા 50થી વધુ કેસ જેવા અનેક ઉતાર-ચઢાવ જોયા છે. તેમની સામેના કેસોમાં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડની ઘટના સંદર્ભે નોંધાયેલો રાજદ્રોહનો કેસ પણ સામેલ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો