You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ગુજરાતી ખેડૂતો જે સરકારને વીજળી વેચે છે
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ખેડા જિલ્લામાં ડાકોર પાસે ઢુંડી નામનું નાનકડું ગામ છે. આ ગામમાં તમે લટાર મારવા જાવ તો તમને થોડું આશ્ચર્ય થશે. આશ્ચર્ય એટલા માટે કે ખેતરોની વચ્ચે પાકની સાથે સોલર પેનલ લાગેલી છે. સોલર પેનલ એટલે એવી પ્લેટ જે સૂર્યની ઊર્જાનું વીજળીમાં રૂપાંતર કરે છે.
ખેડૂતો જે અત્યાર સુધી સિંચાઈ માટે વીજળીની મર્યાદાથી વ્યાકુળ હતા. અપૂરતી વીજળીને કારણે હજારો રૂપિયા ખર્ચીને ડીઝલ પમ્પથી કૂવામાંથી પાણી ખેંચતા હતા. તેમને હવે રાહત અને ખુશી છે. રાહત એટલા માટે કે તેઓ વીજળી જાતે પેદા કરે છે, એટલે કે વીજળી તેમને હવે મફત મળે છે. ખુશી એટલા માટે કે પોતે જે વીજળી પેદા કરે છે એમાંથી જે બચે છે તે વીજળી સરકારને વેચીને પૈસા કમાય છે.
ઢુંડી ગામના ખેડૂત પ્રવીણ પરમારના ખેતરમાં આઠ કિલોવોટની સોલર પેનલ બેસાડી છે. તેઓ કહે છે કે, "વર્ષે અમે 12,000 યુનિટ વીજળી ઉત્પન્ન કરીએ છીએ. જેમાંથી ચાલીસેક ટકા વીજળી કૂવામાંથી સિંચાઈનું પાણી ખેંચવામાં વપરાય છે. બાકીની જે 60 ટકા જેટલી બચે છે તે સરકારી વીજ ઉત્પાદકને વેચીએ છીએ, તેમજ જે ખેડૂતો પાસે પાણીનો સ્રોત નથી તેવા ખેડૂતોને રાહત દરે પાણી વેચીએ છીએ. આ બંનેમાંથી અમને પચાસ- સાઠ હજાર મળે છે. આમ, વપરાશ ઉપરાંત વર્ષે લાખ કે સવા લાખ રૂપિયા આ રીતે કમાઈએ છીએ."
ખેડૂતોને સૌર ઊર્જા તરફ વાળવા માટે ઇન્ટરનેશનલ વૉટર મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાએ તાતા ટ્રસ્ટ સાથે મળીને 2014-15માં એક પ્રૉજેક્ટ શરૂ કર્યો હતો. જેને પરિણામે ઢુંડીમાં ખેડૂતોએ ખેતરમાં સોલર પેનલ બેસાડી છે.
આ પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટ તુષાર શાહ બીબીસીને કહે છે, "અમે ઢુંડીમાં જે પ્રયોગ કર્યો તેનો ઉદ્દેશ હતો કે ખેડૂત માટે ખેતી સિવાયની આવકનો સ્રોત ઊભો થાય. ખેડૂતને દિવસ દરમિયાન વીજળી મળે. વાજબી દરે મળે. ખેડૂત વીજળી અને પાણી બચાવવા પ્રોત્સાહિત થાય. આનો એક ઉદ્દેશ એ પણ ખરો કે, સરકારી વીજ ઉત્પાદકો પર સબસિડીનું જે ભારણ છે તે ઓછું થાય."
ખેડૂતો માનતા કે સૌરઊર્જાથી લાઇટ થાય, પમ્પ ન ચાલે
કેટલાંક ખેડૂત માટે સૌરઊર્જાનો વિકલ્પ એ એવી સાઇડ ઇન્કમ બની રહ્યો છે જે ખેતીની મુખ્ય આવકને લગોલગ કે એનાથી પણ વધુ છે.
કેવી રીતે? સમજીએ ઉદયસિંહ ચાવડા પાસેથી. તેઓ ડાંગર, ઘઉં, મગ, બાજરી વગેરે પાક લે છે.
તેઓ કહે છે કે, "મને ખેતીમાંથી પચાસેક હજારની વાર્ષિક આવક થાય છે. જેમાં મજૂરી, ખેડામણ, ખાતર વગેરેનો દસેક હજાર ખર્ચ બાદ કરીએ તો ખેતીમાંથી મને ચાલીસેક હજારની કમાણી થાય છે. જ્યારે સોલર પેનલને લીધે હું જે વીજળી અને પાણી વેચું છું તેમાંથી પચાસેક હજારનો મને રોકડો નફો થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઢુંડીમાં છ ખેડૂતો સાથે આ યોજનાની શરૂઆત થઈ હતી. હાલ ચૌદ ખેડૂતો ખેતરમાં સૌરઊર્જા પેનલ ધરાવે છે. સૌરઊર્જાથી વીજળી મેળવવા માટે ખેડૂતોને રાજી કરવા શરૂઆતમાં ખૂબ કપરૂં હતું.
તુષાર શાહ કહે છે કે, "અમારે ગામેગામ રખડવું પડ્યું હતું. 2014-15માં સોલર ઊર્જાનો વ્યાપક ખ્યાલ હતો નહીં. મોટા ભાગનાં ખેડૂતો માનતા હતા કે એનાથી તમે લાઇટ કરી શકો, પણ પાંચ હોર્સ પાવરનો પમ્પ ચાલી શકે એ માનવા જ તૈયાર નહોતા. અમે સબસિડી આપવા તૈયાર હતા છતાં ખેડૂતો તૈયાર થતા નહોતા. ઢુંડી ગામના ખેડૂત એટલા માટે પણ તૈયાર થયા કે ત્યાં વીજળી સંચાલિત ટ્યુબવેલ ઓછાં હતા. કેટલાંક જુવાન ખેડૂતોને અમે સમજાવ્યું કે તમારે તો માત્ર પાંચ ટકા જ રકમ ચૂકવવાની છે. બાકીના પૈસા અમે અમારા પ્રોજેક્ટમાંથી આપશું. તેથી તમને આ લગભગ મફત પડશે ત્યારે એ ખેડૂતો તૈયાર થયા હતા."
તેઓ ઉમેરે છે, "એ પછી સારા પરિણામ જોઈને અન્ય ખેડૂતો પણ જોડાતા ગયા હતા. આ પ્રયોગને આધારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ - એનડીડીબીએ આણંદ નજીક મુજકૂવા ગામે આ પ્રકારનો જ પ્રોજેક્ટ કર્યો છે. આ બંને ગામોમાં જે અનુભવ થયો એના આધારે ગુજરાત સરકારે સૂર્યશક્તિ કિસાન યોજના 2018માં શરૂ કરી. એ યોજના અંતર્ગત 4500 જેટલા ખેડૂતોના ટ્યુબવેલ સોલરાઇઝ્ડ કરવામાં આવ્યા છે."
ચોમાસામાં સૌર ઉર્જા મળે?
સોલર પેનલને રોજબરોજ સાફ કરતા રહેવી પડે છે. જેથી તે સારી રીતે સૂર્યનો પ્રકાશ ગ્રહણ કરીને વિજળીમાં રૂપાંતરિત કરી શકે. સૂર્યની દિશા મુજબ પેનલ ફેરવવામાં આવે તો વધુ ઊર્જા મેળવી શકાય છે.
વરસાદી દિવસોમાં સૂર્ય ન ઉગે ત્યારે સોલર પેનલ દ્વારા ઊર્જા ઉત્પાદનમાં દસેક ટકાની કમી આવે છે. એ સિવાય ખાસ ફેર પડતો નથી એવું તુષાર શાહ જણાવે છે. ક્યા ખેતરમાં કેટલા કિલોવોટની સોલર પેનલ બેસાડવી પડે?
આના જવાબમાં તેઓ કહે છે કે, "કિચન ગાર્ડન હોય તો એક કિલો વોટનો સોલર પમ્પ ચાલે. એક કે બે એકરનું ખેતર હોય તો ત્રણથી પાંચ કિલો વોટનો સોલર પમ્પ, ખેતર એથી મોટું હોય તો સાતથી દસ કિલોવોટના સોલર પમ્પ પણ મૂકાયા છે. ખેતર કેટલું મોટું છે એટલી જ અગત્યની બાબત એ છે કે પાણી કેટલું ઊંડું છે."
પ્રવીણભાઈનાં પત્ની દક્ષાબહેને સરસ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, "શરૂઆતમાં સોલર પેનલ ખેતરમાં બેસાડવાની વાત ચાલતી હતી ત્યારે મારૂં મન એના માટે રાજી નહોતું. એવું લાગતું હતું કે ખેતરમાં જગ્યા રોકશે. પેનલની નીચે પાક નહીં થાય તો? જમીન બગડશે તો? વગેરે મૂંઝવણ હતી. છએક વર્ષનાં અનુભવે કહી શકું છું કે એ ખોટો ડર હતો. પહેલાં અમારે ઢોરને પાણી પીવડાવવાં ગામને તળાવે લઈ જવા પડતા હતા. હવે નથી લઈ જવા પડતા."
સોલર પેનલ દ્વારા માત્ર ખેતીમાં સિંચાઈની વીજળી માટે જ માન્યતા મળી છે. ઘરમાં લાઇટ વગેરે માટે તેની મંજૂરી નથી. ઢુંડીના વીજ ઉત્પાદક ખેડૂતો સરકારને યુનિટ દીઠ 4.63 રૂપિયાના ભાવે વીજળી વેચે છે.
ઢુંડીનાં નવ ખેડૂતોએ સૌરઊર્જા સહકારી મંડળી બનાવી છે જેના દ્વારા વીજળી વેચાણનો વહીવટ થાય છે. પ્રવીણ પરમાર કહે છે કે, "સહકારી મંડળીનાં 9 ખેડૂતોએ પાંચ વર્ષમાં 3 લાખ 70 હજાર યુનિટ વીજળી સરકારને વેચી છે. જેના થકી મંડળીને 15 લાખની આવક થઈ છે., જ્યારે એટલી જ આવક જેમની જોડે પાણીના સ્રોત નથી એવા ખેડૂતોને ઓછા ભાવે પાણી આપીને કમાયા છીએ. આમ જોવા જઈએ તો પાંચ વર્ષમાં મંડળીના ખેડૂતો 30 લાખ કમાયા છે."
જોકે, એક મહત્વની બાબત એ પણ છે કે ઢુંડીનાં ખેડૂતો સિંચાઈ સિવાયની વીજળી વેચી શકે છે એવી સગવડ શરૂઆતથી જ ગોઠવાયેલી છે. જો એ વ્યવસ્થા ન ગોઠવાઈ હોય તો બાકીની વીજળી વેડફાઈ જાય છે. એવાં પણ દાખલા દેશમાં કેટલેક ઠેકાણે જોવા મળ્યા છે.
આબોહવા પરિવર્તનનો ખતરો અને ઊર્જાના વિકલ્પ
ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન વિશ્વનો પાયાનો પ્રશ્ન છે. વર્ષ 2018-19નાં આકડા મુજબ ભારતની 72 ટકા વીજળી કોલસામાંથી બને છે. આબોહવા પરિવર્તનની દૃષ્ટિએ આ બાબત ચિંતાજનક છે. તેથી ઊર્જા ઉત્પાદનનાં વિકલ્પો શોધવા જ રહ્યાં.
સોલર ઊર્જાની ભારતને ખૂબ જરૂરિયાત છે અને એ માટેની અનુકૂળતા પણ ભારતમાં ઘણી છે. જેમકે, વર્ષના 365માંથી 300 દિવસ તો સૂર્યપ્રકાશવાળા હોય જ છે.
કોલસામાંથી ઉત્પાદિત થતી વીજળી ખર્ચાળ છે અને તેની અનેક મર્યાદા છે. વીજળીનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. વીજળી મેળવવાના અન્ય વિકલ્પોની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. જેના ભાગ રૂપે ઢુંડીની જેમ અલગ અલગ પ્રયોગો થઈ રહ્યાં છે.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી દોઢસો કિલોમિટર દૂર આવેલા છેવાડાનાં બાંચા ગામમાં દરેક ઘરનાં ચૂલો સૂર્યઊર્જાથી સળગે છે. ત્યાં સોલર સ્ટવ છે. ત્યાંના 74 ઘરમાં સોલર પ્લેટ્સ લગાવાઈ છે.
ઘરનાં આંગણે ત્યાં સોલર પ્લેટ્સ લાગેલી જોવા મળે છે. ઑઇલ ઍન્ડ નૅચરલ ગેસ કૉર્પોરેશને ત્યાં આ સગવડ ઊભી કરી છે.
આઈઆઈટી બૉમ્બેના પ્રોફેસર ચેતનસિંહ સોલંકીએ કહ્યું હતું કે, આ તો છેવાડાનાં ગામમાં હતું એટલે ચારેક મહિનાનો સમય લાગ્યો. જો આ પ્રોજેક્ટ મોટા પાયે કરવામાં આવે તો ઘરમાં ફ્રીજ લગાવવામાં આવે એટલું આસાન કામ થઈ શકે છે.
વર્ષ 2012માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે કેનાલ પર સોલર પેનલની પહેલ કરી હતી. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રાસણ ગામ નજીક નર્મદા કેનાલ પર સોલાર પાવરના 1 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. જે એક પાયલટ પ્રોજેક્ટ હતો અને તેનાથી વાર્ષિક 16 લાખ યુનિટ વીજ ઉત્પાદન થશે તેવું જણાવાયું હતું.
એ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "દુનિયાનું સૌથી લાંબામાં લાંબું સરદાર સરોવર યોજનાનું નર્મદા કેનાલનું જે નેટવર્ક છે તેના ઉપર સૂર્ય ઊર્જાની પેનલો ગોઠવીને વીજ ઉત્પાદનનો આ પાયલોટ પ્રોજેક્ટ જળશક્તિ અને ઊર્જાશક્તિના મિલનથી શક્ય બન્યો છે. સમગ્ર વિશ્વમાં આ કેનાલ ટોપ સોલાર પેનલ પાવર પ્રોજેક્ટનો દુનિયાનો પ્રથમ પ્રયોગ ભવિષ્યમાં સૂર્યઊર્જા અને જળશક્તિના વિકાસમાં સફળતાના નવા દ્વારા ખોલશે."
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિડેટેએ નવેમ્બર -2014માં વડોદરા શાખા નહેર પર આવેલા અને ગ્રીડ સાથે જોડાણ ધરાવતા 10 મેગા વોટ સૌર વીજમથકને કાર્યરત કર્યું હતું. આ 10 મેગાવોટ સૌર વીજમથકને બાન કી મુન, તત્કાલીન મહાસચિવ, સંયુકત રાષ્ટ્ર દ્વારા 11 જાન્યુઆરી-2015ના રોજ સમર્પિત કરવામાં આવ્યું હતું.
વડોદરા શાખા નહેર પર તેમજ તેના કિનારા પર ગ્રીડ સાથે જોડાણ ધરાવતા 10 મેગા વોટ તથા 15 મેગા વોટના સૌર વીજમથકો ઑક્ટોબર-2017થી કાર્યરત છે. આ સૌર વીજ મથકોમાંથી ઉત્પન્ન થતી ઊર્જાનો ઉપયોગ સરદાર સરોવરના તાબા હેઠળના પમ્પીંગ સ્ટેશનની ઊર્જાની પૂર્તિ માટે કરવામાં આવે છે.
રાજ્ય સરકારે સૂર્યમંદિર માટે ખ્યાત મોઢેરામાં પણ સોલર ઊર્જાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. મોઢેરા સોલર પાવરથી ચોવીસ કલાક વીજળી મેળવે એવી સરકારની નેમ છે. 69 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા તે પ્રોજેક્ટમાં મોઢેરાથી ત્રણ કિલોમિટર દૂર આવેલા સુજનપુરા ગામમાં છ મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ કાર્યરત થશે.
પંજાબમાં ચાર કિલોમિટર સુધીની નહેર એટલે કે કેનાલ પર સોલર પેનલ પાથરવામાં આવી છે. એનાથી વીજળીનું ઉત્પાદન થાય છે અને સાથે સાથે નહેર પર સોલર પ્લેટ્સ બેસાડેલી હોવાથી ગરમીના દિવસોમાં કેનાલના પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે. લોકો ત્યાં જઈને સેલ્ફી પણ લે છે.
સંયુક્ત રાષ્ટ્ર - યુનાઇટેડ નેશન્સના ઍનર્જી પ્રોગ્રામનાં મૅનેજર કનિકા ચાવલાએ કહ્યું હતું કે કેનાલ પર છાપરાની જેમ રૂફટૉપ સોલર પેનલ પાથરીને સારૂં ઉદાહરણ પુરૂં પાડ્યું છે. એવું કેલિફોર્નિયા, શ્રીલંકા અને લાગોસમાં પણ થઈ શકે છે. કેલિફોર્નિયામાં પણ જોકે, 6,350 કિલોમિટરનું સોલર કેનાલ નૅટવર્ક છે. જેનાથી 13 ગીગાવૉટ જેટલી સૌરઊર્જાનું ઉત્પાદન થઈ શકે છે.
ચીને જંગી માત્રામાં સોલર પ્લાન્ટ ઊભાં કર્યાં છે. 2019માં એવું કહેવાતું હતું કે ચીન ગ્રીડ પેરિટી સુધી પહોંચી રહ્યું છે. એટલે કે સોલર ઍનર્જીનો ખર્ચ કોલસાથી ઉત્પાદિત ઍનર્જી જેટલો જ કે એનાથી ઓછો થાય છે. જોકે, આ છત્તાં પણ દુનિયામાં કાર્બન ઉત્સર્જનમાં ચીનનો હિસ્સો 25 ટકાથી વધુ હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો